ચીન સામેની 1962ની લડાઈમાં યુદ્ધકેદી બનાવાયેલા ભારતીય સૈનિકોની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પહાડી રસ્તા પર સતત બે દિવસ ચાલતા રહ્યા પછી બ્રિગેડિયર પરશુરામ જોન દાલવીને એક ખુલ્લી જગ્યા નજરે પડી હતી. તેઓ સૌથી આગળ ચાલતા હતા. પાછળ તેમના સાત સાથી હતા. સાંકડા માર્ગમાં પ્રવેશ્યા કે તરત જ તેમને સમજાઈ ગયું હતું કે તેમને અને તેમના સાત સાથીઓને એક ચીની પાયદળે ઘેરી લીધા છે.

એ સમયે લગભગ એક ડઝન બંદૂકોનાં નાળચાં તેમની તરફ તકાયેલાં હતાં. બ્રિગેડિયર દાલવીએ પોતાની ઘડિયાળ પર નજર નાખી.

22 ઑક્ટોબર, 1962ની સવારે બરાબર 9 વાગ્યાને 22 મિનિટ થઈ હતી. તેઓ અને તેમના સાત સાથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના બંદી બની ચૂક્યા હતા.

હવે તેઓ ચહેરા પર શીતળાના ડાઘ ધરાવતા એક કડક ચીની કૅપ્ટન રહેમને આધીન હતા.

બ્રિગેડિયર દાલવીએ તેમના પુસ્તક 'હિમાલયન બ્લન્ડર'માં લખ્યું છે કે "છેલ્લા 66 કલાકથી મેં કંઈ ખાધું ન હતું. હું 10,500 ફૂટની ઊંચાઈથી 18,500 મીટરની ઊંચાઈ સુધી ચડ્યો હતો અને ફરી 10,500 મીટર નીચે ઝરણાંની માફક ઊતરી આવ્યો હતો."

"હું થાકીને લોથપોથ થઈ ગયો હતો અને ભૂખ્યો પણ હતો. મારી દાઢી વધેલી હતી. ઝાડીઓ વચ્ચે ચાલતા રહેવા અને કાંટાળા ઢોળાવ પર લપસવાને કારણે મારાં કપડાંના લીરેલીરા થઈ ગયા હતા."

બ્રિગેડિયરને રખાયા હતા એકાંતવાસમાં

બ્રિગેડિયર દાલવીને ચીનીઓએ તિબેટના સેથોંગ કૅમ્પમાં ભારતીય સૈનિકોથી અલગ, એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા.

હંમેશાં મહેફિલોની શાન બની રહેલા દાલવી થોડા દિવસોમાં જ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. ચીનીઓ તેમની સાથે ક્યારેક ટેબલ-ટેનિસ, ગંજીપો અને શતરંજ રમતા હતા.

તેમને વાંચવા આપવા માટે ચીનીઓ પાસે કોઈ અંગ્રેજી પુસ્તક ન હતું. થોડા દિવસ પછી તેમને એક કલમ અને લખવા માટે થોડા કાગળ આપવામાં આવ્યા હતા.

તેમના દીકરા માઇકલ દાલવી કહે છે, "મારા પિતા, તેમણે જે વાંચ્યાં હતાં એ પુસ્તકોનાં નામ કાગળમાં લખતા હતા. તેઓ તેમણે જોયેલી ફિલ્મોનાં નામ પણ લખતા હતા. તેમને યાદ હતા એ બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓનાં નામ પણ લખતા હતા. ચીની કમિશનર દર અઠવાડિયે એ કાગળોને ફાડી નાખતા હતા."

"ભોજનમાં તેમને બન્ને વખત બટાટા જ આપવામાં આવતા હતા. હા, ક્રિસમસની રાતે તેમને ખાવા માટે ચિકન આપવામાં આવ્યું હતું. તેમણે એ ચિકન ચીની સૈનિકો સાથે વહેંચીને ખાધું હતું. મહિને એક વાર તેમના વાળ કાપવામાં આવતા હતા. તેમની દાઢી કરવા માટે રોજ એક હજામ આવતો હતો."

"બ્રિગેડિયર દાલવીને જાતે દાઢી કરવાની છૂટ આપવા જેટલો ભરોસો પણ ચીનીઓને તેમના પર ન હતો. એપ્રિલ-1963માં તમામ ભારતીય યુદ્ધકેદીઓને બેઇજિંગ શિફ્ટ કરવામાં આવ્યા હતા."

એ કેદીઓને હાથકડી તથા બેડીઓ પહેરાવીને મે ડેની પરેડમાં ચીની જનતાને દેખાડવાનો ચીન સરકારનો પ્રયાસ હતો. બ્રિગેડિયર દાલવીને જોરદાર વિરોધ બાદ ચીનીઓએ એ વિચાર પડતો મૂક્યો હતો.

કર્નલ કે. કે. તિવારીનું અપમાન

કર્નલ કે.કે. તિવારી બ્રિગેડિયર દાલવી જેટલા નસીબદાર ન હતા.

સમય જતાં મેજર જનરલ બનેલા કર્નલ તિવારીએ તેમના મૃત્યુ પહેલાં તેમના પોંડિચેરી ખાતેના ઘરમાં એ લડાઈને યાદ કરતાં મને કહ્યું હતું કે "એક ચીની અધિકારીએ મારા ગણવેશ પર લગાવવામાં આવેલી રેન્કને જોઈ લીધી હતી. એ મારી સાથે અપમાનજનક વર્તન કરતો હતો."

"મારી પાસે જ પડેલા એક ઘાયલ ગોરખા સૈનિકે મને ઓળખીને કહ્યું હતું કે સાહેબ પાણી. હું કૂદીને તેની મદદ કરવા આગળ વધ્યો હતો."

"એ જ વખતે ચીની સૈનિકે મને માર માર્યો હતો અને અંગ્રેજીના તેના મર્યાદિત જ્ઞાન અનુસાર મને કહ્યું હતું કે બેવકૂફ કર્નલ, બેસી જાઓ. તમે કેદી છો. હું કહું નહીં ત્યાં સુધી તમે હલનચલન પણ નહીં કરી શકો. અન્યથા હું તમને ગોળી મારી દઈશ."

"થોડા સમય પછી અમને નામકા ચૂ નદીની બાજુમાંના એક સાંકડા માર્ગ પર કૂચ કરાવવામાં આવી હતી. પહેલા ત્રણ દિવસ અમને ખાવા માટે કશું જ આપવામાં આવ્યું ન હતું. એ પછી અમને પહેલી વાર નમકવાળા ભાત અને સુકા તળેલા મૂળા ખાવા માટે આપવામાં આવ્યા હતા."

પરાળનો ઉપયોગ ગાદલા તરીકે કર્યો

મેજર જનરલ તિવારીએ મને આગળ જણાવ્યું હતું કે "મને પહેલા બે દિવસ અંધારિયા અને ભેજવાળા ઓરડામાં એકલો રાખવામાં આવ્યો હતો. એ પછી કર્નલ રીખને મારા ઓરડામાં લાવવામાં આવ્યા હતા."

"કર્નલ ગંભીર રીતે ઘવાયા હતા. અમને સવારે સાતથી સાડા સાતની વચ્ચે નાસ્તો આપવામાં આવતો હતો. બપોરનું ભોજન સાડા દસથી અગિયાર વાગ્યા સુધી. રાતનું ભોજન ત્રણથી સાડા ત્રણની વચ્ચે આપવામાં આવતું હતું."

"જે ઘરમાં અમને રાખવામાં આવ્યા હતા. તેમાં બારી-દરવાજા ગાયબ હતાં. ચીનીઓએ તેનો ઉપયોગ કદાચ ઈંધણ તરીકે કરી લીધો હશે. અમને અંદર લઈ જવામાં આવ્યા ત્યારે પરાળનો ઢગલો નજરે પડ્યો હતો."

"અમે ચીનીઓને પૂછ્યું હતું કે અમે તેનો ઉપયોગ કરી શકીએ કે કેમ. તેમણે અમારી વિનંતીનો સ્વીકાર કર્યો હતો. એ પછી અમે પરાળનો ઉપયોગ ગાદલા તરીકે પણ કર્યો હતો અને ધાબળા તરીકે પણ."

લતા મંગેશકરનું ગીત અને બહાદુરશાહ ઝફરની ગઝલો

ચીની જેલોમાં પોતે ગાળેલા દિવસોને યાદ કરતાં મેજર જનરલ તિવારી કહ્યું હતું કે "ચીનીઓ પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ પર ભારતીય સંગીત ઘણી વાર વગાડતા હતા. એક ગીત વારંવાર વગાડતા હતા. એ લતા મંગેશકરે ગાયેલું એ ગીત 'આજા રે, મેં તો કબસે ખડી ઈસ પાર' સાંભળીને અમને ઘરની પારાવાર યાદ આવતી હતી."

"એક દિવસ એક ચીની મહિલાએ અમને બહાદુરશાહ ઝફરની કેટલીક ગઝલો ત્યારે અમને બહુ આશ્ચર્ય થયું હતું. ઉર્દૂ બોલતી એ મહિલા કદાચ વર્ષો સુધી લખનૌમાં રહી હશે."

1962ના યુદ્ધમાં ચીને 3942 ભારતીયોને યુદ્ધકેદી બનાવ્યા હતા, જ્યારે ચીનનો એકેય યુદ્ધકેદી ભારત પકડી શક્યું ન હતું. ભારતે 1951માં યુદ્ધકેદી સંબંધી જીનિવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે ચીને જુલાઈ-1952માં એ કરારને સ્વીકૃતિ આપી હતી.

કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી ચૂકેલા સુરેન્દ્ર ચોપડાએ 'ઇન્ડિયન જર્નલ ઑફ પોલિટિકલ સાયન્સ'ના ઑક્ટોબર-1968ના અંકમાં 'સાઈનો-ઇન્ડિયન બૉર્ડર કૉન્ફ્લિક્ટ ઍન્ડ ટ્રીટમેન્ટ ઑફ પ્રિઝનર ઑફ વૉર' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો.

તેમાં તેમણે ચીનમાં યુદ્ધકેદી બનેલા એક ભારતીયને એવું કહેતા ટાંક્યા હતા કે "જે દિવસ મને પકડવામાં આવ્યો એ દિવસે મારી સાથે 15-16 ઘાયલ સૈનિકો હતા. તેમને તત્કાળ તબીબી મદદની જરૂર હતી. તેઓ પીડાથી ચીસો પાડી રહ્યા હતા, પણ ચીનાઓએ તેમના તરફ જરાય ધ્યાન આપતા ન હતા."

"કોઈ પણ ઘાયલને પહેલા 48 કલાક સુધી ખાવા માટે કશું આપવામાં આવ્યું ન હતું. એ લોકોની દર્દભરી વિનંતી છતાં તેમને પાણીનું એક ટીપું સુધ્ધાં આપવામાં આવ્યું ન હતું. એ જીનિવા કરારની કલમક્રમાંક 12-15નું ઘોર ઉલ્લંઘન હતું."

ચીનીઓએ મેળવી વધારાની માહિતી

જીનિવા કરારની કલમક્રમાંક 17 મુજબ, કેદી બનાવવામાં આવ્યા પછી યુદ્ધકેદીને તેનું નામ, સેના રેજિમેન્ટલ નંબર, પદનામ અને જન્મતિથિ જ પૂછી શકાય, પરંતુ ચીનીઓએ ભારતીય યુદ્ધકેદીઓ પાસે એક ફૉર્મ ભરાવ્યું હતું.

તેમાં પૂછવામાં આવ્યું હતું કે

  • તમારી પાસે કેટલી જમીન છે?
  • તમારાં કેટલાં ઘર છે?
  • તમારી વાર્ષિક આવક કેટલી છે?
  • તમારા પરિવારમાં કેટલા સભ્યો છે?
  • તમે કોઈ રાજકીય પક્ષના સમર્થક છો?
  • તમે કેટલા દેશોનો પ્રવાસ કર્યો છે?

સુરેન્દ્ર ચોપડાએ લખ્યું હતું કે "ભારતીય સૈનિકોએ આ માહિતી આપવાનો વિરોધ કર્યો ત્યારે ચીનીઓએ કહ્યું હતું કે આ માહિતી તો તમારી પોતાની સરકારે તમારી ઓળખ માટે મંગાવી છે."

"એ ઉપરાંત સૈનિકોને સૈન્યની ગોઠવણ, તેમનાં હથિયાર અને તેમના અધિકારીઓ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. એ પણ જીનિવા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું."

અધિકારીઓના અપમાન માટે જવાનોને ઉશ્કેર્યા

જીનિવા કરારની કલમક્રમાંક 11માં જણાવવામાં આવ્યું છે કે યુદ્ધકેદીઓને આપવામાં આવનારા ભોજનનું પ્રમાણ, ગુણવત્તા અને વૈવિધ્ય તેમને બંદી બનાવનાર દેશના સૈનિક સમકક્ષ હોવું જોઈએ.

જોકે, ચીનમાં ભારતીય યુદ્ધકેદીઓને દૈનિક 1400 કેલેરીથી વધુ ભોજન મળ્યું ન હતું, જ્યારે ભારતમાં તેમને દૈનિક 2500 કેલેરી ભોજનની આદત હતી.

એ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓનું ઠેકઠેકાણે અપમાન કરવામાં આવ્યું હતું.

એક વરિષ્ઠ અધિકારીએ સોગંદનામામાં જણાવ્યું હતું કે "ચીનીઓએ અમને વારંવાર કહ્યું હતું કે હવે અમે અધિકારી નથી. તેમણે અમારા જવાનોને કહ્યું હતું કે હવે તેમણે તેમના અધિકારીઓએ સલામ કરવાની કોઈ જરૂર નથી. બલકે ચીની અધિકારીઓને પ્રત્યે આદર દર્શાવવા તેમણે ભારતીય જવાનોને પ્રોત્સાહન આપ્યું હતું."

"આપણા જવાનો અમને સલામ કરતા ત્યારે ચીનીઓ તેમના પર બરાડતા અને કહેતા હતા કે હવે તેમની અને અમારી વચ્ચે કોઈ ફરક નથી."

"એ પણ તમારી જેમ યુદ્ધકેદી જ છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ આપણા સૈનિકોમાં શિસ્તહીનતાને પ્રોત્સાહન આપવાનો હતો. આપણા જવાનો પાસે રૅશન, ઈંધણ અને પાણી ઊંચકવાનું કામ કરાવવામાં આવતું હતું."

"તેમને પાસે કૅમ્પમાં સફાઈ પણ કરાવવામાં આવતી હતી. ચીનીઓની આ ઝુંબેશની અસર કેટલા જવાનો પર થઈ હતી."

લોહીવાળા પાટાનો ધોઈને ફરી ઉપયોગ

સેકન્ડ રાજપૂત યુનિટના મેજર ઓંકારનાથ દુબેને નામકા છૂની લડાઈમાં 16 ગોળી વાગી હતી. ઘાયલ થયા બાદ તેમને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે 70 જવાન લડતા હતા. તેમાંથી માત્ર ત્રણ જીવતા રહ્યા હતા. હાલ વારાણસીમાં રહેતા મેજર દુબેને તિબેટમાં લ્હાસા પાસેના માર્માંગ કૅમ્પમાં યુદ્ધકેદી તરીકે રાખવામાં આવ્યા હતા.

એ દિવસોને યાદ કરતાં મેજર ઓંકારનાથ દુબેએ કહ્યું હતું કે "તૂટેલાં ઘરોમાં જ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. એ માત્ર નામની જ હૉસ્પિટલ હતી."

"ત્યાં ઍક્સ રેની કોઈ સુવિધા ન હતી. મારા શરીરમાંથી 15 ગોળીઓ કાઢવામાં આવી હતી. જાન્યુઆરી-1963માં હું ભારત પરત આવ્યો એ પછી 16મી ગોળી ભારતીય સૈન્યના ડૉક્ટરોએ કાઢી હતી."

"ચીનમાં મારા જખમ પર બાંધવામાં આવેલા લોહીવાળા પાટા પાણીમાં ઉકાળી, સૂકવી અને ફરી અમારા શરીર પર બાંધવામાં આવતા હતા. તેમની પાસે નવા પાટા અને રૂ પણ ન હતું."

મેજર દુબેએ ઉમેર્યું હતું કે "અમને સૂવા માટે એક ચટાઈ આપવામાં આવી હતી. તેના પર બિછાવવાનું ગાદલું અત્યંત પાતળું હતું. અમારી રજાઈઓ પણ અત્યંત ગંદી હતી. અમે અનેક લોકો એક જ રજાઈનો ઉપયોગ કરતા હતા. ખાવાનું બહુ જ ખરાબ હતું. ભાતની સાથે ત્યાંનું ઘાસનું એક શાક આપવામાં આવતું હતું."

મેજર દુબેએ કહ્યું હતું કે "અમારી સરખામણીએ ચીનાઓનો વ્યવહાર ગોરખા સૈનિકો સાથે બહેતર હતો. તેમને ખાવાનું પણ અમારા કરતાં બહેતર મળતું હતું."

ચીનીઓ તેમને કહેતા હતા કે નેપાળી અને ચીની ભાઈ-ભાઈ છે. તેમણે આ ગોરખા યુદ્ધકેદીઓને પરત મોકલવાની દરખાસ્ત નેપાળ સમક્ષ મૂકી હતી, પણ નેપાળે તેનો અસ્વીકાર કર્યો હતો.

હિન્દી ચીની ભાઈ-ભાઈનું ગાણું

બ્રિગેડિયર અમરજિત બહલ 1962માં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા હતા. બ્રિગેડિયર બહલે મને કહ્યું હતું કે "અમારી બધી ગોળીઓ ખતમ થઈ ગઈ હતી. તેથી અમે અનિચ્છાએ યુદ્ધકેદી બન્યા હતા. ચીની સૈનિકોએ મારા માથા પર પિસ્તોલની બટ મારીને મારી પિસ્તોલ છીનવી લીધી હતી. પછી મને શેન ઈ યુદ્ધકેદી શિબિરમાં પહોંચાડવામાં આવ્યો હતો. એ કૅમ્પમાં લગભગ 500 યુદ્ધકેદી હતી."

"અમારું ભોજન ભારતીય સૈનિકો જ બનાવતા હતા. તેનો એક લાભ એ થયો કે મને સવારે ફીકી બ્લૅક ટી મળી રહેતી હતી. જમવામાં બન્ને વખતે રોટલી, ભાત અને મૂળાનું શાક જ આપવામાં આવતું હતું. 'ગૂંજ રહા હૈ ચારોં ઔર, હિંદી ચીની ભાઈ-ભાઈ' ગીત ત્યાં સતત વાગતું રહેતું હતું. એ ગીત સાંભળી-સાંભળીને અમારા કાન પાકી ગયા હતા."

બ્રિગેડિયર બહલે ઉમેર્યું હતું કે "યુદ્ધકેદીઓ તરીકે સૈનિકો સાથે આકરો વ્યવહાર કરવામાં આવતો હતો અને તેમની મારપીટ પણ થતી હતી. મારી સાથે પણ એવું થયું હતું, પણ એ સમયે યુવાન હતો એટલે મેં તેને ગંભીર ગણ્યું ન હતું."

"ચીની સૈન્ય અધિકારીઓ અનુવાદકની મદદથી ભારતીય યુદ્ધકેદીઓ સાથે વાત કરતા હતા અને ભારતીય યુદ્ધકેદીઓની એ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે ભારત અમેરિકાનું પીઠ્ઠુ છે, પણ તેની અમારા પર કોઈ અસર થઈ ન હતી."

બહલ અને એમના સાથીઓની મુક્તિની જાહેરાતનો દિવસ પણ આવ્યો. બહલે એ પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે "એ સાંભળીને અમે એટલા રાજી થયા હતા કે સમય કાપ્યો કપાતો ન હતો. એ પછીના 20 દિવસ 20 મહિના જેવા લાગતા હતા. અમને ગુમલામાં મુક્ત કરવામાં આવ્યા હતા. સીમા પાર કરતાંની સાથે જ અમે ભારતની ધરતીને ચૂમીને કહ્યું હતું- માતૃભૂમિ યે દેવતુલ્ય, યે ભારતભૂમિ હમારી."

આ વાત કરતાં તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમનું ગળું ભરાઈ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં પગલું મૂક્યા પછી તેમને વિશ્વની સૌથી સારી ચા પીવા મળી હતી. તેમાં દૂધ પણ હતું અને ખાંડ પણ. એ ચા તેમના માટે અમૃત સમાન હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો