જ્યારે ભારતની કૉલોની ડેન્માર્કે માત્ર સાડા બાર લાખ રૂપિયામાં અંગ્રેજોને વેચી દીધી

ટ્રંકીબાર

ઇમેજ સ્રોત, ટ્રેવેલિબ પ્રાઇમ/ અલામી સ્ટૉક ફોટો

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર તથા સંશોધક, લાહોર

1814માં નોર્વેના સ્વાતંત્ર્યની જાહેરાત કરવામાં આવી હતી. આ જોડિયું ડેનિશ રાજ્ય ડેનિશ રાજા ક્રિશ્ચિયન ચતુર્થને આધિન હતું. તેથી અમે આ સંઘને ડેન્માર્ક અને તેના રહેવાસીઓને ડેન કહીએ છીએ.

ડેન લોકો વેપાર કરવા ભારત આવ્યા હતા, પરંતુ તેમણે ભારતના એક મોટા હિસ્સા પર 200થી વધુ વર્ષો સુધી શાસન કર્યું હતું. એ સમયે મોગલો દુનિયાની મહાન શક્તિ હતા, પરંતુ ડેન લોકોએ મોગલો સામે લડવાનું ચાલુ રાખ્યું હતું.

17મી શતાબ્દીમાં તેજાનાના વેપારની લોભામણી વાતો સાંભળીને કિર્શ્ચિયન ચતુર્થએ સીલોન (1972થી શ્રીલંકા) સાથે કાળાં મરી તથા એલચીનો વેપાર કરવા માટે 1616માં ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની રચના કરી હતી.

કંપનીની રચના તો કરવામાં આવી, પરંતુ ડેનિશ રોકાણકારોના વિશ્વાસના અભાવે તેને બે વર્ષ સુધી એક અભિયાન માટે મોકલવાના પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હતી.

ડૈન ઓગેડ્ડેના વડપણ હેઠળની કંપનીના પહેલા અભિયાનને સીલોન સુધી પહોંચવામાં બે વર્ષ થયાં હતાં. તે કારણે તેમણે ચાલકદળના અડધાથી વધુ સભ્યોને ગુમાવ્યા હતા. સીલોનમાં પ્રારંભિક યોજના નિષ્ફળ રહી હતી, પરંતુ એક ગૅઝેટિયરમાં જણાવ્યા અનુસાર, 1620ની 10 મેએ સીલોનના પૂર્વીય તટ પર સ્થિત ત્રિંકોમાલીમાં એક વેપારી કરાર કરવામાં આવ્યો હતો.

ચારુકેસી રામદુરાઈના જણાવ્યા મુજબ, ડેનિશ જહાજ 1620માં દક્ષિણ-પૂર્વ ભારતના કોરોમંડલ તટ (હવે તામિલનાડુ) પરના થિરંગમબાડી પહોંચ્યું હતું. ત્યાંના તંજૌર (હવે તાંજાવુર) શાસકોને વેપારમાં રસ હતો. તેથી એક સંધિ બાબતે વાતચીત કરવામાં આવી હતી.

તંજાવુર સામ્રાજ્યના શાસક રઘુનાથ નાયકે 1620ની 20 નવેમ્બરે ડેન લોકો સાથે એક વેપારી કરાર કર્યો હતો અને તે અનુસાર, 3,111 રૂપિયાના વાર્ષિક ભાડેથી શહેરનો કબજો સોંપ્યો હતો અને કાળા મરીની નિકાસની પણ છૂટ આપી હતી.

કંપનીને પાડોશી ગામોમાંથી કર વસૂલવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો અને અનેક કરમાં તેને છૂટછાટ આપવામાં આવી હતી. તેના બદલામાં કંપનીએ દર વર્ષે વિજયાદશમીના તહેવાર પર રઘુનાથ નાયકને 2000 મુદ્રા ભેટ આપવાની હતી.

શહેરનું નામ બદલીને ટ્રેંક્વિબાર કરવામાં આવ્યું હતું. કંપનીના પહેલા ગવર્નર ગેડ્ડેએ અહીંના મૂળ રહેવાસીઓની મદદથી એક કિલ્લો બનાવડાવ્યો હતો અને તેનું નામ ફોર્ટ ડેન્સબર્ગ રાખવામાં આવ્યું હતું, પરંતુ ગેડ્ડેને ટૂંક સમયમાં ડેન્માર્ક પાછા જવું પડ્યું હતું. તેથી ગેડ્ડેના અનુગામી બનેલા રોલેન્ડ ક્રેપનો ઉલ્લેખ કેટલાંક પુસ્તકોમાં પહેલા ગવર્નર તરીકે કરવામાં આવ્યો છે.

ડાંસબર્ગનું સ્કેચ

ઇમેજ સ્રોત, ઇતિહાસમાંથી તસવીરો

મુખ્ય કાફલાના એક મહિના પહેલાં એક સ્કાઉટિંગ માલવાહક જહાજ રવાના કરવામાં આવ્યું હતું.

ક્રેપ બંગાળની ખાડીમાં કરાઈકલના તટ પર પોર્ટુગીઝ જહાજો પરના હુમલામાં તે માલવાહક જહાજ ડૂબી ગયું હતું. તેના ચાલકદળના મોટા ભાગના સભ્યો માર્યા ગયા હતા અથવા તો તેમને બંદી બનાવવામાં આવ્યા હતા.

બે સભ્યોનાં કપાયેલાં માથા સમુદ્ર તટ પર ભાલાઓમાં ટાંગવામાં આવ્યાં હતાં. ક્રેપ 13 ચાલકદળના સભ્યો સાથે થિરંગમવાડી પહોંચવામાં સફળ રહ્યા હતા.

1636 સુધી ગવર્નરપદે રહેલા ક્રેપે ટ્રાંક્યૂબારના ડેનિશ વેપારકેન્દ્રથી ભારત અને એશિયાના અન્ય દેશોમાં વેપારનો વિસ્તાર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પહેલાં દક્ષિણ તરફ અને પછી તટીય વેપાર સીલોન સુધી વિસ્તર્યો હતો.

વર્તમાન આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના મછલીપટ્ટનમમાં 1625માં એક કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી. તે આ ક્ષેત્રનું મહત્ત્વનું સ્થાન હતું. પિપલી, સૂરત, જાવા અને બાલાસોરમાં વ્યાપારી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યાં હતાં. ડચ અહેવાલો અનુસાર, આ કારખાનાઓએ તેમના કાર્યકાળના પહેલા વર્ષમાં સારી કામગીરી કરી હતી.

જોકે, 1627 સુધીમાં કોલોનીમાં માત્ર ત્રણ જહાજ બચ્યાં હતાં. સંજય સુબ્રમણ્યમનું કહેવું છે કે, 1627માં ખરાબ નાણાકીય હાલતના કારણે કંપની ટ્રેંક્વિબાર અને પુડ્ડુચેરીના કરની ચૂકવણી કરી શકી ન હતી.

1636થી 1643 સુધી બ્રેન્ટ પેસાર્ટ ક્રેપના ગવર્નર તરીકે સફળ રહ્યા હતા. તેમણે ધન મેળવવા માટે સંખ્યાબંધ જોખમી પ્રયાસો કર્યા હતા, પરંતુ તે ઉદ્યોગો નિષ્ફળ રહ્યા હતા અને ડેન્માર્કના કરજમાં વધારો થયો હતો.

line

મોગલો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા

નાયકની સેનાએ 1645 અને 1648 વચ્ચે બે વખત ટ્રેંક્વિબાર પર આક્રમણ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

કેથરીન વ્હેલનનું કહેવું છે કે, ડેનિશ નૉર્વેજિયન કૉલોનીએ 1642માં મોગલ સામ્રાજ્ય સામે યુદ્ધની જાહેરાત કરી હતી અને બંગાળની ખાડીમાં જહાજો પર આક્રમણ શરૂ કર્યું હતું. કેટલાક મહિનાઓમાં તેમણે મોગલ સમ્રાટના એક જહાજને કબજે કરી લીધું હતું અને પોતાના કાફલામાં સામેલ કરી લીધું હતું. તેમાંનો માલ બહુ ઓછા નફે ટ્રેંક્વિબારમાં વેંચી નાખ્યો હતો.

પિપલી અને ઓડિશા પાસે બે અન્ય જહાજોને આગ ચાંપવામાં આવતાં મોગલો રોષે ભરાયા હતા, પરંતુ તેઓ તેમની સૈન્યશક્તિથી તેનો બદલો લઈ શક્યા ન હતા.

તપન રોય ચૌધરીના જણાવ્યા મુજબ, સમુદ્રી વેપાર પરત્વે મોગલોનો દૃષ્ટિકોણ અલગ હતો. તેમને પૈસા કમાવાની ઈચ્છા હતી અને તેમને મોટી આવક ભૂમિ આધારિત સ્રોતોમાંથી થતી હતી. સમુદ્ર વેપારીઓના વિવિધ જૂથો માટે છોડી દેવામાં આવ્યો હતો.

નૌસેના શક્તિના સંદર્ભમાં પોતાની મર્યાદાઓને ધ્યાનમાં લઈને મોગલોએ ડેનિશ આક્રમણનો સામનો કરવા માટે અન્ય સાધનોની માગણી કરી હતી. ડેન લોકો સાથે વાતચીતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેથી ડેનિશ આક્રમણ રોકવા માટે મોગલોએ અન્ય યુરોપિયન લોકો પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

માઈકલ વીનરે લખ્યું છે કે, આ પરિસ્થિતિમાં નાયકની સેનાએ 1645 અને 1648 વચ્ચે બે વખત ટ્રેંક્વિબાર પર આક્રમણ કર્યું હતું.

1648માં ક્રિશ્ચિયન ચતુર્થનું મોત થયું હતું. ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દેવાળું ફૂક્યું હતું. બે વર્ષ પછી તેમના પુત્ર ફ્રેડરિક તૃતીયએ કંપનીનું વિસર્જન કર્યું હતું, પરંતુ ભારતીય ઉપનિવેશ ડેન્માર્કના આ દરબારી ઘટનાક્રમથી અજાણ રહ્યો હતો.

પીટર રાસમુસેનના જણાવ્યા મુજબ, ઉનાળા અને બીમારીના કારણે ડેન લોકોની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો હતો, પરંતુ પોર્ટુગીઝ અને પોર્ટુગીઝ-ભારતીયો કાર્યરત હતા. 1655માં ઍસ્કેલ્ડ ઍન્ડરસન કોંગ્સબક્કે ટ્રેન્કબારમાં કમાન્ડર અને એકમાત્ર ડીન બની રહ્યા હતા.

બંગાળની ખાડીમાં જહાજો કબજે કરવા અને નિર્ધારિત નજરાણું ન ચૂકવવા બદલ નાયકની વારંવારની ઘેરાબંધી છતાં કોંગ્સબક્કેએ કિલ્લા પર ડેનિશ-નોર્વેજિયન ધ્વજ લહેરાવ્યો હતો. જહાજોમાના માલના વેચાણ મારફતે થયેલી આવકમાંથી તેમણે શહેરની ચારેકોર એક દિવાલનું નિર્માણ કરાવ્યું હતું અને નાયક સાથે સમજૂતી કરી હતી. આખરે મે, 1669માં સ્વાર્ટ એડલેયરને કૉલોનીનું નેતૃત્વ સંભાળવા માટે મોકલવામાં આવ્યા હતા.

line

ડેનિસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો બીજો જન્મ

ડેન્માર્ક-નોર્વે અને ટ્રાંક્યુબાર વચ્ચેનો વેપાર નવી ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મારફતે ફરી શરૂ થયો હતો.

ટ્રેન્કબાર પ્રશાસિત અનેક નવાં વેપારી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં 1696માં મલબાર તટે ઓડવે ટોરે અને 1698માં બંગાળના ચંદ્રનગરના દક્ષિણ-પૂર્વમાંના ડેન્માર્કનગરનો સમાવેશ થાય છે.

નાયક સાથેના કરારને સમર્થન આપવામાં આવ્યુ હતું અને ટ્રેંક્વિબારની આજુબાજુનાં ત્રણ ગામોને સામેલ કરવા માટે તેના વિસ્તારને મંજૂરી આપવામાં આવી હતી.

ડેન લોકોએ કેરળના વર્કલા પાસે 1696માં એક નગર વસાવ્યું હતું. ઈતિહાસકાર પદ્મનાભ મેનને અઢારમી સદીની શરૂઆતના બ્રિટિશ સૈન્ય અધિકારી એલેકેઝેન્ડર હેમિલ્ટનને ટાંકીને 'હિસ્ટ્રી ઑફ કેરળ' પુસ્તકમાં જણાવ્યું છે કે 'અહીં તટ પર ડેન્માર્કના વેપારીઓ પાસે નારિયેળની છતવાળું એક નાનકડું ગોદામ છે. તે જીર્ણશીર્ણ અવસ્થામાં છે.'

line

નવેસરથી યુદ્ધ

ડેન લોકોએ રાજકુમારને 15,000 રૂપિયા અને ચાર તોપ ભેટમાં આપ્યા હતા

ઇમેજ સ્રોત, ફ્રેડરિક સોલ્ટન/ ગેટી ઇમેજ

ક્રિશ્ચિયન પંચમે 1672માં મોગલોને પત્ર લખીને, બંગાળમાં ડેનિશ પ્રજાને થયેલા નુકસાનનું વળતર આપવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો હતો. એ નુકસાનમાં સેન્ટ જૅકબ જહાજનો પણ સમાવેશ થતો હતો. એ વળતર ક્યારેય આપવામાં આવ્યું ન હતું.

ડેન્માર્ક ભૌતિક રીતે શક્તિશાળી બનવાની સાથે ડેન લોકોએ બંગાળમાં બંગાળી વેપારીઓ પર આક્રમણ કર્યું હતું અને મોટા જહાજો કબજે કર્યાં હતાં અને તેને ટ્રેંક્વિબાર લઈ ગયા હતા.

તેઓ સતરમી સદીના અંતિમ વર્ષોમાં બંગાળી ગવર્નર મુહમ્મદ અજમદી સાથે શાંતિ સ્થાપવામાં સફળ થયા હતા. એ પછી બન્ને પક્ષોએ એકમેકનાં જહાજ મુક્ત કર્યાં હતાં. ડેન લોકોએ રાજકુમારને 15,000 રૂપિયા અને ચાર તોપ ભેટમાં આપ્યાં હતાં.

રાજા ફ્રેડરિક ચતુર્થએ 1706ની નવમી જૂને હેનરિક પ્લોસ્ચો અને બાર્થોલોમિયસ ઝિગેનબ્લગ નામના બે મિશનરીઓને ભારત મોકલ્યા હતા. એ બન્ને ભારત આવેલા સૌપ્રથમ પ્રોટેસ્ટંટ મિશનરીઓ હતા. એ પહેલાં પાદરીઓએ ધર્માંતરના પ્રયાસ કર્યા ન હતા અને ભારતીયોને યુરોપિયન ચર્ચમાં પ્રવેશની પરવાનગી પણ ન હતી.

નીચલી જ્ઞાતિઓના લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો, પરંતુ ઉચ્ચ જ્ઞાતિના હિન્દુઓએ તેનો અસ્વીકાર કર્યો હતો. સ્થાનિક ગવર્નર જૉન સિગિસ્મંડ હરિયસને લાગ્યું હતું કે, બન્ને જર્મન મિશનરી ટ્રેક્વિલબારના વેપારને નુકસાન કરી રહ્યા છે. બન્નેને ચાર મહિના માટે જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ઝિગેનબ્લગ શક્ય હોય તેટલા વધારે પ્રમાણમાં ટ્રેંક્વિબારના લોકોની ભાષા શીખવાના પ્રયાસ કર્યા હતા. પોર્ટુગીઝ, તામિલ અને સંસ્કૃત ભાષા શીખવા માટે તેમણે શિક્ષકો રાખ્યા હતા. સૌપ્રથમ તામિલ શબ્દકોશ, તામિલ-જર્મન શબ્દકોશ અને સંસ્કૃત પુસ્તકોના અનુવાદ ઉપરાંત તેમણે બાઈબલના કેટલાક હિસ્સાનો અનુવાદ પણ તામિલમાં કર્યો હતો.

એ પછી યુરોપમાંથી ધન મેળવીને તેમણે એક પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી અને તામિલ બાઈબલ તથા પુસ્તકો છાપ્યાં હતાં. આ રીતે ટ્રેંક્વિબારના રાજાના વિરોધ છતાં, મિશનરીઓ વસાહતની બહાર પણ ફેલાઈ ગયા હતા.

1729માં ડેનિશ-નોર્વેજિયન રાજાએ પોતાને પૈસા ઉધાર આપવા ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મજબૂર કરી હતી. કરજની ચૂકવણીમાં નિષ્ફળતા અને ભારતીય વેપાર વિખેરાઈ જવાને કારણે આ કંપનીનું પરાણે વિસર્જન કરવું પડ્યું હતું.

line

એશિયન કંપની

ક્રિશ્ચિયન પંચમે ભારત અને ચીન સાથે એશિયન વ્યાપાર પર 40 વર્ષના એકાધિકાર બાબતે નવી એશિયન કંપનીના ચાર્ટર પર 1732ની 12 એપ્રિલે હસ્તાક્ષર કર્યા હતા. પાછલી બન્ને કંપની વેપારમાં સાતત્યના અભાવને કારણે નિષ્ફળ રહી હતી. આ વખતે રોકાણકારોનો ઈરાદો આ એશિયન વેપારને ભવિષ્યમાં પોતાના ક્ષેત્રોમાં વધારે સ્થાયી રાખવાનો હતો.

ડેન્માર્કનો ચીની તથા ભારતીય વ્યાપાર અઢારમી સદીના ત્રીજા દાયકામાં સ્થિર થઈ ગયો હતો. કોરોમંડલ તટ અને બંગાળથી સુતરાઉ કપડાનું પ્રભુત્વ હતું.

કાળા મરીનું મોટાભાગનું ઉત્પાદન દક્ષિણ-પૂર્વ એશિયાના પશ્ચિમ ભાગમાં થતું હતું. તેમાં પણ સૌથી વધારે ઉત્પાદન ઇન્ડોનેશિયાના સુમાત્રા અને કેરળના મલબારમાં થયું હતું. ડેનિશ કંપનીઓ આ અગાઉ તેની ખરીદી સ્થાનિક વેપારીઓ પાસેથી કરતી હતી. પછી કંપનીએ મલબારમાંથી મરચું ખરીદવા માટે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું.

અજય કમલાકરનના જણાવ્યા અનુસાર, ડેન લોકોએ કાલીકટના ઝમોરિન શહેરમાં કાળા મરીનું ગોદામ બાંધવા માટે 1752માં એક કરાર કર્યો હતો. કસ્ટમ ડ્યુટી ઉપરાંત ડેનના ક્ષેત્રો પર હુમલો કરવામાં આવે તો તેવા કિસ્સામાં ઝમોરિન હથિયાર તથા સૈન્ય સહાય આપવા માટે સહમત થયા હતા. કાલીકટની વસાહતનું અસ્તિત્વ લગભગ ચાર દાયકા સુધી ટકી રહ્યું હતું.

કેરળના તેજાના અને બ્રાઉન સુગર છેક કોપનહેગન સુધી પહોંચી ગયાં હતા. કેરળના તેજાના ડેનિશ તથા નોર્વેજિયન વાનગીઓનો સ્વાદ સારો બનાવે છે અને કેરળની બ્રાઉન સુગર ડેનિશ પેસ્ટ્રીને સ્વાદિષ્ટ બનાવે છે.

ડિસેમ્બર 1755માં ડેનિશ-નોર્વેજિયન લોકો વસવાટલાયક આંદામાન દ્વીપ સમૂહ પહોંચ્યા હતા અને અધિકારીઓએ કાળા મરી, તજ, શેરડી, કોફી અને કપાસની ખેતી માટે આંદામાન-નિકોબારને પોતાની વસાહત બનાવવાનો નિર્ણય કર્યો હતો. 1756ની પહેલી જાન્યુઆરીએ આંદામાન-નિકોબારને ફ્રેડરિક સુરને નામ આપીને ડેનિશ-નોર્વેજિયનોએ તેના પરના પોતાના કબ્જાની જાહેરાત કરી હતી.

1848માં મેલેરિયાના પ્રકોપને કારણે તેને છોડી દેવામાં આવ્યો હતો. એ પછી ઑસ્ટ્રિયા અને ગ્રેટ બ્રિટન સહિતના અન્ય કૉલોનિયલ દેશો દ્વારા આ દ્વીપ સમૂહ પર આક્રમણ કરવામાં આવ્યું હતું. નિકોબાર દ્વીપ સમૂહ ભારતનો હિસ્સો છે, કારણ કે ડેને પહેલાં તેને પોતાની કૉલોની બનાવી હતી અને પછી 1869માં તેને અંગ્રેજોને વેચી માર્યા હતા.

line

ડેને હૈદર અલી તથા તેના દુશ્મન રાજ્યને પણ હથિયારો આપ્યાં

ટીપૂ સુલતાન

ઇમેજ સ્રોત, પ્રિન્ટ કલેક્ટર

યુરોપને કાળા મરીનો પુરવઠો પૂરો પાડવાના બદલામાં ડેન ત્રાવણકોરને લોખંડ તથા તાંબાનો જથ્થો આપતા હતા. હવે તે દક્ષિણ-પશ્ચિમ ભારતના કેરળ રાજ્યનો હિસ્સો છે.

કેકે કસોમનના જણાવ્યા મુજબ, ત્રાવણકોર સાથેના પોતાના સંબંધ છતાં ડેને ત્રાવણકોર વિરુદ્ધનાં અભિયાનો માટે આર્કોટના નવાબને હથિયાર પૂરાં પાડ્યા હતાં. નવાબને હથિયાર પૂરા પાડવા ઉપરાંત એશિયન કંપનીએ તેના દુશ્મન મૈસુરના હૈદર અલીને પણ હથિયાર વેચતા રોકી ન હતી. તેમાં થોડો હિસ્સો ત્રાવણકોરને પણ મળ્યો હતો.

ત્રાવણકોર માનતું હતું કે ટીપુ સુલતાનના સંભવિત આક્રમણને ખાળવા માટે તેને બ્રિટિશરોની મદદની જરૂર છે. તેણે ડેનને મોટા પ્રમાણમાં ખાડીમાં રોકી રાખ્યા હતા, જેથી અંગ્રેજો ગુસ્સે ન થાય.

ડેન લોકોએ કન્યાકુમારી નજીકના કોલાચલમાં એક સંસ્થાની પણ સ્થાપના કરી હતી. કોલાચલમાં 1755થી 1824 સુધી ડેન લોકોની હાજરી રહી હતી.

line

પશ્ચિમ બંગાળમાં ડેન્માર્ક અને કલમકારી

પશ્ચિમ બંગાળના સેરામપુરમાં ડેનનો મોટો પ્રભાવ હતો. સેરામપુર શ્રીરામપુર નામે પણ ઓળખાય છે. હુગલી નદીના પશ્ચિમ તટ પરનું આ વસાહતી શહેર 1755થી 1845 સુધી ફ્રેડરિક્સ નાગોર નામે ડેનિશ ભારતનો હિસ્સો હતું.

ડેન 1755માં પહેલીવાર સેરામપુર પહોંચ્યા હતા અને ચંદ્રનગરમાં ફ્રાંસીસીની મદદથી બંગાળના નવાબ અલી વર્દી ખાનની ડિક્રી પ્રાપ્ત કરવા માટે રૂ. દોઢ લાખથી વધુ ચૂકવીને 60 વિઘા જમીન ખરીદી હતી. એ કેવળ ભારતીય વ્યાપારી થાણું હતું. ડેનને ડેન્સબર્ગ જેવી છાવણી બનાવવાની પરવાનગી ન હતી.

સુમિત્રા દાસના જણાવ્યા અનુસાર, વિલિયમ કેરી, જોશુઆ માર્શમેન અને વિલિયમ વોર્ડ નામના ત્રણ બેપટિસ્ટોના અથાગ પ્રયાસોને કારણે શહેરમાં બંગાળી ભાષામાં પ્રકાશન શરૂ થયુ હતું. ગોસ્વામી જેવા ડેનના એજન્ટો એ સમૃદ્ધ સમયગાળામાં સમૃદ્ધ થયા હતા.

ઍક્સપોર્ટ માર્કેટ માટેના વસ્ત્રોનું ઉત્પાદન ડેનના અંકુશમાં કરવામાં આવતું હતું. સ્થાનિક રંગારાઓ અને રેશમના ઉત્પાદકો, સાદા તથા ચિત્રિત સુતરાઉ કપડાં, સ્કાર્ફ અને શાલનું ઉત્પાદન કરતા હતા. હસ્તચિત્રિત કપડા(કલમકારી)ની મોટી માગ સતત રહેતી હતી.

ડેનિશ-નોર્વેજિયન વેપારમાં 1772થી 1808 સુધી સતત વૃદ્ધિ થતી હતી.

ડેને ટ્રેંક્વિલબારને મજબૂત કર્યું હતું અને ત્યાં 300થી વધુ ડેનિશ નિવાસીઓ ન હોવા છતાં 1777 સુધીમાં તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. ડેનિશ ઈતિહાસકારો આને 'ફ્લોરોસેન્ટ ટ્રેડ પિરિયડ' કહે છે.

ભારતના મરી-મસાલા અને કપડાનો વેપાર લાભદાયક હતો, પરંતુ કદાચ સૌથી વધારે આકર્ષક બ્રિટનમાં ચીની ચાની દાણચોરી હતી. ચીનનો વેપાર સંસ્થાનવાદી ન હતો, પરંતુ તે વસાહતી વ્યવસ્થા સાથે સંકળાયેલો હતો.

line

ડેનિશ જહાજોના માધ્યમથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓએ કર્યું મની લૉન્ડરિંગ

1770ના દાયકામાં ડેનિશ-નોર્વેજિયન વ્યાપારમાં ઘણું રોકાણ આવ્યું હતું

ઇમેજ સ્રોત, ફ્રાન્સિસ હેમેન/ નેશનલ પોટ્રેટ ગેલરી, લંડન

ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ અને નેધરલૅન્ડ જેવા દેશોએ યુદ્ધ દરમિયાન યુદ્ધરત સૈન્યો દ્વારા કબજો કરવાથી બચવા માટે ડેન્માર્ક-નોર્વે જેવા તટસ્થ દેશોના માધ્યમથી વ્યાપાર કર્યો હતો.

ભારતમાં અને ખાસ કરીને 1757ના પ્લાસીના યુદ્ધમાં બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વિજય બાદ કંપનીના અનેક કર્મચારીઓએ જંગી અંગત સંપત્તિ પ્રાપ્ત કરી હતી. કંપની તથા બ્રિટિશ સરકારે એ ધનને બ્રિટિશ જહાજો મારફતે બ્રિટનમાં સ્થાનાંતરિત થતું રોકવા માટે બહુ પ્રયાસ કર્યા હતા.

તેના પરિણામ સ્વરૂપે ફ્રાન્સના ડચ અને ડેનિશ નોર્વેજિયન જહાજો મારફતે મોટા પ્રમાણમાં મની લૉન્ડરિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 1770ના દાયકામાં ડેનિશ-નોર્વેજિયન વ્યાપારમાં ઘણું રોકાણ આવ્યું હતું, પરંતુ વ્યાપારનું મૂલ્ય મહદઅંશે અસ્થિર રહ્યું હતું.

પીટર રેવેન રાસમુસેનના જણાવ્યા મુજબ, ભારતમાં ડેનિશ-નોર્વેજિયન હાજરીનું યુરોપના મોખરાના દેશો માટે ખાસ મહત્ત્વ ન હતું, કારણ કે તેમણે કોઈ લશ્કરી કે વ્યાવસાયિક જોખમ સર્જ્યું ન હતું.

બ્રિટન જે દેશો સામે યુદ્ધ લડતું હતું તેની સાથે, ડેન્માર્કને વ્યાપાર કરતું રોકવાનો પ્રયાસ 1799માં કર્યો હતો. એ સમયે ડેન્માર્ક હિન્દ મહાસાગરમાંના ફ્રેન્ચ તથા ડચ લોકોના વસાહતી ઉત્પાદનો કોપનહેગન મારફતે યુરોપના બજારમાં વેચીને તગડો નફો કમાઈ શક્યું હોત.

line

ડેનનું પતન અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વસાહતનું વેચાણ

અંગ્રેજોએ 1808ની 28 જાન્યુઆરીએ હુગલીમાંથી સાત ડેનિશ વ્યાપારી જહાજો જપ્ત કરી લીધાં હતાં

ઇમેજ સ્રોત, એડવર્ડ ડેકન

યુદ્ધ દરમિયાન 1801માં અને પછી 1807માં ગ્રેટ બ્રિટને કોપનહેગન પર આક્રમણ કર્યું હતું. તેના અંતિમ આક્રમણના પરિણામ સ્વરૂપે ડેન્માર્કે ગ્રેટ બ્રિટનને હેલિગોલૅન્ડ દ્વીપ સોંપી દીધો હતો.

7 ફેબ્રુઆરી, 1815ના યુકેના ગૅઝેટ અનુસાર, એંગ્લો-ડેનિશ શત્રુતાના સમાચાર ભારત પહોંચ્યા, ત્યારે અંગ્રેજોએ 1808ની 28 જાન્યુઆરીએ હુગલીમાંથી સાત ડેનિશ વ્યાપારી જહાજો જપ્ત કરી લીધાં હતાં.

ડેન્માર્કના રાજાએ અંતિમ વસાહતો, ટ્રેનકીબાર, બાલાસોર અને સેરામપુર અંગ્રેજોને 1845માં સાડા બાર લાખ રૂપિયામાં વેચી માર્યાં હતાં. તેનો કબજો 11 ઑક્ટોબરે ફ્રેડરિક નાગોરમાં અને સાત નવેમ્બરે ટ્રેંક્વિબારમાં સોંપવામાં આવ્યો હતો.

'અ લિટલ પીસ ઓફ ડેન્માર્ક ઈન ઈન્ડિયા' નામના પુસ્તકમાં ક્રિસ્ટિયન ગ્રોનસેથે લખ્યું છે કે બ્રિટિશ ભારતનો હિસ્સો બન્યા પછી ટ્રાંક્યૂબારે તેના વિશેષ વ્યાપારી અધિકાર ગૂમાવી દીધા હતા અને તેનું મહત્ત્વ પણ ઝડપથી ઘટ્યું હતું.

તે સત્તાવાર રીતે તામિલ રાજ્ય છે, પરંતુ ડેનિશ ઈતિહાસના અવશેષ ઘણી જગ્યાએ જોવા મળે છે. શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર લૅન્ડપોર્ટન (ટાઉન ગેટ) ખાતે હતું, જે ડેનિશ ટ્રેન્કબારની ફરતે બાંધવામાં આવેલી દિવાલનો એક હિસ્સો છે. તેના પર ડેન્માર્કની શાહી મહોર જોવા મળે છે.

એ દિવસોની સ્ટ્રીટ સાઈન, કિંગ સ્ટ્રીટ જેવા નામો સાથે આજે પણ મૌજુદ છે. ટ્રેન્કબારની શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ડેન લોકોનો વારસો છે. મોટા ભાગની સ્કૂલોનું સંચાલન કેથલિક સેન્ટ ટેરેસા કોન્વેન્ટ અને તામિલ ઇવેંજેલિકલ લૂથરન ચર્ચ દ્વારા કરવામાં આવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન