Monsoon 2022 : ચોમાસું વહેલું શરૂ થયું, ગુજરાતમાં કઈ તારીખથી વરસાદ પડશે? ખેડૂતો માટે ચોમાસું કેવું રહેશે?

ગુજરાતમાં હાલની ભારે ગરમી બાદ હવે સમાચાર આવ્યા છે કે દેશમાં ચોમાસું વહેલું શરૂ થવા જઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંદામાન પર ચોમાસું પહોંચી ગયું છે અને તે હવે આગળ વધીને બંગાળની ખાડી અને પછી ગુજરાત તરફ આવશે.

ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, જે બાદ તે આગળ વધીને મુંબઈ અને બાદમાં ગુજરાત સુધી પહોંચે છે.

તો જાણીએ કે દેશમાં કઈ તારીખથી ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે? ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ રહેશે?

કેરળમાં ચોમાસું કેટલું વહેલું શરૂ થશે?

ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મેથી આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું આ વર્ષે એક અઠવાડિયું વહેલું પહોંચી જશે. અહીં ચોમાસું દર વર્ષે 22 મેના રોજ શરૂ થતું હોય છે, જે આ વર્ષે 16 કે 17 મેના રોજ શરૂ થઈ જશે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે ચોમાસું 27 મેના રોજ શરૂ થાય તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે.

જે બાદ ચોમાસું આગળ વધીને ભારતના અન્ય ભૂ-ભાગોમાં જશે અને ગુજરાત સુધી પહોંચશે.

ગુજરાતમાં પણ ચોમાસું વહેલું?

IMDના વેધર બુલેટિન પ્રમાણે 27 મેની આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે, જેની અસરને પગલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે.

સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થતો હોય છે. જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકાદ-બે દિવસ વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 14 જૂનની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણતો અનુસાર 24 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે. જે તારીખ અગાઉ 30 જૂન હતી. એટલે કે ખેડૂતો સમય કરતા વહેલા વાવણી કરી શકશે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થતી હોય છે, જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાત તથા તે બાદ ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધે છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

હવામાન વિભાગે લાંબાગાળાના અનુમાનમાં કહ્યું હતું કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. એટલે કે દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આ વર્ષે શરૂઆતના બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે છેલ્લા બે મહિનામાં વરસાદ કદાચ થોડો ઓછો પડે તેવી સંભાવના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો