You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી. આર. પાટીલે કહ્યું 'હું સૌથી મોટો ભરવાડ', ભાજપ અધ્યક્ષ આવું કેમ બોલ્યા? - પ્રેસ રિવ્યૂ
જામનગરના કાલાવડસ્થિત રણુજા ગામે ભાજપનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે 'હું સૌથી મોટો ભરવાડ છું.'
તેમણે ભરવાડ સમાજને સંબોધતા કહ્યું કે, "અત્યારે સમાજ પાસે ઢોર કરતાં જમીન વધારે છે."
"મારી પાસે 700 ભેંસ અને 100 ગાય હતી. જેથી હું દાવો કરી શકું કે હું સૌથી મોટો ભરવાડ છું."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સિવાય વિવિધ સમાજ અને જૂથો સાથે પણ બેઠકો યોજવામાં આવી રહી છે. રવિવારે જ ભાજપમાં 500 જેટલા ડૉક્ટરો જોડાયા હતા.
શા માટે બિનભારતીય હિંદુઓ ભારત છોડીને પાછા ફરી રહ્યાં છે?
ભારતની નાગરિકતા મેળવવા માટે રાજસ્થાનમાં રહેતાં અંદાજે 800 પાકિસ્તાની હિંદુઓ વર્ષ 2021માં આજુબાજુના દેશોમાં પાછા ફર્યાં છે.
ભારતમાં પાકિસ્તાની લઘુમતી પ્રવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવનારી સંસ્થા સીમાંત લોક સંગઠન (એસએલએસ)એ આ દાવો કર્યો છે.
અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલ પ્રમાણે, વર્ષ 2021ના આંકડા મુજબ નાગરિક્તા માટે અરજીઓ કર્યા બાદ પ્રક્રિયામાં કોઈ પ્રગતિ ન થતાં અનેક પ્રવાસી હિંદુઓ પાકિસ્તાન પાછા ફર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસએલએસના અધ્યક્ષ હિંદુસિંહ સોઢાને ટાંકીને અખબાર લખે છે, "એકવખત ભારતથી પરત ફર્યા બાદ પાકિસ્તાની એજન્સીઓ તેમનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરે છે. તેમને મીડિયા સમક્ષ લાવવામાં આવે છે અને એવા નિવેદન આપવા મજબૂર કરવામાં આવે છે કે ભારતમાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું."
ગૃહ મંત્રાલયે વર્ષ 2018માં નાગરિક્તા આવેદનની ઑનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. મંત્રાલયે સાત રાજ્યોમાં 16 કલૅક્ટરોને જવાબદારી આપી હતી કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન અને બૌદ્ધોને નાગરિકતા આપવા માટે ઑનલાઇન અરજીઓ સ્વીકારે.
હિંદુસિંહના કહેવા પ્રમાણે માત્ર રાજસ્થાનમાં જ 25 હજાર પાકિસ્તાની હિંદુ છે. જેઓ નાગરિક્તા મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી કેટલાક તો છેલ્લા બે દાયકાથી રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોએ ઓનલાઇન અરજી કરી છે.
ગૃહ મંત્રાલયે 22 ડિસેમ્બર, 2021ના રોજ રાજ્યસભામાં કહ્યું હતું કે ઑનલાઇન મૉડ્યુલ અનુસાર, મંત્રાલય પાસે હાલ 10,365 અરજીઓ પડી છે. આ આંકડા 14 ડિસેમ્બર, 2021 સુધીના હતા. તેમાંથી 7,306 લોકો પાકિસ્તાનના હતાં.
500 ડૉક્ટર ભાજપમાં જોડાયા, સી. આર. પાટીલે કહ્યું 'હવે રજા પૂરી, કમર કસી લો'
રવિવારે ગાંધીનગરસ્થિત કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને 4 મે બાદ આગામી છ મહિના માટે કમર કસીને કામ કરવાની સૂચના આપી હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં 500 ડૉકટર ભાજપમાં જોડાયા હતા.
આ કાર્યક્રમ બાદ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પાટીલે જણાવ્યું કે એકથી ચાર મે દરમિયાન કોઈ કાર્યક્રમનું આયોજન કરાયું ન હતું. જેથી કાર્યકર્તાઓ આરામ કરી શકે અને આગામી છ મહિના માટે કમર કસીને કામ કરી શકે.
તેમણે કહ્યું, "અમે પાર્ટીની કૅડરનો ઉત્સાહ વધારવા માગીએ છીએ. તે જ કારણે પહેલી મેથી ચાર મે સુધી અમે એક પણ કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું."
"કાર્યકર્તાઓ માટે વિધાનસભાની ચૂંટણી પહેલાં આ છેલ્લી રજાઓ હતી અને તેમને જણાવી દેવાયું છે કે આગામી છ મહિના માટે તનતોડ મહેનત કરવાની છે."
અમદાવાદ NIDમાં ત્રણ દિવસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે, અમદાવાદમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના 23 વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
સત્તાધીશોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે હૉસ્ટેલના 'બ્લોક સી'માં આ વિદ્યાર્થીઓ રહેતા હતા.
જેથી હૉસ્ટેલને માઇક્રો કન્ટેન્મૅન્ટ ઝોન જાહેર કરીને આઇસોલેટ કરી દેવાઈ છે. આ ઉપરાંત એનઆઈડીમાં તમામ શૈક્ષણિક કામગીરી બંધ કરી દેવાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આગામી દિવસોમાં ઘરે-ઘરે સર્વેની કામગીરી ફરી શરૂ કરશે. જેમાં લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવશે.
એનઆઈડીમાં નોંધાયેલા આ કેસના કારણે રવિવારે રાજ્યમાં નોંધાયેલા 37 કેસમાંથી 34 માત્ર અમદાવાદના હતા.
દેશમાં બંધ થઈ 51 હજાર સરકારી શાળાઓ, ખાનગી શાળાઓની સંખ્યા વધી
અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફે સત્તાવાર આંકડાના આધારે દાવો કર્યો છે કે સપ્ટેમ્બર 2018થી સપ્ટેમ્બર 2019 દરમિયાન દેશમાં 51 હજાર સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. જે કુલ શાળાઓના 4.78 ટકા છે.
જ્યારે આ સમય દરમિયાન ખાનગી શાળાઓની સંખ્યામાં 3.6 ટકાનો વધારો એટલે કે 11,739 નવી ખાનગી શાળાઓ ખૂલી છે.
શિક્ષણ વિભાગના યુનાઇટેડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર ઍજ્યુકેશન (યુડીઆઈએસડી) પ્લસ રિપોર્ટ અનુસાર સરકારી સ્કૂલોની સંખ્યા વર્ષ 2019-20માં 10,83,678થી ઘટીને 10,32,570 થઈ ગઈ છે.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આંકડા અનુસાર કોરોના મહામારી દરમિયાન 521 સરકારી શાળાઓ બંધ થઈ છે.
અહેવાલમાં શિક્ષણ વિશેષજ્ઞોને ટાંકીને જણાવ્યું છે કે બંધ થનારી શાળાઓમાં મોટાભાગની પ્રાથમિક શાળાઓ છે. જોકે, યુડીઆઈએસડીના રિપોર્ટમાં શાળા બંધ થવાના કારણોને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો