કુતુબમિનાર : અહીં પહેલાં મંદિરો હતાં? પરિસરમાં મિનાર સિવાય શું-શું છે?
- લેેખક, સૌતિક વિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીના આકાશને સ્પર્શતો કુતુબમિનાર (240 ફૂટ ઊંચાઈ) રાજધાનીનાં સૌથી પ્રતિષ્ઠિત સ્મારકો પૈકીનો એક છે. જોકે હાલ તો અહીંની કોર્ટમાં એ વાતનો નિર્ણય થવા જઈ રહ્યો કે જે મંદિરોને સદીઓ પહેલાં તોડીને તેનું પરિસર બનાવવામાં આવ્યું હતું, તે મંદિરોને પુનર્જીવિત કરવાં જોઈએ કે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
કુતુબમિનાર હાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે, જેનું નિર્માણ દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે જ્યારે ગુલામવંશના સ્થાપક ઐબકે 1192માં હિંદુ રાજાઓને હરાવ્યા, ત્યારે તે વિજયને યાદગાર બનાવવા માટે આ મિનાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનની મિનારકલાથી પ્રભાવિત આ મિનાર લાલ અને બદામી રંગના 'સેન્ડસ્ટોન'થી બનેલો છે. તે મુસ્લિમ શાસકો દ્વારા ભારતમાં બાંધવામાં આવેલી કેટલીક પ્રારંભિક ઇમારતો પૈકી એક છે.
કુતુબુદ્દીન ઐબક બાદ ત્રણ અનુગામી સુલતાનોએ તેનું સમારકામ કરાવ્યું હતું અને તેને વધુ ઊંચો બનાવ્યો હતો. હાલમાં કુતુબમિનારમાં પાંચ માળ છે અને ટોચ પર પહોંચવા માટે 379 પગથિયાં છે.
ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલના જણાવ્યા મુજબ, "કુતુબમિનાર દિલ્હીમાં અરાવલીની પહાડીઓની મધ્યમાં ઊભેલા 'વિશાળ ટેલિસ્કોપ' જેવો છે, જે 'વિજેતાની શાન અને એના વિજયનું પ્રતીક' છે."
કુતુબમિનાર સંકુલનો ઇતિહાસ વૈવિધ્યસભર છે. એવો દાવો કરવામાં આવે છે કે એક સમયે અહીં 27 હિન્દુ અને જૈન મંદિરો હતાં, જેને તોડી પાડવામાં આવ્યાં અને તેના કાટમાળમાંથી અહીં દિલ્હીની પ્રથમ મસ્જિદ બનાવવામાં આવી હતી.
ભારતીય પુરાતત્ત્વ સર્વેના વરિષ્ઠ અધિકારી જે. એ. પેજે 1926માં એક નોંધમાં જણાવ્યું હતું કે તેમાંથી એક મંદિરનો પાયો સાબૂત છે એટલું જ નહીં, તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો હતો, જેથી તેના પર મસ્જિદ ટકી રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કુતુબમિનાર પરિસરમાં બીજું શું છે?

આ મિનાર સિવાય કુતુબમિનારના પરિસરમાં ઘણું બધું છે. તેમાં એક 1,600 વર્ષ જૂનો અને 20 ફૂટ ઊંચો લોહસ્તંભ છે, જે પ્રાકૃતિક આપદા અને કાળચક્ર સામે ટકી રહ્યો છે. આ સંકુલમાં પાંચ કમાનો અને સુલતાનની કબર પણ છે. આ બાંધકામોમાં હિંદુ અને ઇસ્લામનાં પ્રતીકોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે
તેમની નોંધમાં પેજ લખે છે કે કુતુબમિનારના પરિસરમાં બનેલાં સ્મારકો 'પુરાતત્ત્વીય અને આકર્ષક ડિઝાઇન' બંને દૃષ્ટિએ દિલ્હીના સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અવશેષો છે.
આજે 800થી વધુ વર્ષો પછી એ 27 મંદિરોની પુન:સ્થાપના કરવાની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, દિલ્હીની એક અદાલતે આ અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે ભારતમાં ઘણા રાજવંશોએ શાસન કર્યું હતું અને ભૂતકાળમાં થયેલી ભૂલો આપણી વર્તમાન અને ભવિષ્યની શાંતિને ખલેલ પહોંચાડવાનું કારણ બનવી ન જોઈએ.
હવે સિવિલ કોર્ટના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજી દાખલ કરનાર હરિશંકર જૈનનું માનવું છે કે હિંદુ દેવતાઓ હજુ પણ પરિસરમાં હાજર છે.
તેમનો સવાલ છે, "જ્યારે મસ્જિદના નિર્માણના ઘણા સમય પહેલાં ત્યાં માત્ર એક મંદિર હતું, તો તેનું પુનર્નિર્માણ કેમ ન થઈ શકે?"
સાથે જ આ સંકુલ અંગે પુરાતત્વીય બાબતોના નિષ્ણાતોનું વલણ સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારના કાયદા મુજબ સંકુલ 'સંરક્ષિત સ્મારક' છે. એવામાં લોકોનું કહેવું છે કે હવે તેનું 'કૅરેક્ટર' કે પ્રકૃતિ બદલી શકાય તેમ નથી.

કુતુબમિનાર 'વિજયના પ્રતીક'રૂપે બનાવ્યો હતો?

કુતુબમિનારની જેમ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં બનેલી મસ્જિદને લઈને આજકાલ આવા જ વિવાદો ચાલી રહ્યા છે.
ઈતિહાસકારોના મતે, 12મી સદીના ઉત્તરાર્ધના મુસ્લિમ શાસકો અને 7મી સદીના હિંદુ શાસકોએ તેમના હરીફ શાસકો અથવા બળવાખોરો દ્વારા રક્ષિત મંદિરોને લૂંટ્યાં હતાં, તેમની ડિઝાઈન બદલી હતી કે તેમને તોડી પાડ્યાં હતાં.
ઇતિહાસકાર રાણા સફવી કહે છે, "દરેક શાસકે પોતાના વિરોધીઓનાં સૌથી મોટાં ધાર્મિક પ્રતીકોને નષ્ટ કરીને પોતાના રાજકીય અધિકાર અને સત્તા પર મહોર મારવાનો પ્રયાસ કર્યો છે. એવું નથી કે બધાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો. પરંતુ માત્ર જેમનું રાજકીય મહત્ત્વ હતું, એ જ મંદિરો તોડવામાં આવ્યાં હતાં."
હવે સવાલ એ થાય છે કે કુતુબમિનાર શા માટે બાંધવામાં આવ્યો હતો?
રાણા સફવીના જણાવ્યા મુજબ, તેના નિર્માણનું એક કારણ મસ્જિદના મિનાર તરીકે તેનો ઉપયોગ કરવાનું હતું, જેથી મુઅઝિન (નમાજ પઢાવતા મૌલવીઓ) નમાજ પઢાવી શકે.
તેમના મતે આનું બીજું કારણ દુશ્મનો પર નજર રાખવાનું પણ હોઈ શકે છે.
રાણા સફવીના મતે, કુતુબમિનાર બનાવવાનું સૌથી મોટું કારણ એ છે કે તેને અફઘાનિસ્તાનના ગઝનીમાં બનાવવામાં આવેલા મિનારની જેમ જ 'વિજયના પ્રતીક' રૂપે બનાવવામાં આવ્યો હોવો જોઈએ. કુતુબમિનાર ગઝનીના મિનારથી પ્રેરિત જણાય છે.

અનેક સદીઓની આપદા સામે અડીખમ

ઇમેજ સ્રોત, Getty Images
આ મજબૂત મિનાર વીજળી અને ભૂકંપના બે જોરદાર આંચકા સામે પણ ટકી રહ્યો. જોકે એક ભૂકંપમાં તેના ચોથા માળને નુકસાન થયું હતું. તે પછી સુલતાને મિનારનું સમારકામ કરાવ્યું અને તેમાં બેલાના પથ્થર અને આરસપહાણથી બે વધારાના માળ બનાવ્યા.
એ સાથે ટોચ પર 12 ફૂટનો ગુંબજ પણ બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આવેલા ભૂકંપમાં ગુંબજ તૂટી પડ્યો હતો.
આજની તારીખે, કુતુબમિનાર માત્ર ઐતિહાસિક ધરોહર નહીં પરંતુ દિલ્હીની ઓળખ બની ગઈ છે. દિલ્હીમાં લાંબા સમયથી રહેતા લોકોના મનમાં કુતુબમિનારને લગતી યાદો કોતરાયેલી છે.
રાણા સફવીને 1977નો સમય યાદ છે જ્યારે તેઓ પહેલીવાર આ મિનાર જોવા ગયાં હતાં.
તેઓ કહે છે, "હું તેના પહેલા માળે પહોંચી ગઈ હતી અને આસપાસનો સુંદર નજારો જોયો હતો. મારી બહેને 60ના દાયકામાં ટાવરની ટોચ સુધીની તેની સફરની યાદો અમારી સાથે શૅર કરી હતી."
જોકે, કુતુબમિનારમાં 1981માં થયેલી એક નાસભાગમાં 45 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગે શાળાનાં બાળકો હતાં. ત્યારબાદ સીડી મારફતે મિનાર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
મુખ્ય માર્ગો અને અદાલતની ચર્ચાઓથી દૂર કુતુબમિનારની આસપાસ ખાવા-પીવાની ઘણી જગ્યાઓ છે. આ મહિનાની શરૂઆતમાં, એક હિંદુ જમણેરી સંગઠનના સભ્યોની પરિસરમાં પૂજા અને મંત્રોચ્ચાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે આ અંગે અરજી દાખલ કરનાર હરિશંકર જૈને કોર્ટને જણાવ્યું હતું કે કોઈ પણ તોડી પાડવામાં આવેલ મંદિર તેનું ચરિત્ર, દૈવીય ગુણ કે પવિત્રતાને ગુમાવતું નથી.
તેમણે કહ્યું કે તેમને કુતુબમિનારના પરિસરમાં પૂજા કરવાનો બંધારણીય અધિકાર છે.
આના પર ન્યાયાધીશે કહ્યું, "જો દેવતા છેલ્લાં 800 વર્ષથી પૂજા વિના જીવિત હોય, તો તેમને આ રીતે જ જીવિત રહેવા દો." અલબત્ત, આ મામલે નિર્ણય આગામી થોડાં અઠવાડિયાંમાં આવી જવાની ધારણા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












