જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસીની કોર્ટે કહ્યું 'કેસ સાંભળવા યોગ્ય', મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA/BBC
વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં દેવીદેવતાઓની પૂજાની માગને લઈને પાંચ મહિલાઓ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી સ્વીકારી લીધી છે.
પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે જિલ્લા જજ એ.કે. વિશ્વેશની કોર્ટે પોતાના નિર્ણયમાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે.
આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. આ જ દિવસે મુસ્લિમ પક્ષને જવાબ રજૂ કરવા પણ જણાવાયું છે.
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન, પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.

શું છે હાલમાં ચાલી રહેલો કેસ?

ઇમેજ સ્રોત, ARRANGED
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન, પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.
આ મહિલાઓનો દાવો છે કે મા શ્રૃંગાર દેવી, ભગવાન હનુમાન તેમજ ગણેશ અને અન્ય દૃશ્ય અને અદૃશ્ય દેવી-દેવતા દશાશ્વમેઘ પોલીસસ્ટેશનના વૉર્ડના પ્લૉટ નંબર 9130માં સ્થિત છે. જે કાશી વિશ્વનાથ કૉરિડોરને અડીને જ છે.
તેમની એ પણ માગ છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદને દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવા, પાડવા કે પછી નુકસાન પહોંચાડવાથી રોકવામાં આવે.
માગ એ પણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે "પ્રાચીન મંદિર"ના પ્રાંગણમાં દેવી-દેવતાઓની મૂર્તિઓનાં દર્શન, પૂજા અને ભોગ માટે તમામ સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની અરજીમાં આ મહિલાઓએ અલગથી એક અરજી આપીને એમ પણ કહ્યું છે કે કોર્ટના એક ઍડવોકેટ કમિશનરની નિયુક્તિ કરવામાં આવે જે આ તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓના અસ્તિત્વને સુનિશ્ચિત કરે.
બીજી તરફ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદની કમિટીનું કહેવું છે જ્ઞાનવાપી મસ્જિદની વકફની પ્રોપર્ટી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ આ કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શરૂ થઈ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં એક નીચલી કોર્ટે પરિસરની વીડિયોગ્રાફી સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 16 મેએ સર્વે પૂરો થયો હતો અને 19 મેએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
જ્ઞાનવાપી મામલે સુનાવણી હવે વિશેષ અદાલત કરી રહી છે. જેમાં આજે એટલે કે 12 સપ્ટેમ્બરે ચુકાદો આવ્યો છે.
કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદને લઈને આ પ્રથમ કોર્ટ કેસ નથી.
અંજુમન ઇંતેઝામિયા મસ્જિદના વકીલ અભય યાદવે બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેને જણાવ્યું કે વર્ષ 1991માં એક કેસ દાખલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદ જ્યાં બની છે, તે કાશી વિશ્વનાથની જમીન છે જેથી મુસ્લિમ ધર્મસ્થળને હઠાવીને તેનો કબજો હિંદુઓને સોંપવામાં આવે.
આ મામલો હાલ હાઇકોર્ટમાં છે.

સ્થાનિક લોકો અનુસાર મસ્જિદને લઈને સૌથી પહેલો વિવાદ વર્ષ 1809માં થયો હતો, જેણે સાંપ્રદાયિક હિંસાનું રૂપ ધારણ કર્યું હતું.
અદાલતમાં એક કેસ 1936માં પણ દાખલ કરવામાં આવ્યો. જેનો ચુકાદો બીજા જ વર્ષે આવી ગયો.
ચુકાદામાં પહેલાં નીચલી કોર્ટે અને બાદમાં ઉચ્ચ ન્યાયાલયે મસ્જિદને વકફ બૉર્ડની પ્રૉપર્ટી માની.
વર્ષ 1966માં પણ સોહનલાલ આર્ય નામની એક વ્યક્તિએ સર્વેક્ષણ માટે બનારસની કોર્ટમાં અરજી કરી હતી.
આ વખતે સર્વેની માગ ઉઠાવનાર પાંચ મહિલામાંથી એક બનારસનાં લક્ષ્મીદેવી તેમનાં પત્ની છે.

જ્ઞાનવાપી મામલો - અત્યાર સુધી શું-શું થયું?

- 1991: ઉપાસનાસ્થળ કાયદો. કૉંગ્રેસની પીવી નરસિમ્હા રાવની સરકારે 1991માં ઉપાસનાસ્થળ કાયદો (વિશેષ જોગવાઈ) પાસ કર્યો. ભાજપે તેનો વિરોધ કર્યો. પરંતુ અયોધ્યાને અપવાદ માનવાને આવકાર્યું અને માગ કરી કે કાશી અને મથુરાને પણ અપવાદ માનવામાં આવે.
- 1991: જ્ઞાનવાપી મામલો કોર્ટમાં પહોંચ્યો. જ્ઞાનવાપી મસ્જિદને લઈને 1991માં પ્રથમ વખત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. વારાણસીના સાધુ-સંતોએ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને ત્યાં પૂજાની માગ કરી. અરજીમાં મસ્જિદની જમીન હિંદુઓને આપવાની માગ કરવામાં આવી પરંતુ મસ્જિદ પ્રબંધન સમિતિએ તેનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે તે ઉપાસનાસ્થળ કાયદાનું ઉલ્લંઘન છે.
- 2019: ડિસેમ્બરમાં અયોધ્યા ચુકાદાના અંદાજે એકાદ મહિના બાદ વારાણસી સિવિલ કોર્ટમાં નવી અરજી કરીને જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની માગ કરવામાં આવી.
- 2020: વારાણસીની સિવિલ કોર્ટમાં મૂળ અરજી પર સુનાવણીની માગ કરવામાં આવી.
- 2020: અલાહાબાદ હાઇકોર્ટે સિવિલ કોર્ટની કાર્યવાહી રોકી અને આ મામલે ચુકાદો અનામત રાખ્યો.
- 2021: હાઇકોર્ટની રોક છતાં વારાણસી સિવિલ કોર્ટે ઍપ્રિલમાં કેસની સુનાવણી ફરીથી શરૂ કરી અને મસ્જિદમાં સર્વેને અનુમતિ આપી.
- 2021: ઑગસ્ટમાં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસી સિવિલ કોર્ટમાં શ્રૃંગાર ગૌરીની પૂજાની અનુમતિ માટે અરજી દાખલ કરી.
- 2022: મસ્જિદ ઇંતેઝામિયાએ જ્ઞાનવાપી મસ્જિદની વીડિયોગ્રાફીને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા.
- 2022: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં 16 મેના રોજ સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો અને વારાણસી સિવિલ કોર્ટે મસ્જિદની અંદર તે વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો, જ્યાં કથિતપણે શિવલિંગ મળી આવ્યું હતું. તે સ્થળે નમાઝ પઢવા પર પણ રોક લગાવી દીધી હતી.
- 2022: 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે કથિતપણે શિવલિંગની સુરક્ષાની વાત કરી પરંતુ સાથે જ નમાઝ પઢવાની મંજૂરી આપી.
- 2022: 20 મેના રોજ સુપ્રીમ કોર્ટે એ મામલો વારાણસીની જિલ્લા કોર્ટમાં મોકલી આપ્યો, જે 12 સપ્ટેમ્બરે ચુકાદો આપ્યો.

ઉપાસનાસ્થળ કાયદો

18 સપ્ટેમ્બર 1991ના રોજ એક કાયદો ઘડવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્રમાં નરસિમ્હા રાવની સરકાર હતી અને તેની સરકારે પૂજાસ્થળ કાયદો સંસદમાં પસાર કર્યો હતો.
પૂજાસ્થળ વિશેનો આ કાયદો કહે છે ભારતમાં 15 ઑગસ્ટ, 1947ના રોજ જે પણ ધાર્મિકસ્થળ જે પણ સ્થિતિમાં હતું એને 'જૈસે થેની સ્થિતિમાં રાખવું' અને તેમાં કોઈ ફેરફાર કરવો નહીં.
એની એક જોગવાઈમાં એવું પણ કહેવાયું છે કે આ પ્રકારના કેસ કોર્ટમાં દાખલ કરતાં જ ખારિજ કરી દેવાશે. આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત દેશનાં બધાં જ ધાર્મિકસ્થળોને લાગુ પડે છે.
આ કાયદાની કલમ (3) અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સંપ્રદાય કે તેના કોઈ પંથના પૂજાસ્થળમાં કોઈ પણ રીતે કશો પણ ફેરફાર કરી શકે નહીં.
આ કાયદાની કલમ 4(1)માં લખ્યું છે કે - આથી જાહેર કરવામાં આવે છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ પૂજાસ્થળનું ધાર્મિક સ્વરૂપ જેવું હોય તેવું જ યથાવત્ રાખવામાં આવશે.
આ કાયદાની કલમ 4(2) જણાવે છે કે - આ અધિનિયમ લાગુ પડે તે પહેલાં 15 ઑગસ્ટ, 1947ના રોજમાં ઉપસ્થિત હતાં તેવાં કોઈ પણ પૂજાસ્થળના ધાર્મિક સ્વરૂપમાં ફેરફાર માટે કોઈ દાવો, અપીલ કે કોઈ કાર્યવાહી કોઈ અદાલત, કે અધિકારી સમક્ષ પૅન્ડિંગ હશે તો તે રદ થઈ જશે.
આવો કોઈ મામલો, દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી કોઈ અદાલત કે અધિકારી સમક્ષ શરૂ કરી શકાશે નહીં.

ઇમેજ સ્રોત, ARRANGED
આ કાયદાની કલમ (5) અનુસાર અયોધ્યાનો વિવાદ આમાંથી બાકાત રખાયો હતો, કેમ કે એ મુકદમો આઝાદી પહેલાંથી જ અદાલતમાં હતો.
વળી, જે સ્થળો પુરાતત્ત્વ વિભાગ અંતર્ગત હતાં અને એની જાળવણી માટે કોઈ રોકટોક નહોતી એને પણ આમાં અપવાદ તરીકે રખાયાં હતાં.
જોકે, કાયદો ઘડાયો ત્યારે ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓએ આ નવા કાયદાનો ભારે વિરોધ કર્યો હતો.
વર્ષ 2020ના ઑક્ટોબરમાં ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી કરીને 1991ના પૂજાસ્થળના કાયદાની બંધારણીય યોગ્યતા સામે સવાલ કર્યો હતો.
તેમણે ત્રણ બાબતોના આધારે પોતાની દલીલો રજૂ કરી છે.
પહેલી દલીલ એ કે કેન્દ્ર સરકાર પાસે આવો કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી.
તેમની દલીલ હતી કે 'પબ્લિક ઑર્ડર' એટલે કે 'કાયદો-વ્યવસ્થા' રાજ્ય સરકારનો વિષય છે.
નરસિમ્હા રાવની સરકારે જ્યારે આ કાયદો બનાવ્યો ત્યારે દેશ અને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી હોવાનું જણાવીને, એ સ્થિતિને આધાર બનાવાઈ હતી.
અશ્વિની ઉપાધ્યાયે બીજી દલીલ એ કરી હતી કે 'પિલગ્રિમેજ' એટલે કે 'તીર્થસ્થળ' પર કાયદો બનાવવાનો અધિકાર કેન્દ્ર અને રાજ્ય બંનેને છે. પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય મામલો હોય, જેમ કે કૈલાસ માનસરોવર અથવા નાનકાનાસાહિબ તો એ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે, જ્યારે મામલો રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળનો હોય ત્યારે એ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવે.
સુપ્રીમ કોર્ટ આ મામલે 11 ઑક્ટોબરે સુનાવણી કરી રહી છે.
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખતાં મસ્જિદ પક્ષના વકીલે તર્ક કર્યો હતો કે ઉપાસનાસ્થળ કાયદો લાગુ હોવાના લીધે અરજીકર્તાઓની અરજી દાખલ જ નહોતી થવી જોઈતી.

કેવી રીતે તૈયાર થઈ મસ્જિદ અને વર્તમાન મંદિરનું નિર્માણ?

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES
માન્યતા છે કે કાશી વિશ્વનાથ મંદિરને મુઘલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરના આદેશ પર તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી.
જોકે ઇતિહાસકારો સાથે વાત કરતાં સમગ્ર વાત ઘણી જટિલ નજરે પડે છે.
હાલમાં જે કાશી વિશ્વનાથ મંદિર તીર્થસ્થળ પર છે, તેને મરાઠા રાણી અહિલ્યાબાઈ હોલકરે તૈયાર કરાવ્યું હતું.
હિંદુ પક્ષકારોમાંથી કેટલાકનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિર મુસ્લિમ આક્રમણકારોએ તોડ્યું તે પહેલાં એક ભવ્ય ધાર્મિકસ્થળ હતું. તેમનાં મુજબ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યના સમયે કરવામાં આવ્યું હતું.
નવલકથાકાર અને કવિ મકરંદ પરંજાપે કહે છે કે વારાણસીમાં લૂંટ, અપવિત્રીકરણ અને નુકસાન પહોંચાડવાનો સિલસિલો મહમૂદ ગઝનવીના આક્રમણ સમયથી શરૂ થયું હતું.
ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં પોતાના લેખમાં તેઓ મંદિર પર હુમલાની વાતને લઈને 'શક્યતા' શબ્દનો પ્રયોગ કરે છે.
મકરંદ પરાંજપે કહે છે કે જ્યાં સુધી જ્ઞાનવાપીનો પ્રશ્ન છે, 'શક્ય' છે કે તે પવિત્ર સ્થળને વારંવાર તોડવામાં આવ્યું હોય અને ફરીથી તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય.
કાશી વિશ્વનાથ મંદિર મામલે અરજદાર વિજય શંકર રસ્તોગીનો દાવો છે કે ઔરંગઝેબે પોતાના શાસન દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ તો આપ્યો હતો પરંતુ તેમણે મસ્જિદ બનાવવાનો હુકમ આપ્યો નહોતો.
રસ્તોગી મુજબ બાદમાં મંદિરના અવશેષો પર જ મસ્જિદ બાંધવામાં આવી હતી. મસ્જિદ બનાવવા અંગેના ઐતિહાસિક પુરાવા બહુ સ્પષ્ટ નથી. પરંતુ ઇતિહાસકાર પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે મંદિર તૂટ્યા પછી અહીં મસ્જિદ બની હોય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે તે યુગમાં આવું ઘણી વખત થતું હતું.
પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે, "ઔરંગઝેબની ઉપસ્થિતિમાં તો નથી થયું. આદેશ ભલે આપ્યો હોય. પરંતુ મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબના સમયમાં જ થયું હતું."
વારાણસીમાં વરિષ્ઠ પત્રકાર યોગેન્દ્ર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિશે ઘણું સંશોધન કર્યું છે.
તેઓ સ્પષ્ટ રીતે કહે છે, "અકબરના સમયમાં ટોડરમલે મંદિર બંધાવ્યું હતું. લગભગ 100 વર્ષ પછી ઔરંગઝેબના સમયમાં મંદિર તોડી પાડવામાં આવ્યું. ત્યાર પછી લગભગ 125 વર્ષ સુધી અહીં કોઈ વિશ્વનાથ મંદિર ન હતું."
તેઓ આ મંદિરની પુરાણોમાં ઉલ્લેખિત વિશ્વનાથ મંદિર સાથે કોઈ સામ્યતા છે કે કેમ તે પ્રશ્ન અંગે સ્પષ્ટતાનો અભાવ હોવાનું જણાવે છે.
તેઓ કહે છે કે, "વર્ષ 1735માં ઇંદોરનાં મહારાણી દેવી અહલ્યાબાઈએ વર્તમાન મંદિરનું નિર્માણ કરાવ્યું. પુરાણોમાં જે વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો આ મંદિર સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની કોઈ માહિતી નથી."
જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખનારી સંસ્થા 'અંજુમન ઇંતજામિયા મસાજિદ'ના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન કહે છે કે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે મસ્જિદ અને મંદિર બંનેનું નિર્માણ અકબરે 1585ની આસપાસ પોતાના નવા ધર્મ 'દીન-એ-ઇલાહી' હેઠળ કરાવ્યું હતું. પરંતુ તેના જે દસ્તાવેજી પુરાવા મળ્યા તે બહુ સમય પછીના છે.
બીબીસી સાથે વાતચીતમાં સૈયદ મોહમ્મદ યાસીન કહે છે, "ઔરંગઝેબે મંદિરને તોડાવી નાખ્યું કારણ કે તેઓ 'દીન-એ-ઇલાહી'ને નકારતા હતા"
તેઓ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાની વાતને નકારતાં કહે છે : "મંદિરને તોડીને મસ્જિદ બનાવાઈ હતી એવું નથી. તે મંદિરથી બિલકુલ અલગ છે. અહીં એક કૂવો છે અને તેની અંદર શિવલિંગ છે તેવી વાતો પણ સાવ ખોટી છે. વર્ષ 2010માં અમે કૂવાની સાફસફાઈ કરાવી હતી. તેમાંથી કંઈ નીકળ્યું ન હતું."
પટના વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસવિભાગના પ્રોફેસર ઓમ પ્રકાશ પ્રસાદના પુસ્તક ઔરંગઝેબ, એક નવી દૃષ્ટિમાં પટ્ટાભિ સીતારમૈયાના પુસ્તક 'ફેધર્સ ઍન્ડ સ્ટોન્સ' અને પ્રખ્યાત ઇતિહાસકાર બીએન પાંડેને ટાંકીને એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સંઘર્ષની સ્થિતિમાં મંદિર નષ્ટ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
પુસ્તકમાં કચ્છનાં એક રાણીના અપહરણ, ઔરંગઝેબના સૈનિકો અને કેટલાક મહંતો વચ્ચે લડાઈની સ્થિતિ, જેમાં ધાર્મિકસ્થળને નુકસાન પહોંચ્યું અને એક ગુફા મળવાનો ઉલ્લેખ છે.
કચ્છના રાજા અન્ય કોઈ નહીં પણ આમેરના શાસક હતા અને ઉલ્લેખ છે કે મંદિરને તોડવાનું કામ કછવાહા શાસક જયસિંહની દેખરેખમાં જ કરાવવામાં આવ્યું હતું.
મહેસૂલી દસ્તાવેજોમાં જ્ઞાનવાપી મસ્જિદનો પહેલો ઉલ્લેખ 1883-34માં મળે છે. જ્યાં તેને જામા મસ્જિદ જ્ઞાનવાપી નામ આપેલું છે.
મસ્જિદ નિર્માણને લઈને એક દાવો એ પણ છે કે તેનું નિર્માણ 14મી સદીમાં જૌનપુરના સુલતાનોએ કરાવ્યું, જેના લીધે ત્યાં હાજર વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું. પરંતુ કેટલાક ઇતિહાસકારો કહે છે કે આ વાત પુરાવાને આધારે સાચી સાબિત થતી નથી.
ડાયના ઈકે 80ના દાયકામાં પોતાના પુસ્તક 'બનારસ : સિટી ઑફ લાઇટ'માં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી સલતનતના ખ્યાતનામ રાજકુમારી રઝિયતુદ્દીન (રઝિયા)એ પોતાના અલ્પ શાસનકાળમાં મસ્જિદ બનાવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













