હર ઘર તિરંગા : તમારી ઘરે તિરંગો ફરકાવવા અને ઉતારીને સાચવવાના શું છે નિયમ?

આજે ભારત પ્રજાસત્તાકદિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે વાંચો કે ઘરે તિરંગો ફરકાવવા અને ત્યાર બાદ તેને ઉતારીને સાચવવાના શું છે નિયમો.

અગાઉ 15 ઑગસ્ટ 2022ના સ્વાતંત્ર્યદિનની ઉજવણી વખતે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ દેશવાસીઓને પોતાના ઘરે તિરંગો ફરકાવવાનો આગ્રહ કર્યો હતો અને કેન્દ્ર સરકારે તિરંગો ફરકાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી હતી. કેવી રીતે તિરંગો ફરકાવવો અને પછી તિરંગાનું શું કરવું એ લોકોના મનમાં થતો એક સ્વાભાવિક પ્રશ્ન છે.

આ સિવાય જો તિરંગાને ઉતાર્યા બાદ તેને કેવી રીતે રાખવો અને જો ભૂલથી પણ તેનું અપમાન થાય તો શું સજા થાય, એ પણ જાણવું જરૂરી છે.

ભારતના રાષ્ટ્રધ્વજની વિચારમાંથી હકીકત બનવા સુધીની કહાણી

  • સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવવાનું શ્રેય કોને ફાળે જાય છે, તમને ખબર છે?
  • પિંગલી વેંકૈયાએ લગભગ પાંચ વર્ષ સુધી 30 દેશના ઝંડાનો અભ્યાસ કર્યો હતો, પછી તેમણે કૉંગ્રેસના વર્ષ 1921ના વિજયવાડા (એ સમયનું બેજવાડા) અધિવેશન દરમિયાન રજૂ કર્યો હતો. પિંગલીની મૂળ ડિઝાઇનમાં માત્ર લાલ અને લીલો રંગ હતા, પરંતુ ગાંધીજીએ તેમાં સફેદ રંગની પટ્ટીનો ઉમેરો કરાવ્યો હતો.
  • દેશ આઝાદ થયો તેનાં 40 વર્ષ પહેલાં વિદેશમાં પ્રથમ વખત એક મહિલાએ ભારતીય ઝંડો ફરકાવ્યો હતો, તેમનું નામ હતું ભીખાજી કામા
  • કામાના ઝંડામાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી. તેમના ઝંડામાં વચ્ચે 'વંદે માતરમ્' લખેલું હતું. ઝંડાની લીલી પટ્ટીમાં અષ્ટકમલ હતા, જે દેશના (એ સમયના) આઠ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતા હતા
  • 1931માં કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રધ્વજના સ્વીકાર સંબંધિત વધુ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો

ઘરે ફરકાવવામાં આવેલા ઝંડાને પછી કેવી રીતે સાચવવો?

સાંસ્કૃતિક મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં ઝંડો કેવી રીતે સંકેલવાનો એ અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ માર્ગદર્શિકા અનુસાર

  • તિરંગાને આડો રાખો
  • ઉપરનો કેસરી અને નીચેનો લીલો પટ્ટો સફેદ પટ્ટાની નીચે વાળો.
  • સફેદ પટ્ટાને એવી રીતે સંકેલો કે કેસરી અને લીલા પટ્ટા સાથે માત્ર અશોકચક્ર દેખાય.
  • ઝંડો આ રીતે સંકેલ્યા બાદ તેને હથેલી અથવા હાથ પર લઈને તેને યોગ્ય જગ્યાએ મૂકવો

ક્યાં રાખી શકાય તિરંગો: ફ્લૅગ કોડ અનુસાર, ઝંડાને "એવી રીતે ન રાખવો જોઈએ કે પછી એવી રીતે ઉપયોગ ન કરવો જોઈએ કે તે ગંદો થાય કે તેને નુકસાન થાય". ફ્લૅગ કોડ અનુસાર ઝંડો "જમીન અથવા ફર્શને અડવો જોઈએ અથવા પાણીમાં ન જવો જોઈએ".

ભારતીય ફ્લૅગ કોડ 2002માં તૈયાર કરાયો હતો અને 2021માં તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

જો તિરંગો ગંદો થાય તો : ફ્લૅગ કોડ અનુસાર " સંપૂર્ણ ઝંડાને ખાનગીમાં નષ્ટ કરવો જોઈએ, તેને સળગાવવા અથવા ઝંડાનું સન્માન જાળવી રાખે તેવી અન્ય કોઈ રીતે".

આ સન્માન અને મર્યાદા કેવી રીતે જાળવવી આ વિશે કંઈ વિસ્તારથી નથી લખવામાં આવ્યું.

પરંતુ આ પ્રશ્નના જવાબમાં બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથે ઇન્ડિયન ફ્લૅગ ફાઉન્ડેશનના સીઈઓ અસીમ કોહલીએ કહ્યું હતું કે, "કેટલાક લોકો માટે સન્માનિત રીત તેને દફનાવવો હોઈ શકે, કેટલાક લોકો માટે પાણીમાં વહાવી દેવો હોી સકે, કેટલાક લોકો માટે તેને સળગાવવો પણ હોઈ શકે છે. તમે આમાંથી કોઈ પણ રીત અપનાવી શકો છો પરંતુ એકાંતમાં કરો અને આનો વીડિયો ન બનાવો. આ ધ્યાન રાખવું એટલે જરૂરી છે કારણ કે પછી આ વીડિયોનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે."

તેઓ કહે છે કે તમે આ કામ ધર પર કરી શકો છો.

ફ્લૅગ કોડ અનુસાર રાષ્ટ્રીય ઝંડાને "બીજા અન્ય કોઈ પણ કામ માટે ન વાપરવો જોઈએ".

શું છે નિયમ ?

સામાન્ય લોકો પોતાના સ્તર પર ઝંડાનું ધ્યાન રાખી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે.

બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથે ઇન્ડિયન ફ્લૅગ ફાઉન્ડેશનના સીઈઓ અસીમ કોહલીએ વાતચીતમાં કહ્યું કે 'હર ઘર તિરંગા' અભિયાન વિશે કેટલીક ભ્રાંતિઓ ફેલાયેલી છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "લોકોના મનમાં એવી ધારણા છે કે ઝંડો માત્ર 13થી 15 ઑગસ્ટ વચ્ચે જ લગાવવાનો છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી ક્યાંય નથી કહેવામાં આવ્યું કે 15 ઑગસ્ટ પછી ઝંડો ઉતારી લેવો. સૌથી પહેલાં જનતાએ આ વાત સમજવી પડશે."

તેઓ આગળ કહે છે કે ''ભારતમાં વર્ષના 365 દિવસ ઘર ઑફિસ કે કોઈ જાહેરસ્થળ પર ઝંડો લગાવવાની જનતાને પરવાનગી છે. સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણય બાદ આ શક્ય બન્યું છે. આ કારણે 15 ઑગસ્ટ પછી ઘર પરથી ઝંડો ઉતારવો અનિવાર્ય નથી. તમે તેને યથાસ્થાન રાખી શકો છો. ''

રાષ્ટ્રધ્વજના અપમાનની શું છે સજા?

ફ્લૅગ કોડ અનુસાર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેનું સન્માન જળવાય તેની પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. ફ્લૅગ કોડની જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું શાબ્દિક કે અન્ય કોઈપણ રીતે અપમાન કરવું સજાને પાત્ર છે.

આવા કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની સજા, દંડ અથવા તો બંનેની જોગવાઈ છે.

આ ઉપરાંત રાષ્ટ્રધ્વજના ઉપયોગ બાદ અનિવાર્ય કિસ્સામાં તેનો નિકાલ કેવી રીતે કરવો? તેને લઈને પણ અલગ જોગવાઈ છે.

જે મુજબ, જો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય, તો તેનો સંપૂર્ણપણે ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ અને રાષ્ટ્રધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને તેને સળગાવીને નિકાલ કરી શકાય છે.

જો રાષ્ટ્રધ્વજ કાગળનો બનેલો હોય તો તેને જમીન પર કે પાણીમાં ફેંકી શકાય નહીં. જો કોઈ આમ કરતું પકડાય તો તે પણ સજાને પાત્ર છે.

ભારતને તિરંગો કેવી રીતે મળ્યો?

1931માં કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રધ્વજના સ્વીકાર સંબંધિત વધુ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમાં કેસરી, સફેદ તથા લીલા રંગની પટ્ટીઓ ઉમેરવામાં આવી હતી અને તેનો કોઈ ધર્મ સાથે સંબંધ ન હતો.

કેસરી રંગ હિંમત અને ત્યાગ, સફેદ રંગ સત્ય અને શાંતિ તથા લીલો રંગ વિશ્વાસ તથા શૌર્યનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ ઝંડાની સફેદ પટ્ટીમાં નીલવર્ણી ચરખો અધ્યારોપિત હતો. તેનું પ્રમાણ 3:2નું હતું.

22 જુલાઈ, 1947ના દિવસે મળેલી બંધારણસભાની બેઠકમાં (સાંસ્કૃતિક સ્રોત તથા પ્રશિક્ષણ કેન્દ્ર, ચક્રધવજ, પેજ નંબર આઠ) સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગાનો સ્વીકાર કરવામાં આવ્યો, જેમાં રંગ તો અગાઉ જેવા જ રહ્યા, પરંતુ ચરખાનું સ્થાન સમ્રાટ અશોકના 'ધર્મચક્ર'એ લીધું.

આ સંબંધિત પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ બંધારસભામાં રજૂ કરતી વેળાએ કહ્યું, "આપણે કૃતનિશ્ચયી છીએ કે ઘાટો કેસરી, સફેદ અને ઘાટો લીલો રંગ સમાન અનુપાતમાં હશે. સફેદ પટ્ટીની મધ્યમાં ચરખાનું પ્રતિનિધિત્વ કરતું ચક્ર ઘાટા નીલવર્ણનું ચક્ર હશે, જેની પરિકલ્પના સારનાથસ્થિત સમ્રાટ અશોક દ્વારા નિર્મિત સિંહસ્તંભમાં જોવા મળે છે. ચક્રનો વ્યાસ સફેદ પટ્ટીની પહોળાઈ જેટલો રહેશે. તેનું પ્રમાણ 2:3નો હતો."

રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.

2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.

3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.

4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.

5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.

6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.

7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.

8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.

9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.

10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો