ભારતમાં આજથી 5G, વડા પ્રધાન મોદી કર્યો સેવાનો આરંભ

સમચાાર સંસ્થા એએનાઈના જણાવ્યા અનુસાર નવી દિલ્હીમાં પ્રગતી મેદાન ખાને વડા પ્રધાને છઠ્ઠી ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસનું ઉદ્ધાટન કર્યું અને સાથે જ 5જી સેવા લૉન્ચ કરી.

'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, દેશમાં મોબાઇલ ટેકનૉલૉજી નેક્સ્ટ જનરેશન લૉન્ચ કર્યાનાં લગભગ પાંચ વર્ષ પછી ભારતમાં 5જી સેવાઓ શરૂ થઈ છે. વર્ષ 2017માં, સરકારે 5જી સેવા માટે દેશના રોડમૅપનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય ફોરમની સ્થાપના કરી હતી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એજે પૌલરાજની આગેવાની હેઠળના ફોરમે 2018માં તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને સ્પેક્ટ્રમ પૉલિસી, રેગ્યુલેટરી પૉલિસી, ઍપ્લિકેશન અને યુઝ-કેસ લૅબ્સ સહિતનાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું સૂચન કર્યું હતું, જેથી સ્થાનિક રીતે તૈયાર કરાયેલા ઉકેલો વિકસાવવામાં આવે.

આ વર્ષે ઑગસ્ટમાં, સરકારે 5જી સ્પૅક્ટ્રમની હરાજી કરી હતી. જેમાં રિલાયન્સ જિયો રૂપિયા 88,000 કરોડથી વધુની રકમની બિડિંગ સાથે મોખરે હતી.

તેણે ઑગસ્ટમાં જણાવ્યું હતું કે તે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકતા જેવાં મેટ્રો શહેરોમાં દિવાળી સુધીમાં 5જી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરશે.

બીજા નંબરે સૌથી વધુ ખર્ચ કરનાર ભારતી ઍરટેલે જણાવ્યું હતું છે કે 2023ના અંત સુધીમાં દેશનાં તમામ શહેરી ભાગોમાં તેના નેટવર્ક પર 5જી ઉપલબ્ધ થશે.

4જીની 100 એમબીપીપીએસ સ્પિડની તુલનામાં 5જી પર ઇન્ટરનેટની ઝડપ 10 જીબીપીએસને આંબી શકે છે.

પંજાબના આપના ધારાસભ્યો અને નેતાઓને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું ફરમાન

આમ આદમી પાર્ટીએ પંજાબમાં તેમના ધારાસભ્યોને પક્ષ માટે પ્રચાર કરવા ગુજરાતમાં જવા કહ્યું છે.

'ધ ટ્રિબ્યૂન' અનુસાર પાર્ટી હાઈકમાન્ડે શુક્રવારે સાંજે પંજાબમાં તેમના ધારાસભ્યો સાથે યોજેલી બેઠકમાં, તેમને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવા જણાવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદ ડૉ. સંદીપ પાઠક દ્વારા કરવામાં આવી હતી, જે તેમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

'ધ ટ્રિબ્યૂને' સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ધારાસભ્યો અને વિવિધ બોર્ડ અને કૉર્પોરેશનના અધ્યક્ષોને વર્તમાન વિધાનસભાસત્ર સમાપ્ત થયા પછી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે જવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે મંત્રીઓને 15 ઑક્ટોબર પછી જવા માટે કહેવામાં આવ્યું છે.

દરેક નેતાને 25 અંતરિયાળ ગામોની ફાળવણી કરવામાં આવી છે, જ્યાં પંજાબના નેતાએ લોકો સમક્ષ પંજાબમાં આપ સરકારની સિદ્ધિઓ ગણાવવાની છે.

જાણકારીના આધારે વધુમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં 25 જેટલા ધારાસભ્યોને પ્રચાર માટેના વિસ્તારો ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં પ્રચાર માટે કેટલાક ધારાસભ્યોને નિયુક્ત કર્યા હતા.

અમદાવાદ મેટ્રોના ઉદ્ઘાટનના દિવસે જ મેટ્રોની સલામતીમાં ગાબડું

'ડેક્કન હેરાલ્ડ' અનુસાર,ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે શુક્રવારે મેટ્રો ટ્રેન ડૅપો પર પાર્ક કરેલી મેટ્રો ટ્રેન પર ગ્રૅફિટી પેઇન્ટિંગ કરવા બદલ ચાર ઇટાલિયન નાગરિકોને ઝડપી લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવાના કલાકો પહેલાં આ ઘટના ઘટી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ટાંકીને અખબાર લખે છે કે જે ટ્રેનમાં પીએમ મોદીએ ઉદ્ઘાટનની સવારી લીધી હતી તે અલગ હતી અને તેને ભારે સુરક્ષા હેઠળ કાલુપુર સ્ટેશન પર પાર્ક કરવામાં આવી હતી.

એટીએસના નાયબ પોલીસ મહાનિદેશક દીપન ભદ્રને પુષ્ટિ કરી છે કે ચાર વિદેશી નાગરિકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે પરંતુ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે 25થી 30 વર્ષની વયના વિદેશી નાગરિકો ઍપેરલ પાર્કમાં મેટ્રો રેલ ડેપોમાં પ્રવેશ્યા હતા અને પેઇન્ટેડ ગ્રેફિટી સ્પ્રે કર્યો હતો જેમાં "TAS" લખેલું હતું. આ ઘટના લગભગ 2:30 વાગ્યે બની હોવાનું જાણવા મળે છે.

સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓ તપાસ્યા બાદ વિદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય એજન્સીઓને ઍલર્ટ કરવામાં આવી હતી. એટીએસે વધુ તપાસ માટે ચારેયની કસ્ટડી લીધી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો