You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : ચીનનું આક્રમક વલણ ઘટી રહ્યું છે?
- લેેખક, અપૂર્વ કૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા
ચીનના સત્તાધારી પક્ષ કૉમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ રવિવારે એક લેખમાં લખ્યું, “1962ના સપ્ટેમ્બરની મધ્યમાં ચૅરમેન માઓત્સે તુંગે પોતાના સહકર્મીઓને કહ્યું હતું – હું 10 દિવસ અને 10 રાત વિચારી ચૂક્યો છું, પરંતુ મને હાલ પણ સમજમાં નથી આવી રહ્યું કે નેહરુએ આપણને કેમ ઊકસાવ્યા. 58 વર્ષ પછી ચીનના લોકોની સામે ફરી આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.”
એક દિવસ પછી અખબાર લખે છે – બૉલ ઇઝ ઇન ઇન્ડિયાઝ કોર્ટ હવે ભારતની ઓટમાં છે..
એવું માનવામાં આવી રહ્યું છે કે અખબાર ચીન સરકારના વિચારને રજૂ કરે છે અને જો એ વાત સાચી હોય તો એ દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે ચીન શાંતિ માટે જે કરી શકતું હતું, તેણે કર્યું અને હવે આગળ શું થાય છે, તેનું પરિણામ ભારત પર આધાર રાખે છે.
જોકે, કેટલાક સમય પહેલાં સુધી આ અખબારની ભાષા આક્રમક હતી.
જેમ જૂનમાં અખબારે પોતાના એક લેખમાં લખ્યું, “ભારતે જો ચીનને ઓછું આક્યું તો તેની આકરી કિંમત ચુકવશે.”
આની સાથે સાથે ભારતીય મીડિયામાં આંતરરાષ્ટ્રીય મૅગેઝિન 'ન્યૂઝવીક'ના એ લેખની પણ ઘણી ચર્ચા છે. જેનું મથાળું હતું - 'ચીનના સૈન્યને ભારતમાં પરાસ્ત થવું પડ્યું, હવે શું કરશે?'
આમ 'ગ્લોબલ ટાઇમ્સ' અને 'ન્યૂઝવીક'ના લેખો પરથી એવું પ્રતીત થાય છે કે ચીન પરેશાન છે, એટલા માટે તે પોતાની ભાષાને નરમ કરી રહ્યું છે અને હવે જે કરવાનું છે તે ભારતે કરવાનું છે.
પરંતુ શું એવું વિચારવું સાચું હશે?
ચીનમાં ભારતના પૂર્વ રાજદૂત નલિન સૂરી કહે છે કે એવું કહેવું કે વાત દડો ભારતની હદમાં છે, તો તે ખોટું છે કારણ કે ભારતીય વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2003થી 2006 સુધી બેઇજિંગમાં ભારતના રાજદૂત તરીકે રહેલા સૂરી ભરોસો આપે છે કે બંને દેશો શાંતિ ઇચ્છે છે, પરંતુ સાથે જ કહે છે કે હાલની સ્થિતિ ગંભીર છે.
તેઓ કહે છે, "બંને દેશની સેના સામ-સામે ઊભી છે તો એ માની લેવું કે બધુ ઠીક થઈ ગયું છે તે ખોટું હશે. આ સમયે સ્થિતિ નાજુક છે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે."
આંતરરાષ્ટ્રીય કૂટનીતિના જાણકાર અને દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર એસડી મુનિ કહે છે કે તેમણે ગ્લોબલ ટાઇમ્સ અથવા ચીનની વાતોથી કોઈ પરેશાની થતી નથી કારણ કે તેમની મજબૂરી છે, અને આ જ સ્થિતિ ભારતની પણ છે.
પ્રોફેસર મુનિએ કહ્યું, "તમે બંને તરફથી બે તરફની વાતો સંભળાશે, ભારતમાં સીડીએસ રાવત કહે છે કે સેના જોઈ લેશે, મોદીજી કહે છે કે જે જે ભાષામાં બોલશે તેમને તે જ ભાષામાં જવાબ આપીશું, જયશંકર કહી રહ્યા છે તમામ બાબતોનું કૂટનૈતિક પરિણામ આવશે. તો એ મજબૂરી છે બંને સરકારોની, કે અમે લડાઈ ઇચ્છતા નથી, પરંત તમે કંઈ કરશો તો અમે લડવા માટે તૈયાર છીએ, તમારી પર ભારે પડીશું."
પાંચ-બિંદુઓની સહમતિ?
ગ્લોબલ ટાઇમ્સે જે કારણે દડો ભારતની હદમાં હોવાની વાત કરી છે, તેના મૂળમાં છે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યીની વચ્ચે 11 સપ્ટેમ્બરે મૉસ્કોમાં થયેલી પાંચ બિંદુઓ પરની સહમતિ.
અખબાર માને છે કે આનું પાલન કરવું મોદી સરકારની એક મોટી પરીક્ષા હશે.
પરંતુ નિષ્ણાંત કહે છે કે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશમંત્રીઓની મુલાકાતમાં કોઈ મોટી વાત નથી થઈ.
દિલ્હી પૉલિસી ગ્રૂપ થિંકટૅન્ક સાથે જોડાયેલા પૂર્વ રાજદૂત નલિન સૂરી કહે છે, "આ જે પાંચ બિંદુઓની સહમતિ થઈ છે તે માત્ર ડિસઍન્ગેજમૅન્ટ અંગે થઈ છે, જે સૈન્ય કમાન્ડર કરાવશે. આનું પાલન કેવી રીતે થશે તે કહેવું ઘણું અઘરું છે. આ માત્ર એક સિદ્ધાંત તરીકે થયેલી સહમતિ છે, આને લઈને ના તો કોઈ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે, ના કોઈ સમજૂતી અથવા સંધિ થઈ છે."
પ્રોફેસર મુનિ પણ કહે છે, "તે પાંચ બિંદુમાં કોઈ લાંબી- મોટી વાત તો નથી, ચીને એવું કંઈ કહ્યું હોય અને આપણે પાછળ હઠી રહ્યા હોય એવું તો નથી. તેમણે કહ્યું કે સૈન્ય જે વાત કરે તે માનવાની છે."
આગળ શું થશે?
ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ગત ત્રણ વર્ષથી સતત તણાવની સ્થિતિ બનેલી છે.
2017ના ઉનાળામાં બંને દેશોનાં સૈન્ય લદ્દાખના ડોકલામ વિસ્તારમાં ત્યારે આમને-સામને આવી ગયા, જ્યારે ચીને ત્યાં એક રસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો અને ભારતે વાંધો ઉઠાવ્યો.
આનાં ત્રણ વર્ષ પછી આ વર્ષે 15-16 જૂને લદ્દાખની ગલવાન ખીણમાં એલએસી પર બંને દેશનાં સૈન્ય વચ્ચે હિંસક ઘર્ષણ થયું, જેમાં ભારતની સેનાના કર્નલ સહિત 20 સૈનિક મૃત્યુ પામ્યા.
ભારતનો દાવો છે કે ચીનના સૈનિકોનું પણ નુકસાન થયું છે પરંતુ ચીને આ અંગે કંઈ કહ્યું નથી.
આ પછી બંને દેશોની વચ્ચે 29-30 ઑગસ્ટની રાત્રે ઘર્ષણ થવાના સમાચાર આવ્યા હતા અને ભારતીય સૈન્યએ કહ્યું કે ભારતીય સૈનિકોએ પેંગોગ ત્સો લેકમાં ચીનના સૈનિકોનાં ઉશ્કેરણીજનક પગલાં અટકાવ્યાં હતાં.
એક અઠવાડિયા બાદ એલએસી પર વર્ષ 1975 પછી પહેલી વાર ગોળીબારના સમાચાર આવ્યા. બંને દેશોએ એકબીજાને આના માટે જવાબદાર ઠેરવ્યા.
પૂર્વ રાજદૂત નલિન સૂરીએ લદ્દાખની ઘટનાઓ પર વિસ્તારથી 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે લદ્દાખની ઘટના પછી બંને દેશો અને તેમના નેતૃત્વના આંતરિક વિશ્વાસ પર ઘણી ગંભીર અસર પડી છે.
તેમણે લખ્યું, "લદ્દાખમાં થયેલી ઘટનાઓને લઈને ભારત સરકારની પ્રતિક્રિયા એવી હોવી જોઈએ જેમાં લાગે કે સંપૂર્ણ સરકાર તરફથી, માત્ર આખા ભારત માટે આ લાગૂ થાય, જેમાં દરેક વિસ્તારની વાત હોય, જેમાં સુરક્ષા વધારવાની વાત પણ સામેલ હોય, અને આનો સંપૂર્ણ સંપથી, સતત અને કડકાઈથી તેનું પાલન થાય. આ રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વાત નથી, પરંતુ આ આત્મગૌરવ અને આત્મ સમ્માનની વાત છે."
જ્યારે પ્રોફેસર મુનિ કહે છે, "ચીન સરળતાથી પીછેહઠ કરવાનું નથી, અને ભારત પણ અડગ છે કે ચીન જ્યાં સુધી પાછળ નહીં હઠે, આપણે પણ ટકકર આપવા તૈયાર છીએ. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ભારત ચીનને આકરો જવાબ આપી શકે છે જે ચીન પણ જાણે છે અને એટલા માટે ભારત એક આકરી સોદાબાજી કરી રહ્યું છે. તો તણાવની સ્થિતિ બનેલી છે, ભાષા ગમે તેવી હોય, જમીનની ઉપર બંને આંખોમાં આંખો નાખીને ઊભા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો