You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂ યોર્કમાં કેવી રીતે એક ટ્રકે કચડી નાખી 11 જિંદગી?
અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર વધુ એક વખત આતંકી હુમલાનો ભોગ બન્યું છે.
આ ઘટના છે ન્યૂ યોર્કના લૉઅર મેનહટ્ટનની કે જ્યાં મંગળવારની બપોરે સફેદ રંગની એક ટ્રક લોકોને કચડતી આગળ વધી હતી અને તેમાં આઠ લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા.
23 વર્ષના કમ્પ્યુટર સાઇન્સના વિદ્યાર્થી બાબાટ્યૂન્ડે ઓગુનિયીએ આ આખી ઘટના પોતાની નજરે જોઈ હતી. તેમણે આખી ઘટનાને બીબીસી સમક્ષ વર્ણવી હતી.
બાબાટ્યૂન્ડે જોયું કે એક ટ્રક ચક્કર કાપતા કાપતા સાઇકલના માર્ગ પર ચઢી આવી બે લોકોને અડફેટે લીધા અને સ્કૂલ બસને ટક્કર મારી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
ઘટના બાદ 29 વર્ષીય એક વ્યક્તિને પોલીસે ગોળી મારી ઝડપી લીધો હતો. અધિકારીઓએ આ ઘટનાને આતંકી ઘટના ગણાવી છે.
'પહેલા લાગ્યું કે આ અકસ્માત છે'
બાબાટ્યૂન્ડે ઓગુનિયી કહે છે, "અમે અમારી કૉલેજની બહાર બેઠા હતા, મેં ટ્રકને સામેથી આવતા જોઈ હતી. તે સતત પોતાની ઝડપ વધારી રહી હતી અને પોતાનો રસ્તો બનાવી રહી હતી."
"ટ્રક ચાલક 60 થી 70 માઇલ પ્રતિકલાકની ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. આ વિસ્તારમાં સ્પીડ લિમિટ 40 માઇલ પ્રતિકલાકની છે. આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે, જ્યાં લોકોની ભીડ જોવા મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેણે બે લોકોને અડફેટે લીધા. તે દૃશ્ય મેં પણ જોયું હતું. પછી પણ તેણે ટ્રક ચલાવવાનું ચાલુ રાખ્યું અને વાહનને સાઇકલ માર્ગ પર ચડાવી દીધું. ત્યારબાદ તેણે એક સ્કૂલ બસને અડફેટે લીઈને ડાબી બાજુ વળી ગયો હતો."
"લોકો ટ્રક તરફ ભાગવા લાગ્યા અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું થઈ રહ્યું છે. ત્યાં જ ગોળીબારનો અવાજ સંભળાયો અને લોકો વિરૂદ્ધ દિશામાં ભાગવાં લાગ્યાં હતાં."
"હું ચકિત થઈ ગયો હતો, આશ્ચર્યમાં હતો. કોઈને ખબર ન હતી કે શું ચાલી રહ્યું છે. પહેલા લાગ્યું કે આ એક અકસ્માત છે."
તેમની સામે ઊભેલા લોકો મૂંઝવણમાં હતા અને એ ન જાણી શક્યા કે તેમણે શું કરવું જોઈએ.
બાબાટ્યૂન્ડેએ કહ્યું, "અમને એ પણ ખબર ન હતી કે જે લોકોને ટ્રકે ટક્કર મારી હતી તેમનાં મૃત્યુ થઈ ગયાં હતાં. અમે એ પણ ન સમજી શક્યા કે અમારે ઇમરજન્સી સર્વિસ કે પોલીસ અધિકારીઓને ફોન કરવો જોઇએ."
"અમે એ પણ ન સમજી શક્યા કે અમારે કોઈ સુરક્ષિત જગ્યાએ જતા રહેવું જોઇએ."
એક વ્યક્તિએ લોકોને મારવાની શું જરૂર પડી?
"અમે જોયું કે ફાયર વિભાગના અધિકારીઓ બાળકોને સ્કૂલ બસમાંથી બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા."
"અમે એ પણ જોયું કે બાળકોને બહાર કાઢવા માટે બસના એક ભાગને જુદો પાડી રહ્યા હતા અને તે ખૂબ જ કંપાવી દેનારું દૃશ્ય હતું."
"બાળકો ઇજાગ્રસ્ત થયા હતા કે નહીં તેની જાણકારી અમને ન હતી. કદાચ બસની અંદર કોઈ ફસાઇ ગયું હતું. મને નથી ખબર કે બસમાં હાજર લોકો સલામત છે કે નહીં."
"પછી અમને ખબર પડી કે જે બે લોકોને અમે રસ્તા પર જોયા હતા તેમના સિવાય પણ ઘણા લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે."
બાબાટ્યૂન્ડો કહે છે, "આ એક એવી ઘટનાઓમાંથી એક છે, કે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. તમે આ પ્રકારની ઘટનાઓ ટીવી અને ન્યૂઝમાં જુઓ છો, પણ ક્યારેય વિચારી પણ નથી શકતા કે આવું કંઈ તમારી સામે પણ બની શકે છે."
"અમે માત્ર એ વિચાર કરી રહ્યાં છીએ કે એક વ્યક્તિને એવી શું જરૂર પડી કે તેણે લોકોને કચડી નાખવા પડ્યા અને એક સ્કૂલબસને પણ અડફેટે લીધી."
"આમ કરવાથી શું મળે છે?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો