You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિદ્ધુ મૂસેવાલા કેસમાં ગુજરાતમાંથી પકડાયેલ 'શાર્પશૂટર' સંતોષ જાધવનું શું છે કચ્છ કનેક્શન?
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે કથિતરીતે સંકળાયેલ શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ હાલમાં જ કરવામાં આવી હતી.
પુણે ગ્રામ્ય પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની રવિવાર મોડી રાત્રે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી અને તેમને 20 જૂન સુધી રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે.
લૉરેન્સ બિશ્નોઈ જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસનું માનવું છે.
ગુજરાતમાં શું કરતો હતો સંતોષ જાધવ?
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ગુજરાતમાંથી જેમની ધરપકડ કરવામાં આવી તે શાર્પશૂટર સંતોષ જાધવ ગત એક વર્ષથી ફરાર હતો.
પુણે પોલીસને સંતોષ જાધવના ગુજરાતમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસને આ માહિતી સૌરભ મહાકાલ પાસેથી મળી હતી.
સૌરભની પુણે ગ્રામીણ પોલીસે સાત જૂને ધરપકડ કરી હતી. તેના પર સંતોષ જાધવને શરણ આપવાનો આરોપ હતો.
પુણે ગ્રામીણ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અભિનવ દેશમુખે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સૌરભ મહાકાલે પોલીસને જણાવ્યું હતું કે સંતોષ જાધવ પોતાના મિત્ર સાથે ક્યાં સંતાયેલો છે.
રિપોર્ટ અનુસાર સંતોષ ગુજરાતના માંડવી તાલુકામાં સંતાયેલો હતો. પોલીસે નવનાથ સૂર્યવંશીની પહેલાં જ ધરપકડ કરી હતી. નવનાથે સરળતાથી સંતોષ વિશે નહોતું જણાવ્યું. ત્યાર બાદ પોલીસ પૂછપરછમાં તેણે માન્યું કે સંતોષ તેમના એક ઓળખીતાના ઘરે છુપાયેલો છે, ત્યાં તેમના માટે ભોજન અને સિમ કાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિનવ દેશમુખે જણાવ્યું કે, "સંતોષે પોતાનો પહેરવેશ એકદમ બદલાવી નાખ્યો હતો. સિદ્ધુ મૂસેવાલાના કેસમાં સંતોષનો ફોટો મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એટલે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે વાળ કપાવ્યા હતા."
પુણે પોલીસ અનુસાર નવનાથના પિતા ગુજરાતમાં કેટલાંય વર્ષોથી કામ કરે છે. નવનાથ અને સંતોષ એકબીજાને સારી રીતે ઓળખે છે. નવનાથે સંતોષને છુપાવામાં મદદ કરી હતી.
પોલીસે નવનાથની આરોપીને છાવરવાના આરોપમાં ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્ર પુણે એસીટી ટીમના પીએસઆઈ ગણેશ જગવણેએ કહ્યું કે સંતોષ જાધવ અને સાથે કચ્છમાં છુપાયેલો હતો. તેઓ કલરકામના મજૂર તરીકે કામ કરતો હતો. આ બંને માંડવીના એક મંદિર પાસે રહેતો હતો અને બીજું સિમ કાર્ડ વાપરતો હતો.
સંતોષની સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં શું ભૂમિકા છે? પોલીસે શું કહ્યું?
લૉરેન્સ બિશ્નોઈ ગૅંગે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.
પોલીસ અનુસાર સંતોષ જાધવ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો સભ્ય છે. સંતોષ મૂસેવાલાની હત્યામાં શૂટર માની રહી છે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) કુલવંતકુમાર સારંગલે કહ્યું કે, " અમે સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં સંતોષ અને સૌરભ મહાકાલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ."
લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સક્રિય છે. ગૅંગ આખા દેશમાં ઑપરેટ કરે છે. મહારાષ્ટ્ર પોલીસ અનુસાર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના કેટલાક સભ્યો મહારાષ્ટ્રમાં પણ સક્રિય છે.
દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર પોલીસ મૂસેવાલા મર્ડર કેસની તપાસ કરી રહી છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસે કહ્યું કે, "લૉરેન્સ બિશ્નોઈનું નામ મૂસેવાલા મર્ડર કેસમાં સામે આવ્યું હતું. અમારે એ જાણવાનું છે કે સંતોષ જાધવ અને સૌરભ મહાકાલ લૉરેન્સ બિશ્નોઈના સંપર્કમાં કેવી રીતે આવ્યા."
કોણ છે પકડાયેલો આરોપી સંતોષ જાધવ?
ઑગસ્ટ 2021માં પુણે જિલ્લાના એક ગામમાં એક વ્યક્તિની સરજાહેર હત્યા કરવામાં આવી હતી.
પોલીસ અનુસાર એક જ ગૅંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને ઓમકાર બાંખેલે વચ્ચે અણબનાવ થતાં સંતોષે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઓમકારની હત્યા કરી હતી.
સ્થાનિકો પ્રમાણે સંતોષ જાધવ અને ઓમકાર બાંખેલે એક સમયે એક જ ગૅંગમાં કામ કરતા હતા. એ બાદ તેમની વચ્ચે મતભેદ થયા અને દુશ્મનીનાં બીજ રોપાયાં.
31 જુલાઈ 2021ના દિવસે સંતોષ જાધવે સ્ટેટસ મૂક્યું હતું કે, 'સૂર્ય ઊગે એ પહેલાં તને પતાવી દઈશ'. જવાબમાં ઓમકારે સ્ટેટસ મૂક્યું હતું કે, 'મળીશ ત્યાં મારી નાખીશ.'
આ ક્રમ બાદ પહેલી ઑગસ્ટે ગામમાં જ ઓમકારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
સંતોષ જાધવનાં લગ્ન થઈ ગયાં છે અને તેને દીકરી પણ છે. જોકે, સંતોષનાં માતાના જણાવ્યા અનુસાર પરિવારનો મોટો પુત્ર હોવા છતાં એ પરિવારની જવાબદારી નથી ઉઠાવતો.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "એક વર્ષ પહેલાં અમે મળ્યાં હતાં. બાળપણમાં એનો સ્વભાવ સારો હતો પણ એના પિતાના મૃત્યુ બાદ એ બદલાઈ ગયો."
બાંખેલે કેસમાં કુલ નવ આરોપીઓ સામેલ હતા. જે પૈકી સાતની તે સમયે જ ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, હત્યાનો મુખ્ય આરોપી સંતોષ જાધવ પોલીસની પકડથી દૂર હતો. આશરે 10 મહિના બાદ છ જૂન 2022ના રોજ સંતોષ જાધવનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું.
આ વખતે તેનું નામ સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ચર્ચામાં હતું. તપાસકર્તાઓનું માનવું છે કે સંતોષ જાધવ મૂસેવાલાની હત્યામાં શાર્પશૂટર હતો.
સંતોષ જાધવનો પરિવાર પુણે જિલ્લાના અંબેગાંઓ તાલુકામાં આવેલા પોખરી ગામમાં રહેતો હતો. 10 વર્ષ પહેલાં સંતોષના પિતાના મૃત્યુ બાદ તેમનાં માતા સીતા જાધવ માંચર ગામે રહેવા આવી ગયાં હતાં.
જીવનના શરૂઆતના તબક્કાથી જ સંતોષ ગુનાખોરીમાં જોડાઈ ગયો હતો. 2017માં તેનું નામ પોલીસચોપડે ચઢી ગયું હતું.
2017માં માંચર પોલીસમથકે એક વ્યક્તિને માર મારવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ 2019માં માંચર પોલીસમથકે પૉક્સો ઍક્ટ અંતર્ગત તની સામે ગુનો નોંધાયો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો