જ્ઞાનવાપી મસ્જિદ કેસ : કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની માગ કોર્ટે ફગાવી - પ્રેસ રિવ્યૂ

સમાચાર એજન્સી ANI અનુસાર વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાં રહેલ 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસ માટેની હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન, પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગત સપ્ટેમ્બર માસમાં જ કોર્ટે આ અરજી સ્વીકારી અને તેની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે જિલ્લા જજ એ.કે. વિશ્વેશની કોર્ટે પોતાના નિર્ણયમાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી.

અરજદાર મહિલાઓનો દાવો હતો કે મા શ્રૃંગાર દેવી, ભગવાન હનુમાન તેમજ ગણેશ અને અન્ય દૃશ્ય અને અદૃશ્ય દેવી-દેવતા દશાશ્વમેઘ પોલીસસ્ટેશનના વૉર્ડના પ્લૉટ નંબર 9130માં સ્થિત છે. જે કાશી વિશ્વનાથ કૉરિડોરને અડીને જ છે.

તેમની એ પણ માગ છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદને દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવા, પાડવા કે પછી નુકસાન પહોંચાડવાથી રોકવામાં આવે.

માગ એ પણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે "પ્રાચીન મંદિર"ના પ્રાંગણમાં દેવી-દેવતાઓની મૂર્તિઓનાં દર્શન, પૂજા અને ભોગ માટે તમામ સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવામાં આવે.

પોતાની અરજીમાં આ મહિલાઓએ અલગથી એક અરજી આપીને એમ પણ કહ્યું છે કે કોર્ટના એક ઍડવોકેટ કમિશનરની નિયુક્તિ કરવામાં આવે જે આ તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓના અસ્તિત્વને સુનિશ્ચિત કરે.

બીજી તરફ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદની કમિટીનું કહેવું છે જ્ઞાનવાપી મસ્જિદની વકફની પ્રોપર્ટી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ આ કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શરૂ થઈ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં એક નીચલી કોર્ટે પરિસરની વીડિયોગ્રાફી સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 16 મેએ સર્વે પૂરો થયો હતો અને 19 મેએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

line

ગુજરાતમાં મોંઘવારી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ- રિપોર્ટ

મોંઘવારીની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY / AFP

વિધાનસભા ચૂંટણી માટે સજ્જ થઈ રહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશ મોંઘવારીના મામલે એકબીજાથી વિપરીત છે. સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નોંધાયેલી છૂટક મોંઘવારી (રીટેલ ઇન્ફ્લેશન) એ હિમાચલ પ્રદેશમાં આ સમયગાળા માટે નોંધાયેલી મોંઘવારી કરતાં લગભગ બમણી છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કંઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત છૂટક મોંઘવારીના આંકડા ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે સીપીઆઈનો વાર્ષિક મોંઘવારીનો દર ગુજરાતમાં 7.95 ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 7.41 ટકા કરતાં વધુ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં આ દર 4.54 ટકા જેટલો નીચો છે.

નોંધપાત્ર બાબત એ છે કે, હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં નોંધાયેલો મોંઘવારીનો દર દિલ્હી બાદ દેશના તમામ રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો છે. દિલ્હીમાં મોંઘવારીનો દર 4.03 ટકા નોંધાયો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર 8.31 ટકા નોંધાયો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 7.68 ટકા છે.

જ્યારે હિમાચલ પ્રદેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર અનુક્રમે 5.76 અને 4.24 ટકા નોંધાયો હતો.

આ બન્ને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને મોંઘવારી એ આ ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો રહે તેવી શક્યતાઓ છે.

line

ચરમપંથીઓ સામે લડનાર ભારતીય સૈન્યના શ્વાસ 'ઝૂમ'નું મૃત્યુ

ભારતીય સૈન્યનો શ્વાન ઝૂમ

ઇમેજ સ્રોત, Twitter/ANI

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈન્યનો શ્વાન ઝૂમ

જમ્મુ અને કાશ્મીરમાં ચરમપંથીઓની સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ગોળીઓ લાગવાને કારણે ઘાયલ થયેલા ભારતીય સૈન્યના શ્વાન ઝૂમનું ગુરુવારે મૃત્યુ થયું હતું.

સમાચાર સંસ્થા એએનઆઈએ સેનાના અધિકારીઓ પાસેથી મળેલી વિગતોને આધારે આ સમાચાર આપ્યા હતા.

ભારતીય સેનાએ જણાવ્યા અનુસાર, "ઝૂમ અમારી ટીમનો અમૂલ્ય સભ્ય હતો. માત્ર બે વર્ષનો હોવા છતાં ઝૂમને ઘણા આતંક વિરોધી અભિયાનોનો અનુભવ હતો. જ્યાં તેણે પોતાની ઊર્જા અને સાહસની સાબિતી આપી. 9 ઑક્ટોબરે અનંતનાગમાં ઑપરેશન દરમિયાન ઝૂમે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેણે આતંકિઓના ઠેકાણાની ઓળખ કરવા ઉપરાંત એકને ડિસેબલ પણ કર્યો."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સેનાએ જણાવ્યું કે, "આ દરમિયાન તેને બે ગોળીયો વાગી. ઘાયલ હોવા છતાં, ઝૂમે છૂપાયેલા અન્ય આતંકિયોને શોધી કાઢ્યા. લોહી વહી જવાને કારણે તે બેહોશ થઈ ગયો. તેને તરત જ સેનાના શ્રીનગર સ્થિત વેટરનરી હૉસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેણે અંત સુધી સંઘર્ષ કર્યો અને આજે સવારે 11:45 કલાકે તેણે અંતિમ શ્વાસ લીધા."

સેનાએ જણાવ્યા અનુસાર, "અમે ઝૂમને ગુમાવીને ટીમનો એક બહાદુર સભ્ય ગુમાવ્યો છે, જે અમને સમર્પણ અને સાહસ સાથે અમારું કામ કરવા માટે પ્રેરિત કરશે."

line

જ્ઞાનવાપી મસ્જિદમાં કાર્બન ડેટિંગની માંગણીનો આજે ચુકાદો

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા માળખામાં શિવલિંગ હોવાના દાવા સાથે એ માળખાનું કાર્બન ડેટિંગ કરવાની માગણી કરતી હિંદુ પક્ષની અરજીના મામલે આજે 14 ઑક્ટોબરે વારાણસી કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

કુલ પાંચ હિંદુ અરજદારોમાંથી ચાર અરજદારોએ શિવલિંગનું કાર્બન ડેટિંગ કરવાની માંગણી કરી છે. વારાણસીની સ્થાનિક કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામાં આવેલી વીડિયોગ્રાફી દરમિયાન મસ્જિદમાં આ શિવલિંગ જોવા મળ્યું હતું.

પુરાતત્ત્વ વિભાગ દ્વારા નિયમિત રીતે કોઈ પુરાતન પદાર્થની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્ઞાનવાપી મસ્જિદની સમિતિએ કાર્બન ડેટિંગની માગણી કરતી આ અરજીનો વિરોધ કર્યો હતો.

વારાણસી કોર્ટ દ્વારા આ કેસના મામલે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી હતી. આ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું, "મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે શિવલિંગ એ જે મુદ્દે કેસ ચાલી રહ્યો છે તેનો ભાગ નથી આથી તેનું કાર્બન ડેટિંગ ન થઈ શકે. અમે આ મુદ્દે અમારી સ્પષ્ટતા પણ રજૂ કરી છે . કોર્ટ આ મુદ્દે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે"

line

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ યુક્રેનને મત ન આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ

ભારતે ફરી એક વખત રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂકવામાં આવેલા એક પ્રસ્તાવ પરના મતદાનમાં ભાગ નહોતો લીધો.

આ પ્રસ્તાવમાં રશિયાએ પૂર્વ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં જે જનમત સંગ્રહ કરાવ્યો હતો, તેને ગેરકાયદેસર ગણાવ્યો હતો. નોંધપાત્ર બાબત છે કે, રશિયાએ આ વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવ્યા બાદ તેના પણ કબજો કરવાની જાહેરાત કરી હતી.

યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયાની ઘોષણાને નામંજૂર કરીને તેને એક ગેરકાયદેસર પગલું ગણાવ્યું હતું.

ભારતે પ્રસ્તાવ પર મતદાન ન કરવાની 'સમજી-વિચારેલી રાષ્ટ્રીય નીતિ' ગણાવતા કહ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા વિવાદનો ઉકેલ લાવવા માટે લેવાનારા દરેક પગલાંનું સમર્થન કરવા તૈયાર છે.

ભારતે કહ્યું છે કે સમસ્યાનું સમાધાન વાતચીત અને કૂટનીતિથી થવું જોઈએ.

પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે દેશના વલણ પર વિગતવાર માહિતી આપી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન