ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિનો વિવાદ, 'સરકારીકરણ' કે 'બિનજરૂરી વિવાદ'?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી

- ગૂજરાત વિદ્યાપીઠના નવ ટ્રસ્ટીઓનાં રાજીનામાં
- વિદ્યાપીઠના કુલપતિપદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ બાબતે રજૂ કર્યો વિરોધ
- વિદ્યાપીઠની સ્વાયત્તતા જોખમમાં હોવાની વાતનો આપ્યો હવાલો

ગાંધીબાપુ દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બોર્ડના કુલ 24 સભ્યોમાંથી નવે સોમવારે સામૂહિક રાજીનામું આપ્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે આચાર્ય દેવવ્રતને નિમંત્રણના નિર્ણયના વિરોધમાં ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યાંની વાત સામૂહિકપત્રમાં સ્વીકારી છે.
નોંધનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઈલાબહેન ભટ્ટે પોતાના પદ પરથી 'ખરાબ તબિયત'ને કારણે રાજીનામું આપ્યું છે અને તેઓ 19 ઑક્ટોબર સુધી આ પદ પર ચાલુ રહેવાનાં હતાં.
નવા કુલપતિનું પદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ઑફર કરવા માટે આ મામલે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની મૅરેથૉન મિટિંગોને લઈને પણ રાજીનામું આપનાર ટ્રસ્ટીઓએ નાખુશી વ્યક્ત કરી હતી.
તેમ છતાં કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ 11 ઑક્ટોબરના રોજ ગવર્નરને આ પદ ધારણ કરવા માટે નિમંત્રણ આપવા જતાં ગર્વનરે તેનો સ્વીકાર કર્યો હતો.
રાજીનામું ધરનાર ટ્રસ્ટીઓનો આરોપ છે કે 'આ નિર્ણય સર્વસંમતિથી નથી લેવાયો. તેમજ આ નિર્ણયને કારણે વિદ્યાપીઠ જેવી સંસ્થાની સ્વાયત્તતા જોખમમાં મુકાઈ શકે છે.'
આ સમગ્ર વિવાદના કારણે ગૂજરાત વિદ્યાપીઠનું નામ ફરી એક વાર નકારાત્મક કારણસર સમાચારમાં છવાઈ ગયું છે.
વિવાદની હકીકતોને વધુ ઊંડાણપૂર્વક તપાસવા માટે બીબીસી ગુજરાતીએ આ મામલાના કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'વિદ્યાપીઠની સ્વાયત્તતા પર જોખમ'

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નિમણૂકના વિવાદથી જાણકાર અને વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓએ લખેલા પત્રમાં ઉઠાવાયેલા વાંધા સાથે સંમત છે.
તેઓ જણાવે છે કે, "ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવાનો નિર્ણય રાજકીય અને સરકારી દબાણ હેઠળ કરાયો છે. આ નિર્ણયમાં ગુજરાત વિદ્યાપીઠ મંડળના યોગ્ય વ્યક્તિને કુલપતિ તરીકે નિમંત્રણ આપવાના અધિકાર છેદ ઉડાડી ચોક્કસ વ્યક્તિને કુલપતિ તરીકે નિમંત્રણ આપવાની ફરજ પાડવામાં આવી છે. આ સ્વાયત્તતાનો ભંગ છે અને આ પગલું સરકારી સકંજાનું પ્રતીક છે."
આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ તરીકેના નિમંત્રણ અને 'ગાંધીવાદી મૂલ્યો ધરાવતી વ્યક્તિ' તરીકે તેમની રજૂ કરાતી છબિ અંગે વાત કરતાં પ્રકાશ ન. શાહ જણાવે છે કે, "આચાર્ય દેવવ્રતના સમર્થકો તેમને આ નિર્ણય બાદથી ચડિયાતા ગાંધીવાદી તરીકે રજૂ કરવામાં લાગી ગયા છે. પરંતુ સરકારી દબાણ હેઠળ જ્યારે તેઓ ગાંધી દ્વારા ઊભી કરાયેલી સંસ્થામાં પ્રવેશવા માગતા હોય ત્યારે તેમના કથિત ગાંધીવાદ પર સવાલ ઊભો થયો છે. દબાણમાં કોઈ રીતે ગાંધીવિચારનું સત્ત્વ ન હોઈ શકે."
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "આચાર્ય દેવવ્રતને ગાંધીવાદી મૂલ્યો ધરાવતી વ્યક્તિ તરીકે રજૂ કરવાના પ્રયાસ જ હકીકત જણાવી દે છે, આ વાતથી સ્પષ્ટ થઈ જાય છે કે કેમ તેમના આ દાવા પર શંકા ઊપજે એ વાજબી છે."
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની નિમણૂકને લઈને તાજેતરમાં થઈ રહેલા વિવાદ અને તેની પાછળનાં કારણોને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ગણાવે છે.
તેઓ કહે છે કે, "એક પછી એક બાપુની સંસ્થાઓને હડપ કરવાની આ પ્રવૃત્તિ અત્યંત દુ:ખદ છે. પરંતુ આવું સરકાર કરે એમાં કોઈ નવાઈ નથી, પરંતુ બાપુની સંસ્થાઓની જાળવણી અને રક્ષણ કરવા માટે નિમાયેલા લોકોની નિષ્કાળજી અને નિષ્ક્રિયતાને લીધે પણ આવું બની રહ્યું છે, એ વાત અતિશય દુ:ખદાયી છે."
તુષાર ગાંધી આગળ કહે છે કે, "આ પહેલી વાર સરકાર દ્વારા આવો પ્રયત્ન કરાયો હોય તેવું નથી. સૌપ્રથમ શરૂઆત નવજીવનથી થઈ હતી, તે બાદ સાબરમતી આશ્રમ અને હવે વિદ્યાપીઠમાં પણ સરકારનો હસ્તક્ષેપ વધવા જઈ રહ્યો છે."
"ગૂજરાત વિદ્યાપીઠના 'સરકારીકરણ'ની આ પ્રવૃત્તિમાં ભલે અંતે ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યાં હોય પરંતુ તેમને જે થયું તેમાંથી દોષમુક્ત ન કરી શકાય."
તેઓ ટ્રસ્ટી મંડળની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતાં કહે છે કે, "ટ્ર્સ્ટી મંડળનું કામ સંસ્થાનું રક્ષણ કરવાનું હતું. પરંતુ વર્ષો સુધી બેદરકારી રાખી તેમાં અયોગ્ય માણસોનો પગપેસારો થવા દેવાયો અને હવે તેમની જાણ બહાર નિર્ણય લેવાયો હોવાની આ વાત માત્રથી તેઓ આ જવાબદારીથી છટકી ન શકે. તેમને તમામ મુદ્દાની જાણ રહે અને સંસ્થાનાં મૂલ્યોનું રક્ષણ થાય તે માટે જ ટ્રસ્ટી બનાવાયા હતા."

'બિનજરૂરી વિવાદ'

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ કેટલાક 'ગાંધીવાદી'ઓ દ્વારા આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમંત્રણને 'સરકારી દબાણ અને સંસ્થાની સ્વાયત્તતા પર હુમલો' ગણાવાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ આ નિર્ણયના સમર્થકો આને 'બિનજરૂરી વિવાદ' ગણાવે છે.
ઇતિહાસકાર અને રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા આ સમગ્ર વિવાદ અંગે વાત કરતાં કહે છે કે, "આ એક તદ્દન સામાન્ય ઘટના છે. સંસ્થાઓમાં લોકો આવે, જાય, પસંદગી પામે તે થાય જ છે. તેને આદર્શવાદનો ઢોળ ન ચડાવવો જોઈએ."
"વાસ્તવમાં વિદ્યાપીઠમાં ગાંધી સિવાયનું બધું છે. સરકારી અને યુજીસીની ગ્રાન્ટ મેળવ્યા છતાં એવો આગ્રહ રાખવો કે અમારે તો અમુક પ્રકારના જ ચાન્સેલર જોઈએ તે એક પ્રકારનો દંભ છે."
"ગૂજરાત વિદ્યાપીઠના હોદ્દેદારોએ સ્વેચ્છાથી નિમંત્રણ આપેલ છે, તેમાં લઘુમતી-બહુમતી જેવું તો રહેવાનું. તેથી મારા મતે આ વિવાદ સંપૂર્ણપણે બિનજરૂરી છે."
વિષ્ણુ પંડ્યાએ આચાર્ય દેવવ્રતનાં વખાણ કરતાં કહ્યું હતું કે, "જે માણસની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો છે તે સામાન્ય માણસ નથી. તેમણે ઘણાં રચનાત્મક કામો કર્યાં છે."
"ગુરુકુળની શિક્ષણપદ્ધતિથી ઊભી થયેલી અને પ્રાકૃતિક ખેતીની દિશામાં યોગદાન આપનાર વ્યક્તિ છે. પરંતુ એમાં પણ એવી જડતા દાખવવી કે અમારે 'ગાંધીજન' જોઈએ એ કઈ રીતે ચાલે. તેમજ ગાંધીજન કોણ એ કોણ નક્કી કરશે?"

વિવાદ અને સ્પષ્ટતા
ગૂજરાત વિદ્યાપીઠના હાલના વિવાદમાં રાજીનામું આપનાર ટ્રસ્ટીઓના સંયુક્ત પત્રમાં લખ્યું છે કે, "કેળવણીની કોઈ પણ સંસ્થા સરકારની આર્થિક મદદ મેળવતી હોવા છતાં સત્તા અને રાજકારણથી મુક્ત અને સ્વાયત્ત હોવી જોઈએ. તે સરકાર કે તેની નીતિઓને અનુસરે તેમજ સરકાર કહે તે હોદ્દેદારો નીમે તે જરૂરી નથી તે સરકારી નીતિઓની વાહક કે તેનું વાજિંત્ર બને તે તેને માટે ખૂબ ઘાતક છે."
"તેમજ આવી સંસ્થા કોઈ પણ રાજકીય પક્ષ કે ધર્મ વિશેષના પ્રભુત્વથી ચાલતી હોય તે પણ ઇચ્છનીય નથી."
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં રાજીનામું આપનાર એક ટ્રસ્ટી મંદાબહેન પરીખે કહ્યું હતું કે, "અત્યારના બનાવો સંસ્થાની નીતિલક્ષી સ્વતંત્રતાથી વિપરીત છે. ગાંધીનો વારસો એ સમગ્ર દેશનો છે."
રાજીનામાંની ઘટના બાદ ગૂજરાત વિદ્યાપીઠે આ બાબતે સ્પષ્ટતા કરતું એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં લખાયું હતું કે, "આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન સ્વીકારવાનો ઠરાવ બહુમતીથી પસાર કરાયો છે. "
નવ ટ્રસ્ટીઓ પૈકી વિદ્યાપીઠના આજીવન ટ્રસ્ટી નરસિંહભાઈ હઠીલા અંગે નિવેદનમાં લખાયું છે કે, "નરસિંહભાઈ હઠીલા પણ આ મિટિંગમાં હાજર હતા. અને રાજીનામાના અસ્વીકારની વાતનું તેમણે સમર્થન કર્યું હતું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













