આરબીઆઈ : શું ઈએમઆઈ વધી જશે? આરબીઆઈએ રેપો રેટ વધાર્યો, તમારા ખિસ્સા પર શું અસર થશે?
ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે બે વર્ષમાં પહેલી વખત વ્યાજદરોમાં 40 બેસિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીમાં પૉલિસી રેટ ચાર ટકાના સૌથી નીચા દરે લાવવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈએ કૅશ રિઝર્વ રેશિયોમાં પણ અડધા ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે- (કૅશ રિઝર્વ રેશિયો એ કુલ ડિપોઝિટમાંથી બૅન્કોએ પોતાના રિઝર્વમાં રાખવી જરૂરી રોકડની ટકાવારી છે)
18 મહિનામાં મોંઘવારીનો દર સૌથી ઊંચો છે ત્યારે સામાન્ય પ્રજા પહેલેથી જ ખાણીપીણીની વસ્તુઓ અને ઈંધણના આસમાને પહોંચેલા ભાવોને કારણે આર્થિક ભીંસ અનુભવી રહી છે ત્યારે આ સમાચાર તેમની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
શક્તિકાંતા દાસે કહ્યું કે, "મોંઘવારીનો દર વધતાં ભારતમાં ખાદ્યતેલ જેવી વસ્તુઓના ભાવ પર સીધી અસર પડે છે, યુરોપમાં ચાલતા સંઘર્ષ અને ઉત્પાદકો દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકાતાં આ વસ્તુઓની ઉપલબ્ધતા પર પણ અસર પડી છે. ખાતરના ભાવ અને અન્ય કિંમતો વધતાં ભારતમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓના ભાવ પર સીધી અસર પડી છે."
ભારતીય રિઝર્વ બૅન્ક માને છે કે ઉત્પાદનના હબ ગણાતા ચીનમાં લૉકડાઉનને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન પર પણ અસર પડશે અને તેનાથી ભારતમાં મોંઘવારી હજી વધવાની આશંકા છે.

મોંઘવારી કાબૂમાં લાવવાના પ્રયત્ન પરંતુ તમારા ખિસ્સા પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE
આરબીઆઈ અનુસાર રેપો રેટમાં વધારો મંઘવારીને કાબૂ કરવા માટે કરાયો છે. રિટેલ મોંઘવારીના દરમાં ઝડપથી વધારો થયો ત્યાર બાદ આરબીઆઈએ આ નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ મોંઘવારીનો દર આરબીઆઈના હાથમાંથી બહાર છે. આરબીઆઈ રેપો રેટ વધારવાના નિર્ણય પછી હોમ, ઑટો અને બીજા કંઝ્યૂમર લોનના વ્યાજદર વધે તેવી શક્યતાઓ છે.
આરબીઆઈના આ નિર્ણય બાદ રેપો રેટ ચાર ટકાથી વધીને 4.40 ટકા થઈ ગયો છે.
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ કહે છે, "આરબીઆઈના આ પગલાથી ઈએમઆઈ વધશે. કોઈ પણ લૉન પર ઈએમઆઈ વધે તો સરકારે એફડી (ફિક્સ ડિપૉઝિટ) પર વ્યાજદર પણ વધારવો જોઈએ. સરકારે ફિક્સ ડિપૉઝિટ, સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર વધારવા જોઈએ."
અર્થશાસ્ત્રીઓ આની પાછળ અનેક કારણોને જવાબદાર ગણે છે જેમાં ટ્રાન્સપોર્ટેશનના વધેલા ભાવ, સપ્લાય ચેઇનમાં ઊભા થયેલા અવરોધો અને રોજગારમાં અછતને કારણે ખર્ચમાં આવેલી કમી પણ સામેલ છે.
જોકે આરબીઆઈ માને છે કે સામાન્ય ચોમાસાની આગાહી, આર્થિક ગતિવિધિમાં ઉછાળો તથા રોકાણ અને નિકાસ પુનર્જીવિત થતાં ઘરેલુ વિકાસમાં મદદ મળશે અને મોંઘવારી દર પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર પડી છે.

ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈની આ જાહેરાત બાદ શૅર બજારમાં પણ હલચલ જોવા મળી હતી. ભારતીય બજારમાં પણ 1300 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઈનું સેન્સેક્સ 1307 પૉઇન્ટ નીચે આવી ગયું હતું અને એનએસઈના ઇન્ડેક્સમાં 391 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીએસઈ 2.29 ટકાના ઘટાડા સાથે 55,669 ઉપર જ્યારે નિફ્ટી 391.50 પૉઇન્ટના ઘટાડા સાથે 16,677 પર બંધ થયો. સેંસેક્સમાં પાવર ગ્રિડ, એનટીપીસી અને કોટક બૅન્કના શૅરમાં મામૂલી વધારો જોવા મળ્યો.
બીએસઈના મિડકૅપ અને સ્મૉલ કેપમાં 600 પૉઇન્ટ કરતા વધુ ઘટાડો નોંધાયો. નિફ્ટીના તમામ 11 સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો.
સૌથી વધુ ઘટાડો 4.29 ટકાનો ઘટાડો મીડિયા ઇન્ડેક્સમાં જોવા મળ્યો, ત્યારબાદ મૅટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં નોંધાયો.

સમય અંગે સવાલ

ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI
અર્થશાસ્ત્રીઓ અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વની બુધવારની બેઠક પહેલાં આવેલો આરબીઆઈના નિર્ણય આમ તો મોડો છે કારણ કે કેટલાક વિકાસશીલ દેશોમાં મોંઘવારી દાયકાઓમાં અત્યાર સુધીના સૌથી ઊંચા દરે છે અને આવનારા વર્ષમાં વ્યાજના દરોમાં વધારો થઈ શકે છે.
હેમંતકુમાર શાહ કહે છે, "વ્યાજના દરમાં આરબીઆઈ દ્વારા આજે કરવામાં આવેલો વધારો આશ્ચર્યજનક તો છે જ. આરબીઆઈની નાણાં નીતિ સમિતિ- એમપીસીની મીટિંગ હજુ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી હતી.
"ત્યારે વ્યાજના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નહોતો. આ સમિતિની મીટિંગ લગભગ દર બે મહિને મળે જ છે."
"ફરી જૂન મહિનામાં એની મીટિંગ મળવાની જ હતી. એટલે એક મહિના વહેલાં જ વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે."
વ્યાજના દરમાં વધારા માટે કારણ એમ આપવામાં આવ્યું છે કે ફુગાવાનો દર બહુ વધી ગયો છે અને તેની આરબીઆઈને ચિંતા છે.
વ્યાજના દરમાં વધારાના સમયને લઈને હેમંતકુમાર શાહ સવાલ ઉઠાવતા કહે છે, "ફુગાવાનો દર માર્ચ મહિનામાં ગ્રાહક ભાવાંકની દૃષ્ટિએ 6.95 ટકા રહ્યો હતો. જથ્થાબંધ ભાવાંકની દૃષ્ટિએ 13.11 ટકા રહ્યો હતો. ગયા ડિસેમ્બર મહિનામાં તો તે 13.65 ટકા હતો. એટલે બે મહિના મોડી અચાનક એમપીસીને ફુગાવા વિશે ચિંતા થઈ?"
તેઓ આવકના વધારા અંગે ચિંતા કરતા કહે છે, "સવાલ એ પણ છે કે ફુગાવો વધવાની સાથે જેમની આવક વધી નથી એમની સરકારે કેટલી ચિંતા કરી? એ કામ આરબીઆઈનું નથી, એ તો સરકારે જ ચિંતા કરવી પડે."

રિયલ એસ્ટેટ, ઉદ્યોગો પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદાર મુજબ રિયલ ઍસ્ટેટ કન્સલટન્સી અનુસાર, "વ્યાજદરમાં અત્યારે થયેલો વધારો એ વાતનો સંકેત છે કે 'સૌથી નીચા વ્યાજદરનો સમય'પૂરો થયો છે, જેને મહામારી દરમિયાન દેશમાં મકાનોના વેચાણમાં આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું.
તેમનું કહેવું છે કે "આ નિર્ણયથી દેશમાં મકાનોની માંગમાં ઘટાડો થશે."
આનાથી દેશમાં કંપનીઓ દ્વારા લેવામાં આવતા ધિરાણના દર પર પણ અસર પડશે કારણ કે તેની અસર સામાન્ય ગ્રાહકો સુધી ઊંચા ભાવોના રૂપમાં પહેલેથી પહોંચી રહી છે.
ઔદ્યોગિક સંસ્થાઓ અનુસાર હજી અર્થતંત્ર મહામારી પછી ફરી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આરબીઆઈનો આ નિર્ણય ગ્રાહકો અને વેપારીઓ માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.
પીએચજી ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ પ્રદીપ મુલ્તાની કહે છે કે, વ્યાજદરો વધવાથી વેપારીઓ માટે ધંધો કરવા વધુ રોકાણની જરુર પડશે, વળી, પહેલાથી રૉ મટિરિયલના ભાવ વધતા ધંધાના રોકાણમાં વધારો થયો હતો.
છેલ્લા કેટલાક મહિનાથી ખાદ્યતેલથી લઈને લીંબુ સુધી બધું મોંઘુ થતાં પહેલાંથી જ સામાન્ય પરિવારોનું બજેટ બગડી રહ્યું છે.
તેલથી લઈને ઈંડાં અને ફળ સહિત જીવન જરૂરિયાની ચીજવસ્તુઓના ભાવમાં ગત એક વર્ષમાં 10થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












