સીમાવિવાદ વચ્ચે ભારતે ચીન પાસેથી કરોડોની લોન લીધી? - ફૅક્ટ ચેક

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી હિન્દી

ભારત-ચીન વચ્ચેનો સરહદવિવાદ ચરમસીમાએ છે ત્યારે બુધવારે સંસદમાં એક લેખિત નિવેદન બાદ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક થઈ ગયો હતો.

કૉંગ્રેસ પક્ષે કહ્યું હતું કે એક તરફ લદાખમાં સીમા પર ચીન સાથેની અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર 'ચીની બૅન્ક' પાસેથી કરજ લઈ રહી છે.

આ પ્રકરણની શરૂઆત વાસ્તવમાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરના એક લેખિત નિવેદનથી થઈ હતી.

ભાજપના બે સંસદસભ્યોએ સવાલ કર્યો હતો કે કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ભંડોળનો ઉપયોગ કઈ રીતે કર્યો હતો અને રાજ્યોને ભંડોળ કઈ રીતે પહોંચાડ્યું હતું.

આ સવાલના જવાબમાં અનુરાગ ઠાકુરે સંસદને આપેલી માહિતીમાંથી એવું ફલિત થયું હતું કે કેન્દ્ર સરકારે ચીનસ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક (AIIB) પાસેથી કોરોના મહામારીની શરૂઆતમાં બે વખત કરજ લીધું હતું.

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું, "કોવિડ-19 આપદાનો સામનો કરવાના ઉપાયો અંતર્ગત ભારત સરકારે AIIB પાસેથી બે વખત લોનના કરાર કર્યા હતા. તેમાં 8 મે, 2020ના રોજ 50 કરોડ ડૉલરનું કરજ લેવામાં આવ્યું હતું."

"એ લોન ભારતની કોવિડ-19 ઇમર્જન્સી ઉપાય તથા આરોગ્યવ્યવસ્થાના આયોજનામાં આંશિક ટેકા માટે લેવામાં આવી હતી."

"એ યોજનાનો હેતુ મહામારીને કારણે સર્જાયેલા જોખમ તથા અન્ય કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવાનો હતો."

ભારતને કુલ કેટલા રૂપિયા મળ્યા?

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પહેલી લોન પૈકીના 25 કરોડ ડૉલર AIIB આપી ચૂકી છે.

એ પછી ભારતે લોનનો બીજો કરાર આ વર્ષની 19 જૂને કર્યો હતો. યાદ રહે કે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂને થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.

અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે "19 જૂન, 2020ના રોજ 75 કરોડ ડૉલરની લોનનો કરાર કરવામાં આવ્યો હતો. એ ભારત સરકારના બજેટ ટેકાના હેતુસરનો હતો, જેથી ભારતના કોવિડ-19 સામાજિક સલામતી ઉપાય કાર્યક્રમમાં ઝડપ આવી શકે."

"પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળના કાર્યક્રમોમાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે. તેનો લાભ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડવામાં આવ્યો છે."

તેમણે કહ્યું હતું કે "PMGKY હેઠળના તમામ લાભાર્થીઓને આ લોનનો લાભ મળ્યો છે. એ લોનના તમામ નાણાં આ કાર્યક્રમ હેઠળ આપી દેવામાં આવ્યાં છે."

તેનો અર્થ એ થયો કે ભારત સરકારે 125 કરોડ ડૉલરના કરાર કર્યા હતા.

ભારતીય ચલણમાં તેનું મૂલ્ય 9200 કરોડ રૂપિયાથી વધુ થાય. એ 125 કરોડ ડૉલરમાંથી ભારતને અત્યાર સુધીમાં 100 કરોડ ડૉલર એટલે કે લગભગ 7300 કરોડ રૂપિયા જ મળ્યા છે.

આ આંકડો બહાર આવ્યા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા સવાલ કર્યો હતો કે "મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે?"

એ પછી કૉંગ્રેસના અનેક નેતા મોદી સરકાર પ્રત્યે આક્રમક બન્યા હતા. એક કૉંગ્રેસી નેતાએ એવું ટ્વીટ પણ કર્યું હતં કે "વડા પ્રધાન મોદી પૈસાના બદલામાં આપણી જમીન વેચી રહ્યા છે?"

એ પછી બુધવારે ટ્વિટર પર #AIIB ટ્રૅન્ડ થવા લાગ્યું હતું. તેમાં કોઈ મોદી સરકારની ટીકા કરતું હતું તો કોઈ કહેતું હતું કે આ વિકાસકાર્યો માટેની બૅન્ક છે અને તેને ચીનની કમર્શિયલ બૅન્ક સાથે કોઈ સંબંધ નથી.

શું છે AIIB?

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક એટલે કે AIIB એક બહુહેતુક બૅન્ક છે.

તેને અંગ્રેજીમાં મલ્ટિલેટરલ ડેવલપમૅન્ટ બૅન્ક (MDB) કહેવામાં આવે છે. MDB બે કે તેથી વધુ દેશો દ્વારા સાથે મળીને બનાવવામાં આવેલી એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા હોય છે.

આ સંસ્થા વિવિધ નીતિવિષયક ઘોષણાપત્રો પર સહમતિ પછી રચાતી હોય છે. તેનો હેતુ ગરીબ દેશોમાં આર્થિક વિકાસને ગતિ આપવાનો હોય છે.

એ ઉપરાંત આવી સંસ્થાઓ તેના સભ્ય દેશોને સામાજિક તથા આર્થિક વિકાસ માટે કરજ કે અનુદાન પણ આપતી હોય છે.

MDB અનેક પ્રકારની હોઈ શકે છે. વર્લ્ડ બૅન્ક, એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક, ઇન્ટર-અમેરિકન ડેવલપમૅન્ટ બૅન્ક પણ MDBના પ્રકાર જ છે.

100 અબજ ડૉલરની AIIBએ જાન્યુઆરી 2016થી કામકાજ શરૂ કર્યું હતું અને તેનું હેડક્વાર્ટર ચીનની રાજધાની બેઇજિંગમાં છે.

2013માં બાલીમાં યોજાયેલી એશિયા પેસિફિક ઇકૉનૉમિક કૉ-ઑપરેશનની બેઠકમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આ બૅન્કની રચનાની દરખાસ્ત રજૂ કરી હતી. એ પછી 57 દેશોએ મળીને આ બૅન્કની સ્થાપના કરી હતી.

ઘણા વિશ્લેષકો માનતા હતા કે આ બૅન્ક, જેમના પર અમેરિકન વિદેશ નીતિ અપનાવવાના આક્ષેપ થતા રહ્યા છે એ આંતરરાષ્ટ્રીય કરજદારો માટે, પડકારરૂપ પૂરવાર થશે. જાપાન AIIBનું સભ્ય નથી, કારણ કે એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક પર જાપાનનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

ભારત AIIBના સ્થાપક દેશો પૈકીનો એક છે અને આજે 103 દેશો આ બૅન્કના સભ્યો છે. તેમાં એશિયા સિવાય યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતા જર્મનીનો પણ સમાવેશ થાય છે. આ બૅન્કમાં સૌથી વધુ 26.59 ટકા હિસ્સો ચીનનો છે. એ પછી બીજા નંબરે ભારત છે.

AIIBમાં ભારતનો હિસ્સો 7.61 ટકા છે. એ પછીના ક્રમે રશિયા અને જર્મની મોટા હિસ્સેદાર છે.

બૅન્કમાં ચીનનો વ્યાપક પ્રભાવ છે?

AIIB તેની વેબસાઈટમાં સ્પષ્ટ જણાવે છે કે તે એશિયા અને અબજો લોકોના બહેતર ભવિષ્ય માટે સ્થાયી બુનિયાદી માળખા તથા અન્ય ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરી રહી છે.

આ બૅન્કનું સંચાલન બોર્ડ ઑફ ગવર્નર્સ કરે છે. તેમાં દરેક દેશનો એક ગવર્નર અને એક અન્ય ગવર્નર હોય છે. ભારત તરફથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ તેમાં ગવર્નર છે, જ્યારે વૈકલ્પિક ગવર્નર તરીકે ભારત સરકારના સચિવ તરુણ બજાજ છે.

બૅન્કના સ્ટાફના કામકાજ પર તેના અધ્યક્ષ નજર રાખે છે. તેની પસંદગી દર પાંચ વર્ષે ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. હાલ ચીનના જિન લિકૂ તેના અધ્યક્ષ છે. તેમને બીજી વખત અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

AIIB પર ચીનનું નિયંત્રણ હોવાના આક્ષેપ થતા રહ્યા છે અને તેનું કારણ તેની પાસેનો સૌથી વધુ વોટિંગ શૅર છે.

ચીન પાસે સૌથી વધુ 3,00,055 વોટ છે. એ પછી ભારત પાસે 85,924 વોટ છે. AIIB પાસેથી સૌથી વધુ કરજ લેનારા દેશોમાં પણ ભારતનો સમાવેશ થાય છે.

AIIBએ કોવિડ-19 મહામારી પછી, તેનો ભોગ બનેલા દેશોની મદદ માટે પાંચ અબજ ડોલરના રાહત ભંડોળની રચના કરી હતી. એ ભંડોળ હેઠળ આ બૅન્કે ભારતને સૌથી વધુ મદદ કરી છે.

ભારતને એ ભંડોળમાંથી જ 50 કરોડ અને 75 કરોડ ડૉલરની લોન આપવામાં આવી હતી. એ ઉપરાંત અનેક વિકાસ યોજનાઓ માટે ભારત AIIB પાસેથી ત્રણ અબજ ડૉલરની લોન અગાઉ લઈ ચૂક્યું છે.

AIIBએ કોવિડ-19 માટે ફિલિપીન્સ-ઇન્ડોનેશિયાને 75 કરોડ ડૉલર, પાકિસ્તાનને 50 કરોડ ડૉલર અને બાંગ્લાદેશને 25 કરોડ ડૉલર આપ્યા છે.

AIIBમાં ચીનના જ નાણાં છે?

AIIBને ચીન પાસેથી નાણાં મળી રહ્યા છે?

આ સવાલના જવાબમાં અર્થશાસ્ત્રી પરંજૉય ગુહા ઠાકુરતા કહે છે કે આ એક MDB છે અને તેમાં માત્ર ચીન પાસેથી જ નાણું આવતું નથી. રશિયા અને જર્મની જેવા અનેક દેશો પણ નાણાં આપે છે. તેથી તેમાં ચીનનું જ નાણું છે એમ ન કહી શકાય.

તેમાં ચીનની હિસ્સેદારી સૌથી વધુ છે, એમાં બેમત નથી, એવું ઠાકુરતા કહે છે.

અર્થશાસ્ત્રી અને પ્રોફેસર ડૉક્ટર અરુણકુમાર કહે છે કે આ બૅન્કની સ્થાપનાની પહેલ ચીને કરી હતી એટલે એમાં ચીનનો જ દબદબો રહેશે. ક્યાં રોકાણ થવું જોઈએ અને ક્યાં નહીં એ પણ ચીનની ઇચ્છા અનુસાર જ થશે તેમાં બેમત નથી.

"ચીને એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક (ADB)ની સામે AIIBની સ્થાપના કરી હતી, કારણ કે ADB પર જાપાન અને અમેરિકાનું નિયંત્રણ છે. તેથી ચીને પોતાના નિયંત્રણવાળી બૅન્કની રચના કરી હતી."

"ચીનની પાસે વિદેશી ચલણનો ખાસ્સો મોટો ભંડાર છે અને તે ઘણા દેશોમાં રોકાણ કરી રહ્યું છે. વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ હેઠળ પણ ચીન રોકાણ કરી રહ્યું છે. AIIBની રચના થઈ જવાથી ચીન પોતાની ઇચ્છા અનુસાર રોકાણ કરી શકે છે."

ભારત AIIBના સ્થાપક સભ્યો પૈકીનું એક છે, પણ વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં ભારત સામેલ નથી.

પ્રોફેસર અરુણકુમાર કહે છે કે IMF અને ADB જેવી સંસ્થાઓ શરતને આધિન લોન આપે છે. AIIBએ પણ એવું જ કર્યું હશે, પણ સૌથી મોટો સવાલ એ છે કે ભારતને લોન લેવાની જરૂર શા માટે પડી?

તેઓ કહે છે કે "ભારત પાસે 500 અબજ ડૉલરનો વિદેશી ચલણનો ભંડાર છે અને આ બૅન્ક બહુ વધારે લોન આપી શકતી નથી ત્યારે આપણે તેમની પાસેથી લોન શા માટે લેવી જોઈએ? આપણે આપણા પૈસા ખર્ચીને આપણી નીતિનો અમલ કરવો જોઈએ તથા સ્વતંત્ર રહેવું જોઈએ, કારણ કે આ સંગઠન તમારા નીતિઘડતરમાં દખલ કરતું હોય છે."

"ભારતની રાજકોષીય ખાધ 23 ટકાથી નીચે ચાલી ગઈ છે. તેથી ભારતે કરજ લેવું ન જોઈએ. કોવિડ-19 માટે ભારતે કરજ લીધું હોય તો આપણી પાસે ગરીબોને આપવા માટેના પૈસા પહેલાંથી જ છે. 90 મિલિયન ટન અનાજનો ભંડાર છે. તેનું વિતરણ થઈ શકે. વર્લ્ડ બૅન્ક AIIB, ADB પાસેથી પૈસા લેવાની શું જરૂર છે એ સ્પષ્ટ થતું નથી."

'ચીનની બૅન્ક પર માલિકીની ભાવના'

ભારત-ચીન સીમાવિવાદ પછી ચીની માલસામાન પર પ્રતિબંધની માગે જોર પકડ્યું હતું.

એ પછી જુલાઈમાં ભારતે 59 ચીની મોબાઈલ ઍએપ પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી સપ્ટેમ્બરમાં 118 ચીની મોબાઈલ ઍપ બંધ કરાવી હતી.

એ ઉપરાંત ભારત સરકારે પાડોશી દેશોની કંપનીઓને રાજ્યોમાં ટેન્ડર લેતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી મેળવવાનો આદેશ આપ્યો હતો. ચીન પર લગામ તાણવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું હતું.

AIIBએ લોન આપી એ પછી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું હતું કે આ નિર્ણય અગાઉ જ લેવામાં આવ્યો હતો. એ પણ સ્પષ્ટ થાય છે કે સીમા પર અથડામણનો કોઈ પ્રભાવ બન્ને દેશ વચ્ચેના આર્થિક સંબંધ પર નહીં પડે.

અખબારે એમ પણ લખ્યું છે કે ભારત માટે ચીનના ઇરાદા સારા છે અને ભારતના આર્થિક વિકાસમાં ચીન નડતરરૂપ બનવા ઇચ્છતું નથી.

ગ્લોબલ ટાઇમ્સ અખબારના કથનથી એવું લાગે છે કે ચીન AIIBને પોતાની સંપત્તિ માને છે.

જોકે, ફૅક્ટ ચેકની તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે AIIB પર ચીનનો વધુ પ્રભાવ છે એ સાચું, પણ એ સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં નથી.

બૅન્કમાંના નાણાં માત્ર ચીનનાં જ નથી. AIIB એક બહુરાષ્ટ્રીય ડેવલપમૅન્ટ બૅન્ક છે, જેનો ઉદ્દેશ એશિયામાં સામાજિક તથા આર્થિક પરિસ્થિતિને બહેતર બનાવવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો