'હાર્દિક પટેલ બેઈમાન વ્યક્તિ છે', કૉંગ્રેસના નેતાઓએ હાર્દિક વિશે શું-શું કહ્યું?

હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમના પર કૉંગ્રેસ નેતાઓ તરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

રઘુ શર્મા

ઇમેજ સ્રોત, Dr.Raghu Sharma/Twitter

ઇમેજ કૅપ્શન, રઘુ શર્મા

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે "હાર્દિક બેઈમાન અને અવસરવાદી રાજનીતિમાં માને છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન તે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા અને અત્યારે એવું તો શું થયું કે આ રીતે રાજીનામું આપી દીધું?"

ટીવી ચૅનલ એબીપીને આપેલા ઇન્ટરવ્યૂમાં રઘુ શર્માએ કહ્યું કે, "હાર્દિકના જવાથી કૉંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. નરેશ પટેલના આવવાની અટકળો વચ્ચે પાર્ટીમાં તેમનું કદ ઘટી જશે તેમ માનીને છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા અને પાર્ટીને દબાણમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા."

"તેમણે કહ્યું,"પોતાના પર થયેલા કેસ પાછા ખેંચાવવા માટે હાર્દિક છેલ્લા છ-સાત મહિનાથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા અને કૉંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતા. જે વ્યક્તિ કોઈ પાર્ટીમાં શિસ્તબદ્ધ ન રહી શકે તેના માટે કૉંગ્રેસમાં કોઈ સ્થાન નથી."

રાજીનામામાં પરોક્ષ રીતે રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કહ્યું,"જે રાહુલ ગાંધીના ઘરના આંટાફેરા મારીને કૉંગ્રેસમાં પદ મેળવ્યું, સ્ટાર પ્રચારક બન્યા. જો તે જ વ્યક્તિ હવે રાહુલ ગાંધી પર આરોપો લગાવે તો તેનાંથી મોટો અવસરવાદી કોણ હોઈ શકે."

line

'હાર્દિક પટેલ જાહેર જીવન માટે ધબ્બો છે'

મનહર પટેલ

ઇમેજ સ્રોત, Manhar Patel/Facebook

ઇમેજ કૅપ્શન, મનહર પટેલ

હાર્દિક પટેલના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા પત્રકારપરિષદ યોજવામાં આવી હતી. જેમાં કૉંગ્રેસના પાટીદાર નેતા મનહર પટેલે કહ્યું કે તે જે રીતે કૉંગ્રેસ છોડીને ગયા છે, તે માનસિકતા એકદમ ખોટી છે. આ પ્રકારના લોકો રાજકીય પાર્ટી સહિત જાહેર જીવન માટે ધબ્બો છે.

હાર્દિક પટેલ પર ભાજપનો આશરો લેવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું, "આજે હાર્દિકે સંઘ અને ભાજપની વિચારધારા ભરીને એક પાનું મોકલ્યું. જે વિચારધારા સાથે તેઓ કૉંગ્રેસમાં જોડાયા, જે વિચારધારાના કારણે તેમણે ભાજપ વિરુદ્ધ આંદોલન કર્યા. હવે તેનો જ આશરો લઈ રહ્યા છે."

પાટીદાર અનામત આંદોલનને ટાંકીને તેમણે જણાવ્યું, "પાટીદાર અનામત આંદોલન સમયે અમે બધા સાથે હતા. ત્યારે મૃત્યુ પામેલા 14 લોકોને હાર્દિક ન્યાય અપાવી શક્યા નથી."

"જે લોકો પર કેસ થયા છે, તે પાછા ખેંચાયા નથી. આ હાર્દિકનો સમાજ સાથે કરાયેલો દગો છે."

line

પોતાની રાજકીય કારકિર્દીનું બાળમરણ કર્યું છે : રેશમા પટેલ

રેશમા પટેલ

ઇમેજ સ્રોત, Reshma Patel/Facebook

ઇમેજ કૅપ્શન, રેશમા પટેલ

એનસીપી નેતા અને પાટીદાર અનામત આંદોલનના સંયોજક રેશમા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "છેલ્લા કેટલાક મહિનાથી હાર્દિક દ્વારા કરાઈ રહેલા વિરોધના લીધે શંકા તો હતી કે આવું કંઈક થઈ શકે છે પણ આ પગલું ભરીને હાર્દિકે પોતાની રાજકીય કારકિર્દીનું બાળમરણ કર્યું છે."

તેમણે વધુમાં કહ્યું, "વિરોધ અને નારાજગીની વાત જો તેમણે પાર્ટીમાં જોડાયાના છ-આઠ મહિનામાં કરી હોત તો સારી લાગતી પણ ચૂંટણી-પેટાચૂંટણીઓ યોજાયા બાદ અંદાજે ચારેક વર્ષ પૂરા થયા બાદ જો આવા નિવેદન આપે તો તે શંકાસ્પદ છે."

બાળમરણ અંગેના પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા આપતા તેઓ કહે છે, "હજુ તેમની ઉંમર 28 વર્ષ છે. તેમની કારકિર્દી ઘણી લાંબી છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જો તેઓ ભાજપમાં જશે કે પછી અન્ય કોઈ પાર્ટી કે અપક્ષમાં રહેશે. તો પણ તેમની કારકિર્દીનું બાળમરણ જ કહેવાશે."

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું,"આ તો કૉંગ્રેસ હતી એટલે તેમણે જે મીડિયામાં વિરોધ કર્યો તેના લીધે તેમની સામે કાર્યવાહી ન થઈ. જો, ભાજપમાં રહીને આમ કરતા તો તાત્કાલિક સસ્પેન્શનનો પત્ર આવી જતો."

" આંદોલનમાંથી આવતા લોકો માટે ભાજપ સારી પાર્ટી નથી. તેનું ઉદાહરણ પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ છે. તેઓ કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર પણ જોવા મળતા નથી."

line

"આ અમિત શાહની ડિઝાઇન, હાર્દિક ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે"

મનોજ પનારા

ઇમેજ સ્રોત, Manoj Panara/ Facebook

ઇમેજ કૅપ્શન, મનોજ પનારા

બીબીસી સાથે વાત કરતા હાર્દિક પટેલનાં જૂના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક મનોજ પનારાએ કહ્યું હતું કે "હાર્દિકે રાજીનામું આપીને ભૂલ કરી છે. જો ભાજપમાં જશે તો એ મહાભયંકર ભૂલ હશે. આ આખી પટકથા ભાજપ અને અમીત શાહના ઇશારે ચાલી રહી છે. જે એક ડિઝાઇન છે તે અમિત શાહ ઘડી રહ્યા છે. ટૂંક સમયમાં તે ભાજપમાં જોડાશે."

તમને એવું કયા આધારે લાગે છે કે હાર્દિક અમિત શાહના ઇશારે કામ કરી રહ્યા છે? એ પ્રશ્નના જવાબમાં પનારાએ કહ્યું કે, "જેમ કોઈ રોગનાં લક્ષણ હોય એમ હાર્દિક પણ જે રીતે ટ્વીટ અને મીડિયામાં નિવેદન આપતા હતા તે લક્ષણો પરથી વર્તાતું હતું કે તે કૉંગ્રેસ છોડશે અને ભાજપમાં જોડાશે. "

તેઓ કહે છે, "હું તો સ્પષ્ટપણે માનું છું કે કૉંગ્રેસમાં રહે કે ન રહે, પણ ભાજપમાં તો ન જ જવું જોઈએ. જે 14 લોકોની હત્યાની વાત છે. જેમને જનરલ ડાયર કહેતા હતા. જેમણે બહેન દીકરી પર અત્યાચાર કર્યો હોય એવી સરકાર કે જેણે કેસ કરીને હજારો યુવાનોની કારકિર્દી ખતમ કરી નાખી હોય એવા ભાજપ સાથે ન જવું જોઈએ."

પનારાનું કહેવું છે કે "જો નેતાઓ ભાજપમાં જવાના હોય તે જાણી જોઈને આવાં નિવેદનો આપે છે. પછી હળવેકથી ભાજપમાં જતા રહે છે. આ જ પેટર્ન છે."

"સત્તા માણસને આંધળો કરી દે છે. આપણામાં એક કહેવત છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. રાવણે જો સીતાને સ્પર્શ ન કર્યો હોત તો એ જીવતો રહ્યો હોત."

"પાંડવોએ જો કૌરવોને પાંચ ગામ આપી દીધા હોત તો આટલું મોટું મહાભારતનું યુદ્ધ ન થયું હોત."

"તેથી સત્તાની લાલચ આવે અને સાથે ઘમંડ આવે ત્યારે હાર્દિક પટેલ જેવા લીડર એવું માનવા માંડે છે કે હું જ કંઈક છું. સમાજ મારી સાથે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે સમાજ મુદ્દા સાથે હોય છે કોઈ વ્યક્તિ સાથે નહીં."

ભાજપમાં જોડાવાની ચર્ચાની તદ્દન વિપરીત હાર્દિકના જૂના સાથી અને પાટીદાર નેતા વરુણ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે "ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ (હાર્દિક પટેલ)ની સામે સંઘર્ષ કર્યો છે. તે જોતા કાર્યકરો તેમનો સ્વીકાર કરે તેમ લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા પાયા વગરની છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "હાર્દિક પટેલને કૉંગ્રેસે કાર્યકારી અધ્યક્ષનું મહત્ત્વપૂર્ણ પદ આપ્યું હતું. કૉંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે. તેમ છતાં તે કેટલાક સમયથી જાહેરમાં નારાજગી અંગે નિવેદનો આપતા આવ્યા છે. જે અમારા ખુદના માટે આશ્વર્યની વાત છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો