મહારાષ્ટ્ર : એ ગામ જ્યાં રમખાણો રોકવા હિન્દુ-મુસ્લિમોએ 100 વર્ષનો કરાર કર્યો
- લેેખક, મુસ્તાક ખાન
- પદ, બીબીસી મરાઠી
સોંડેઘર ગામમાં લગાવવામાં આવેલું આ બોર્ડ રસ્તા પરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

સોંડેઘર મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું એક નાનકડું ગામ છે અને આ ગામની વસતી માંડ એક હજારની છે.
આ ગામમાં તમામ જાતિ અને ધર્મના લોકો હળીમળીને રહે છે.
કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક વિવાદ ન થાય તે માટે ગામે સર્વાનુમતે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ગામમાં તમામ ધર્મના લોકોએ મળીને કોમી સૌહાર્દ જાળવવા માટે 100 વર્ષનો કરાર કર્યો છે. દેશના કેટલાક ભાગોમાં કોમી તણાવની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સોંડેઘર ગામના નિર્ણયની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

ગામે કરાર કેમ કર્યો?

ગામના શિક્ષક અબ્દુલ્લા નંદગાંવકર કહે છે, "સાને ગુરુજી પાલગડથી આ ગામની નદી પાર કરીને દાપોલીની એજી હાઈસ્કૂલ જતા હતા. બાદમાં તેમણે સંદેશ આપ્યો કે દુનિયામાં પ્રેમ ફેલાવવો એ જ સાચો ધર્મ છે. અમે તેમની આપેલી પ્રેરણાને સહારે આગળ વધી રહ્યા છીએ."
ગ્રામજનોનું કહેવું છે કે તેમના ગામની શાંતિ ડહોળાય નહીં અને એકતા અકબંધ રહે તે માટે તેમણે આ એકતા કરાર કર્યો છે. ખાસ વાત એ છે કે આ ગામમાં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મના લોકોએ સર્વસંમતિથી આ કરારને મંજૂર કર્યો છે.
સોંડેઘર એ વિપુલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું સુંદર ગામ છે. આ ગામ ત્રણ નદીઓના સંગમ પર બનેલું છે. તેમાં પાલગડ નદી, વનિશી નદી અને ગામની એક નદીનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોંડેઘર ગ્રામ પંચાયતે ગામના પ્રવેશદ્વાર પાસે એકતા સંધિનું બોર્ડ લગાવ્યું છે. જેને જોઈને સડક પરથી પસાર થતા લોકો ચર્ચા કરી રહ્યા છે.
ગામની તંત મુક્તિ સમિતિના અધ્યક્ષ સંજય ખાનવિલકરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "દેશમાં ધાર્મિક વાતાવરણ ખૂબ જ ડહોળાઈ ગયું છે. અમે ગામના લોકોએ ભેગા થઈને શાંતિ કરાર કર્યો જેથી અમારું ગામ એ ડહોળાયેલા ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત ન થાય. અમે પાલગડ બીટના પોલીસ ઇન્સ્પેક્ટર વિકાસ પવારની મદદથી સકારાત્મક પગલું ભર્યું છે."

સો વર્ષનો કરાર

સોંડેઘર ગામમાં 400 મુસ્લિમ, 400 હિંદુ અને 200 બૌદ્ધોની વસ્તી છે. તમામ સમુદાયના લોકોએ એક નિર્ણય પર આવીને એક મિનિટમાં આ ઐતિહાસિક નિર્ણય લઈ લીધો.
ગામના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, "આ ગામમાં ક્યારેય કોઈ સાંપ્રદાયિક કે ધાર્મિક વિવાદ થયો નથી. અમે 100 વર્ષનો આ કરાર કર્યો છે જેથી ભવિષ્યમાં પણ ક્યારેય વિવાદ ન થાય. અમારી આવનારી પેઢી પણ અમારા આ નિર્ણયને કારણે સુરક્ષિત રહેશે."
ગામના રહેવાસી અનિલ મારુતિ મારચંદે ગર્વથી કહે છે, "અમારા ગામના લોકો શાહુ-ફૂલે-આંબેડકરના વિચારોને માને છે. છેલ્લાં 50 વર્ષમાં અમારી વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી, જેને અમે અમારું ગૌરવ માનીએ છીએ. હું તમને ખાતરી આપું છું કે માત્ર 100 વર્ષમાં જ નહીં પરંતુ આ ગામમાં ભવિષ્યમાં ક્યારેય હુલ્લડ નહીં થાય."

પરસ્પર સમજૂતીથી નિર્ણય

સોંડેઘર ગામના યુવાનો આ નિર્ણયને સમર્થન આપે છે.
ગામના રહેવાસી અલ્તાફ પઠાણ કહે છે, "અમારા માટે બેરોજગારીનો મુદ્દો વધુ મોટો છે. જો કોઈ વિવાદ થાય તો તમને ખાવાનું મળતું નથી. અમારે રોજ કમાવા માટે સંઘર્ષ કરવો પડે છે. કોઈ આવી સ્થિતિમાં કોઈ વિવાદ કે હુલ્લડને પ્રાથમિકતા આપી શકે નહીં. આ 100 વર્ષ માટે કરવામાં આવેલ કરાર એ અમારા ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ નિર્ણય છે."
100 વર્ષ માટે થયેલા કરારને ગામની મહિલાઓએ પણ આવકાર્યો છે. ગામની મહિલાઓનું કહેવું છે કે પુરુષોની સાથે તેઓ પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે.
ઉષા મારચંદે કહે છે, "ગામની મહિલાઓ નાના-નાના વિવાદો ઉકેલવામાં સૌથી આગળ રહે છે. ગામના સ્તરે, અમે પરસ્પર સમજુતિથી નિર્ણયો લઈએ છીએ. અમે પુરુષો સાથે મળીને આ ગામમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરીએ છીએ."
"અમને વિશ્વાસ છે કે અમારા ગામમાં ક્યારેય કોઈ તોફાન નહીં થાય. હવે અમને તેની ચિંતા નથી."

ગામના સરપંચ ઇલિયાસ નંદગાંવકર ગર્વથી કહે છે, "અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કે માત્ર અમારા બ્લૉકના લોકો જ નહીં, પરંતુ જિલ્લાના લોકો પણ આવા નિર્ણયો લે છે. દેશને આ નિર્ણયથી સમજવું જોઈએ કે તમને વિવાદથી કશું મળવાનું નથી. અમે આ મુદ્દાને સમજીએ છીએ. અમે આશા રાખીએ કે તમે પણ આ વાત સમજો. મને અમારા ગામ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ગર્વ છે."
સરપંચ કહે છે કે ગામમાં શાંતિ રહેશે તો ગામનો વિકાસ થશે.
તેઓ કહે છે, "અમે આ નિર્ણય લીધો છે. તમે પણ આવો નિર્ણય લઈ શકો છો."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












