You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અશોક ગેહલોત : રાજસ્થાન કૉંગ્રેસમાં જૂથવાદ સપાટી પર, મુખ્ય મંત્રીપદ મુદ્દે વિવાદ
રાજસ્થાનમાં ફરી એક વાર મુખ્ય મંત્રીપદને લઈને પ્રદેશ કૉંગ્રેસની જૂથબંધી સામે આવી છે. સચીન પાઇલટના સમર્થક ધારાસભ્યો તેમને મુખ્ય મંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે.
જયપુરથી બીબીસીના સહયોગી મોહરસિંહ મીણાના જણાવ્યા અનુસાર, મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થકો વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
ગેહલોત સમર્થક ધારાસભ્યોની ઇચ્છા છે કે ગેહલોત મુખ્ય મંત્રી રહે અને તેમના નેતૃત્વમાં જ આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવે.
આ પહેલાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે હોટલ મૅરિયટમાં મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનની મુલાકાત લીધી હતી.
મુખ્ય મંત્રીપદ મામલે વિવાદ
મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યાર બાદ તેઓ વિધાનસભા અધ્યક્ષ ડૉ. સીપી જોશીના ઘર બહાર એકઠા થયા છે.
સીપી જોશીના ઘરે જતા પહેલાં રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું, "તમામ ધારાસબ્યો ગુસ્સામાં છે અને રાજીનામું આપી રહ્યા છે. અમે એ માટે જ અધ્યક્ષના ઘરે જઈ રહ્યા છીએ. ધારાસભ્યો એ વાતથી હતાશ છે કે મુખ્ય મંત્રી અશોક ગેહલોત તેમની સલાહ વગર આ નિર્ણય કેવી રીતે લઈ શકે?"
સમાચાર એજન્સી એએનઆઈએ કૉંગ્રેસ ધારાસભ્ય પ્રતાપસિંહ ખાચરિયાવાસને ટાંકીને જણાવ્યું છે કે માત્ર 10-15 ધારાસભ્યોનું જ સાંભળવામાં આવ્યું અને અન્યોની ઉપેક્ષા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે પાર્ટી અમારું સાંભળી રહી નથી અને તેના વગર જ નિર્ણય લઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ખાચરિયાવાસે કહ્યું હતું કે "અશોક ગેહલોત પાર્ટી પ્રમુખ બને ત્યાર બાદ રાજસ્થાનના મુખ્ય મંત્રી કોણ હશે તેની ચર્ચા થશે. 102 ધારાસભ્યોમાંથી કોઈ પણ મુખ્ય મંત્રી બની શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત એ નક્કી કરશે."
અશોક ગેહલોતે શું કહ્યું?
અશોક ગેહલોતને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની અટકળો વચ્ચે રવિવારે અશોક ગેહલોતે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવાનો સંકેત આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે તેમને કૉંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપ્યું છે, હવે તેનાથી વધુ કોઈ વ્યક્તિને શું મળી શકે?
અશોક ગેહલોતે પત્રકારોને કહ્યું, "પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. હવે નવી પેઢીને તક મળવી જોઈએ અને અમે બધા મળીને દેશમાં નેતૃત્વ પ્રદાન કરીશું. આપણે દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરવું જોઈએ."
તેમણે આગળ કહ્યું, "હું 50 વર્ષથી રાજનીતિ સાથે સંકળાયેલો છે. છેલ્લાં 40 વર્ષથી કોઈને કોઈ પદ પર રહ્યો છું. ક્યારેક સાંસદ, ક્યારેક કેન્દ્રીયમંત્રી, ત્રણ વખત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અને ત્રણ વખત મુખ્ય મંત્રી રહ્યો છું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો