You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચની આતુરતામાં ડર કેમ ભળ્યો?
- લેેખક, અબ્દુલ રશીદ શકુર
- પદ, બીબીસી ઉર્દૂ, મેલબોર્નમાંથી
- ટી-20 વર્લ્ડ કપમાં 23 ઑક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને ભારત વચ્ચે મૅચ યોજાવા જઈ રહી છે
- ઑસ્ટ્રેલિયાના હવામાનવિભાગે રવિવારે વરસાદની આગાહી કરી છે એટલે દરેકને ચિંતા છે કે જો મૅચ રદ થશે તો તે બીજી વાર નહીં રમાય, કારણ કે આ મૅચમાં અનામત દિવસ રાખવામાં આવ્યો નથી
- બીસીસીઆઈના સચિવ જય શાહે એવું નિવેદન કરીને નવી ચર્ચા છેડી છે કે ભારત આવતા વર્ષે એશિયા કપ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમવા માંગે છે
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) જય શાહના નિવેદન પર ભારે ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેની અસર 2023 અને 2031માં પાકિસ્તાની ટીમના ભારતના પ્રવાસ પર પણ પડી શકે છે જેમાં તે ભારતમાં વર્લ્ડકપ રમવાની છે
કલ્પના કરો કે તમારા મનમાં ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને તમે અન્ય કોઈ વિષય પર વાત કરવા નથી માંગતા, પરંતુ કોઈ અચાનક તમારી સાથે રાજનીતિની વાત માંડે છે.
બે ફ્લાઇટ બદલીને 16 કલાકની કંટાળાજનક મુસાફરી પછી હું મેલબર્ન ઍરપૉર્ટની બહાર નીકળ્યો ત્યારે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું.
થાક અને ઉજાગરો ભરેલી આંખો છતાં મારું મન માત્ર ટી-20 વર્લ્ડકપ વિશે જ વિચારી રહ્યું હતું. પરંતુ મારા ટૅક્સી ડ્રાઇવરે રાજનીતિની વાત છેડી. હું ઍરપૉર્ટથી હોટલ સુધી જે ટૅક્સી લઈને ગયો તેના ડ્રાઇવર સઈદ પાકિસ્તાનના રાવલપિંડીના હતા.
તેમણે એક જ વિષય ઉઠાવ્યો જેની ચર્ચા વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ વારંવાર કરે છે, એટલે કે પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે? તમને શું લાગે છે કે શું થશે?
મારો રાજનીતિમાં કોઈ રસ ન જોઈને સઈદે જાતે જ સંભળાવવાનું શરૂ કર્યું, "સાહેબ, મને તો એક જ વાતની ખબર પડે છે કે રાજકારણી કોઈપણ હોય, તે પાકિસ્તાન પ્રત્યે ઇમાનદાર નથી. મારાં ભાઈ-બહેનો પાકિસ્તાનમાં રહે છે, પણ હવે ત્યાં જવાનું મન નથી થતું. જો તમને ઑસ્ટ્રેલિયામાં રહીને પાકિસ્તાન વિશે આવી વાતો સંભળાય તો તમારી નિરાશા વધી જાય છે."
મેલબર્ન ગ્રાઉન્ડમાં સન્નાટો
મેલબર્ન પહોંચ્યા પછી, હું વર્લ્ડ કપ એક્રેડિટેશન કાર્ડ માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ વળ્યો, ગ્રાઉન્ડમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો.
મેદાનની ચારેબાજુ ઑસ્ટ્રેલિયન રમતજગતના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખેલાડીઓની પ્રતિમાઓ લાગેલી છે, જે દરેકનું ધ્યાન ખેંચે છે. તેમની વચ્ચે સર ડોન બ્રેડમૅનની પ્રતિમા પણ છે.
આ શાંત વાતાવરણ વચ્ચે કોલાહલ માત્ર મેદાનની બહારના આઈસીસી મીડિયા સેન્ટરમાં જોવા મળ્યો, જ્યાં ઘણા પત્રકારો તેમનાં કાર્ડ લેવા આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું વિચારતો હતો કે રમત શરૂ થવાને હજુ બે-ત્રણ દિવસની જ વાર છે, તો પછી આટલો સન્નાટો કેમ? આજે ખાલીખમ દેખાતા દરવાજે રવિવારે અલગ જ નજારો જોવા મળશે.
ભારત-પાક મૅચની આતુરતા
ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, પરંતુ સમગ્ર વિશ્વ 23 ઑક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ દિવસે, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને ભારત વચ્ચે મૅચ યોજાવા જઈ રહી છે.
હંમેશની જેમ, આ મૅચની દરેક ક્ષણને માણવા માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં ચાહકો મેલબર્ન ઊમટી રહ્યા છે. સામાન્ય ચાહકો હોય કે બોલીવૂડ સ્ટાર કે પછી બિઝનેસ ટાયકૂન, દરેક આ મૅચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ દરેકને એક જ વાતની ચિંતા છે કે વરસાદ મૅચના રંગમાં ભંગ પાડી શકે છે.
જ્યારથી ઑસ્ટ્રેલિયાના હવામાનવિભાગે રવિવારે વરસાદની આગાહી કરી છે, ત્યારથી દરેકને ચિંતા છે કે જો મૅચ રદ થશે તો તે બીજી વાર નહીં રમાય, કારણ કે આ એવી મૅચ નથી જેમાં અનામત દિવસ રાખવામાં આવ્યો હોય.
મેલબર્નમાં રહેતા લોકો ભારત-પાકિસ્તાન મૅચને ઉત્સવની જેમ ઊજવવાનું વિચારી રહ્યા છે. અહીં રહેતાં શાયરા અંદલીબ સિદ્દીકીનો આખો પરિવાર મૅચને લઈને ભાવુક થઈ ગયો છે.
બંને દેશના ચાહકો તૈયારી કરી રહ્યા છે
અંદલીબ સિદ્દીકી વર્લ્ડકપની ટી-શર્ટ મેળવીને ખૂબ જ ખુશ છે. તે મેલબર્નમાં સ્થાનિક ચેનલ પર કાર્યક્રમો પણ હોસ્ટ કરે છે.
તેમણે ભારત-પાકિસ્તાન મૅચ પર એક ગીત લખ્યું છે અને તેમના કાર્યક્રમમાં ગાયું છે, જેના શબ્દો આ પ્રમાણે હતા-
"વર્લ્ડ કપ કે આયે જમાને,
ક્યા દિન હૈ સુહાને,
તો બલ્લા લેકર આજા બાલમા"
અંદલીબ સિદ્દીકીએ કહ્યું, "મેલબર્ન અને સીડનીમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની અને ભારતીય સમુદાયો રહે છે. તેઓ બધા પોતપોતાની ટીમોને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે, પરંતુ તેઓ ક્યારેય એકબીજા સાથે ઝઘડતા નથી."
તેમણે કહ્યું કે પાકિસ્તાની સમુદાયે પણ રવિવારે યોજાનારી મૅચ માટે સારી તૈયારી કરી લીધી છે. આ દિવસે પાકિસ્તાની પ્રશંસકો શહેરના મધ્યમાં યારા નદી પાસે એકઠા થશે અને ત્યાંથી સ્ટેડિયમ તરફ એકસાથે કૂચ કરશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો હજુ વર્લ્ડકપમાં સામસામે આવી નથી. બીજા શબ્દોમાં કહીએ તો મેલબર્નના ઠંડા વાતાવરણમાં ક્રિકેટનું વાતાવરણ હજી ગરમ નથી થયું.
પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે એવું નિવેદન કરીને નવી ચર્ચા છેડી છે કે ભારત આવતા વર્ષે એશિયા કપ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમવા માંગે છે.
એશિયા કપ પર વિવાદ
જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે અને ભારતીય ક્રિકેટ બોર્ડમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે. આનું કારણ તેમના પિતા અમિત શાહ છે, જેઓ ભારતની વર્તમાન સરકારમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંત્રાલય ધરાવે છે.
જય શાહે આ નિવેદન માટે એવો સમય પસંદ કર્યો છે કે જ્યારે પાકિસ્તાન અને ભારત ટી-20 વર્લ્ડ કપની મહત્ત્વપૂર્ણ મૅચ રમવા જઈ રહ્યા છે. તેમનું આ નિવેદન પણ બધા માટે આશ્ચર્યજનક છે કારણ કે એશિયા કપને તો હજુ ઘણા મહિના બાકી છે, તો અત્યારે તેમને આવું કહેવાની જરૂર કેમ પડી?
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરશે, તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ કે જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કર્યા વિના કેવી રીતે કહ્યું કે એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જય શાહના નિવેદન પર ભારે ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેની અસર 2023 અને 2031માં પાકિસ્તાની ટીમના ભારતના પ્રવાસ પર પણ પડી શકે છે જેમાં તે ભારતમાં વર્લ્ડ કપ રમવાની છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો