ઈરાન : એક મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલાં પ્રદર્શનોનો અંત ક્યારે આવશે?

તરુણીઓ હિજાબ કાઢતાં

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, હિજાબ કાઢતી તરુણીઓ
    • લેેખક, ઈવાના સ્કેટોલા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
લાઇન
  • ઈરાનમાં પાછલા કેટલાક સમયથી મહિલાઓના અધિકારો મામલે પ્રદર્શન થઈ રહ્યાં છે
  • રાજાશાહની ઉથલાવીને નવા સ્થાપિત કરાયેલ ઇસ્લામિક ગણતંત્ર સામે પ્રથમ વખત આટલાં વ્યાપક પ્રદર્શનો થઈ રહ્યાં છે
  • આ પ્રદર્શનોમાં મહિલાઓ અને મોટા ભાગે યુવાનો પોતાની પસંદગીના અધિકારો અને સ્વતંત્રતા માટે ઝઝૂમી રહ્યાં હોવાનું જણાવાઈ રહ્યું છે
લાઇન

ઈરાનમાં એક યુવતીના મૃત્યુને પગલે શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શનને ત્રણ સપ્તાહ થઈ ચૂક્યાં છે. આ સમય દરમિયાન વિરોધ-પ્રદર્શનકર્તાઓની માગણીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે અને તેમાં હવે ઈરાનનો યુવાવર્ગ દેશમાં જે પરિવર્તન ઇચ્છે છે તેનો પણ સમાવેશ થયો છે.

ઈરાનમાં મહિલાઓએ તેમના વાળ સહિતનું માથું ઢંકાય તે રીતે હિજાબ પહેરવો અનિવાર્ય છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ ઈરાનની નૈતિકતા પોલીસે માહસા અમિનિ નામની એક ઈરાની-કુર્દિશ યુવતીને અટકાયતમાં લીધી હતી. એ યુવતીનું મોત થતાં વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યાં હતાં.

મહદ્અંશે મહિલાઓના નેતૃત્વમાં ચાલી રહેલા આ વિરોધપ્રદર્શનમાં પ્રદર્શનકર્તાઓ એ જાણવા ઇચ્છે છે કે માહસા અમિનિનું મૃત્યુ કઈ રીતે થયું હતું. તેઓ જવાબદારી નક્કી કરવાની, હિજાબના આકરા કાયદા રદ કરવાની અને તે કાયદાનું પાલન કરાવતી ઈરાનની નૈતિકતા પોલીસને નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે.

line

'મહિલા, જીવન, સ્વાતંત્ર્ય'

આ પ્રદર્શનોમાં મહિલાઓ આગળ આવીને ભાગ લઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, આ પ્રદર્શનોમાં મહિલાઓ આગળ આવીને ભાગ લઈ રહ્યાં છે

વિરોધપ્રદર્શનકર્તાઓનું મુખ્ય સૂત્ર છે : મહિલા, જીવન, સ્વાતંત્ર્ય. જે સમાનતા માટેની હાકલ અને ધાર્મિક રૂઢિચૂસ્તતા સામેનું આકરું વલણ છે.

બીબીસી પર્શિયનનાં સિનિયર રિપોર્ટર બરન અબ્બાસી કહે છે કે, "આ નવું સૂત્ર છે. વિરોધપ્રદર્શનમાં અગાઉ અમે એ ક્યારેય સાંભળ્યું નથી."

આ જ સૂત્ર ઉચ્ચારીને પુરુષો પણ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.

બ્રિટનસ્થિત ઈરાની-બ્રિટન મહિલા અધિકાર કર્મશીલ નેગિન શિરાધાઈ કહે છે કે, "માહસાનું મોત થયું ત્યારે મહિલાઓના અધિકારની વાત મોખરે હતી, પરંતુ ઈરાનમાં મહિલાઓના અધિકારો અને મહિલાઓના સ્વાતંત્ર્યનો અર્થ બધા માટે સ્વતંત્રતા એવો થાય છે."

વિરોધપ્રદર્શન વિસ્તરવાની અને ઝડપથી ગતિ પકડવાની સાથે માગણીનો વ્યાપ પણ વધ્યો છે.

દેશના સર્વોચ્ચ નેતા અને ઇસ્લામિક ગણતંત્રના અંતનો સંદર્ભ ધરાવતાં "સરમુખત્યારનું મોત" એવાં સૂત્રો પણ શેરીઓમાં સંભળાઈ રહ્યાં છે.

નેગિન શિરાઘાઈ કહે છે કે, "આ સૂત્રો શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસેથી પણ સાંભળવા મળે છે. બાળકો શેરીઓમાં જઈને વર્તમાન શાસનને ઉથલાવવાની હાકલ કરી રહ્યાં છે."

ઘણાં શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણાં શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે

યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ "આઝાદી, આઝાદી, આઝાદી"નો સૂત્રોચ્ચાર કરતાં પણ સાંભળવા મળે છે.

સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં લોકો તમામ પ્રકારની આઝાદીની હાકલ કરી રહ્યા છે. ધરપકડના કોઈ ડર વિના ઇચ્છિત વસ્ત્રો પહેરવાની આઝાદી અને મનગમતું સંગીત સાંભળવાની આઝાદીની હાકલ તેઓ કરી રહ્યા છે.

વિરોધપ્રદર્શનકર્તાઓની માગણીનો સાર જણાવતાં નેગિન શિરાઘાઈ કહે છે કે, "તે મૂળભૂત રીતે માનવાધિકાર વિશેની છે. તેઓ શેરીઓમાં જે નારા લગાવી રહ્યા છે તે સ્વાતંત્ર્ય, મહિલા અધિકારો અને સરકારને ઉથલાવવા વિશેના છે."

line

વારલ થયેલું પ્રોટેસ્ટ સોંગ

શેરવિન હાજીપોરે એક ગીત રેકર્ડ કરીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેર્વિન હાજીપોરે એક ગીત રેકર્ડ કરીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યું હતું

વિરોધપ્રદર્શનને ટેકો આપવાના ઈરાની લોકોનાં અંગત કારણો વિશેનો એક ટ્વિટર થ્રેડ તાજેતરમાં વાઇરલ થયો હતો. દરેક ટ્વીટ "મારા સપના માટે...સમાનતા માટે...સામાન્ય જિંદગી માટે" એવા શબ્દોથી શરૂ થાય છે.

યુવાન અને પ્રમાણમાં ઓછા જાણીતા શેર્વિન હાજીપોર નામના એક ઈરાની ગાયકે આ થ્રેડમાંથી પ્રેરણા લઈને એક ગીત લખ્યું છે. તે ગીત બધી ટ્વીટ્સનું સંકલન છે.

તે ગીતને લાખો ઈરાનીઓએ આવકાર્યું છે અને તેને રજૂ થયાના 48 કલાક પછી ઇન્સ્ટાગ્રામ પર ચાર કરોડથી વધારે વ્યૂ મળ્યાં હતાં.

બીબીસી પર્શિયનના સોશિયલ મીડિયા પત્રકાર તરનેહ સ્ટોન કહે છે કે, "કોઈ અજાણ્યા ગાયકને ઇન્સ્ટાગ્રામ પર આટલા બધા વ્યૂઝ મળે તે અભૂતપૂર્વ ઘટના છે."

સત્તાવાળાઓએ એ પછી તરત જ શેર્વિન હાજીપોરની ધરપકડ કરી હતી અને એ ગીતને તેના પ્રોફાઇલ પરથી હઠાવી લેવામાં આવ્યું હતું. શેર્વિનને હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

line

હતાશ છે યુવા પેઢી

તહેરાનના રસ્તા પર વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તહેરાનના રસ્તા પર વિરોધપ્રદર્શન

શેરીઓમાંના મોટાભાગના વિરોધપ્રદર્શનકર્તાઓ યુવા છે અને કેટલાક તો હજુ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે.

નેગિન શિરાઘેઈ કહે છે કે, "સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણ ખોરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે એવું કહી રહ્યા છે કે તેમના સાથી વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વર્ગખંડોમાં પાછા ફરશે નહીં."

ખાસ કરીને આજની પેઢી હતાશાનો અનુભવ કરી રહી છે ત્યારે આ બધું બની રહ્યું છે.

ઈરાનના ભદ્રવર્ગમાં ચાલતો વ્યવસ્થિત ભ્રષ્ટાચાર, ફુગાવાના 50 ટકાથી વધુ દર સાથે વધતી ગરીબી અને સામાજિક તથા રાજકીય સ્વાતંત્ર્યના અભાવે તેમને નિરાશામાં ધકેલ્યા છે.

બધા જાણે છે તેમ, 1979ની ઈસ્લામિક ક્રાંતિમાં રાજાશાહીને ઉખાડી ફેંકવામાં આવી હતી અને તેનું સ્થાન ઇસ્લામિક ગણતંત્રે લીધું હતું. એ પછીના આ સૌપ્રથમ વિરોધપ્રદર્શનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે.

પાટનગર તહેરાનના સમૃદ્ધ વિસ્તારોથી માંડીને મધ્યમ વર્ગ તથા નોકરિયાત વર્ગના વિસ્તારોમાં અને તહેરાનથી આશરે 1,200 કિલોમિટર દૂર આવેલા દક્ષિણ-પૂર્વના બલુચેસ્તાન જેવા રાજ્યના સૌથી ગરીબ વિસ્તારો સુધી વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે અને વિવિધ વંશના લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.

નેગિન શિરાઘાઈ કહે છે કે, "છેલ્લા ચાર દાયકાથી દેશમાં ગેરવહીવટ ચાલી રહ્યો છે. તેમાં વ્યવસ્થિત ભ્રષ્ટાચાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ઉમેરો થયો છે. તેની અસર સમાજમાં દરેક સ્તરે દેખાઈ રહી છે."

વિવિધ વર્ગના લોકો વિરોધપ્રદર્શનનો હિસ્સો બની રહ્યા હોવાથી આંદોલનમાં આસમાને પહોંચેલા ચીજવસ્તુઓના ભાવ તથા વ્યાપક બેરોજગારીથી માંડીને ભ્રષ્ટાચાર તથા રાજકીય દમન જેવા મુદ્દાઓ પણ ભળી રહ્યા છે.

line

અગાઉનાં વિરોધપ્રદર્શન

હાલનું વિરોધપ્રદર્શન 1979ની ક્રાંતિ પછીની ઈરાનમાંની સૌથી લાંબા સમયથી ચાલતી ચળવળ છે.

2009માં ચૂંટણીમાં ગેરરીતિ, 2017માં આર્થિક ગેરવહીવટ અને 2019માં ઈંધણના ભાવમાં વધારા સંબંધે થયેલા વિરોધપ્રદર્શનને ઈરાનના સલામતી દળોએ નિર્દયતાપૂર્વક કચડી નાખ્યાં હતાં.

આ વખતના વિરોધપ્રદર્શન સામે સરકારે અપેક્ષિત પગલાં લીધાં છે. સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારોની ધરપકડ કરવામાં આવી છે. લોકોને ઓનલાઈન વીડિયોઝ તથા પિક્ચર્સ પોસ્ટ કરતાં રોકવા વારંવાર ઈન્ટરનેટ બ્લૅકઆઉટ કરવામાં આવે છે.

તેમ છતાં વિરોધપ્રદર્શન ચાલુ જ છે. વિરોધપ્રદર્શનકર્તાઓ કશું બદલી શક્યા છે ખરા?

નેગિન શિરાઘાઈ કહે છે કે, "હું એવું જરૂર માનું છું. મહિલાઓ પોતાના અધિકારને બરાબર સમજી લે એટલે તેઓ તેમનાં બાળકોને પોતાના અધિકાર વિશે શિક્ષિત કરે છે. પરિવર્તન અનિવાર્ય છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન