You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે નરેન્દ્ર મોદીથી નારાજ નીતીશકુમારે ગુજરાતની પાંચ કરોડની સહાય ઠુકરાવી દીધી
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે મંગળવારે બપોરે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાત બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. આ સાથે તેમણે તેજસ્વી યાદવ સાથે મળીને રાજ્યપાલને મળીને 164 ધારાસભ્યોના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
પણ એક સમય એવો હતો, જ્યારે નીતીશકુમાર નરેન્દ્ર મોદીના પ્રશંસક હતા. નીતીશકુમારે વર્ષ 2003માં ગુજરાતના કચ્છમાં એક રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે "મને આશા છે કે નરેન્દ્રભાઈ લાંબા સમય સુધી ગુજરાત સુધી સીમિત નહીં રહે. દેશને તેમની સેવાઓ મળશે."
વર્ષ 2005ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએના સમર્થનથી નીતીશકુમાર બીજી વાર બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા.
આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ નીતીશકુમારે એનડીએના સમર્થનથી બિહારમાં સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને 206 અને આરજેડીને માત્ર 22 બેઠક મળી હતી.
મોદીએ આપેલા પાંચ કરોડ રૂપિયા જ્યારે નીતીશકુમારે પરત કર્યા
2014ની લોકસભા ચૂંટણી પહેલાં નીતીશકુમાર અને ભાજપના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. કહેવાય છે કે આ અણબનાવનું કારણ નરેન્દ્ર મોદી હતા. એવું પણ કહેવાય છે કે ભાજપમાં અટલ-અડવાણી યુગના અંત પછી નીતીશકુમારને નવા નેતૃત્વ સાથે તાલમેલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
અટલ-અડવાણીના એનડીએમાં નીતીશકુમારની એટલી હૈસિયત હતી કે તેમણે નરેન્દ્ર મોદીના બિહારની ચૂંટણીમાં પ્રચાર કરવા દીધો નહોતી. જોકે ભાજપ જ્યારે નરેન્દ્ર મોદી મામલે અડગ રહ્યો ત્યારે તેમણે પોતાનો રસ્તો અલગ કરી લીધો હતો.
જૂન 2010માં બિહારનાં છાપાંઓમાં પૂરમાં મદદ કરવાને લઈને મોદી સાથે નીતીશકુમારની તસવીરો છપાઈ હતી. આ વાત નીતીશકુમારને પસંદ ન આવી હતી અને તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેનું ભોજન રદ કરી દીધું હતું.
એટલું જ નહીં, નીતીશકુમારે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે મોદી તરફથી પૂરપીડિતોને મળેલા પાંચ કરોડ રૂપિયા પણ પરત કરી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતીશકુમારે એવું પણ એક સમયે સદનમાં કહ્યું હતું કે 'રહીએ કે માટીમાં મળી જઈએ, પણ તમારી સાથે હાથ નહીં મિલાવીએ.'
તેમણે કહ્યું હતું કે "ભરોસો કર્યો હતો એ અટલજીનો યુગ હતો, હવે અટલજીનો યુગ નથી રહ્યો. આથી જ્યારે અમે અલગ થઈ રહ્યા હતા ત્યારે અડવાણીજીએ ફોન કરીને કહ્યું હતું કે તમને અધ્યક્ષે જે વચન આપ્યું છે, તેને નિભાવો."
"અમે કહ્યું કે હવે એ અમારા માટે શક્ય નથી. અને જે અધ્યક્ષે વચન આપ્યું હતું, તે હવે અધ્યક્ષ નથી રહ્યા. અને આ વાતો કોણ સાંભળશે. આથી અમે અમારા રસ્તે જઈએ છીએ. એ યુગ હવે પૂરો થઈ ગયો છે."
"હવે તમારો નવો અવતાર થઈ ચૂક્યો છે. હવે પછી કોઈ પણ સંજોગોમાં પાછા જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી."
એ સમયે નીતીશકુમારે ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ પણ લગાવ્યો હતો.
પરંતુ વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ નીતીશકુમારે પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપ સાથે પ્રેમ-નફરતનો સંબંધ
અત્યાર સુધી સાત વખત બિહારના મુખ્ય મંત્રી રહી ચૂકેલા નીતીશકુમાર બિહારના એવા નેતા છે જેમણે ભાજપની અલગ-અલગ પેઢીઓ સાથે પોતાની રાજકીય સફર ખેડી છે.
નીતીશકુમારે અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધીના દૌરવાળા ભાજપ સાથે કામ કર્યું છે.
એટલું જ નહીં, 20 વર્ષથી વધુની રાજકીય સફરમાં તેમણે હંમેશાં પોતાને ભાજપના ટોચના નેતાઓ માટે પ્રાસંગિત રાખ્યા છે.
નીતીશકુમાર અને ભાજપનો આ સંબંધ વર્ષ 1996માં શરૂ થયો હતો, જ્યારે તેમણે બાઢ લોકસભા સીટ જીત્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.
ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને નીતીશકુમારને કેન્દ્રમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી.
વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે મળીને નીતીશકુમારની પાર્ટીએ આરજેડીને જોરદાર ટક્કર આપી હતી.
અને વર્ષ 2000માં નીતીશકુમારે પહેલી વાર ભાજપના સમર્થનથી બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ ચૂંટણીમાં પણ કોઈ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી નહોતી. એનડીએ અને તેના સહયોગીઓ પાસે 151 ધારાસભ્ય હતા. તો લાલુ પ્રસાદ યાદવ પાસે 159 ધારાસભ્યનું સમર્થન હતું.
સંક્ષિપ્તમાં : નીતીશકુમાર અને રાજકારણ
- 1995ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં આરજેડી કે જેડીયુ નહોતા. 1994માં નીતીશકુમારે તત્કાલીન જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. પછી તેઓ ભાજપના વફાદાર બન્યા અને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા.
- 2003માં જનતા દળના શરદ યાદવ જૂથ, લોકશક્તિ પાર્ટી અને જ્યોર્જ ફર્નાન્ડીઝ અને નીતીશકુમારની સમતા પાર્ટીએ મળીને જનતા દળ (યુનાઇટેડ)ની રચના કરી હતી.
- જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે 17 વર્ષના ગઠબંધન બાદ 2013માં નીતીશકુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો.
- 2015માં સત્તાધારી જનતા દળ (યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કૉંગ્રેસ, જનતા દળ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોકદળ અને સમાજવાદી જનતા પાર્ટી (નેશનલ)એ મહાગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
- 2017માં જેડીયુ મહાગઠબંધનથી અલગ થઈ ગઈ અને નીતીશકુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
- 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ સાથે મળીને નીતીશકુમાર ફરી એક વાર બિહારના મુખ્ય મંત્રી બન્યા
મોદીપ્રશંસક નીતીશકુમાર જ્યારે વિરોધી બની ગયા
પરંતુ નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા અને માત્ર સાત જ દિવસમાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
એ પછી નીતીશકુમારે અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય રેલમંત્રીથી લઈને કેન્દ્રીય કૃષિમંત્રી જેવા મહત્ત્વના હોદ્દા સંભાળ્યા હતા.
મોદી-શાહના ભાજપ સાથે મિત્રતા
નીતીશકુમારને નજીકથી ઓળખનારા માને છે કે તેમના મનને કળવું ખૂબ મુશ્કેલ છે. વર્ષ 2014માં રાજીનામું આપ્યા બાદ નીતીશકુમારે 2015ની ચૂંટણીમાં ભાજપ સાથે ચુસ્ત મુકાબલામાં વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
આ ચૂંટણી નીતીશકુમારે આરજેડી અને કૉંગ્રેસ સાથે મળીને લડી હતી, જેના કારણે તેજસ્વી યાદવને નાયબ મુખ્ય મંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી.
પરંતુ આ સરકાર ચલાવવામાં નીતીશકુમારને ઘણી મુશ્કેલ પડી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.
તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટાચારના આરોપો પછી નીતીશકુમારે જાહેરમાં કહ્યું હતું કે "જ્યારથી આરજેડી નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, અમે વિનંતી કરી રહ્યા છીએ કે કમસે કમ ખુલાસો તો કરો. અમે પોતે તેજસ્વીને મળ્યા હતા અને કહ્યું હતું કે જે છબિ બનાવી છે તેને સ્વચ્છ કરવી જોઈએ. પણ આવું ન થયું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મારા માટે કામ કરવું મુશ્કેલ થઈ ગયું. અમે ગઠબંધન ધર્મ નિભાવ્યો અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ હવે મારો અંતરાત્મા તેની સાક્ષી નથી આપતો કે તેને ચાલુ રાખવું જોઈએ."
ત્યાર બાદ નીતીશકુમારે ફરી એક વાર રાજીનામું આપીને તેમના રાજકીય સહયોગી કૉંગ્રેસ અને આરજેડીને આંચકો આપ્યો.
નીતીશકુમારને આ નિર્ણય પર અભિનંદન આપતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે, "ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવવા બદલ નીતીશકુમારજીને ખૂબ-ખૂબ અભિનંદન. સવા સો કરોડ નાગરિકો ઈમાનદારીનું સ્વાગત અને સમર્થન કરી રહ્યા છે."
નીતીશકુમારે તેના પર કહ્યું કે 'અમે લીધેલા નિર્ણય પર આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા માટે દિલથી આભાર.'
ત્યાર બાદ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે મળીને નીતીશકુમાર ફરી એક વાર બિહારના મુખ્ય મંત્રી બન્યા, પરંતુ આ વખતે તેઓ રાજકીય રીતે પહેલાં કરતાં થોડા નબળા પડી ગયા.
આ ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર 43 સીટ મળી અને ભાજપને 74 સીટ, જ્યારે આરજેડીને 75 સીટ મળી હતી.
વર્ષ 2022માં નીતીશકુમારે ફરી એક વાર પોતાના પદ પરથી રાજીનામું આપીને આરજેડી સાથે હાથ મિલાવ્યા છે અને ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો