You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પૂર્વ કૅપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. ટ્વિટર પર તેમણે બધાના સમર્થન અને પ્રેમ માટે આભાર માન્યો હતો.
તેમણે એ પણ લખ્યું કે તેઓ બધાના આશીર્વાદ અને સમર્થનથી તેમની બીજી ઇનિંગની રાહ જોઈ રહ્યાં છે.
રાજની 23 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર રહી અને 200 વનડે પાર કરનારાં પહેલા મહિલા ખેલાડી બન્યાં હતાં.
તેમણે 26 એપ્રિલ 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને આ સફર 8 જૂને ખતમ થઈ હતી.
કોણ છે મિતાલી રાજ?
3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક તમિલ પરિવારમાં મિતાલી રાજનો જન્મ થયો હતો. પરંતુ તેઓ હૈદરાબાદમાં મોટા થયાં છે. ડાન્સ તેમનો પ્રથમ પ્રેમ છે પણ ક્રિકેટ ખાતર તેમણે પોતાનો પ્રથમ પ્રેમ છોડવો પડ્યો હતો.
તેમના પિતા ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી છે. ક્રિકેટનું પ્રારંભિક કોચિંગ મિતાલીએ હૈદરાબાદની સૅન્ટ જૉન્સ હાઇસ્કૂલથી મેળવ્યું છે.
મિતાલીએ 10 વર્ષની ઉંમરે જ ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું અને 17 વર્ષની ઉંમરે તેઓ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બની ગયાં હતાં.
જૂન 1999માં આયર્લૅન્ડ સામે રમીને મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પોતાની પ્રથમ વન-ડે મૅચમાં તેમણે 114 રન બનાવ્યા હતા. ભારતે આ મૅચ 161 રનથી જીતી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 258 રન બનાવ્યા હતા. તે મૅચમાં મિતાલી ઉપરાંત રેશમા ગાંધીએ 104 રન કર્યા હતા. આયર્લૅન્ડની ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી.
તેમને લોકો 'મહિલા ક્રિકેટના તેંડુલકર' તરીકે ઓળખે છે. વર્ષ 2019માં તેમનાં જીવન પર આધારિત એક ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.
કારકિર્દી
2002માં મિતાલીએ ઇંગ્લૅન્ડ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ આ મૅચમાં તેઓ કોઈ પણ રન બનાવી શક્યાં નહોતાં.
તેમની કારકિર્દીમાં ઘણાં ઉતારચઢાવ આવ્યા છે. કેટલાક વિવાદો પણ થયાં, જેમાં ટી-20ની કૅપ્ટનશિપ છોડવી પણ સામેલ છે.
પરંતુ આ બધાની વચ્ચે તેઓ રન બનાવતાં રહ્યાં. ત્રીજી ટેસ્ટમાં જ તેમણે સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકર્ડ કર્યો. ટેસ્ટ મૅચમાં તેમણે 214 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
મિતાલીએ 10000 રન કરતાં સચીન તેંડુલકરે તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. 10000 રન કરવા બદલ આઈસીસીએ પણ મિતાલી રાજને અભિનંદન આપ્યાં હતાં.
ઘણાં રેકૉર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી મોટું નામ ધરાવતાં મિતાલી રાજનાં નામે ક્રિકેટના ઘણાં રેકૉર્ડ નોંધાયેલા છે. 2006માં ભારતીય ટીમે જ્યારે આંતરરાષ્ટ્રીય ટી20 રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ ટીમના કૅપ્ટન હતાં.
મિતાલી ભારતનાં પ્રથમ કૅપ્ટન છે, જેમણે વનડે વર્લ્ડકપની ફાઇનલની બે મૅચમાં પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં વધુ રન બનાવવાનો રેકૉર્ડ તેમનાં નામે છે.
વનડે મૅચમાં 50 રન અથવા તેથી વધુ રન કરવાનો રેકૉર્ડ મિતાલી રાજના નામે છે. 2017માં મિતાલી રાજ બીબીસીની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો