મોદી ગુજરાતમાં : નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને વિધાનસભા ચૂંટણી સાથે શો સંબંધ?

ઇમેજ સ્રોત, @BJP4Gujarat
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસ માટે તેમના ગૃહરાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. મોદી પોતાના નામથી જ સ્થાપિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 36મા રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે તથા તેને સંબોધિત કરશે.
તેઓ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી દેખાડશે તથા તેમાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સફર પણ ખેડશે. આ સિવાય તેઓ અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું લોકાર્પણ કરશે તથા આ દરમિયાન તેઓ કાલુપુરથી દૂરદર્શન કેન્દ્ર સુધીની પણ સફર ખેડશે.
આ સિવાય સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ પ્રમાણે આ મુલાકાત દરમિયાન તેઓ રૂ. 29 હજાર કરોડના કામોનું લોકાર્પણ કરશે કે ખાતમૂહુર્ત કરશે, જેમાંથી અમુક તો 'સ્થાનિક' છે.
પ્રોજેક્ટોના ખાતમૂહુર્તમાં થઈ રહેલી ઉતાવળ અને ઉદ્ઘાટનોની સંખ્યાને આગામી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના 'ચૂંટણી વહેલી યોજાવા' સંબંધિત નિવેદનને તેની સાથે જ જોડીને જોવામાં આવે છે.
જોકે, ભાજપ તેને 'સામાન્ય ક્રમ' તરીકે જોઈ રહ્યો છે, જ્યારે વિપક્ષ કૉંગ્રેસ દ્વારા સરકારની પ્રાથમિક્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સંક્ષિપ્તમાં: મોદી દ્વારા ઉદ્ધાટનો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ છે?

- વડા પ્રધાન મોદી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 36મા રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે,ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી દેખાડશે, અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું લોકાર્પણ કરશે.
- તેઓ રૂ. 29 હજાર કરોડના કામોનું લોકાર્પણ કરશે કે ખાતમૂહુર્ત કરશે, જેમાંથી અમુક તો 'સ્થાનિક' છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ આણંદમાં પાટીલે પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, "આપણે ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. ચૂંટણી નિર્ધારિત સમય કરતાં 10-15 દિવસ વહેલાં અને નવેમ્બર મહિનાના અંતભાગ સુધીમાં યોજાશે તેમ જણાય છે."
- વિપક્ષ કૉંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી. પાર્ટીના નેતા દીપક બાબરિયાએ કહ્યું કે પાટીલનું નિવેદન દેખાડે છે કે કેવી રીતે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓને "નબળી પાડી છે અને તેને તાબા હેઠળ" લીધી છે.
- લોકાર્પણમાં કયાં કાર્યોનો સમાવેશ થાય છે, વહેલી ચૂંટણી અંગે અન્ય રાજકીય પક્ષો અને વિશ્લેશકોની શું ટિપ્પણી છે તે જાણવા વાંચો આ અહેવાલ...


સીઆરનું કથન અને ચકચાર

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK
'શું આ વખતે ચૂંટણી વહેલી યોજાશે ?' એવી ચર્ચા રાજકીય વિશ્લેષકો અને વર્તુળોમાં વર્ષની શરૂઆતથી થઈ રહી હતી, પરંતુ તાજેતરની ચર્ચા પાછળ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન જવાબદાર હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આણંદમાં પાટીલે પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, "આપણે ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. ચૂંટણી નિર્ધારિત સમય કરતાં 10-15 દિવસ વહેલાં અને નવેમ્બર મહિનાના અંતભાગ સુધીમાં યોજાશે તેમ જણાય છે."
આ અંગે વિવાદ થતા વડોદરામાં પાટીલે સ્પષ્ટતા કરી કે, "મેં ત્યારે જ કહ્યું હતું કે આના વિશે મારી કોઈની સાથે વાત નથી થઈ. ચૂંટણીપંચે જે રીતે અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે, તેના આધારે આ મારું રાજકીય આકલન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બેદિવસની ગુજરાતયાત્રા પર હતા, ત્યારે જ પાટીલે આવું નિવેદન કરતા વિપક્ષ કૉંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી. પાર્ટીના નેતા દીપક બાબરિયાએ કહ્યું કે પાટીલનું નિવેદન દેખાડે છે કે કેવી રીતે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓને "નબળી પાડી છે અને તેને તાબા હેઠળ" લીધી છે.

આચાર, પ્રચાર અને આચરણ

ઇમેજ સ્રોત, SOPA Images
ચૂંટણીપંચ દ્વારા તમામ રાજકીયપક્ષોને સમાન તક મળે તથા શાસકપક્ષને ગેરવ્યાજબી લાભ ન મળે તે માટે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જે મુજબ, કોઈપણ પદાધિકારી નવા પ્રકલ્પની જાહેરાત ન કરી શકે, ઉદ્ઘાટન ન કરી શકે કે આવા કાર્યક્રમોમાં ભાગ લઈ ન શકે.
મતદારોને પ્રભાવિત કરે તેવું કોઈપણ કાર્ય ન કરી શકે. જોકે, આચારસંહિતા ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીકાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પછી અમલમાં આવે છે. તે પહેલાં પ્રકલ્પોની જાહેરાત કે ઉદ્ઘાટનોની સંખ્યાની ઉપર કોઈ નિષેધ નથી હોતો.
સામાન્ય રીતે ચૂંટણીપંચ દ્વારા 45 દિવસમાં ચૂંટણી કાર્યક્રમ આટોપી લેવાનો હોય છે, જો ચૂંટણી બે તબક્કામાં યોજાય તો સમગ્ર પ્રક્રિયા 50થી 52 દિવસ સુધી લંબાઈ શકે છે. ચૂંટણીપંચના સત્તાવાર કાર્યક્રમ મુજબ, ગુજરાતની 14મી વિધાનસભાની ટર્મ તા. 18 ફેબ્રુઆરી 2023ના સમાપ્ત થાય છે. જોકે, હિમાચલ પ્રદેશની વિધાનસભાની ટર્મ આઠમી જાન્યુઆરી 2023ના સમાપ્ત થાય છે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જ્યારે બે વિધાનસભાની સત્રસમાપ્તિ વચ્ચે ટૂંકોગાળો હોય ત્યારે સામાન્ય રીતે એકસાથે ચૂંટણી યોજવામાં આવતી હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં હિમાચલ પ્રદેશમાં વ્યાપક હિમવર્ષા થતી હોય છે, જેના કારણે મતદાન તથા તેની વ્યવસ્થાપ્રક્રિયાને અસર પહોંચી શકે છે, એટલે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની ચૂંટણી પણ હિમાચલની સાથે જ આટોપી લેવામાં આવતી હોય છે.
2007, 2012 તથા 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી એકસાથે યોજાઈ હતી.

પ્રકલ્પ, પ્રજા અને પ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
ભૌગોલિક રીતે જોવામાં આવે તો આ પ્રકલ્પો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત એમ લગભગ સમગ્ર ગુજરાતને આવરી લે છે.
વડા પ્રધાન સૌરાષ્ટ્રના ભાવનગરમાં રૂ. પાંચ હજાર 200 કરોડનાં કામોનું ઉદ્ધાટન કે ખાતમુહૂર્ત કરશે, જેમાં સીએનજી ટર્મિનલ તથા બ્રાઉનફિલ્ડ પૉર્ટ (રૂ. ચાર હજાર કરોડ) રિજિયનલ સાયન્સ સેન્ટર (રૂ એકસો કરોડ), પાલીતાણામાં સોલાર પ્લાન્ટ (રૂ. 111 કરોડ) તથા સૌની યોજના લિંક (રૂ. 401 કરોડ) મુખ્ય છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રૂ. પાંચ હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કરશે. જેમાં મુખ્યત્વે પાલનપુર-મહેસાણા રોડ (રૂ. એક હજાર 881 કરોડ) , તારંગા-અંબાજી-આબુરોડ રેલવેલાઇન (ખાતમુહૂર્ત રૂ. બે હજાર 798 કરોડ) તથા મીઠા-ડીસા વચ્ચેના પહેળા બનાવાયેલા રોડનો (રૂ. 85 કરોડ) સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લગભગ રૂ. ત્રણ હજાર 400 કરોડના કામોનું લોકાર્પણ કરશે. જેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિર્મિત વોટર પ્રોજેક્ટ (રૂ. 672 કરોડ), ડ્રેઇનેજ પ્રોજેક્ટ (રૂ. 890 કરોડ), બાયો ડાયવર્સિટી પાર્ક (રૂ. 139 કરોડ), ડાયમંડ રિસર્ચ ઍન્ડ મર્કેન્ટાઇલ સિટી (રૂ. 256) તથા હજીરામાં રોપેક્ષ ટર્મિનલનો સમાવેશ થાય છે.
જોકે, આમાંથી કેટલાંક કામો વડા પ્રધાનના બદલે ધારાસભ્ય-સંસદસભ્ય કે વધી મુખ્યમંત્રીસ્તરે લોકાર્પિત થઈ શકે તેવાં છે. જેની કુલ કિંમત રૂ. 10થી રૂ. 25 કરોડની વચ્ચે છે.
ગુજરાત સરકારના એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે "વડા પ્રધાન કાર્યાલય દ્વારા ભાજપશાસિત મહાનગરપાલિકા તથા રાજ્ય સરકારના કયાં કામો પૂર્ણ થઈ ગયાં છે, તથા કેટલાં કામોની જાહેરાત થઈ શકે તેમ છે, તેના વિશેની વિગતો મગાવવામાં આવી હતી. આવી જ વિગતો કેન્દ્ર સરકારના અન્ય મંત્રાલયો પાસેથી માગવામાં આવી હોય તેવી શક્યતા નકારી શકાય નહીં."

ચૂંટણી વહેલી યોજાશે?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પછી એક ઉદ્ઘાટનો તથા પાટીલના નિવેદનને કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવા અંગે ચર્ચા જાગી, ત્યારે રાજકીય નિરીક્ષકો તેને અલગ રીતે જોઈ રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "ટોચથી લઈને તળિયા સુધી ગુજરાતમાં ભાજપ પાસે એકમાત્ર ચહેરો નરેન્દ્ર મોદી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય તેનાથી કોઈ ફેર નથી પડતો. લોકો માત્ર મોદીને જુએ છે. વર્તમાન સરકારની સામે પોલીસ, આંગણવાડી, સરકારી કર્મચારી, પૂર્વ સૈનિક અને માલધારી સહિત અનેક આંદોલનોનો પડકાર છે. જેની સામે ભાજપ પાસે એકમાત્ર 'બ્રહ્માસ્ત્ર' નરેન્દ્ર મોદી છે."
"કેજરીવાલ એક પછી એક વચનોની લ્હાણી કરી રહ્યા છે. તેની સામે ભાજપે પણ કશું દેખાડવું પડે છે. એટલે જ અમદાવાદ મેટ્રોના ફેઝ વનનું ફરી લોકાર્પણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સુધી નર્મદાના નીર પહોંચાડવાની સૌની યોજનાનું અલગ-અલગ તબક્કે લોકાર્પણ થઈ રહ્યું છે. આવું જ સરદાર સરોવર ડૅમ સાથે પણ થયું છે."
દેસાઈ ઉમેરે છે, "2017ની વિધાનસભા ચૂંટણી સમયે પણ આવું જ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી માત્ર મોદી જ નહીં અમિત શાહ પણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની મુલાકાતો લઈ રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાજપ કે મોદી-શાહને પાલવે તેમ નથી. તાજેતરનાં ઉદ્ઘાટનો તેના જ પ્રયાસ હોય તેમ જણાય છે."
દેસાઈના આકલન પ્રમાણે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કદાચેય યોજાય તો 10-15 દિવસ વહેલી યોજાઈ શકે, એથી વધારેનો ફરક પડી શકે તેમ નથી અને વિધાનસભા ચૂંટણીકાર્યક્રમમાં આટલો ફેરફાર 'અસામાન્ય' નથી.

ભાજપ અને કૉંગ્રેસ શું કહે છે?

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT
કૉંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં અવનવા પ્રકલ્પો આવે અને તેનું ઉદ્ઘાટન થાય તે આવકાર્ય છે, પરંતુ તેમાં સાતત્ય અને પ્રાથમિકતાનો અભાવ છે.
ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના કહેવા પ્રમાણે, "ચૂંટણી પહેલાં વિકાસની વાતો કરવામાં આવે છે અને જાહેરાતનોના માધ્યમથી જનતામાં ભ્રમણા ઊભી કરવામાં આવે છે. પરંતુ તેમાં સાતત્યનો અભાવ છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સી-પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી, તે અત્યારે ક્યાં છે ? બહુચર્ચિત ધોલેરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના કાર્યમાં કોઈ પ્રગતિ નથી."
"રો-રો ફેરી સર્વિસનો વ્યાપક રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો, જે ઠપ થઈ ગઈ. સરકાર વંદે ભારત અને બુલેટ ટ્રેનની વાત કરી રહી છે, વાસ્તવમાં ગામડાંમાં બંધ કરી દેવાયેલા એસટીના પાંચ હજાર રૂટને ફરી શરૂ કરવાની જરૂર છે."
દોશી ઉમેરે છે કે જો મોદી આટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરી રહ્યા છે તો પબ્લિક હેલ્થ સેન્ટર કે શાળાના ઓરડાં કેમ બાકાત રાખ્યા, તેનું પણ ઉદ્ઘાટન કરવું જોઈતું હતું.
આ રીતે ઉદ્ઘાટનોની પાછળ ભાજપની રાજકીય ગણતરી હોવાની વાતને નકારે છે. પાર્ટીના પ્રવક્તા કિશોર મકવાણાના કહેવા પ્રમાણે, "આટલા બધાં ઉદ્ઘાટનો થઈ રહ્યાં છે, તે ભાજપ સરકારમાં વિકાસનાં કામો ઝડપથી થઈ રહ્યાં હોવાથી તેનો જ ભાગ છે. ઝડપભેર પ્રોજેક્ટ પૂર્ણ થાય છે એટલે તે હારમાળા સ્વરૂપે જોવા મળે છે."
પ્રકલ્પની કિંમત અંગે મકવાણા કહે છે કે 'વિકાસકાર્ય એ વિકાસકાર્ય છે અને વડા પ્રધાન દ્વારા પ્રજાના હિતમાં તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. તેને કિંમત સાથે કોઈ સંબંધ નથી.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













