બિલકીસબાનો : બળાત્કારીઓની મુક્તિને મોદી સરકારની મંજૂરી અને પીડિત પરિવારની મજબૂરીની કહાણી

બિલકીસબાનો ઇચ્છે છે કે હુમલાખોરો તેમણે આચરેલા ગુનાની ભયાનકતાને સમજે
ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો ઇચ્છે છે કે હુમલાખોરો તેમણે આચરેલા ગુનાની ભયાનકતાને સમજે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

અદાલતના એક દસ્તાવેજ અનુસાર, એક ગર્ભવતી મુસ્લિમ મહિલા પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા બદલ દોષી પુરવાર થયેલા 11 પુરુષોને, તેમની સજાની મુદ્દત પૂરી થાય તે પહેલાં મુક્ત કરવાની મંજૂરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી.

દોષિતો ગુજરાતમાં 2002માં થયેલાં મુસ્લિમવિરોધી રમખાણો દરમિયાન બિલકીસબાનો પર હુમલો કરનાર એક હિન્દુ ટોળામાં સામેલ હતા.

બળાત્કાર અને હત્યાના ગુના બદલ આજીવન કારાવાસની સજા પામેલા આ પુરુષોની મુક્તિ તથા હીરોની જેમ તેમના સન્માનને લીધે વૈશ્વિક સ્તરે આક્રોશ ફેલાયો છે.

15 ઑગસ્ટે ભારત સ્વાતંત્ર્યદિવસની ઉજવણી કરતું હતું અને વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં નાગરિકોને મહિલાઓના સન્માનની હાકલ કરી તેના કલાકો બાદ જ તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા તેનાથી ઘણા લોકો ચકિત થઈ ગયા હતા.

તમામ દોષિતો ગોધરા જેલની બહાર લાઇનમાં ઊભા છે અને તેમનાં સગાં-સબંધી તેમની મીઠાઈ ખવડાવી, તેમને પગે લાગીને તેમનાં આશીર્વાદ લઈ રહ્યાનાં હોવાનાં દૃશ્યો વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યાં હતાં.

એ સમયે રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા પહેલીવાર 2008માં દોષી જાહેર કરાયેલા આ ગુનેગારોએ જેલમાં 14 વર્ષથી વધારે સમય ગાળ્યો હોવાથી અને તેમની વય તથા જેલમાં સારા વર્તન જેવી બાબતોને ધ્યાનમાં રાખીને એક સરકારી પૅનલે તેમની મુક્તિને મંજૂરી આપી હતી.

જોકે, ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને સુપરત કરેલા દસ્તાવેજોમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની પરવાનગી માગી હતી, જે અમિત શાહના વડપણ હેઠળના કેન્દ્રીય ગૃહમંત્રાલયે જુલાઈમાં આપી હતી.

અદાલત તથા સરકારી વકીલોના વિરોધ છતાં તે મંજૂરી આપવામાં આવી હતી. સરકારી વકીલોએ જણાવ્યું હતું કે આ ગુનેગારોને "જેલમાંથી વહેલા મુક્ત ન કરવા જોઈએ અને તેમના પ્રત્યે કોઈ નરમાશ દેખાડવી ન જોઈએ," કારણ કે તેમણે "જઘન્ય અને ગંભીર" ગુનો આચર્યો છે.

લાઇન

બિલકીસના ગુનેગારોને વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરીથી છોડી મુકાયા હતા

લાઇન
  • સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા એક દસ્તાવેજ અનુસાર બિલકીસબાનો રેપ કેસમાં દોષિતોને કેન્દ્ર સરકારની મંજૂરીથી સજામાફી આપી હતી.
  • દોષિતો ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણોમાં બિલકીસબાનોના બળાત્કાર અને તેમના પરિવારજનોના ગુનામાં સામેલ હતા.
  • આ વર્ષે 15 ઑગસ્ટના રોજ 'જેલમાં સારા આચરણ'નો હવાલો આપી દોષિતોઓને છોડી મુકાયા હતા.
  • આ નિર્ણયને સમગ્ર વિશ્વમાં પત્રકારો અને નાગરિક સમાજના લોકો દ્વારા વખોડવામાં આવ્યો હતો.
  • બિલકીસબાનોનું કહેવું હતું કે દોષિતોની મુક્તિથી તેમનો 'શાંતિથી જીવવાનો અધિકાર' છિનવાઈ ગયો છે.
લાઇન

કર્મશીલોએ મુક્તિના નિર્ણયને વખોડ્યો હતો

ગોધરા રેલવે સ્ટેશને એક ટ્રેનમાં લાગેલી આગમાં 60 હિન્દુ યાત્રાળુઓ માર્યા ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોધરા રેલવે સ્ટેશને એક ટ્રેનમાં લાગેલી આગમાં 60 હિન્દુ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં હતાં

ગુનેગારોની મુક્તિને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી રહી છે.

હુમલાખોરોને છોડી મૂકવામાં આવ્યાના કેટલાક દિવસ પછી બિલકીસબાનોએ એક નિવેદન બહાર પાડીને સરકારના નિર્ણયને "અન્યાયી" ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણયથી ન્યાયમાંનો તેમનો વિશ્વાસ "હચમચી" ગયો છે.

બિલકીસબાનોએ કહ્યું હતું કે, "મારા જીવન અને પરિવારને બરબાદ કરી ચૂકેલા દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાની વાત સાંભળીને હું દિગ્મૂઢ થઈ ગઈ હતી. હું આજે પણ સ્તબ્ધ છું."

"આ નિર્ણય પાછો ખેંચવાની" અને " કોઈ ડર વિના તથા શાંતિથી જીવવાનો અધિકાર પાછો આપવાની" વિનંતી ગુજરાત સરકારને કરતાં બિલકીસબાનોએ કહ્યું હતું, "કોઈ મહિલા માટે ન્યાયનો અંત આવો કઈ રીતે હોઈ શકે? મેં દેશની સર્વોચ્ચ અદાલત પર ભરોસો કર્યો હતો. મેં વ્યવસ્થા પર વિશ્વાસ કર્યો હતો અને હું ધીમે-ધીમે આઘાતમાંથી બહાર આવવાનું શીખી રહી હતી. ગુનેગારોની મુક્તિએ મારી શાંતિ છીનવી લીધી છે અને ન્યાયમાંનો મારો વિશ્વાસ હચમચી ગયો છે."

સરકારના આ નિર્ણયને પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પક્ષો, કર્મશીલો તથા સંખ્યાબંધ પત્રકારોએ તેની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે આ નિર્ણય ભારતના લઘુમતી મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. ભારતીય જનતા પક્ષે 2014માં કેન્દ્ર સરકાર રચી એ પછી મુસ્લિમો પરના હુમલાઓમાં મોટો વધારો થયો છે.

6,000થી વધારે કર્મશીલો, ઇતિહાસકારો અને નાગરિકોએ એક નિવેદન બહાર પાડીને આ ઘટનાને "ન્યાયનો ગંભીર ગર્ભપાત" ગણાવી હતી અને ગુનેગારોની વહેલી મુક્તિનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી સર્વોચ્ચ અદાલતને કરી હતી.

ઘણા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે ગુનેગારોની મુક્તિ કેન્દ્ર તથા ગુજરાત સરકાર બન્ને દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદર્શક નિયમોનું ઉલ્લંઘન છે. તે નિયમો મુજબ, બળાત્કાર તથા હત્યાના દોષિતોને માફી આપી શકાય નહીં. ભારતમાં આવા ગુનાઓ બદલ સામાન્ય રીતે મૃત્યુપર્યંત આજીવન કારાવાસની સજા કરવામાં આવતી હોય છે.

line

ગુજરાત રમખાણોમાં અંગે ઊભા થયેલા સવાલ

ગુજરાતમાં 2002માં હિન્દુ ટોળાંએ સતત ત્રણ દિવસ સુધી ઉત્પાત મચાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 2002માં હિન્દુ ટોળાંએ સતત ત્રણ દિવસ સુધી ઉત્પાત મચાવ્યો હતો

રાજ્ય સરકારના નિર્ણયથી સૌથી મોટો આંચકો બિલકીસબાનો તથા તેમના પરિવારને લાગ્યો છે.

ન્યાય માટે તેમણે જે લાંબી લડાઈ લડી હતી તેને ધ્યાનમાં લેતાં બિલકીસબાનોના પરિવારનો ગુસ્સો તથા નિ:સહાયતા સમજી શકાય તેવાં છે.

બિલકીસબાનો અને તેમના પરિવાર પરનો હુમલો રમખાણ દરમિયાન બનેલી સૌથી ભયાનક ઘટનાઓ પૈકી એક છે. ગોધરા રેલવેસ્ટેશને એક પૅસેન્જર ટ્રેનમાં લાગેલી આગમાં 60 હિન્દુ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં અને તેના પગલે રમખાણ શરૂ થયાં હતાં.

આગ મુસ્લિમોએ લગાવી હોવાનો આક્ષેપ કરતાં હિન્દુઓ ટોળાઓએ મુસ્લિમો વિસ્તારો પર હુમલા કર્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા ઘટનાક્રમમાં 1,000થી વધારે લોકોનાં મોત થયાં હતાં અને એ પૈકીના મોટા ભાગના મુસલમાનો હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા. આ નરસંહાર અટકાવવાના કોઈ પગલાં ન લેવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી. પોતે કશું ખોટું કર્યું હોવાનો તેઓ સતત ઇનકાર કરતા રહ્યા છે અને રમખાણ બદલ તેમણે માફી પણ માગી નથી.

2013માં સુપ્રીમ કોર્ટની એક પૅનલે પણ કહ્યું હતું કે તેમની સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી, પરંતુ તેમની ટીકા કરતા લોકો તેમના શાસનમાં થયેલા રમખાણ માટે હંમેશાં તેમને દોષી ઠરાવતા રહ્યા છે.

એ પછીનાં વર્ષોમાં અદાલતોએ રમખાણમાં સંડોવાયેલા સંખ્યાબંધ લોકોને સજા કરી હતી, પરંતુ હાઈ-પ્રોફાઈલ દોષિતો જામીન પર મુક્ત થઈ ગયા હતા અથવા તો ઊપલી અદાલતોએ તેમને છોડી મૂક્યા હતા.

તેમાં નરેન્દ્ર મોદીનાં સાથી અને ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાણીનો પણ સમાવેશ થાય છે. ટ્રાયલ કોર્ટે માયા કોડનાણીને "રમખાણોનું કેન્દ્ર" ગણાવ્યાં હતાં.

હવે બિલકીસબાનો સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ પુરુષોને મુક્ત કરવામાં આવ્યા છે.

line

ઘટનાના દિવસે શું બન્યું?

રમખાણો થયાં ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રમખાણો થયાં ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા

આ કેસમાં 11 દોષિતોને આજીવન કારાવાસની સજા પર બૉમ્બે હાઇકોર્ટે મહોર મારી તેના કેટલાક દિવસો પછી જ મે, 2017માં હું બિલકીસબાનોને દિલ્હીમાં એક સલામત ઘરમાં મળી હતી.

19 વર્ષનાં બિલકીસબાનોના ગર્ભમાં તેમનું બીજું બાળક આકાર લેતું હતું. ટ્રેનને આગ ચાંપવામાં આવી તેની બીજી સવારે તેઓ તેમની ત્રણ વર્ષની દીકરી સાથે ગોધરા નજીકના રણધિકપુર ગામમાં રહેતાં માતા-પિતાને ત્યાં ગયાં હતાં.

બિલકીસબાનો એ મને કહ્યું હતું કે, "હું રસોડામાં બપોરનું ભોજન રાંધતી હતી ત્યાં મારાં કાકી અને તેમનાં બાળકો દોડી આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે તેમનાં ઘરોને આગ ચાંપવામાં આવી છે અને અમારે ત્યાંથી તત્કાળ ભાગવું પડશે. અમારી પાસે અમે પહેર્યાં હતાં એ કપડાં હતાં. અમે સ્લીપર પહેરવામાં પણ સમય બગાડ્યો ન હતો."

બિલકીસબાનો 17 મુસ્લિમોના એક જૂથ સાથે હતાં. તેમાં તેમનાં પુત્રી, માતા, ગર્ભવતી પિતરાઈ બહેન, તેનાં નાનાં ભાઈભાંડુ, ભત્રીજી, ભત્રીજા અને બે પુખ્ત પુરુષોનો સમાવેશ થતો હતો.

થોડા દિવસ સુધી તેઓ એક ગામથી બીજા ગામે પ્રવાસ કરતાં રહ્યાં હતાં. તેમણે મસ્જિદોમાં આશરો લીધો હતો અથવા તો હિન્દુ પાડોશીઓની દયા પર નિર્વાહ કર્યો હતો.

બાજુના ગામમાં પોતે સલામત રહેશે એવું ધારીને આ લોકો ત્રીજી માર્ચની સવારે રવાના થતાં હતાં ત્યારે પુરુષોના એક ટોળાએ તેમને અટકાવ્યાં હતાં.

બિલકીસબાનોએ કહ્યું હતું કે, "તેમણે અમારા પર તલવારો તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરો પૈકીના એક મારા ખોળામાંથી મારી બાળકીને આંચકીને જમીન પર ફેંકી દીધી હતી. મારી દીકરીનું માથું પથ્થર સાથે અફળાવ્યું હતું."

હુમલાખોરો બિલકીસના પાડોશી ગામમાં રહેતા હતા. બિલકીસબાનો મોટાં થયાં ત્યાં સુધી પુરુષોએ તેમને લગભગ રોજ જોયાં હતાં. તેમણે બિલકીસનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને હુમલાખોરો પૈકીના અનેકે, બિલકીસબાનોની દયાની યાચનાને ધ્યાનમાં લીધા વિના તેમના પર બળાત્કાર કર્યો હતો.

બિલકીસબાનોનાં પિતરાઈ બહેને હજુ બે દિવસ પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. એ છોકરી પર બળાત્કાર અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. તેમના નવજાત બાળકની પણ હત્યા કરવામાં આવી હતી.

બિલકીસબાનો બેભાન થઈ ગયાં હતાં, પણ તેઓ મૃત્યુ પામ્યાં છે એમ ધારીને હુમલાખોરો ચાલ્યા ગયા હતા. પરિણામે બિલકીસબાનો બચી ગયાં હતાં. તે નરસંહારમાં તેમના ઉપરાંત સાત તથા ચાર વર્ષની વયના બે છોકરા જ બચી શક્યા હતા.

line

ન્યાય માટે લડી લાંબી લડાઈ

ન્યાય માટેની બિલકીસબાનોની લડાઈ લાંબી અને દુઃસ્વપ્ન જેવી છે. રાજ્ય સરકારના અને કેટલાક પોલીસ અધિકારીઓએ તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમૉર્ટમ કર્યા વિના દફનાવી દેવાયા હતા. જે ડૉક્ટરે બિલકીસબાનોની શારીરિક તપાસ કરી હતી તેમણે જણાવ્યું હતું કે બિલકીસબાનો પર બળાત્કાર કરવામાં આવ્યો નથી અને તેમને મોતની ધમકી મળી છે. આ બધું સ્પષ્ટ રીતે નોંધાયેલું છે.

સર્વોચ્ચ અદાલતે કેસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપ્યો પછી છેક 2004માં આ કેસમાં પહેલી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાંની અદાલતો બિલકીસબાનોને ન્યાય આપી શકી નથી એ દલીલ સાથે પણ સર્વોચ્ચ અદાલત સહમત થઈ હતી અને આ કેસ મુંબઈની કોર્ટમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.

ન્યાય માટેની બિલકીસબાનોની લડાઈ તેમના પરિવાર માટે પણ વિક્ષેપક સાબિત થઈ હતી. તેમણે લગભગ ડઝનેક વખત ઘર બદલવાં પડ્યાં હતાં.

બિલકીસબાનોના પતિએ મને કહ્યું હતું કે "અમે આજે પણ ઘરે નથી જઈ શકતાં, કારણ કે અમને ડર છે. પોલીસ તથા રાજ્યનું વહીવટી તંત્ર હુમલાખોરોને હંમેશાં મદદ કરતાં રહ્યાં છે. અમે ગુજરાત જઈએ ત્યારે અમારા ચહેરા ઢાંકવા પડે છે. અમે અમારું સરનામું કોઈને ક્યારેય આપતાં નથી."

આ કેસની અદાલતી કાર્યવાહી દરમિયાન બિલકીસબાનો સહિતના ઘણા લોકોએ હુમલાખોરોને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી,

મુંબઈ હાઇકોર્ટે તેમને આજીવન કારાવાસની સજા ફરમાવી એ પછી, બિલકીસબાનોએ મને જણાવ્યું હતું કે તેમને "વેરની વસૂલાતમાં રસ નથી, હું માત્ર એટલું જ ઇચ્છું છું કે તેમણે જે કર્યું છે તેની ગંભીરતા તેઓ સમજે."

બિલકીસબાનોએ કહ્યું હતું કે, "મને આશા છે કે તેમને તેમના ગુનાની ભયાનકતા એક દિવસ સમજાશે કે તેમણે કઈ રીતે નાનાં બાળકોની હત્યા કરી હતી અને મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો."

બિલકીસબાનોએ ઉમેર્યું હતું કે, "ગુનેગારો તેમનું આખું જીવન જેલમાં જ પસાર કરે એવી મારી ઇચ્છા છે."

ગુનેગારોની મુક્તિ પછી બિલકીસબાનોના પતિ યાકુબ રસૂલે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારને જણાવ્યું હતું કે તેમનાં પત્ની ચિંતિત અને હતાશ હતાં.

તેમણે કહ્યું હતું કે, "અમે વર્ષો સુધી જે લડાઈ લડ્યાં તેનો એક જ મિનિટમાં વીંટો વાળી દેવાયો. અમને આ સમાચાર સમજવાનો સમય મળ્યો નથી, પરંતુ ગુનેગારો તેમના ઘરે પહોંચી ગયા છે તે હું બરાબર જાણું છું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન