'નેપાળ વિના અમારા રામ પણ અધૂરા', નેપાળમાં નરેન્દ્ર મોદીએ વડનગરનો ઉલ્લેખ કેમ કર્યો? - પ્રેસ રિવ્યૂ
બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિનીમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ સમયે નરેન્દ્ર મોદીએ ગુજરાત અને અયોધ્યાના રામમંદિરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ઇમેજ સ્રોત, @narendramodi
નરેન્દ્ર મોદીએ બુદ્ધને યાદ કરતા કહ્યું કે ગુજરાતના વડનગરમાં મારો જન્મ થયો, ત્યાં સદીઓ પહેલાં બૌદ્ધ શિક્ષણનું મોટું કેન્દ્ર હતું.
તેમણે કહ્યું કે જનકપુરમાં મેં કહ્યું હતું કે "નેપાળ વિના અમારા રામ પણ અધૂરા છે." મને ખબર છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તો નેપાળના લોકો પણ એટલા જ ખુશ છે.
તેમણે કહ્યું કે "બુદ્ધ માનવતાના સામૂહિક બોધનું અવતરણ છે. બુદ્ધ બોધ પણ છે, અને બુદ્ધ શોધ પણ. બુદ્ધ વિચાર પણ છે અને બુદ્ધ સંસ્કાર પણ છે."

અદાણીએ 10 અબજ ડૉલરમાં સિમેન્ટ કંપની ખરીદી, સિમેન્ટ ક્ષેત્રે ભારતમાં બનશે નંબર-2

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી સમૂહે જાહેરાત કરી છે કે તેમણે સ્વિટ્ઝરલૅન્ડની કંપની હોલસિમ લિમિટેડની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સંપૂર્ણ ભાગીદારી ખરીદવા માટે કરાર કર્યો છે. આ બંને ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપનીમાંથી એક છે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ પોતાના ખાસ અહેવાલમાં જણાવ્યું છે કે હોલસિમની અંબુજા સિમેન્ટમાં 63.19 ટકા અને એસીસીમાં 54.53 ટકાની ભાગીદારી છે.
અદાણી સમૂહે એક નિવેદન જાહેર કર્યું હતું કે જેમાં કહેવામાં આવ્યું છે કે 'હોલસિમની ભાગીદારી અને તેની વેલ્યૂના આધારે અંબુજા સિમેન્ટ અને એસીસી માટે 10.5 અબજ ડૉલર આપવાની વાત કરી હતી, જે અદાણીનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેકઓવર છે અને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને મટિરિયલના ક્ષેત્રમાં આ એમએન્ડએ ટ્રાન્જેક્શન છે.'
આ સોદો અદાણી જૂથને ભારતની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનાવી દેશે. આ સમયે આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક સિમેન્ટ ભારતની સૌથી મોટી કંપની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાણી સમૂહના ચૅરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે, "સિમેન્ટ વેપારમાં અમારું જવું આપણા દેશની વિકાસગાથામાં અમારા વિશ્વાસની પુષ્ટિ છે."

દલિતો વિરુદ્ધ જાતિગત ટિપ્પણી કરવા બદલ જાણીતા લોકગાયક સામે ફરિયાદ નોંધાઈ

ઇમેજ સ્રોત, Facebook/@Yogesh Gadhvi
ભુજમાં ભીમરત્ન સમરસ કન્યા વિદ્યાલયના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં યોગેશ ગઢવીએ દલિતો વિરુદ્ધ જાતિગત ટિપ્પણી કરતા ફરિયાદ નોંધાઈ છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતના જાણીતા લોકગાયક યોગેશ ગઢવી ઉર્ફે યોગેશ બોક્ષા સામે દલિતો વિરુદ્ધ જાતિગત ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ કામ કરતી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીએ ભુજમાં હૉસ્ટેલ બનાવી હતી. જેના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં યોગેશ ગઢવીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના સાંસદ વિનોદ ચાવડા અને ગુજરાત વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય પણ હાજર હતા.
ભુજમાં વિશાલ ગઢવી નામના કર્મશીલે નોંધાવેલી એફઆઈઆર પ્રમાણે ચાર વાગ્યાની આસપાસ બોક્ષાએ પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે તેઓ દલિત સમુદાય સામે જાતિગત ટિપ્પણી કરી હતી. અમારા સમાજના નેતાઓ તરત જ સ્ટેજ પર પહોંચી ગયા હતા અને તેમને કહ્યું હતું કે તેઓ કેવી રીતે જાતિગત ટિપ્પણી કરી શકે છે જ્યારે તેઓ અમારા સમાજની દીકરીઓ માટેની હૉસ્ટેલના ઉદ્ઘાટનમાં આવ્યા હોય.

ગુજરાતમાં મહિલાઓ પુરુષ જેટલું કે તેમનાથી વધારે કમાય છે

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર નેશનલ ફૅમિલી હેલ્થ સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે આખા ભારતમાં જે મહિલાઓએ જવાબ આપ્યો હતો તેમાં ગુજરાતની સૌથી વધુ મહિલાઓએ કહ્યું હતું કે તેઓ પુરુષો કરતા વધારે અથવા તેમના જેટલું કમાય છે.
દેશમાં 39.9 ટકા મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે અથવા તેમના જેટલું જ કમાય છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 53.2 ટકા છે.
વર્ષ 2015-16માં સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ અને પુરુષના પગારની સમાનતાની બાબતમાં ગુજરાત 43.5 ટકા પર હતું, જેમાં વધારો થયો છે.
સર્વેમાં ભાગ લેનારી 38.2 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેઓના લગ્ન થયા છે અને તેઓ નોકરી કરે છે.
આખા દેશમાં પુરુષો જેટલું કે તેથી વધારે કમાવવાની બાબતમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીની મહિલાઓ મોખરે છે. 59.9 ટકા મહિલાઓએ જવાબ આપ્યો કે તેઓ પુરુષો જેટલું કે તેનાથી વધારે કમાય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












