વડા પ્રધાન મોદી અને યોગી આદિત્યનાથની તસવીરો કચરામાં કોણે ફેંકી? - પ્રેસ રિવ્યૂ

ઉત્તર પ્રદેશમાં મથુરા-વૃંદાવન નગરનિગમ-કાર્યાલયે વડા પ્રધાન મોદી અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની તસવીરો કચરાગાડીમાં લઈ જનારા એક સફાઈકર્મીને બરતરફ કર્યો છે.

'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ પ્રમાણે, મથુરાના મેયર મુકેશ આર્ય બંધુ અને અધિક નગરનિગમ અધિકારી સત્યેન્દ્ર તિવારી માને છે કે સફાઈકર્મી બૉબીએ ભૂલથી આમ કર્યુ હશે પણ બેદરકારીના કારણે તેને નોકરી પરથી છૂટો કરવાની બાબત બંનેએ યોગ્ય ગણાવી.

અહેવાલ પ્રમાણે, 45 વર્ષીય બૉબીને સુભાષ ઇન્ટર કૉલેજ પાસે રસ્તા પર પડેલા કચરામાંથી તસવીરો મળી હતી.

આ વિસ્તારમાં પાંચ કૉલોનીઓના લોકો કચરો ફેંકે છે. મેયરનું કહેવું છે કે આ પૉશ કૉલોનીઓ છે અને તપાસ ચાલી રહી છે કે કોના ઘરમાંથી આ તસવીરો ફેંકવામાં આવી છે.

જોકે, એક નગરનિગમ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેમણે આ તસવીરો એક સ્થાનિક નગરનિગમની ઑફિસની દીવાલ પર લાગેલી જોઈ હતી, જે કચરાવાળી જગ્યાથી માત્ર 200 મીટર દૂર છે. જોકે, નગરનિગમ અધિકારીઓએ આ વાતથી ઇનકાર કર્યો છે.

સફાઈકર્મી બૉબી કચરો એકઠો કરીને શહેરની બહાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવા જઈ રહ્યા હતા ત્યારે એક કાર તેમની પાસે આવીને ઊભી રહી અને તેમાંથી ઊતરેલાા ત્રણ લોકોએ તેમને આ તસવીરો બતાડવા કહ્યું હતું.

દલિત વિદ્યાર્થિનીઓનો યુનિફૉર્મ ઊતારવા મામલે શિક્ષિકાઓ વિરુદ્ધ ફરિયાદ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં બે દલિત વિદ્યાર્થિનીઓનો યુનિફોર્મ ઉતારવા મામલે બે શિક્ષિકાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, આ ઘટના 11 જુલાઈની છે. વિદ્યાર્થિનીનાં માતા-પિતાનો આરોપ છે કે શિક્ષિકાઓ યુનિફોર્મમાં વિદ્યાર્થિનીઓના ફોટો લઈ રહી હતી.

માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે આ શિક્ષિકાઓએ તેમની પુત્રીઓને યુનિફોર્મ કાઢીને એવી બે વિદ્યાર્થિનીઓને આપવા કહ્યું, જે યુનિફોર્મ વગર શાળાએ આવી હતી.

જ્યારે તેમની પુત્રીઓએ યુનિફોર્મ આપવાની ના પાડી તો શિક્ષિકાઓએ તેમને માર માર્યો અને જબરદસ્તી યુનિફોર્મ ઉતરાવડાવ્યો હતો.

હાપુડના સહાયક પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે, બંને શિક્ષિકાઓ વિરુદ્ધ વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ આરંભી દેવામાં આવી છે.

ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાનપદ માટે ત્રીજા રાઉન્ડમાં પણ આગળ

બ્રિટનના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની રેસમાં ઋષિ સુનક સૌથી આગળ ચાલી રહ્યા છે.

સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા ચૂંટવા માટે સાંસદો વચ્ચે થયેલી ત્રીજા તબક્કાના મતદાનમાં પણ તેઓ સૌથી આગળ રહ્યા છે.

આ રેસમાંથી સાંસદ ટૉમ ટુગેંડહટ બહાર થઈ ગયા છે. પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક સિવાય બીજા નંબરે વેપારમંત્રી પૅની મોર્ડેંટ અને ત્રીજા નંબરે વિદેશમંત્રી લિઝ ટ્રસ છે.

14 જુલાઈએ યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં પણ પ્રથમ ચાર ઉમેદવારો એક સરખા રહ્યા છે. ત્યારે ઋષિ સુનક 101 વોટ સાથે આગળ ચાલી રહ્યા હતા. ત્રીજા તબક્કાના મતદાનમાં તેઓ 115 વોટથી આગળ છે.

હવે આગામી મંગળવારે આ ચાર ઉમેદવારો માટે ફરી વખત મતદાન યોજાશે.

પાર્ટી સાંસદોના મતદાનની પ્રક્રિયા ત્યાર સુધી ચાલુ રહેશે જ્યાં સુધી માત્ર બે ઉમેદવારો બાકી ન રહી જાય. 21 જુલાઈ સુધી આ પ્રક્રિયા ચાલે તેવી શક્યતા છે.

અંતે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પોસ્ટલ વોટથી પાર્ટીના નેતા ચૂંટશે.

આ વિજેતા ઉમેદવાર પાર્ટીના નેતાપદ સહિત વડા પ્રધાનપદ પણ સંભાળશે. નવા વડા પ્રધાનની જાહેરાત પાંચ સપ્ટેમ્બરે કરવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો