You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સમાનતાના નામે સમરસતાઃ દૂધમાં સાકર કે દોરડાને બદલે સાપ?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
માર્ચ, 2022માં અમદાવાદની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પંચાયતી રાજના પ્રતિનિધિઓને સંબોધતાં કહ્યું હતું કે "સમરસ ગ્રામ પંચાયતો લોકશાહીનાં સાચાં પ્રતીક જેવી છે."
તેમણે આપેલી સમજૂતી પ્રમાણે, (ગ્રામ) પંચાયતની ચૂંટણી વખતે પરિવારો વચ્ચે અંદરોઅંદર દુશ્મનાવટ વધે છે, જ્યારે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં એવું બનતું નથી. તેથી આપણાં ગામડાંઓએ સર્વાનુમતે સભ્યો ચૂંટીને લોકશાહી મિજાજનો નમૂનો પૂરો પાડવો જોઈએ.
લોકશાહીનાં આવાં ઉદાહરણ તરીકે તેમણે ગુજરાતની 'સમરસ' ગ્રામ પંચાયતોનો દાખલો આપ્યો, જેમાં સભ્યો અને સરપંચની વરણી સર્વાનુમતે થઈ જાય છે અને ચૂંટણીમાં રૂપિયાનો બગાડ થતો નથી. આવી 'સમરસ' પંચાયતોને સરકાર તરફથી પ્રોત્સાહન તરીકે વિશેષ રકમ આપવામાં આવે છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતી ત્યારે 'સમરસ' પંચાયતોનો નિર્ણય તેમણે અમલી બનાવ્યો. તેની તરફેણમાં કરવામાં આવતી દલીલો સપાટી પરથી જોતાં સચોટ લાગેઃ રૂપિયા બચે, દુશ્મનાવટ ન થાય વગેરે...પણ પ્રચારના મારા અને વ્યક્તિભક્તિની આભાથી મુક્ત રહીને વિચારતાં સમજાય કે ચૂંટણીઓમાં દાખલ થયેલા સડાનો ઉપચાર ચૂંટણીને જ તડકે મુકી દેવાનો ન હોઈ શકે. પાણી ડહોળાયેલું હોય તો તેને ચોખ્ખું કરવા માટે કામ કરવાને બદલે, આખેઆખી ડોલ થોડી નાખી દેવાય?
ભારતીય લોકશાહી મહદંશે ચૂંટણી પૂરતી મર્યાદિત અને કેવળ ચૂંટણી જીતવાનો ખેલ બનીને રહી ગઈ છે—એવી વાજબી ટીકા કરવામાં આવે છે. એવા સંજોગોમાં સમરસતા-સુમેળ-શાંતિ અને રૂપિયાનો વેડફાટ અટકાવવા જેવાં રૂપાળાં લેબલ તળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એકડો કાઢી નાખવાનું લોકશાહી માટે જોખમી છે.
આવી 'સમરસતા' એ સુમેળ નથી ને સમાનતા તો બિલકુલ નથી. તે સમજવા માટે સમાજની, ખાસ કરીને ગ્રામીણ સમાજની, વાસ્તવિકતા ખ્યાલમાં રાખવી જરૂરી છે. સાથોસાથ, 'સર્વાનુમતે', 'સર્વસંમતિથી' જેવા શબ્દોનો વ્યવહારમાં અર્થ પણ સમજવો પડે.
'સમરસ' યોજના કેટલી કારગત?
અસમાનતાના વ્યાપના મામલે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઝાઝો ફરક નથી. પણ ગામડાંમાં વિસ્તાર નાનો અને પારંપરિક સામાજિક માળખાંનો ભરડો વધારે ચુસ્ત હોય, એવી શક્યતા વધારે રહે છે. તેવા સંજોગોમાં 'સર્વાસંમતિ'નો એક અર્થ એવો પણ થાય કે વર્તમાન સામાજિક વ્યવસ્થામાં પ્રભાવી સ્થાન ભોગવતાં જૂથો કે વ્યક્તિઓને નારાજ કર્યા વિના—તેમના 'આશીર્વાદ'- તેમની સંમતિ સાથે. પ્રભાવી કે દાદાગીરી ધરાવતાં જૂથોનું દબાણ 'સમરસ' યોજના પહેલાં થતી ચૂંટણીઓમાં પણ રહેતું હતું.
'સમરસ' યોજના આવ્યા પછી એવા દબાણને વાજબી ઠરાવવા માટે અને એવા દબાણ સામે માથું ઊંચકતા લોકોને દબાવવા માટે એક મજબૂત દલીલનો ઉમેરો થયોઃ 'પંચાયત 'સમરસ' થશે તો તેને સરકાર તરફથી નિશ્ચિત રકમની આર્થિક સહાય મળશે. તમે તમારો ચૂંટણી લડવાનો શોખ પૂરો કરવા માટે પંચાયતને અને ગામને નુકસાન કેમ કરાવો છો?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂંકમાં, ગંભીર સામાજિક મુદ્દા તળે કે જૂના સામાજિક વર્ચસ્વની સામે ચૂંટણી લડવા ઇચ્છનારને 'ગામના હિતશત્રુ' તરીકે રજૂ કરવામાં સમરસ યોજનાનો ઉપયોગ કરી શકાય છે.
પંચાયતની ચૂંટણીમાં રહેલાં અનિષ્ટોનો ઇન્કાર ન થઈ શકે. તેમાં મોટા પાયે સુધારાની જરૂર બેશક છે, પણ 'સમરસ' યોજના તેનો ઇલાજ નથી. વડા પ્રધાન અને તેમનું આખું તંત્ર 'સમરસ' પંચાયતોનાં ગુણગાન ગાય, તેનું એક સંભવિત કારણ એ છે કે તેનાથી છેક ગામડાંના સ્તરે, કહેવાતી લોકશાહી ઢબે, છતાં ચૂંટણી લડ્યા વિના, કબજો કરી શકાય છે.
રાજકારણની જેમ સમાજમાં પણ 'સમરસતા' શબ્દ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષના પ્રચાર સાથે સંકળાયેલો છે.
હિંદુ રાષ્ટ્રની કલ્પનાના અને હિંદુ વર્ણવ્યવસ્થાના આકરા ટીકાકાર-હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ડૉ. આંબેડકરની સ્મૃતિને પચાવી પાડવા માટે સંઘ પરિવાર અને ભાજપના નેતાઓ ડૉ. આંબેડકરના 'સમાનતા'ના ખ્યાલની સંઘ પરિવારના 'સમરસતા'ના ખ્યાલ સાથે સગવડિયા ભેળસેળ કરતા રહ્યા છે.
ગુજરાતમાં ઉનામાં થયેલી દલિતોની હત્યા પછી ન્યાય અપાવવામાં નિષ્ફળ ગયેલા ભાજપને ટીકાથી બચાવવા માટે, સંઘ પરિવારનાં દશેરા-ઉજવણીનાં બૅનરોમાં ડૉ. હેડગેવારની સાથે ડૉ. આંબેડકરની તસવીર પણ મૂકવામાં આવી હતી. 'સમરસ પથ સંચલન' કાર્યક્રમમાં પ્રદર્શીત કરાયેલાં કેટલાંક પુસ્તકોમાં દત્તોપંત થેંગડીના એક પુસ્તકનું મથાળું હતું, 'સમરસતા સિવાય સામાજિક સમતા અશક્ય'.
આંબેડકર અને સંઘ પરિવાર
ડૉ. આંબેડકરે કરેલી હિંદુ ધર્મની આકરી ટીકાને સંતાડવા માટે સંઘ પરિવાર તરફથી હંમેશાં એવો પ્રચાર કરવામાં આવે છે કે 'તેમને હિંદુ ધર્મથી દૂર જવું ન હતું, એટલે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.'
હકીકતમાં, ડૉ. આંબેડકરે હિંદુ ધર્મ કેટલી કટુતાથી છોડ્યો તેની ઐતિહાસિક હકીકત યાદ રાખવી કે યાદ કરવી સંઘ પરિવારને પરવડે એમ નથી. એટલે તે અણગમતો ઇતિહાસ છુપાવીને, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંઘ જેવા હિંદુત્વના રાજકારણના કટ્ટર વિરોધીઓની જેમ, ડૉ. આંબેડકર વિશે પણ સંઘ પરિવાર એવી રીતે રજૂઆત કરે છે, જાણે તે સંઘ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય.
રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ધરાવતા અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા દલિતો આ કુપ્રચારમાં યથાશક્તિ મદદરૂપ થાય છે અને ડૉ. આંબેડકરે ચીંધેલી સમાનતાને બદલે સંઘ પરિવારપ્રેરિત સમરસતાનું ગાણું ગાય છે.
'સમાનતા' અને 'સમરસતા'ના અર્થ સમજવા માટે શબ્દકોશમાં જોવાની જરૂર નથી. વ્યવહારમાંથી તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. (અલબત્ત, જુઓ તો પણ વાંધો નથી. સમરસતાનો એક અર્થ એકરસતા છે અન સમાનતાનો અર્થ છે સરખાપણું) સમાનતામાં નિહિત છે સમાન વ્યવહાર. તેમાં કોઈ પણ વ્યક્તિએ પોતાનું આગવાપણું, વિશિષ્ટતાઓ, લાક્ષણિકતાઓ ખોવાની કે ઓગાળી દેવાની જરૂર નથી. તે જે છે, એ જ સ્વરૂપે બીજાઓ સાથે તેણે સમાન વ્યવહાર રાખવાનો છે અને પોતાની સાથે એવો વ્યવહાર થાય એવી અપેક્ષા રાખવાની છે.
'સમાન વ્યવહાર'ની સાવ સાદી સમજ આપવી હોય તો કહી શકાય કે એક માણસે બીજા માણસ સાથે કરવો જોઈએ એવો વ્યવહાર. તેના માટે બંનેએ સરખા, એકરૂપ, એકરસ કે એકબીજામાં ઓગળેલા હોવાનું જરૂરી નથી.
બલકે, એવી અપેક્ષા રાખવામાં સમાનતાના મૂળભૂત સિદ્ધાંતનો ભંગ થાય છે. કેમ કે, સમાનતામાં સૌ સૌની અલગતાનો માનભર્યો સ્વીકાર છે અને તે સહિત તેના પ્રત્યે સમાન વ્યવહારની વાત છે.
સમરસતા સાવ જુદો મામલો છે. પહેલી નજરે, શબ્દોના સાથિયા પૂરીને, સમરસતાને સમાનતાનો પર્યાય અથવા દત્તોપંત થેંગડીએ લખ્યું છે તેમ, સમાનતા માટેની પૂર્વશરત તરીકે ખપાવી શકાય. પણ સાધારણ વિચાર કરતાં સમજાશે કે સમરસમાં એકમેકમાં ભળી જવાની (એકરસતાની) વાત છે. પારસીઓના નામે ચાલતી કથા પ્રમાણે, દૂધમાં સાકરની જેમ ભળી જવાની વાત છે. પરંતુ દૂધ-સાકરમાં અને માણસમાં ફરક હોય છે.
પારસીઓ પોતે પણ પોતાનું આગવાપણુ ગુમાવીને (દૂધમાં સાકરની જેમ) સમાજમા ભળ્યા નથી. એ જુદી વાત છે કે મુસ્લિમોનો વિરોધ કરવા માટે પારસીઓ હંમેશાં હાથવગા હોવાથી, તેમનું આગવાપણું હિંદુત્વનાં જૂથોને દેખાતું નથી.
પારસીઓના માંસાહાર પ્રત્યે કે પારસીઓના રૂઢિચુસ્ત ધાર્મિક આગ્રહો વિશે કદી વાત થતી નથી. તે સારું જ છે, પણ તે બધા સમુદાયોને લાગુ પડવું જોઈએ.
'તુ તુ ના રહે, મૈં મૈં ના રહું'—એ પ્રેમીઓ માટે પણ અશક્ય આદર્શ છે—અને તે ઇચ્છનીય પણ નથી. તુ તુ રહે, મૈં મૈં રહું અને નાનીમોટી તુ તુ મૈં મૈં છતાં, એકંદરે શાંતિથી સાથે રહેવામાં, માણસની જેમ રહેવામાં કમાલ છે.
દૂધમાં સાકરનો આખો આદર્શ ગેરરસ્તે દોરનારો, સગવડિયો અને માણસજાત માટે અશક્ય કરતાં પણ વધારે અનિચ્છનીય છે. દૂધમાં સાકરની જેમ ભળી જવાનું તો કદાચ કૉન્સ્ટ્રેશન કૅમ્પમાં જ શક્ય બને.
(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો