You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા - પ્રેસ રિવ્યૂ
શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં તેઓ ફરી એકવાર પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે.
સતત ત્રીજી વખત શી જિનપિંગ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે.
એક દાયકા સુધી સત્તામાં રહેલા શી જિનપિંગે ત્રીજી વખત સત્તામાં આવીને ઘણા દાયકાઓથી ચાલી રહેલા રેકોર્ડને તોડીને ઈતિહાસ રચ્યો છે. તેમણે હવે માઓ ત્સે તુંગની બરાબરી કરી લીધી છે.
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓ ત્સે તુંગના નિધન બાદ કોઈ નેતા ત્રીજી વખત સત્તા પર નથી આવ્યા.
પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શી જિનપિંગે પોતાની નવી સ્ટેન્ડિંગ કમિટિની પણ જાહેરાત કરી છે.
શી જિનપિંગની ટીમમાં લી કિયાંગ, શાઓ લેજી, વાંગ હ્યૂનિંગ, કાઈ કી ડિંગ શેશિયાંગ અને લી શી કીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી લી કિયાંગને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમણે લી કેકિઆંગનું સ્થાન લીધું છે.
પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા બાદ શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું, 'મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આપ સૌનો આભાર.'
તેમણે કહ્યું કે દેશે અત્યાર સુધી ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે આપણે દરેક રીતે ચીનને એક આધુનિક સમાજવાદી દેશ બનાવવા તરફ આગળ વધીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
36 ઉપગ્રહો સાથે ઈસરોનું અત્યાર સુધીના સૌથી ભારે રૉકેટનું સફળ પ્રક્ષેપણ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ના પહેલા કૉમર્શિયલ મિશન રૉકેટ લૉન્ચ વિહિકલ એલએમવી-3 દ્વારા યુ.કે. સ્થિત ગ્રાહક વનવેબના 36 બ્રૉડબૅન્ડ કૉમ્યુનિકેશન સેટેલાઇટને સફળતાપૂર્વક ઇચ્છિત ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવ્યા છે.
ધ હિન્દુ અનુસાર, આ ઈસરોનું અત્યાર સુધીનું સૌથી ભારે રૉકેટ લૉન્ચ વિહિકલ માર્ક-3 (એલએમવી-3 અથવા જીએસએલવી માર્ક-3)ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લૉન્ચ પૅડ પરથી સવારે રાત્રે 12.07 વાગ્યે સફળતાપૂર્વક છોડવામાં આવ્યું હતું અને તેમણે વનવેબના 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક તરત મૂક્યા હતા.
વનવેબ એ ભારતની ભારતી એન્ટરપ્રાઇઝ અને યુકે સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
43.5 મિટરના આશરે 644 ટન વજન ધરાવતા એલએમવી-3 રૉકેટ લૉન્ચ વિહિકલે 5.7 ટન વજનના 36 ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. આ સફળ અભિયાન સાથે, એલએમવી-3એ વૈશ્વિક કૉમર્શિયલ લૉન્ચ સર્વિસ માર્કેટમાં પ્રવેશ કર્યો છે.
ઉડાન ભર્યાના એક કલાક બાદ મીડિયાને સંબોધતા ઈસરોના ચૅરમૅન એસ. સોમનાથે કહ્યું કે તમામ ઉપગ્રહો સફળતાપૂર્વક છુટા પડી ગયા છે. આ એક ઐતિહાસિક મિશન છે જે શક્ય તેટલા ઓછા સમયમાં અને આયોજન મુજબ પાર પાડવામાં આવ્યું હતું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ આગામી એમ-3 મિશનમાં પણ એકસાથે 36 ઉપગ્રહો મૂકશે.
પીએમ મોદીના હસ્તે 10 લાખ લોકોની ભરતી માટેના 'રોજગાર મેળા'નો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 10 લાખ લોકોની ભરતી કરવા માટેના "રોજગાર મેળા"ની શરૂઆત કરી હતી.
વડા પ્રધાનના હસ્તે 75 હજારથી વધુ લોકોને વિવિધ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, "રોજગાર મેળા" પાછળના તર્કને સમજાવતા વડા પ્રધાને કહ્યું, "અમે નક્કી કર્યું છે કે એક જ વારમાં નિમણૂક પત્રો આપવાની પરંપરા શરૂ કરવી જોઈએ જેથી કરીને વિભાગોમાં સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સામૂહિક ભાવના કેળવાય."
પ્રથમ તબક્કામાં 75 હજારથી વધુ લોકોને વિવિધ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપતા પીએમ મોદીએ મોંઘવારી અને બેરોજગારીથી પ્રભાવિત અર્થતંત્ર સામેના પડકારોનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ભારત હેમખેમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
નવી નિમણૂકો માટેના તેમના ભાષણમાં, મોદીએ રોજગારની તકોને વેગ આપવા માટે ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન ક્ષેત્રોમાં ભાર સહિત સરકાર દ્વારા લેવામાં આવેલા અસંખ્ય પગલાંનો ઉલ્લેખ કર્યો.
અલબત્ત, "રોજગાર મેળા"સાથે અનેક રાજ્યોની ચૂંટણીઓમાં બેરોજગારી એ વિપક્ષના પ્રચારનો મુખ્ય મુદ્દો રહ્યો છે અને તે આરોપ લગાવતો આવ્યો છે કે સરકાર રોજગારીની પૂરતી તકો ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે.
મોદીએ કોરોના મહામારીના સમયમાં "મુદ્રા" યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવેલી લોનની રેકૉર્ડ 3 લાખ કરોડ રૂપિયાની રકમનો ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ જૂનમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને આગામી 18 મહિનામાં 10 લાખથી વધુ લોકોની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અયોધ્યામાં દીપોત્સવના પ્રારંભે વડાપ્રધાનની હાજરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલાં સરયુ નદીના કિનારે દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે આજે અયોધ્યા જશે.
અયોધ્યામાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા છ વર્ષથી દીપોત્સવનું આયોજન થાય છે અને પીએમ મોદી આ સમારોહમાં પહેલીવાર હાજરી આપશે.
પીએમ મોદી લગભગ સાંજે 5 વાગ્યે અયોધ્યા પહોંચશે અને રામલલા વિરાજમાનના દર્શન કરીને રામ મંદિરના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે.
સાંજે તેઓ સરયુ નદીના ઘાટ પર આરતીમાં ભાગ લેવાના છે. આરતી બાદ મોદી દીપોત્સવનું ઉદ્ઘાટન કરશે.
રાજ્ય સરકારે આ વર્ષે દીપોત્સવની ઉજવણી દરમિયાન 15 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રસંગે વિવિધ રાજ્યોના નૃત્યની સાથે પાંચ ઍનિમેટેડ ટેબ્લો અને 11 રામલીલા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે.
સરયુના કિનારે મ્યુઝિકલ લેસર શોની સાથે રામ કી પૌડી ખાતે 3-ડી શોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ એક અધિકારીને ટાંકીને લખે છે કે, શ્રદ્ધાળુઓને આવકારવા માટે 30 દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે અને દરેકને રામાયણ સાથે સંકળાયેલા પૌરાણિક પાત્રોના નામ આપવામાં આવ્યા છે. જેમાં સીતા દ્વાર, શબરી દ્વાર, અહલ્યા દ્વાર, જટાયુ દ્વાર, રામ સેતુ દ્વાર, ભરત દ્વાર વગેરેનો સમાવેશ થાય છે.
સરકાર દીપોત્સવની ઉજવણી દરમિયાન અયોધ્યા માટે 66 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની પણ તૈયારી કરી રહી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો