You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુલાયમસિંહ નિધન : મુલાયમસિંહે યોગીની શપથવિધિમાં નરેન્દ્ર મોદીને શું કહ્યું હતું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- મુલાયમસિંહ યાદવનું સોમવારે અવસાન થયું છે
- મુલાયમસિંહના અવસાનના સમાચાર મળ્યા બાદ વડા પ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
- તેમજ ગુજરાતપ્રવાસ વખતે મુલાયમસિંહ સાથેના પોતાના સંબંધ અંગે જાણી-અજાણી વાતો જણાવી હતી
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમસિંહ યાદવનું સોમવારની સવારે અવસાન થયું છે. ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રીને જાહેરસભામાં શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદીએ ટ્વિટરના માધ્યમથી મુલાયમસિંહ સાથેના પોતાના મુખ્ય મંત્રી કાળના દિવસોની સ્મૃતિઓને વાગોળી હતી. બંને નેતા રાજકીય રીતે વિરોધપક્ષના હોવા છતાં પરસ્પર સન્માન ધરાવતા હતા.
2017માં મોદી-શાહની વ્યૂહરચનાથી ભાજપે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને પરાજય આપ્યો હતો અને મુલાયમસિંહના દીકરા અખિલેશ યાદવે સત્તા ગુમાવવી પડી હતી.
આમ છતાં યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં મુલાયમસિંહ યાદવને મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં મુલાયમસિંહે વડા પ્રધાનના કાનમાં કંઈક કહ્યું હતું, જે લોકોમાં ચર્ચા અને અટકળનો વિષય બન્યો હતો.
યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે તેઓ સૈફઈમાં મુલાયમસિંહ યાદવના અંતિમસંસ્કારમાં સામેલ થશે, આ સિવાય રાજ્યમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે મોદીએ કર્યો મુલાયમને ફોન
મોદી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે હિંદીમાં ઉપસ્થિત જનતાને સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું, "હું અહીં આવી રહ્યો હતો, ત્યારે માઠા સમાચાર મળ્યા કે મુલાયમસિંહ યાદવજીનું અવસાન થયું છે. તેમના નિધનથી દેશને મોટી ખોટ પડી છે. અમે મુખ્ય મંત્રી તરીકે મળતા ત્યારે પરસ્પર આત્મીયતાનો ભાવ જાગતો હતો."
"2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મને વડા પ્રધાનપદનો ઉમેદવાર જાહેર કર્યો હતો, ત્યારે વિપક્ષમાં રહેલા કેટલાક મહાનુભાવોને ફોન કરીને મેં આશીર્વાદ લીધા હતા. તેમણે મને આશીર્વાદ આપ્યા અને સલાહના બે બોલ કહ્યા હતા, જે આજે પણ મારે મન કિંમતી સંભારણું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ વધુમાં કહ્યું, "રાજકીય ઉત્તારચઢાવ છતાં 2013માં તેમણે મને જે આશીર્વાદ આપ્યા હતા, સંસદની અંદર તેમણે ઊભા થઈને જે વાત કહી હતી, તે કોઈ પણ રાજકીય કાર્યકર્તા માટે મોટી વાત હોય છે. તેમણે કહ્યું હતું કે, 'મોદીજી, બધાને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે 2019માં તેઓ ફરી દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવશે.' તેમનું હૃદય કેટલું વિશાળ હશે? આજે નર્મદાના તીરેથી હું મુલાયમસિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું."
મોદીએ ટ્વિટર પર લખ્યું, "મુલાયમસિંહ વિરલ વ્યક્તિત્વ હતા. તેઓ વિનમ્ર અને ધરાતલ સાથે જોડાયેલા નેતા હતા, લોકોની સમસ્યાઓ પ્રત્યે તેઓ સંવેદનશીલ હતા. તેમણે નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ તથા ડૉ. રામમનોહર લોહિયાના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યા."
શ્રદ્ધાંજલિ આપતાં પછીના ટ્વીટમાં આગળ મોદીએ લખ્યું, "મુલાયમસિંહે યુપી તથા દેશના રાજકારણમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. કટોકટી વખતે તેઓ લોકશાહીના ચાવીરૂપ સૈનિક હતા. સંરક્ષણમંત્રી તરીકે દેશને સશક્ત બનાવવા માટે તેમણે પ્રયાસો કર્યા. તેમની સંસદીય ચર્ચાઓ વિશદ રહેતી અને તેઓ દેશહિતને કેન્દ્રમાં રાખી વાત કરતા."
"અમે બંને મુખ્ય મંત્રી હતા ત્યારે અનેક વખત અમારી વચ્ચે વાતો થતી. એ નિકટતા જળવાઈ રહેવા પામી હતી. તેમનું અવસાન દુ:ખદાયક છે. તેમના પરિવાર તથા લાખો સમર્થકોને સાંત્વના. ઓમ શાંતિ."
ચર્ચિત તસવીર
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પિતાને હટાવીને અખિલેશ યાદવે પાર્ટીની ધુરા સંભાળી લીધી હતી અને ચૂંટણીપ્રચાર દરમિયાન અખિલેશ અને મોદીએ સામસામે શાબ્દિક પ્રહાર કર્યા હતા. મુલાયમસિંહને ચૂંટણીપ્રચારથી લગભગ દૂર જ રાખવામાં આવ્યા હતા.
2017માં યોગી આદિત્યનાથ પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી બન્યા ત્યારે કાંશીરામ સ્મૃતિ ઉપવન ખાતે શપથવિધિ યોજાઈ હતી, જેમાં યાદવ પિતા-પુત્રને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મંચ પર અખિલેશ યાદવ ખૂણામાં હતા ત્યારે મુલાયમસિંહે મંચ ઉપરથી મોદીના કાનમાં કંઈક કહ્યું હતું.
એ પછી મુલાયમસિંહ અખિલેશ તરફ આગળ વધ્યા હતા. એટલે અખિલેશ પોતે આગળ આવીને મોદી-મુલાયમ ઊભા હતા ત્યાં પહોંચ્યા હતા. એ પછી મોદી-અખિલેશે હસ્તધૂનન કર્યું હતું. બંનેના હાથની ઉપર મુલાયમસિંહે પોતાની આંગળીઓ રાખી હતી. મોદીએ પણ અખિલેશનો ખભ્ભો થપથપાવ્યો હતો.
સોશિયલ મીડિયા અને રાજકીય વિશ્લેષકોમાં એ વાતની ચર્ચા રહી હતી કે મુલાયમસિંહે મોદીને શું કહ્યું હતું?
ખાનગી ચેનલ આજતકના કાર્યક્રમ 'પંચાયત આજતક'માં અખિલેશ યાદવે કહ્યું હતું, "હું કહી તો દઉં, પરંતુ તમને વિશ્વાસ નહીં બેસે... નેતાજીએ (મુલાયમસિંહનું હુલામણું નામ) મોદીના કાનમાં કહ્યું... મોદીજી સાચવીને રહેજો, આ મારો દીકરો છે."
ત્યારે હાસ્યની છોળ ફરી વળી હતી અને સંચાલકે પૂછ્યું હતું, "શું ખરેખર એવું કહ્યું હતું?" ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'મેં તો તમને કહ્યું જ હતું કે કહીશ તો તમે વિશ્વાસ નહીં કરો.'
શપથવિધિના બીજા દિવસે કોલકાતાથી પ્રકાશિત થતા અખબાર 'ધ ટેલિગ્રાફ'એ મંચ પર હાજર રહેલા ભાજપના નેતાને ટાંકતાં લખ્યું હતું, "થોડું અખિલેશનું ધ્યાન રાખજો." મને સંભળાયું કે મુલાયમ કહી રહ્યા હતા કે 'આમને કંઈક શીખવો.' ભાજપના એ નેતાનું આકલન હતું કે રાજકીય આંટીઘૂંટી શીખવવા સંદર્ભની એ વાત હતી.
અખબારે ભાજપના નેતાનું નામ છાપ્યું ન હતું, પરંતુ એ સમયે શિવરાજસિંહ ચૌહાણ, અમિત શાહ અને મનોજ તિવારી જેવા નેતા મંચ પર હતા.
લોકસભામાં જીએસટીની ચર્ચા દરમિયાન તથા અન્ય પ્રસંગોએ પણ મુલાયમસિંહને પૂછવામાં આવ્યું હતું કે તેમણે વડા પ્રધાનને શું કહ્યું હતું, પરંતુ મુલાયમસિંહે ક્યારેય એ વાતનો ફોડ પાડ્યો ન હતો.
બંને નેતાઓએ શું વાત કરી, તે વાત કદાચ ક્યારેય 'સત્તાવાર' રીતે બહાર નહીં આવે, પરંતુ બંને નેતાઓની કૅમિસ્ટ્રીએ ગોઠડીમાં છૂપી રહી ન હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો