નૂપુર શર્મા વિવાદ : પશ્ચિમ બંગાળમાં હિંસાનો 'વાઇરલ' વીડિયો શું ખરેખર ગુજરાતનો છે?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભાજપનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની પયગંબર મહમદને લગતી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ગત શુક્રવારે દેશભરમાં હિંસક દેખાવો થયા હતા અને હિંસા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ સાથે તસવીરો અને વીડિયો શૅર થઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા શુક્રવાર બાદથી સતત હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. તેમાં પણ રાજ્યના 24 પરગના તેમજ હાવરા જિલ્લામાં ભારે હિંસા થઈ છે.

ગત શુક્રવારે દેશભરમાં ફાટી નીકળેલી હિંસા બાદ વિવિધ હૅશટેગ્સ સાથે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા.

આ હૅશટેગ્સ પૈકી પશ્ચિમ બંગાળને લગતા ફોટો અને વીડિયો #BengalBurning #BengalsNeedPresidentRules #SaveBengaliHindus જેવા સેંકડો હૅશટેગ્સ મારફતે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

શનિવાર તેમજ રવિવાર દરમિયાન આ પ્રકારના હૅશટેગ્સ પર હજારો પોસ્ટ કરવામાં આવી હતી.

કેવી રીતે વાઇરલ થયો વીડિયો?

સોશિયલ મીડિયા પર હિંસાના કેટલાક વીડિયો શૅર કરવામાં આવી રહ્યા છે. ફેસબુક પર આ પ્રકારનો જ એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે જેમાં એક મોટો બ્લાસ્ટ થતો દેખાય છે.

રામ ચરણ રૉય નામના એક યૂઝરે ફેસબુક પર પોસ્ટ કરેલા આ વીડિયો પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હાલની હિંસાને સંબંધિત છે કે કેમ તેને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.

રામ ચરણ રૉય દ્વારા શૅર કરાયેલો 20 સૅકન્ડનો વીડિયો ચાલતા વાહનમાંથી લેવામાં આવ્યો હોય તેમ દેખાઈ આવે છે. પાછળ એક મોટો બ્લાસ્ટ થતો દેખાય છે.

તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં બંગાળી ભાષામાં કૅપ્શનમાં લખ્યું છે કે, "આ કોઈ વિદેશ નથી, આ ઘટના હાવરાની છે."

ફેસબુક પર આ વીડિયો 3.4 હજાર વખત જોવામાં આવ્યો છે અને 30 યૂઝર્સે તેને શૅર કર્યો છે.

આ જ વીડિયો અન્ય એક યૂઝર આદિ સૌરવે પણ પોતાના ફેસબુક ઍકાઉન્ટ પરથી શૅર કર્યો છે. તેણે બંગાળીમાં કૅપ્શનમાં લખ્યું છે કે, " હાવરામાં જિહાદીઓ દ્વારા લગાવવામાં આવેલી આગ. આ ઘટના બાંગ્લાદેશની નથી. આ પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાની છે. હજુ કેટલું ઊંઘશો હિંદુઓ, જાગો."

આદિ સૌરવે કરેલી પોસ્ટ તમે અહીં જોઈ શકો છો.

ફેસબુક, ટ્વિટર સિવાય આ જ વીડિયો લગભગ એકસરખી કૅપ્શન સાથે મોટાપાયે વ્હૉટ્સઍપ પર પણ વાઇરલ થઈ રહ્યો છે.

શું હતું વાઇરલ વીડિયોમાં?

વાઇરલ થયેલા વીડિયોમાં પતરાં ધરાવતી ઇમારતની પાછળની બાજુએ બ્લાસ્ટ થયો હોવાનું જોવા મળતું હતું. આ ઉપરાંત ઇમારતની બાજુમાં એક વૃક્ષ અને બહાર પાર્ક કરેલો એક ટ્રક જોવા મળતો હતો.

આ ટ્રકના રૅડિએટર પર 'ઓમ'નું ચિહ્ન જોવા મળતું હતું અને રસ્તા પર એક કાર અને બાઇક જોવા મળતા હતા.

જેમ-જેમ વીડિયો આગળ વધે છે રોડની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનર અને ટ્રક સહિત આસપાસમાં પતરાં ધરાવતા શેડ જોવા મળે છે.

વીડિયોના અંતમાં હવામાં આગના કારણે ધુમાડાનો એક મોટો ગુબ્બારો જોવા મળે છે. જોકે, વીડિયોમાં ટ્રક, કન્ટેનર તેમજ શેડ જોઈને તે કોઈ રહેણાંક વિસ્તારનો નહીં પરંતુ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારનો હોવાનું લાગતા વીડિયો પર શંકા જાય છે.

શું છે હકીકત?

વીડિયોનો સ્ક્રીનશૉટ મેળવીને રિવર્સ ઇમેજ સર્ચ કરતાં ધ્યાને આવ્યું કે આ વીડિયો એક જૂનના રોજ વડોદરાસ્થિત નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગનો હતો.

આ જ વીડિયો એકથી ત્રણ જૂન દરમિયાન ઘણા ગુજરાતી અને નેશનલ મીડિયા માધ્યમોએ પ્રકાશિત કર્યો હતો. બીબીસી ગુજરાતીએ આ વીડિયો ત્રીજી જૂને પ્રકાશિત કર્યો હતો.

વાઇરલ અને ઓરિજિનલ વીડિયોની સામ્યતાઓ

  • વીડિયોની શરૂઆતમાં દેખાતી પતરાંવાળી ઇમારત
  • ઇમારતની બાજુમાં આવેલું વૃક્ષ
  • વીડિયો ઊતારનારની પાછળ ચાલી રહેલી કાર અને બાઇક
  • વીડિયોમાં જોવા મળતા કન્ટેનર

તારીખ 1 જૂનની મોડી રાત્રે લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂ મેળવી લેવાયો હતો.

આ ઘટનામાં આઠ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આગને પગલે આસપાસનાં ગામોમાંથી આશરે 700 લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા હતા.

જીપીસીબીના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, કંપનીના કૅમિકલ ગોડાઉનમાં રિઍક્શન ઇનકમ્ફર્ટિબિલિટીના કારણે શરૂ થયેલી આગ પાછળથી લેબોરેટરી અને ત્યાર બાદ બૉઇલર સુધી પહોંચી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

પશ્ચિમ બંગાળમાં કઈ રીતે ભડકી હતી હિંસા ?

પશ્ચિમ બંગાળમાં શુક્રવાર બાદથી પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને હાવરામાં પણ મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા હતા.

ભાજપ નેતાઓની ધરપકડની માગ કરી રહેલા લોકોએ ડોમજૂડ પોલીસમથક પર હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

જિલ્લાના પાંચલા ગ્રામીણ વિસ્તારમાં ભાજપ કાર્યાલય સહિત કેટલાંક વાહનોમાં આગચંપી દેવામાં આવી હતી.

આ પહેલાં બુધવારે પણ વિરોધ કરી રહેલા લોકોએ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. ત્યાર બાદ શુક્રવારે ફરી વખત હિંસક વિરોધ જોવા મળ્યો હતો.

વિરોધ કરનારાઓએ હાવડા-ખડગપુર સૅક્શનમાં અંદાજે સાત કલાક સુધી ટ્રેનોની અવરજવર ઠપ કરી દીધી હતી.

પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હાવરા જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હ તી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો