'ભારતમાં મહિલાઓ અને મુસ્લિમોને ઓછું મહેનતાણું મળે છે' - રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

- ઑક્સફૅમ ઇન્ડિયાના ડિસ્ક્રિમિનેશન રિપોર્ટ 2022 અનુસાર "સામાજિક અને નોકરીદાતાના પૂર્વગ્રહના કારણે મહિલાઓને ઓછો પગાર મળે છે."
- રિપોર્ટ અનુસાર દર મહિને પુરુષોએ મહિલા કરતાં ચાર હજાર રૂપિયા વધારે કમાયા.
- રિપોર્ટ અનુસાર લિંગ ભેદભાવમાં વધારો એ એ વાતનું પ્રતિબિંબ પણ રજૂ કરે છે કે ઘણી લાયક મહિલાઓ ઘરેલુ જવાબદારીઓ અને સામાજિક દરજ્જાને કારણે શ્રમબજારમાં જોડાવા 'માગતી' નથી.

એક નવા રિપોર્ટ અનુસાર ભારતમાં મહિલાઓ જૉબ-માર્કેટમાં ભેદભાવનો સામનો કરે છે. તેમજ સમાન અનુભવ અને લાયકાત હોવા છતાં પુરુષોની સરખામણીએ તેમને ઓછો પગાર મળે છે.
ઑક્સફૅમ ઇન્ડિયાના ડિસ્ક્રિમિનેશન રિપોર્ટ 2022માં એવો આરોપ કરાયો છે કે "સામાજિક અને નોકરીદાતાના પૂર્વગ્રહના કારણે મહિલાઓને ઓછો પગાર મળે છે."
રિપોર્ટ અનુસાર જૉબ માર્કેટમાં અન્ય સીમાંત સમુદાયો સાથે પણ ભેદભાવ કરવામાં આવે છે.
જેમાં જાતિપ્રથાના સૌથી નીચેના તબક્કે આવેલા લોકો, આદિવાસી અને મુસ્લિમ સમાજના લોકો સામેલ છે.
ઑક્સફૅમ ઇન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે, "શ્રમબજારમાં ભેદભાવની હાજરી છે એવું ત્યારે કહી શકાય જ્યારે સમાન ક્ષમતા ધરાવતા લોકો સાથે તેમના સામાજિક બેકગ્રાઉન્ડ કે ઓળખને કારણે અલગ પ્રકારે વર્તવામાં આવે."
"મહિલાઓ અને અન્ય સામાજિક વર્ગના લોકો સાથે થતું અસમાન વર્તન એ માત્ર શિક્ષણ સુધીની ઓછી પહોંચ કે કામના મર્યાદિત અનુભવને કારણે નહીં પરંતુ ભેદભાવના કારણે થતું હોય છે."
ઑક્સફૅમના સંશોધકોએ વર્ષ 2004થી 2020 દરમિયાનના સરકારના જૉબ, પગાર, સ્વાસ્થ્ય અને ખેતી માટે લૉન સુધી પહોંચના આંકડા પર આધાર રાખ્યો અને ભેદભાવ અંગે અંતિમ પરિણામ મેળવવા માટે આંકડાકીય મૉડલનો ઉપયોગ કર્યો.
આ આંકડામાં તેમને જોવા મળ્યું કે દર મહિને પુરુષોએ મહિલા કરતાં ચાર હજાર રૂપિયા વધારે કમાયા. આ સિવાય બિન-મુસ્લિમોએ મુસ્લિમો કરતાં સાત હજાર વધુ કમાયા હતા. તેમજ જાતિપ્રથાના તળિયે રહેલ લોકોએ અને આદિવાસીઓએ અન્યોની સરખામણીએ પાંચ હજાર રૂપિયા ઓછા કમાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની મહિલાઓ સાથેના વર્તનને લઈને અવારનવાર ટીકા થાય છે. દર વર્ષે લાખો મહિલા ભ્રૂણહત્યાના કિસ્સા બને છે, જેના કારણે જાતિપ્રમાણમાં મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછી નોંધાય છે. મોટા ભાગની મહિલાઓને જન્મથી જ ભેદભાવ, પૂર્વગ્રહ, હિંસા અને ઉપેક્ષાનો સામનો કરવો પડે છે.
શ્રમબજારમાં જાતિપ્રમાણમાં ભેદ જોવા મળે છે, તે જાણીતું છે, શ્રમબજારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ મર્યાદિત છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના વર્ષ 2020-21ના ડેટા અનુસાર ભારતમાં લેબરફોર્સમાં 25.1 ટકા મહિલાઓ સામેલ છે. જે બ્રાઝિલ, રશિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશો કરતાં ઓછું છે. આ સિવાય વર્ષ 2004-05માં આ પ્રમાણ 42.7 ટકા હતું જે વર્ષ 2020-21માં ઘટવા પામ્યું છે.
ઑક્સફૅમ પ્રમાણે આ એક ચિંતાનો વિષય છે. ઉપરોક્ત દર ઝડપી આર્થિક વિકાસના સમયમાં શ્રમબજારમાં મહિલાઓની ઘટતી જતી સંખ્યા પર પ્રકાશ પાડે છે. પાછલાં બે વર્ષમાં મહામારી અને લૉકડાઉનના કારણે પણ આ ટકાવારી વધી હોઈ શકે છે. કારણ કે તે સમયે ઘણાની નોકરીઓ સંકટમાં મુકાઈ હતી અને તે સમયે ઘણી મહિલાઓ શ્રમબજારમાંથી બહાર નીકળી ગઈ હોય તેવું બની શકે.
રિપોર્ટ અનુસાર લિંગ ભેદભાવમાં વધારો એ એ વાતનું પ્રતિબિંબ પણ રજૂ કરે છે કે ઘણી લાયક મહિલાઓ ઘરેલુ જવાબદારીઓ અને સામાજિક દરજ્જાને કારણે શ્રમબજારમાં જોડાવા 'માગતી' નથી.
"પિતૃસત્તાક માનસિકતાના કારણે પુરુષોના સમાન અને ઘણી વાર વધુ લાયકાત ધરાવતી મહિલાઓ રોજગારના બજારથી પુરુષોની સરખામણીએ વધુ પ્રમાણમાં બહાર રહી જાય છે, અને આ વલણમાં લઈને સમય સાથે કોઈ સુધારો દેખાયો નથી."
રિપોર્ટ અનુસાર, "મહિલાઓને બાદ કરતાં ઐતિહાસિકપણે ભેદભાવનો સામનો કરનાર જૂથો જેમ કે દલિત, આદિવાસી અને મુસ્લિમો જેવાં ધાર્મિક લઘુમતી સમૂહો પણ જૉબ, જીવનનિર્વાહ અને ખેતી સંબંધી લૉન મેળવવામાં ભેદભાવ અનુભવે છે."
રિપોર્ટમાં આગળ લખાયું છે કે, "કોવિડ-19 મહામારીના શરૂઆતના મહિના દરમિયાન મુસ્લિમોએ સૌથી વધુ 17 ટકા બેરોજગારીનો સામનો કર્યો હતો."
બેહર જણાવે છે કે, "ભારતીય સમાજમાં ભેદભાવ એ માત્ર સામાજિક કે નૈતિક નથી પરંતુ આર્થિક પણ છે. જે સમાજમાં વિપરીત સંજોગો તરફ દોરી જાય છે." તેમણે આગળ કહ્યું કે સરકાર, રાજકીય પક્ષો, નીતિનિર્ધારણ કરનારા અને સમાજે ભેદભાવમુક્ત ભારત બનાવવા તરફ કામ કરવું જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












