You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 'બહેનને ગેરકાયદે પરદેશ લઈ જઈ પતિએ મારી નાખી, મૃતદેહને પાછો લાવવા પૈસા નથી'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ફ્રાન્સના અનાથાશ્રમમાં રહેવા મજબૂર મારી બહેન સાથે સંપર્ક તૂટ્યા બાદ બે મહિને તેનો મૃતદેહ મળ્યો છે. પરંતુ મૃતદેહ લાવવા પણ અમારી પાસે પૈસા નથી."
પોતાની બહેનને ગુમાવી તેની અંતિમક્રિયા માટે વલખાં મારી રહેલ ભાઈ ગૌરવ લબાડે કંઈક આવી રીતે પોતાનું દુ:ખ ઠાલવે છે.
રોજીરોટી માટે ડ્રાઇવિંગ કરતાં ગૌરવનાં બહેન સાધનાનો મૃતદેહ ફ્રાન્સમાં મળી આવ્યો છે. જે પરત ભારત લાવવા માટે 500 યુરો ચુકવણી કરવાની છે.
આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આ કેસના જાણકારો અને પક્ષકારો સાથે વાત કરી.
'લાલચ આપી બહેનને વિદેશ લઈ ગયો'
ગૌરવ પોતાની બહેનનાં તેમનાં પતિ શૈલેષ પટેલ સાથેનાં લગ્ન વિશે વાત કરતાં કહે છે કે, "મારી બહેન માટે માંગાં તો ઘણાં આવતાં પરંતુ લેણદેણની શરતોને કારણે વાત આગળ નહોતી વધતી. કારણ કે અમારી પાસે તેમની માગણી પૂરી કરવા જેટલાં નાણાં નહોતાં. અંતે મેટ્રિમોનિયલ સાઇટ પરથી મારી બહેન માટે મહેસાણાના શૈલેષ પટેલની વાત આવી. તેમનો પરિવાર ખેતી કરતો હતો."
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "વર્ષ 2016માં તેમનાં લગ્ન થયાં. એક વર્ષ સુધી તે પોતાના પતિ સાથે તેના ગામ દલવાડામાં જ રહી. પછી તેઓ નરોડા સ્થાયી થયાં. અહીં મારી બહેન નોકરીએ લાગી. તે જે પૈસા લાવતી તે તેનો રખડું પતિ ઉડાવી ખાતો."
ગૌરવનાં માતા શાલિની વાત આગળ વધારતાં ગૌરવ પર આરોપ મૂકે છે અને કહે છે કે, "શૈલેષ મારી દીકરીને પરદેશનાં સપનાં બતાવતો. કહેતો કે ફ્રાન્સના પેરિસમાં બ્યૂટી પાર્લરનું સારું કામ છે, ત્યાં સાધનાને નોકરી મળી જશે. આમ તેમણે ગેરકાયદેસર વિદેશ જવાનું મન બનાવી લીધું."
"પંજાબની સુજાનસિંહ નામની વ્યક્તિની મદદથી તેઓ પહેલાં યુક્રેન પછી ત્યાંથી જર્મની થઈને ફ્રાન્સ પહોંચ્યાં. પરંતુ પેરિસમાં શૈલેષને કોઈ કામ ન મળ્યું. મારી દીકરી મજૂરી કરીને ઘર ચલાવતી. ઘરમાં કંકાસ થાય ત્યારે તે મારી દીકરીને કાઢી મૂકતો અને તેના પૈસા વાપરી નાખતો. આ બધું મારી દીકરી મને વૉટ્સઍપ કૉલ કરીને જણાવતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કોરોના નડ્યો અને બહેનના મોતના સમાચાર મળ્યા'
ગૌરવ જણાવે છે કે, "કોરોનાની મહામારીમાં મારી બહેનને કામ મળવાનું બંધ થઈ ગયું. શૈલેષે તેને ઘરેથી કાઢી મૂકી. તેથી તે ચૅરિટી રૅફ્યૂજી કૅમ્પમાં રહેવા લાગી. તેણે પતિના ત્રાસની પેરિસમાં પોલીસને ફરિયાદ પણ કરી હતી. આ બાદ મારી બહેને ભારત પરત ફરવા માટે દોઢ લાખ માગ્યા. જે અમે મોકલી આપ્યા. પરંતુ માર્ચ મહિના બાદ મારા બહેન અને શૈલેષ બંનેના ફોન બંધ આવવા લાગ્યા. હવે મે માસમાં ઇમેઇલ મારફતે સમાચાર મળ્યા છે કે મારી બહેન મૃત્યુ પામી છે. તેનો મૃતદેહ લાવવા માટે 500 યુરોની ચુકવણી કરવાનું કહેવાયું છે. અમને શંકા છે કે શૈલેષે મારી બહેનની હત્યા કરી છે."
ગૌરવના વકીલ ઐયાઝ શેખે આ મામલે કરેલ કાનૂની કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું કે, "અમે દિલ્હીમાં ફ્રાન્સના રાજદૂતને આ કેસ વિશે જાણ કરીને તપાસની માગ કરી છે. જે બાબતે ફ્રાન્સ પોલીસ તપાસ કરી રહી છે."
રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ કેસની ઝડપી કાર્યવાહી અંગે પરિવારને મદદ કરી રહ્યા છે.
આ સમગ્ર કેસ વિશે કરેલી કાર્યવાહી અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "મેં પરિવારની વાત સાંભળીને, પુરાવા જોઈને વિદેશ મંત્રાલયની મદદથી ફ્રાન્સની પોલીસ દ્વારા આ કેસની વિસ્તૃત તપાસ થાય તેવું સુનશ્ચિત કર્યું છે. શૈલેષના ભાઈ કે જેઓ યુકેમાં રહે છે તેમની પણ તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. પરિવાર ગરીબ હોઈ સાધનાના મૃતદેહને સરકારી ખર્ચે ભારત લાવવાની પ્રક્રિયા થાય તે માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે."
દલવાડા ગામમાં તપાસ કરતાં ત્યાંના આગેવાન પરેશ પટેલે જણાવ્યું હતું કે શૈલષે પટેલ અને તેમનાં માતાપિતા ક્યાં છે તેની ગામલોકોને ખબર નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો