You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણીએ ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલના લીડર તરીકે રજૂ કર્યા - પ્રેસ રિવ્યૂ
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી વાર્ષિક સામાન્ય સભામાં તેમના પુત્રી ઈશા અંબાણીને રિલાયન્સ ગ્રુપના રિટેલ બિઝનેસના લીડર તરીકે રજૂ કર્યા છે.
ગત જૂનમાં પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયો ઈન્ફોકૉમના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.
45મી સામાન્ય સભામાં ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ એફએમસીજી બિઝનેસ શરૂ કરશે. આ માટે વોટ્સએપ અને જિયો માર્ટ વચ્ચે એક નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આમાં, વોટ્સએપ પેની સુવિધાનો ઉપયોગ જિયો માર્ટમાં ખરીદી કરવા માટે કરી શકાય છે.
ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલે ગયા વર્ષે 200 મિલિયન રજિસ્ટર્ડ ગ્રાહકોને સેવા આપી છે, આ સંખ્યા યુકે, ફ્રાન્સ અને ઈટાલીની વસ્તી જેટલી છે.
તેમણે કહ્યું- રિલાયન્સના ડિજિટલ અને ફિઝિકલ સ્ટોર્સમાં 52 કરોડ લોકોને સેવા આપી છે. તેણે દર વર્ષે 18 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ સિવાય ડિજિટલ પ્લેટફોર્મ પર 450 કરોડ મુલાકાતો નોંધાઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 2.3 ગણી વધારે છે.
ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલના ડિજિટલ કૉમર્સ પ્લેટફૉર્મ પર દરરોજ લગભગ 6 લાખ ઑર્ડરની ડિલિવરી કરવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું કે રિલાયન્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના દેશના 7 હજાર શહેરોમાં 8700 સ્ટોર્સ થવા જઈ રહ્યાં છે.
'તિસ્તા સેતલવાડે રાજકીય પાર્ટીના નેતા સાથે કાવતરું રચ્યું, મોટી રકમ લીધી' ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું
ગુજરાત સરકારના ઍફિડેવિટ મુજબ," સાક્ષીઓનાં નિવેદનોથી સ્થાપિત થાય છે કે તિસ્તા સેતલવાડ રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે કાવતરું રચ્યું હતું. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કાર્યકર તિસ્તા સેતલવાડ સામે 2002નાં ગુજરાત રમખાણો અંગે ખોટા પુરાવા ઊભા કરવા અંગે એફઆઈઆર એ માત્ર ઉચ્ચ અદાલતની ટિપ્પ્ણીના આધારે નહીં પરંતુ પુરાવાના આધારે નોંધવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ઍફિડેવિટ અનુસાર ગુજરાત સરકારે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે સેતલવાડ સામે 2002નાં રમખાણોમાં ખોટા પુરાવા ઊભા કરવા અંગેનો કેસ બને છે.
ઍફિડેવિટ મુજબ," સાક્ષીઓનાં નિવેદનોથી સ્થાપિત થાય છે કે તિસ્તા સેતલવાડ રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે કાવતરું રચ્યું હતું. "
"સાક્ષીઓનાં નિવેદનથી સ્થાપિત થાય છે કે આવેદનકર્તાએ અન્ય આરોપીઓએ એક રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે કાવતરું રચ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું. "
"એવું પણ કહેવામાં આવ્યું કે આવેદનકર્તાએ રાજકીય નેતા સાથે બેઠકો કરી અને તેમની પાસેથી મોટી રકમ પણ મળી હતી. સાક્ષીઓનાં નિવેદનોથી સામે આવ્યું છે કે આ રકમ કોઈ રાહતકોષનો ભાગ નહોતી."
ભારતના ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, એસ રવિંદ્ર ભટ અને સુધાંશુ ધુલિયાની બૅન્ચ સામે તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. તિસ્તા સેતલવાડની સામે 2002 રમખાણના કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના અધિકારીઓને ફસાવવા માટે કથિત ખોટા દસ્તાવેજ ઊભા કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જામીનની અરજી કરી છે.
સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે ગુજરાત સરકારને આ અંગે નોટિસ આપીને જવાબ માગ્યો હતો.
2002માં માર્યા ગયેલા કૉંગ્રેસ સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીની અરજી અંગે સુનાવણી વખતે તિસ્તા સેતલવાડ અંગે ટિપ્પણી કરી હતી ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઝકિયા જાફરીએ 2017ના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે એસઆઈટીના ક્લોઝર રિપોર્ટને માન્ય રાખતો મેજિસ્ટ્રેટના નિર્ણયને ફગાવવાનો ઇનકાર કર્યો હતો.
'ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્ઝ કોણ લાવે છે?' અરવિંદ કેજરીવાલનો સવાલ
પંજાબ પોલીસે રવિવારે ગુજરાતથી આવેલી ટ્રકમાંથી 38 કિલો હૅરોઇન ઝડપ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલમાં પંજાબ પોલીસના સૂત્રનો ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ડ્રગ્ઝ ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશ્યું હતું અને ત્યાંથી જમીનમાર્ગે પંજાબ મોકલાઈ રહ્યું હતું.
ટ્વીટર પર શૅર કરાયેલા વીડિયોમાં પંજાબના ડીજીપીએ પંજાબમાંથી પકડાયેલા આ ડ્રગ્ઝ વિશે પુષ્ટિ કરી હતી.
આ વીડિયો શૅર કરીને અરવિંદ કેજરીવાલે લખ્યું, "ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્ઝ કોણ લાવે છે? આ ધંધાનો માલિક કોણ છે? જરા વિચારો, રોજ કેટલું પકડાયા વગર નીકળી જતું હશે. શું આટલા મોટા પાયે ધંધો કરવો ટૉપના લોકોની સાઠગાંઠ વગર શક્ય છે? તમે દેશના યુવાનોને અંધારામાં ધકેલી રહ્યા છો."
ઉલ્લેખનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ઘણી સક્રિય જોવા મળી રહી છે.
અરવિંદ કેજરીવાલ અવારનવાર ગુજરાત આવી રહ્યા છે અને લોકોને વિવિધ ગૅરન્ટીઓ આપી રહ્યા છે. આ સાથે ભાજપ પર સીધા અને આડકતરી રીતે પ્રહાર કરતા પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતના ગરબા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થવા નામાંકિત
ભારતે ગુજરાતના પારંપરિક લોકનૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ કરવા માટે નામાંકન કર્યું છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સચિવ ટીમ કર્ટિસે દિલ્હીસ્થિત નેશનલ મ્યુઝિયમમાં એક પ્રેઝન્ટેશન દરમિયાન આ વિશે માહિતી આપી હતી અને સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ યાદીમાં સામેલ કરવામાં આવેલ કોલકાતાની દુર્ગાપૂજા વિશે પણ વાત કરી હતી.
પ્રેઝન્ટેશનમાં ગરબા કલાકારોની તસવીર ધરાવતી એક સ્લાઇડમાં જણાવવામાં આવ્યું હતું કે 'ગુજરાતના ગરબા - ભારતની આગામી રજૂઆત.' આ સાથે તેમાં લખાયેલું હતું કે હાલમાં આ માટેની ફાઇલ મંજૂરીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
ટીમ કર્ટિસે પ્રેઝન્ટેશન બાદ કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ અમૂર્ત પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતની 14 ધરોહરો સામેલ છે. જેમાં રામલીલા, વૈદિક મંત્રો, કુંભમેળો અને તાજેતરમાં ઉમેરવામાં આવેલ દુર્ગાપૂજાનો સમાવેશ થાય છે.
ચીન સાથેના તણાવ વચ્ચે અમેરિકાના બે યુદ્ધ જહાજો તાઇવાનની આસપાસ
અમેરિકાનાં બે યુદ્ધજહાજો હાલ તાઇવાનની દરિયાઈ સીમામાંથી પસાર થઈ રહ્યાં છે.
તાઇવાન અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પહેલી વખત અમેરિકન નૌસેનાનાં આ બે યુદ્ધજહાજો અહીં પહોંચ્યાં છે.
અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની નૌસેનાના યુદ્ધજહાજો અવારનવાર આ રસ્તા પરથી પસાર થતા હોય છે પરંતુ તાઇવાન અને ચીન વચ્ચેના તણાવ દરમિયાન પહેલી વખત અમેરિકન યુદ્ધ જહાજો આ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા છે.
નોંધનીય છે કે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં અમેરિકન કૉંગ્રેસના સ્પીકર નૅન્સી પૅલોસીની તાઇવાન મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું હતું. ત્યાર બાદ તેમણે તાઇવાનની આસપાસના વિસ્તારમાં મિલિટરી ડ્રીલ શરૂ કરી દીધી હતી.
રવિવારે તાઇવાનના સંરક્ષણમંત્રાલયે કહ્યું કે તેણે 23 ચીની વિમાનો અને આઠ સમુદ્રી જહાજો શોધી કાઢ્યાં છે, જે તેમના વિસ્તારની આસપાસ ફરી રહ્યાં છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, રવિવારે ચીને કહ્યું કે તે બંને યુદ્ધ જહાજો પર નજર રાખી રહ્યું છે. જો કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી થશે તો તેનો જવાબ આપવામાં આવશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો