જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ બાબતે બનારસનાં લોકો શું માને છે?
- લેેખક, વિક્રાંત દુબે
- પદ, વારાણસીથી, બીબીસી ગુજરાતી માટે
વારાણસીના જિલ્લા ન્યાયમૂર્તિની અદાલતમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે તબક્કાવાર સુનાવણીનો દૌર ચાલી રહ્યો છે. એ ઉપરાંત મીડિયા તથા લોકોની પોતાની 'અદાલતો' પણ અસ્તિત્વમાં છે અને ત્યાં ધર્મ, આસ્થા, ઇતિહાસ, પરંપરા, પુરાવા અને બંધારણની કસોટી પર લગભગ 24 કલાક અલગ પ્રકારે સુનાવણી કરવામાં આવી રહી છે.
મંદિર હતું તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી, મસ્જિદમાંથી મળેલી આકૃતિ શિવલિંગ છે કે ફુવારો?, 1991નો ઉપાસના સ્થળ કાયદો, ઇસ્લામ વિરુદ્ધ હિન્દુત્વ જેવા તમામ મુદ્દા ખરી અદાલતની બહાર ચાલી રહેલા ખટલાનો હિસ્સો બન્યા છે. બીબીસી ગુજરાતીએ જ્ઞાનવાપી મસ્જિદના મામલે બનારસના કેટલાક ખાસ લોકો સાથે વાત કરી હતી અને આ વિશે તેમનો અભિપ્રાય શું છે તે જાણ્યું હતું.

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA
આ મુદ્દે વિખ્યાત લોકોમાં મતમતાંતર તો છે જ, પરંતુ કેટલાંક લોકો કહે છે કે આ ભૂલો ઇતિહાસમાં થઈ છે અને આ લોકશાહીનો યુગ છે. તેથી એકજૂથ રહેવાની જરૂર છે.
લોકો કહે છે કે મસ્જિદના સ્થાન પર અગાઉ મંદિર હતું, જ્યારે અન્ય કેટલાંક એવું કહે છે કે વારાણસી કબીર તથા તુલસીની ધાર્મિક સંવાદિતાનું શહેર જ બની રહે તો સારું.

કાયદાથી હકીકત નહીં બદલાય

ઇમેજ સ્રોત, VIKRANT DUBEY/BBC
જ્ઞાનવાપી મસ્જિદના મામલાની સાથે પ્લેસીઝ ઑફ વર્શિપ ઍક્ટ (1991) એટલે કે ઉપાસના સ્થળ કાયદા (1991)ની પ્રાસંગિકતા પણ ચર્ચાના કેન્દ્રમાં છે. પ્રસ્તુત કાયદો દેશને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધાર્મિક સ્થળની સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન સામે મનાઈ ફરમાવે છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહરાવના કાર્યકાળમાં આ કાયદો અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લાગુ પડતો ન હતો. ઉત્તર પ્રદેશ સંગીત-નાટક અકાદમીના અઘ્યક્ષ તથા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડૉ. રાજેશ્વર આચાર્ય જ્ઞાનવાપી મસ્જિદ અને 1991ના આ કાયદાના સંદર્ભમાં જણાવે છે કે કોઈ કાયદાને કારણે હકીકત બદલાતી નથી.
ડૉ. રાજેશ્વર આચાર્ય કહે છે કે "વ્યક્તિએ હકીકત અનુસાર જ વર્તન કરવું જોઈએ. આપણે માણસ છીએ કે નહીં તેનો નિર્ણય બહુમત વડે નહીં કરી શકાય. આપણે માણસ છીએ. એ પછી માણસે લોકતંત્ર વગેરેનું નિર્માણ કર્યું છે. નિર્માણનો ધર્મ અને ઇતિહાસ હોય છે, વિધ્વંસનો નહીં. એ દૃષ્ટિથી એવી માન્યતા આકાર પામી છે કે અહીં મંદિર હતું."
તેઓ ઉમેરે છે કે "મંદિર હોવાની જે વાત કહેવામાં આવી રહી છે તેમાં કોઈ દીવાલ પાછળ પૂજાપાઠ થતા રહ્યા હોય તો એ કોઈ નવી પ્રથાની શરૂઆત નથી. અહીં કાયદાનું પાલન થવું જોઈએ, જેથી સામાજિક એકતા જળવાઈ રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા મુજબ, "વિશ્વ સંસ્કૃતિમાં કાશીના ઇતિહાસની વાત કરીએ તો એ બહુલતાવાદી છે. અહીં તમામ ધર્મનાં લોકો ઉપાસના કરતાં રહ્યાં છે. તેમાં ક્યારેય ભેદભાવ થયો નથી. સત્તાના સંઘર્ષમાં જે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો હતો તેના પ્રચારને કારણે ભેદભાવની સ્થિતિ સર્જાઈ છે. એ સંદર્ભમાં ધાર્મિક હસ્તક્ષેપ કરવામાં આવ્યો ત્યારે ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી હતી. તમે સમભાવની વાત નથી કરતા. તેનું કારણ શું છે એ બાબતે વિચાર કરવાની જરૂર છે."
જ્ઞાનવાપી મસ્જિદના પુરાવા વિશે વાત કરતાં ડૉ. રાજેશ્વર આચાર્ય જણાવે છે કે "ઐતિહાસિક અને પુરાતત્વીય દૃષ્ટિએ જોવામાં આવે તો મંદિરના પુરાવા મળ્યા છે. તેથી સમભાવ જાળવી રાખવા માટે પોતપોતાના ધર્મો વચ્ચે અન્ય ધર્મનો વિક્ષેપ ન સર્જાય તેની વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદનો મામલો અદાલતમાં વિચારાધીન છે. આપણે ભલે ગમે તે માગ કરીએ, આખરે તો આપણે અદાલતના નિર્ણયનો સ્વીકાર કરવો જ પડશે."

મંદિર તોડાયાં અને નિર્માણ પણ થયું

ઇમેજ સ્રોત, VIKRANT DUBEY/BBC
કાશી, બનારસ કે વારાણસી પ્રાચીન કાળથી જ ધર્મ, અધ્યાત્મ તથા જ્ઞાનનું કેન્દ્ર બની રહ્યું છે. પૌરાણિક માન્યતાઓથી માંડીને આધુનિક ઇતિહાસમાં તેના અનેક પ્રમાણ મળ્યાં છે. શાસ્ત્રો, પુરાણોમાં તો કાશીને શિવના આનંદવનની ઓળખ આપવામાં આવી છે.
કાશીના સંકટમોચન મંદિરના મહંત અને આઈઆઈટી બીએચયુના પ્રોફેસર વિશ્વંભરનાથ મિશ્ર જણાવે છે કે બનારસની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને નષ્ટ કરવાના પ્રયાસ લાંબા સમયથી કરવામાં આવતો રહ્યા છે અને એવા પ્રયાસ આજે પણ ચાલુ છે. આ કાશી પ્રત્યેની એક પ્રકારની ઈર્ષાનું પરિણામ છે.
પ્રોફેસર મિશ્ર કહે છે કે "મોગલ કાળમાં અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં એ હકીકત છે, પરંતુ એ સમયમાં મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. એ પારસ્પરિક સહમતીથી થયું હશે. લગભગ 1400 વર્ષ પહેલાં ધર્મનું અસ્તિત્વ હોવાની વાત થાય છે. તેથી સ્વાભાવિક છે કે અહીં જે લોકો આવ્યા હતા એ લોકો તેમનો સાંસ્કૃતિક વારસો સાથે લઈને આવ્યા હતા."
પ્રોફેસર મિશ્રના જણાવ્યા મુજબ, આપણે બનારસને તેના મૂળ સ્વરૂપમાં નિહાળીએ તો તેમાં ભારતના પ્રોટોટાઇપ મૉડેલનું સ્વરૂપ જોવા મળે છે. અહીં તમામ ધર્મો અને સંસ્કૃતિઓ સમભાવથી રહે છે. તેમની વચ્ચે ક્યારેય વિવાદ થતો નથી. કોઈનો કશો ઉદ્દેશ હોય તો વાત અલગ છે.
જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનામાં મળેલા શિવલિંગ બાબતે પ્રોફેસર મિશ્ર કહે છે કે "કોઈને અચાનક બાબા મળી આવ્યા હોય તો એ તેમની બુદ્ધિની બલિહારી છે. અહીં તો બાબા કાયમ રહ્યાં છે અને તમે બાબાને જોઈ ન શકતા હો તો તેમાં હું તમારી કોઈ મદદ કરી શકું નહીં."

ન્યાય થવો જોઈએ, સત્ય પ્રસ્થાપિત થવું જોઈએ

ઇમેજ સ્રોત, VIKRANT DUBEY/BBC
ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હોવાના પુરાવા ઇતિહાસ આપે છે. ડૉ. ઇરફાન હબીબથી માંડીને બીજા બધા મોટા ઇતિહાસકારો પણ આ બાબતે સહમતી દર્શાવી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશના વિખ્યાત ન્યૂરો સર્જન ડૉ. વી ડી તિવારી આ સમગ્ર મામલાને 'એક જુઠ્ઠાણાને સાચું ઠરાવવાનો પ્રયાસ' માને છે.
ડૉ. તિવારી કહે છે કે "મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી તેમાં કોઈ શંકા જ નથી. એ તો સ્પષ્ટ દેખાય છે. કોઈને તકલીફ આપવા માટે કે કોઈ ધર્મને આઘાત આપવા માટે એ કૃત્ય કરવામાં આવ્યું હોય તો એ કૃત્ય નિંદનીય છે. એ ભૂલને કોઈ સુધારતું હોય તો એ સારી વાત છે. એ સ્થળે હિન્દુઓના દેવતા હોય તો એમને દેવોની પૂજાનો અધિકાર મળવો જોઈએ. લોકતંત્રમાં ન્યાયાલય નિર્ણય કરશે. અદાલતે ફેંસલો કરવો જ જોઈએ અને જે ન્યાયસંગત હોય તે થવું જોઈએ."

મામલો ખેંચાશે તો અશાંતિનું જોખમ

ઇમેજ સ્રોત, ANI
વારાણસીની ડીએવી ડિગ્રી કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.સત્યદેવ સિંહનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદ-મંદિરનો વિવાદ અયોધ્યાની જેમ લાંબો સમય ચાલશે તો દેશમાં મોટી અશાંતિનું જોખમ સર્જાવાની પરિસ્થિતિ આકાર પામશે.
ડૉ. સત્યદેવ સિંહ કહે છે કે "આ મામલે કોઈ નેતા કે બહારની વ્યક્તિ હસ્તક્ષેપ ન કરે તેની અપીલ વારાણસીમાંના બન્ને પક્ષકારોના ધાર્મિક ગુરૂઓએ કરવી જોઈએ. એ ઉપરાંત જ્ઞાનવાપી મામલામાં અદાલતની ભૂમિકા પણ બહુ મહત્ત્વની છે. અદાલતે ઝડપી સુનાવણી હાથ ધરીને નિર્ણય કરવો જોઈએ."
તેઓ ઉમેરે છે કે "ઔરંગઝેબે હિન્દુઓના અનેક મંદિરો તોડી પાડ્યાં હોવાનું આપણે બાળપણથી જ ભણતાં-સાંભળતાં રહ્યા છીએ. તેમાં જ્ઞાનવાપી મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ઇતિહાસ કહે છે કે તેની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે અગિયારમી સદીમાં કરી હતી. એ પછી સહિષ્ણુ બાદશાહ અકબરે તેના પ્રધાન ટોડરમલને સૂચના આપીને જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. ટૂંકમાં કહું તો આ વિવાદ લાંબો ચાલે તે કોઈના પણ માટે યોગ્ય નથી. તેનું ઝડપી નિરાકરણ થવું જોઈએ."

મંદિરમાં પૂજા અને મસ્જિદમાં ઇબાદત

ઇમેજ સ્રોત, VIKRANT DUBEY/BBC
શિયા જામા મસ્જિદના પ્રવક્તા તથા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના નિવૃત્ત ફૂટબૉલ કોચ સૈયદ ફરમાન હૈદર જણાવે છે કે જ્ઞાનવાપીનો મામલો કોર્ટમાં વિચારાધીન છે.
તેઓ કહે છે કે "કાં તો કોર્ટની વાત સાંભળો અથવા તો તમારું ધાર્યું કરો. શિવલિંગ તો આખી દુનિયામાં છે. ક્યાંક તમારો કબજો છે અને ક્યાંક નથી. કોઈ વાતને મુદ્દો શા માટે બનાવો છો? મુદ્દો ન બનાવો. આ શાંતિનું શહેર છે. તેને કબીરનું શહેર બની રહેવા દો, નઝીરનું શહેર બની રહેવા દો, તુલસીદાસનું શહેર બની રહેવા દો. બિસ્મિલ્લા ખાંનું શહેર બની રહેવા દો અને તેને ફરમાન હૈદરનું શહેર પણ બની રહેવા દો."
કાવ્યાત્મક મિજાજ ધરાવતા સૈયદ ફરમાન હૈદર ઉમેરે છે કે "હું તો મરીશ ત્યારે પણ આ શહેરની માટીમાં જ દફન થઈશ. મારો એકાદો અંશ પણ કરાચી જવાનો નથી. આ મંદિર પણ રહેશે, આ મસ્જિદ પણ રહેશે. અરીસો એનો એ જ રહેશે, ચહેરાં બદલાઈ જશે. આ તો રાજકીય મુદ્દો છે. કશુંક મેળવવા માટે લોકોએ આ પ્રકારની વાત શરૂ કરી છે. અન્યથા બનારસ તો એવું શહેર છે કે જ્યાંના બિસ્મિલ્લા ખાંનો સંદેશો અમેરિકાના પ્રમુખની વાતનો પણ અસ્વીકાર કરે છે અને જણાવે છે કે અમારે ગંગા જોઈએ છે. અહીં બાલાજીનું મંદિર પણ છે, જ્યાંથી બિસ્મિલ્લા ખાં ભારતરત્ન બન્યા હતા. જ્ઞાનવાપી મસ્જિદની વાત કરું તો થોડા વર્ષો પહેલાં સુધી આ વિવાદનું અસ્તિત્વ જ ન હતું."

જ્ઞાનવાપી વિવાદ છતાં પ્રવાસનમાં વૃદ્ધિ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કાશીમાં શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને પગલે બનારસમાં પ્રવાસન ક્ષેત્રે પણ ખાસ્સી વૃદ્ધિ જોવા મળી, પરંતુ જ્ઞાનવાપી વિવાદની તેના પર માઠી અસર થઈ રહી હોવાનું માનવામાં આવે છે.
મીડિયાએ પણ આ મુદ્દો અગ્રતાપૂર્વક ઉઠાવ્યો છે. વિદેશી અને દેશી એમ બન્ને પ્રકારના પ્રવાસીઓ હવે બનારસને સંવેદનશીલ શહેર માનવા લાગ્યા છે તથા અહીં આવતાં ખચકાઈ રહ્યા છે.
શહેરના પ્રમુખ ઉદ્યોગસાહસિક અને સમાજસેવક સૂર્યકુમાર જાલાન આ ધારણાનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તેમના કહેવા મુજબ, વિવાદને લીધે શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેઓ માને છે કે બનારસમાં પ્રવાસન અને બિઝનેસ બન્નેમાં વૃદ્ધિ થઈ રહી છે.

સમરસતા માટે મંદિર અને મસ્જિદ

ઇમેજ સ્રોત, VIKRANT DUBEY/BBC
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઇતિહાસના વિષયમાં સ્નાતકોર અભ્યાસ કરી રહેલા દિવ્યાંગ વકીલ ભારતી કહે છે કે "મેં જે સાંભળ્યું છે અને હું જે ભણ્યો છું એ હિસાબે ઔરંગઝેબે મંદિર તોડીને ત્યાં જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. એ વખતે રાજાશાહી હતી, પરંતુ અત્યારે લોકશાહી છે. મારું કહેવું એમ છે કે મસ્જિદ યથાવત રહેવી જોઈએ."
તેઓ ઉમેરે છે કે "તેમાં મંદિર પણ છે. એ પણ યથાવત રહેવું જોઈએ. વજૂખાનામાં શિવલિંગ હોવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ સાચું શું છે તેનો નિર્ણય તો અદાલત પર જ નિર્ભર છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












