ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં દબાયેલા 12 મૃતદેહો મળ્યા, મૃતકોની સંખ્યા વધીને 16 થઈ - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.
નહેરુ પર્વતારોહણ સંસ્થાને ગુરુવારના જણાવ્યું કે કૂલ 29 લોકો હિમપ્રપાતને કારણે ફસાયેલા છે જેમાં બે પ્રશિક્ષકો અને 27 તાલીમાર્થીઓ સામેલ હતા.
સંસ્થાને જણાવ્યું કે ચાર ઑક્ટોબરના કૂલ ચાર મતૃદેહો મળ્યા જેમાં બે પ્રશિક્ષકો અને બે તાલીમાર્થીઓ છે.
છ ઑક્ટોબરના 12 તાલીમાર્થીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
નહેરુ પર્વતારોહણ સંસ્થાનનું કહેવું છે કે સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે, ત્યારે મોસમ ખરાબ હોવાને કારણે હેલિકૉપ્ટરની મદદ હાલ નથી લેવામાં આવી રહી.
તેમાં ઉત્તરકાશીમાં થયેલા હિમપ્રપાતમાં ચાર ગુજરાતીઓ ફસાયા હતા.
બુધવારે મળેલી માહિતી અનુસાર ઉત્તરાખંડના ઉત્તરકાશીસ્થિત નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (એનઆઈએમ)ના તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો દ્રૌપદીકા ડંડા-2 શિખર પર આરોહણ માટે ગયા હતા.
આ દરમિયાન હિમપ્રપાત થતા 50 જેટલા તાલીમાર્થીઓ ફસાઈ ગયા હતા. જેમાંથી 30 તાલીમાર્થીઓને ફસાયેલા છે અને આઠને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ફસાયેલા તાલીમાર્થીઓમાંથી ચાર ગુજરાતના છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પ્રમાણે, ફસાયેલા ગુજરાતી તાલીમાર્થીઓ ભરતસિંહ પરમાર, કલ્પેશ બારૈયા, અર્જુનસિંહ ગોહિલ અને ચેતના રાખોલિયા છે.
આ લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે કાર્યવાહી કરવા મનીષ દોશી અને માનદ ઇન્સ્ટ્રક્ટર નિકુંજ બલરે મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે.

પશ્ચિમ બંગાળમાં અચાનક પૂર આવતાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકો ડૂબ્યા, સેંકડો લોકો ગુમ

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બુધવારે સાંજે મૂર્તિવિસર્જન દરમિયાન અચાનક પૂર આવવાથી સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, જલપાઈગુરીના એસપી દેબર્શી દત્તાએ જણાવ્યું છે કે ઘણા લોકો નદીમાં ફસાઈ ગયા અને ઘણા લોકો તણાઈ ગયા છે.
અત્યાર સુધી સાત લોકોના મૃતદેહ મળ્યા છે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે "પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગાપૂજાના તહેવાર પર થયેલી દુર્ઘટનાથી વ્યથિત છું."
"હું એ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમણે આ દુર્ઘટનામાં સ્વજનો ગુમાવ્યા છે."
આ ઘટનામાં મૃત્યુઆંક તેમજ ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે. વહેલી સવારથી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

દશેરાની સભામાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું, 'અમે જે કર્યું, એ ગદ્દારી નથી, ગદર છે'

ઇમેજ સ્રોત, @eknath
મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પલેક્સમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ દશેરા નિમિત્તે સભાનું આયોજન કર્યું હતું.
તેમણે પોતાના ભાષણમાં ખુલીને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું, "શિવસેના ન તો ઉદ્વવ ઠાકરેની છે, ન તો એકનાથ શિંદેની. આ શિવસેના માત્રને માત્ર બાળાસાહેબ ઠાકરેના વિચારોની છે. વારસો વિચારોનો હોય છે. અમે બાળાસાહેબ ઠાકરેના વિચારોના વારસદાર છીએ."
તેમણે વધુમાં કહ્યું, "છેલ્લા બે મહિનાથી અમારા માટે 'ગદ્દાર' અને 'ખોખા' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. ગદ્દારી થઈ છે પણ તે 2019માં થઈ હતી. એ ચૂંટણી અમે લડ્યા હતા."
"ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધનની વાત કરીને મતદારોને વિશ્વાસ મેળવ્યો અને ચૂંટણી જીત્યા બાદ તરત જ મહાવિકાસ અઘાડી સાથે સરકાર બનાવી દીધી. ગદ્દારી આને કહેવાય. તમે મહારાષ્ટ્રની જનતા સાથે ગદ્દારી કરી છે."
એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં કહ્યું, "તમે અમને ગદ્દાર કહી રહ્યા છો. અમે જે કર્યું એ ગદ્દારી નથી, એ ગદર છે. ગદરનો અર્થ થાય છે ક્રાંતિ."

ઇમેજ સ્રોત, @ShivSena
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેનું ભાષણ શરૂ થાય તેના થોડા સમય પહેલાં જ મુંબઈના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવાજીપાર્કમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.
સંબોધનમાં તેમણે કહ્યું કે "જે લોકોને મેં જવાબદારી સોંપી હતી, એ લોકો ષડ્યંત્ર રચી રહ્યા હતા. આવું ફરીથી નહીં થાય. એ લોકો કદાચ ભૂલી ગયા કે હું માત્ર ઉદ્ધવ ઠાકરે નથી, હું ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે છું."
ઉદ્ધવ ઠાકરેએ ભીડને સંબોધિત કરતા કહ્યું કે "પરંપરા અનુસાર આજે રાવણદહન થશે. પણ હવે રાવણ બદલાઈ ગયો છે. હવે રાવણનાં 10 માથાં નથી, તેની પાસે 50 ખોખા છે. તે ખોખાસુર છે જે ઘણો ખતરનાક છે."

અફઘાનિસ્તાનનાં ગૃહમંત્રાલય પરિસર પાસે વિસ્ફોટ, બે લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANI
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગૃહમંત્રાલય પરિસર પાસે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર વિસ્ફોટમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સરકારે હાલ વિસ્ફોટ પાછળનાં કારણો વિશે જણાવ્યું નથી, પરંતુ તાજેતરના સમયમાં ચરમપંથીઓએ ઘણા હુમલા કર્યા છે.
મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું કે મસ્જિદમાં મંત્રાલયના કર્મચારીઓ પણ જતા હતા.
કાબુલમાં હૉસ્પિટલ ચલાવતા ઇટાલીના એનજીઓ 'ઇમર્જન્સી' ગ્રુપે ટ્વિટર પર જણાવ્યું કે તેમની પાસે 20 ઇજાગ્રસ્તો આવ્યા હતા. જેમાંથી બેનાં મૃત્યુ થયાં છે.
કાબુલ ઍરપૉર્ટ પાસે જ એક સુરક્ષિત વિસ્તારમાં ગૃહમંત્રાલયનું પરિસર આવેલું છે.
તાલિબાનનું કહેવું છે કે તેમણે 2021માં સત્તા સંભાળ્યા બાદથી અફઘાનિસ્તાનને સુરક્ષિત કરી લીધું છે, પણ છેલ્લા કેટલાક સમયથી ઘણા વિસ્ફોટોથી શહેરો ગૂંજી રહ્યાં છે.
અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન અનુસાર, શુક્રવારે પશ્ચિમ કાબુલમાં એક શિક્ષણ કેન્દ્રમાં થયેલા વિસ્ફોટમાં 53 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગની યુવાન મહિલાઓ હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













