PM મોદીએ લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર વાત કેમ કરી અને 2024ની ચૂંટણી પરિવારવાદ પર લડાશે?

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ સામે જે સૌથી મોટા બે પડકારો લાગે છે, તે છે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ.

લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું. "ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ ખતમ કરી રહ્યો છે. દેશે તેની સામે લડવું પડશે. અમારો પ્રયત્ન છે કે જેમણે દેશને લૂંટ્યો છે, તેમણે બધું પાછુ આપવું પડે. અમે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ."

"જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું, તો લોકોને લાગે છે કે હું માત્ર રાજનીતિની વાત કરી રહ્યો છું. જી ના, દુર્ભાગ્યથી રાજનૈતિક ક્ષેત્રની દુષ્ટતાએ ભારતની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષ્યો છે."

તેમણે વધુમાં કહ્યું, "જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે નફરત પેદા નહીં થાય, તેમને સામાજિક રીતે નીચું જોવાની ફરજ નહીં પડે ત્યાં સુધી આ માનસિકતાનો અંત નહીં આવે."

વડા પ્રધાન મોદીના ભાષણના આ ભાગની સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચૅનલો પર ખૂબ ચર્ચા થઈ હતી.

કેટલાક રાજકીય નિષ્ણાતો વડા પ્રધાન મોદીના આ નિવેદનને વિપક્ષ પરના હુમલા તરીકે જોઈ રહ્યા છે. તો કેટલાકનું કહેવું છે કે તેમના આ નિવેદનથી ભાજપના નેતાઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. ભાજપમાં પણ પરિવારવાદ અને ભ્રષ્ટાચારના દાખલા છે.

કેટલાક નિષ્ણાતો આને 2024ની તૈયારી તરીકે જોઈ રહ્યા છે.

કૉંગ્રેસે વડા પ્રધાન મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કદાચ તેઓ પોતાના ખુદના મંત્રીઓની વાત કરી રહ્યા છે.

line

લાલ કિલ્લા પરથી આ કહેવું કેટલું મહત્ત્વપૂર્ણ?

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બર કહે છે, "વડા પ્રધાન મોદી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ બંને અંગે લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવાની વાત કરી રહ્યા છે. તેઓ સમાજનાં વલણને બદલવાની વાત કરી રહ્યા છે. જ્યારે લોકોની માનસિકતા બદલશે તો તેનાંથી રાજકીય પરિવર્તન આવશે. આ પરિવર્તન વર્ષો સુધી ચાલશે. ભ્રષ્ટાચારના ઉલ્લેખ થકી તેઓ માત્ર રાહુલ અને સોનિયા ગાંધી પર જ નહીં પરંતુ લાલુ યાદવ પર પણ નિશાન સાધી રહ્યા હતા. ભ્રષ્ટાચારના મામલે સજા ભોગવનારા રાજકીય ચહેરાઓમાં તેઓ સૌથી આગળ છે."

નિસ્તુલા આગળ જણાવે છે, "પરિવારવાદનો ઉલ્લેખ તેમણે માત્ર રાજનીતિ માટે જ નહીં પરંતુ અન્ય સંસ્થાનો માટે પણ કર્યો છે. આ એક મહત્ત્વપૂર્ણ વાત છે. વડા પ્રધાન મુજબ, જરૂરી છે કે પરિવારવાદને પ્રોત્સાહન આપનારા અને ભ્રષ્ટ લોકો સત્તામાં ન આવે કારણ કે સત્તામાં આવ્યા બાદ તેઓ દેશનું નહીં પરંતુ પોતાનું ખુદનું હિત જોશે."

એમ નથી કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિશે વડા પ્રધાન મોદી પહેલીવાર બોલ્યા હોય.

આ વર્ષે માર્ચમાં પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામો બાદ ભાજપની સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "જો તમારાં બાળકોને ટિકિટ ન મળી હોય તો તેનું કારણ હું છું. મારું માનવું છે કે પરિવારવાદ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે."

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પરિવારવાદ વિશે વાત કરી હતી.

આ વાતનું તેમણે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં પુનરાવર્તન કર્યું હતું. અગાઉ રેલીઓ અને અન્ય જાહેર સભાઓમાં આ પ્રકારનું નિવેદન રાજકીય હતું પરંતુ લાલ કિલ્લા પરથી બોલવાનો અર્થ એ છે કે તેઓ આ અંગે સમગ્ર દેશને સંબોધિત કરી રહ્યા છે.

રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરીનું માનવું છે કે 15 ઑગસ્ટે જ્યારે ભારત આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીના આ શબ્દો તેમના સંદેશને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.

નીરજાના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીના ભાષણમાં ત્રણ રાજકીય પંચલાઇન હતી. 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને સહકારી સ્પર્ધાત્મક ફૅડરલિઝમ.'

ભ્રષ્ટાચાર પર તેમની વાત એટલા માટે મહત્ત્વ ધરાવે છે કારણ કે આ સમયે વિપક્ષના નેતાઓ પર ઇડી અને અન્ય એજન્સીઓની કાર્યવાહી રોજેરોજ અહેવાલોમાં અગ્રિમતાથી જોવા મળતી હતી. પાર્થ ચેટરજી, સંજય રાઉત, રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી બધાં જ ઇડીના નિશાના પર છે.

વિરોધ પક્ષનો આરોપ છે કે જે નેતાઓ મોદી સરકારની નીતિઓ સાથે સહમત નથી, તેમને ડરાવવા માટે ઇડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

line

2024ની ચૂંટણીનું નૅરેટિવ

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદી ભ્રષ્ટાચાર મામલે એક નવો વળાંક લાવ્યા છે.

નીરજા કહે છે, "વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને આહ્વાન કર્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની આ લડાઈમાં તેઓ દેશવાસીઓનો સહયોગ ઇચ્છે છે. સંદેશ સ્પષ્ટ છે કે 2024ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એક મહત્ત્વપૂર્ણ મુદ્દો હશે. ઇડીનો ઉપયોગ આગળ પણ યથાવત્ રહેશે. આજનું ભાષણ સાંભળીને

મને એમ લાગે છે કે આગળ હવે કોઈ નહીં બચે."

વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી અહીં વધુ એક વાત યાદ કરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "મને લાગે છે કે વડા પ્રધાન મોદી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી 2024માં વિપક્ષને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરવા માગે છે. 2012માં પણ યુપીએ સરકારને ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવાની શરૂ કરી હતી. 2014ની ચૂંટણી આવતાં-આવતાં યુપીએ-2ને સૌથી ભ્રષ્ટ સરકાર તરીકે ભાજપે જનતા સમક્ષ રજૂ કરી અને લોકોને સંદેશ આપ્યો કે આ ભ્રષ્ટ સરકારને હઠાવવાની છે."

"હવે આ જ કામ ભાજપે 2022માં ફરી શરૂ કર્યું છે. આજે જેટલા ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે તે વિપક્ષી પાર્ટીઓના છે. ભાજપ હાલ પોતાની ઇમેજ બનાવવાની કવાયતમાં લાગેલો છે. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ બંને જ 2024ની ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ મુદ્દા બનીને રહેશે. આ રીતે તેમણે પોતાની પાર્ટીને પણ સંદેશ આપ્યો છે. 2024ની લડાઇ આ જ મુદ્દા પર લડવામાં આવશે. તેમની પાર્ટીના નેતા આ બંને વાતોથી બચે, જેથી લડાઈ મજબૂતીથી લડી શકાય."

line

ભાજપમાં પરિવારવાદ

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, BANGALORE NEWS PHOTOS

વિજય ત્રિવેદીનું કહેવું છે કે ભારતમાં તમામ રાજકીય પક્ષો આ સમયે પારિવારિક રાજકારણમાં ફસાયેલા છે પરંતુ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડા પ્રધાને કોઈ ચોક્કસ પક્ષનું નામ લીધું ન હતું. તેમણે તેને દેશ માટે એક પડકાર તરીકે રજૂ કર્યો હતો.

કૉંગ્રેસે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે વડા પ્રધાન મોદીનો આ પ્રહાર તેમના જ મંત્રીઓ અને મંત્રીપુત્રો પર છે.

હાલમાં જ સંસદમાં ભાજપના નેતા તેજસ્વી સૂર્યા અને એનસીપી નેતા સુપ્રિયા સુલે વચ્ચે રાજનીતિમાં પરિવારવાદ વિશે બોલાચાલી થઈ હતી.

સુપ્રિયા સુલેએ તેજસ્વી સૂર્યાને પૂછ્યું હતું કે શું તેઓ કર્ણાટકના ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમને ઓળખે છે. હકીકતમાં રવિ સુબ્રમણ્યમ તેજસ્વી સૂર્યાના કાકા થાય છે.

તે જ સમયે સુપ્રિયા સુલેએ રાજકીય પરિવારોમાં જન્મેલા ભાજપના નેતાઓની યાદી ગણાવી હતી.

આ યાદીમાં તેમણે પંકજા મુંડે, પૂનમ મહાજન, રક્ષા ખડસે, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ તમામ નેતાઓ તેમની જેમ રાજકીય પરિવારોમાંથી આવે છે, પણ તેઓ આ સત્યને લઇને લજ્જિત નથી.

આ વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલાં વડા પ્રધાન મોદીએ ભાજપમાં પરિવારવાદની રાજનીતિ પર મુક્તપણે વાત કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે "'ભાજપમાં પરિવારવાદ' અંગે વિપક્ષના જૂઠ્ઠાણાંનું સત્ય હું વિશ્વ સામે લાવવા માગું છું. એક પરિવારમાંથી અનેક લોકો જનતાની વચ્ચે જાય અને જનતા તેમને ચૂંટીને મોકલે તો એ રાજનીતિનું એક પાસું છે પણ તેનું બીજું એક પણ પાસું છે."

"જ્યારે કોઈ એક જ પરિવારમાંથી લોકો પાર્ટીના અધ્યક્ષ, ટ્રૅઝરર, એ પાર્ટીની પાર્લામૅન્ટરી બૉર્ડમાં સામેલ થાય, પિતાજી ન બની શકે તો પુત્ર અધ્યક્ષ બને, આ જે વંશવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટી એક ચોક્કસ પરિવારની બની જાય છે. આ વંશવાદનું બીજું પાસું છે."

line

પરિવારવાદ અને પ્રાદેશિક પાર્ટીઓ

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી

આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ વંશવાદના સંદર્ભમાં જમ્મૂ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તામિલનાડુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ લિસ્ટમાં બિહારનું નામ તે સમયે તેમણે લીધું ન હતું પરંતુ આજે ત્યાં પણ નીતીશ અને તેજસ્વીની પાર્ટી સત્તામાં આવી ગઈ છે.

નીરજા કહે છે, "પરિવારવાદ વિરુદ્ધ વડા પ્રધાન મોદીએ જે કાંઈ પણ કહ્યું એ 2024ની ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ રહેશે. આજે એ નૅરેટિવની તેમણે એક ઝાંખી આપી દીધી છે."

તેઓ આગળ કહે છે, "પરિવારવાદ પર વડા પ્રધાન મોદીનું નિવેદન એક રીતે પ્રાદેશિક પાર્ટીઓ પર પ્રહાર કરવા જેવું પણ હતું. આ સમયે પરિવારવાદ પ્રાદેશિક પાર્ટીઓમાં સૌથી વધુ છે. ભલે ને તે પશ્વિમ બંગાળમાં મમતા બેનરજી, બિહારમાં તેજસ્વી, એમ. કે. સ્ટાલિન, જનગમોહન રેડ્ડી, કેસીઆર, નવીન પટનાયકની પાર્ટી હોય. કેજરીવાલ અને નીતીશ કુમારની પાર્ટીને બાદ કરતાં તમામ પ્રાદેશિક પક્ષોમાં પરિવારવાદ જોવા મળે છે."

ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ તાજેતરમાં પ્રાદેશિક પાર્ટીઓના અસ્તિત્વ વિશે મોટી વાત કહી હતી.

નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ ભાષણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ

નીરજા જે. પી. નડ્ડાનાં એ નિવેદનને અને વડા પ્રધાન મોદીના આજનાં નિવેદનને એક સાથે જુએ છે.

તેઓ કહે છે, "પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર વડા પ્રધાન મોદીનું નિવેદન પ્રાદેશિક પાર્ટીઓને એકજૂથ કરવાનું કામ કરશે."

જોકે વડા પ્રધાન મોદીના ભાષણને નીરજા ઘણું સારું માને છે. તેમનું કહેવું છે કે "ભાષણ ઘણું સારું હતું. પાંચ કર્તવ્ય, મહિલા સશક્તિકરણની વાત, આવનારી સમસ્યાઓનો ઉલ્લેખ, લોકોને પાણી બચાવવાનું કર્તવ્ય યાદ અપાવવું, આ એવી બાબતો હતી જે તમામ લોકોને સાચી જ લાગશે. ભાગ્યે જ કોઈ તેનો વિરોધ કરી શકશે."

વિજય ત્રિવેદી કહે છે, "જનતાને આશા હતી કે વડા પ્રધાન મોદી આજના ઐતિહાસિક દિવસે કોઈ મોટી જાહેરાત કરશે પણ તેમણે કોઈ જાહેરાત ન કરી પરંતુ 25 વર્ષનો રોડમૅપ આપી દીધો છે."

જ્યારે નિસ્તુલા કહે છે, "નારી શક્તિને લઇને તેમણે જે વાત કહી તેનાંથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે આવનારા દિવસોમાં ભાજપ મહિલાને એક વિશેષ વોટબૅન્ક તરીકે જોઈ રહ્યો છે. જે જાતિ અને ધર્મ આધારિત વોટબૅન્ક કરતાં મોટી અને મહત્ત્વપૂર્ણ છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન