રાહુલ ગાંધીનું એ 10 સેકંડનું મૌન જેના પર મચ્યો છે હંગામો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં આપેલા એક ઇન્ટરવ્યૂની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને એમાં પણ સૌથી વધારે ચર્ચા રાહુલ ગાંધી જે થોડી વાર માટે એકદમ ચૂપ થઈ ગયા એની થઈ રહી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મંગળવારે ઇન્ડિયા એટ 75 નામના કાર્યક્રમમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કૉરપસ ક્રિસ્ટી કૉલેજમાં ઇતિહાસનાં સહાયક પ્રોફેસર અને ભારતીય મૂળનાં શિક્ષાવિદ ડૉક્ટર શ્રૃતિ કપિલાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

અંદાજે એકાદ કલાક ચાલેલી આ વાતચીતમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન હિંસા અને અહિંસાના એક સવાલ પર કૉગ્રેસ નેતા થોડી વાર માટે ખામોશ થઈ ગયા.

એમની આ ખામોશીને લઈને અનેક લોકો સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે તો સામે અનેક નરેન્દ્ર મોદી અનેક વાર જાહેરમાં જે ખોટા ઐતિહાસિક સંદર્ભો આપી ચૂક્યા છે એનો હવાલો આપી રહ્યાં છે.

ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીને શું સવાલ પૂછાયો હતો

કાર્યક્રમમાં રાહુલ ગાંધીને શ્રૃતિ કપિલાએ અર્ધો કલાકની ચર્ચા બાદ હિંસા અને અહિંસા અંગે એક સવાલ કર્યો.

શ્રૃતિ કપિલાએ પૂછ્યું, 'મારી-તમારી પેઢીમાં હિંસાની એક મોટી ભૂમિકા રહી છે અને તમારા કેસમાં તો એ વ્યક્તિગત પણ છે. તાજેતરમાં આપના પિતા રાજીવ ગાંધીની વરસી હતી. મારો સવાલ થોડો ગાંધીવાદી અને તે પણ હિંસા અને તેની સાથે જીવવા અંગેનો છે. તમારા કેસમાં એ વ્યક્તિગત થઈ જાય છે. શું તમે આને લઈને સામે આવતા પડકારો સાથે કામ પાર પાડવાની વ્યક્તિગત રીતો અંગે કહી શકો છો અને સાથે એ પણ જણાવો કે ભારતીય સમાજમાં હિંસા અને અહિંસા વચ્ચેની અવઢવને આપ કેવી રીતે જુઓ છો..'

શ્રૃતિ કપિલાનાં સવાલ બાદ રાહુલ ગાંધી આશરે દસેક સેકંડ માટે ચૂપ થઈ ગયા અને પછી એમણે કહ્યું, 'મને લાગે છે...જે શબ્દ દિમાગમાં આવી રહ્યો છે એ માફ કરવું છે જોકે એ પણ સટીક શબ્દ નથી.'

રાહુલ ગાંધી આટલું બોલીને ફરી સહેજ વાર ચૂપ થઈ ગયા આ દરમિયાન અમુક લોકોએ તાળી વગાડી તો રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ હજી પણ કંઈક વિચારી રહ્યાં છે.

એ પછી શ્રૃતિ કપિલાએ કહ્યું, 'હું આપને પરેશાનીમાં નહોતી મૂકવા માગતી.'

એની સામે રાહુલ ગાંધીએ કહ્યું, 'તમે મને કોઈ પરેશાનીમાં નથી મૂક્યો અને આ સવાલ મને પહેલાં પણ પૂછાઈ ચૂક્યો છે.'

એ પછી રાહુલ ગાંધીએ કહ્યું, "મને લાગે છે કે જિંદગી તમારી સામે...ખાસ કરીને જો તમે એવી જગ્યાએ હો જ્યાં મોટી ઊર્જાઓમાં બદવાલ આવ્યાં કરે છે તો તમને ઈજા થશે નક્કી છે. જો તમે એ કરતાં તો જે હું કરું છું તો તમને ઈજા થશે એ કંઈ સંભાવના માત્ર નથી એ નક્કી જ છે. આ મોટી લહેરોમાં દરિયામાં તરવા જેવું છે જેમાં તમે ક્યારેકને ક્યારેક મોજાંની નીચે આવશો જ, એવું કદી ન થાય એવુ નથી હોતું. જ્યારે તમે લહેરોની નીચે આવો છો ત્યારે તમે શીખો છો કે કેવી રીતે પ્રતિક્રિયા આપવાની છે."

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "મારી જિંદગીમાં શીખ આપનારો કોઈ સૌથી મોટો અનુભવ હોય તો એ મારા પિતાનું નિધન છે. આથી મોટો અનુભવ કોઈ હોઈ જ ન શકે. હવે હું એ જોઈ શકું છું અને કહી શકું છું કે, જે વ્યક્તિ કે જે તાકાતોએ મારા પિતાને માર્ય એણે મને ભીષણ દુખ-દર્દ આપ્યું, આ વાત સમગ્ર રીતે સાચી છે કે એક પુત્ર તરીકે મેં પિતા ગુમાવ્યા. તમારામાંથી પણ કોઈની સાથે આ થયું જ હશે અને એ ખૂબ દુખદ વાત છે પણ એ હકીકતથી ઇનકાર કદી ન કરી શકું કે એ ઘટનાએ મને જે શીખવ્યું એ હું કોઈ અન્ય પરિસ્થિતિમાં કદી ન શીખી શકત. એટલે જ્યાં સુધી તમે શીખવા માટે તૈયાર છો ત્યાં સુધી લોકો કેટલા ખરાબ છે, દુષ્ટ છે તેનાંથી કોઈ ફરક નથી પડતો."

"જો તમે શીખવા તૈયાર છો તો... જો હું પાછો વળીને જોઉં છું અને કહું છું કે મિસ્ટર મોદીને મારા પર હુમલો કર્યો..હે ભગવાન તેઓ કેટલા ખરાબ છે કે આ રીતે મારી પર હુમલો કરે છે...આ મામલાને એક રીતે જોવાની રીત છે પણ બીજી રીત એ છે કે હું એમાંથી પણ (હુમલામાંથી પણ) કંઈક શીખ્યો છું, હજી વધારે કરો."

"પણ તમે આ ત્યારે અનુભવી શકો છો જ્યારે તમે કોઈ હુમલાનો સામનો કરી રહ્યાં હો....અન્ય કોઈ રીતે આનો અહેસાસ ન થઈ શકે. આ એ કવિતા જેવું છે જે એક પેલેસ્ટાઇનની વ્યક્તિએ લખી છે જેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, એ કવિતા હું આપને મોકલીશ. એ કવિતામાં તેઓ જેલરને કહે છે - મારી કોટડીની નાનકડી બારીમાંથી હું આપની મોટી કોટડીને જોઈ શકું છું, એક રીતે જોઈએ તો તમામ લોકો જેલમાં કેદી છે...તમને આ રીતે બરોબર જોતાં આવડવું જોઈએ, જો તમે આમ કરી શકો છો તો એનો મુકાબલો કરવાની રીત પણ શોધી શકો છો."

સોશિયલ મીડિયા પર ચર્ચા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અંકુરસિંહ નામના યુઝરે લખ્યું છે, "મારો ભરોસો કરો આ રાહુલ ગાંધીનો અટઍડિટેડ વીડિયો છે. 2024ના કૉંગ્રેસના વડાપ્રધાનપદના ઉમેદવાર."

રાહુલ ગાંધીએ જવાબ આપ્યો એ અગાઉ અમુક લોકોએ તાળીઓ પાડી હતી જેને લઈને પણ અમુક લોકોએ કૉમેન્ટ કરી.

ટીવી પત્રકાર સુશાંત સિન્હાએ લખ્યું કે "આ ચમચાગીરીની ચરમસીમા છે કે અમુક લોકો તાળીઓ પાડે છે."

લંડનમાં એક અન્ય કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત રાષ્ટ્ર નથી પરંતુ રાજ્યોનો એક સંઘ છે.

આ નિવેદન પર ભાજપ નેતા શહજાદ પુનાવાલાએ કેમ્બ્રિજ યુનિવર્સિટીનું ટ્વીટ કર્યું છે. એ સાથે એમણે લખ્યું કે "રાહુલ ગાંધી માણસ નથી પણ અંગોનો એક સંઘ છે અને જેમનું મુખ્ય અંગ સ્પષ્ટ રીતે ગાયબ છે."

અભિજિત મજૂમદારે ટ્વીટ કર્યું કે "રાહુલ ગાંધીનું રોકાઈ જવું એટલુ ભાવપૂર્ણ હતું કે મંચ પર ચાર ગણો વિરામ પથરાઈ ગયો, એવો નજારો હતો કે દર્શકોએ તાળીઓ વગાડી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો