Coca-Cola : કોકાકોલા ક્યારેક કોકેઇન ભેળવીને વેચાતી હતી?

તાજેતરમાં માઇક્રૉબ્લૉગિંગ સાઇટ ટ્વિટર ખરીદ્યા બાદ વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે કોકાકોલાને ખરીદવાની વાત કરી હતી, જેથી કરીને તેમાં કોકેઇન ઉમેરી શકાય.

કોકાકોલા

ઇમેજ સ્રોત, Getty Images

મસ્કના ટ્વીટને લગભગ છ લાખથી વધુ રિટ્વીટ થયા હતા અને 30 લાખ કરતાં વધુ લાઇક્સ મળ્યાં હતાં. જોકે ટ્વિટર પર જ યૂઝર્સ આ મુદ્દે અલગ-અલગ વહેંચાયેલા હતા.

કેટલાકે આ જાહેરાતને આવકારી, કેટલાકે મસ્કની 'ટ્વિટર ટૅકઑવર પોલિસી' ઉપર ટીકા કરી, તો કેટલાકે કોકાકોલામાં કોકેઇન ભેળવવા ઉપર સવાલ ઉઠાવ્યા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોકાનાં પાંદડાં (કે બીજ), વિજ્ઞાન તથા બનાવનાર કારીગરનો કસબ મળીને કોકેઇન નામનું ડ્રગ્સ તૈયાર થાય છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આજે અમેરિકાની મલ્ટિનેશનલ વિશ્વના 900 કરતાં વધુ પ્લાન્ટમાં પોતાનું સૉફ્ટ ડ્રિંક તૈયાર કરે છે, ત્યારે એ વાત ન ભૂલવી જોઈએ કે 1886ની કોકાકોલાની ઑરિજિનલ ફૉર્મ્યુલામાં કોકેઇન હતું જ.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં ટ્વિટર ખરીદનાર મસ્કનું કહેવું છે કે પ્લૅટફૉર્મમાં 'અખૂટ ક્ષમતા' રહેલી છે, જેને તેઓ 'અનલૉક' કરશે. મસ્કના અધિગ્રહણની સામે કંપનીના કર્મચારીઓ, ટ્વીટરાઇટ્સના એક વર્ગ તથા ટૅસ્લાના શૅરધારકોમાં અસંતોષ છે. ત્યારે તેમને શાંત કરીને આગળ વધવાનો પડકાર મસ્કની સામે હશે.

line

કોકા અને કોલાની કહાણી

કોકાકોલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલાનાં બીજ

19મી સદીના અંત ભાગમાં 'કોકા' (Coca) ભેળવીને વાઇન સાથેનું પીણું તૈયાર કરવામાં આવતું હતું, જે ખૂબ જ પ્રચલિત હતું. આવા સમયે શરાબનિષેધના સ્થાનિક કાયદાની છટકબારીનો લાભ લઈને પૅમ્બર્ટને કોકાયુક્ત મીઠું પીણું તૈયાર કર્યું હતું.

આ પીણાંનું બીજું અડધું નામ 'કોલા' (કવચ અને કોટલાથી ઢંકાયેલું સોપારી જેવું ફળ) પરથી ઊતરી આવ્યું છે. ભારતમાં જેમ પાન ખાવાની પરંપરા છે, તેમ પશ્ચિમ આફ્રિકાના નિવાસીઓમાં સદીઓથી તેને ચાવવાની પરંપરા છે.

આ દેશોમાં મોટા પાયે ઊગી તે નીકળે છે. આફ્રિકાના દેશોમાં એક સમયે કિંમતી વસ્તુ તરીકે સોના અને કોડી ઉપરાંત કોલા નટની ગણતરી થતી.

17મી સદીની શરૂઆતમાં આફ્રિકન દેશો સાથે વેપાર કરનારા જહાજીઓ તેને યુરોપમાં લઈ આવ્યા અને જોતજોતામાં તેની માગ વ્યાપક બની ગઈ હતી. ચા, કૉફી કે ચોકલેટમાંથી મળી આવતાં કૅફિન તથા થિયોબ્રૉમિન હોય છે, જે શરીરની ગ્રંથિઓને ઉત્તેજિત કરવાનું કામ કરે છે.

શારીરિક થાક અને માનસિક તણાવને દૂર કરવાના હેતુસર કોલા અને કોકાના મિશ્રણવાળી દવાઓ અને ડ્રિંક્સ બજારમાં ઉપલબ્ધ બનવા લાગ્યા હતા. જેમાં ફ્રૅન્ચ કૅમિસ્ટ એંજેલો મારિયાનીનું પીણું 'વિન મારિયાની' ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તેના પ્રચારના પોસ્ટર પર ક્વિન વિક્ટૉરિયા અને થૉમસ ઍડિસન જોવા મળતા.

પરંતુ જે ડ્રિંક સૌથી વધુ લોકપ્રિય બન્યું તે અમેરિકાના અટલાન્ટાનિવાસી કૅમિસ્ટ જૉન પૅમ્બર્ટને કોકાનાં પાંદડાં અને કોલાનને મેળવીને તૈયાર કર્યું હતું. જેમણે કોકાકોલાની મૂળ ફૉર્મ્યુલા તૈયાર કરી હતી, જે મીઠી હતી.

line

કોકાકોલાના વેચાણની શરૂઆત

કોકાકોલા

ઇમેજ સ્રોત, Getty Images

કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલા ઇતિહાસ પ્રમાણે, તા. આઠમી મે, 1886ના રોજ પૅમ્બર્ટને આ મીઠું પીણું તૈયાર કર્યું હતું. તેઓ એક જગ ભરીને સ્થાનિક દવાની દુકાન જૅકબ ફાર્મસી ખાતે લઈ ગયા અને ત્યાં લોકોને ચખાડ્યું. લોકોએ તેને તત્કાળ વધાવી લીધું.

આ પછી પૅમ્બર્ટને તેને પાંચ સૅન્ટમાં વેચવાનું શરૂ કર્યું. પહેલાં વર્ષ દરમિયાન દૈનિક સરેરાશ નવ ગ્લાસનું વેચાણ થયું હતું. આજે વિશ્વભરમાં દરરોજ કોકાકોલા તથા અન્ય બ્રાન્ડ સહિત બે અબજથી વધુ ડ્રિંક્સ વેચાતા હોવાનો કંપનીનો દાવો છે.

પૅમ્બર્ટનના ભાગીદાર અને હિસાબનીશ ફ્રૅન્ક રૉબિન્સને આ મિક્સને કોકાકોલા એવું નામ આપ્યું. તેમને લાગતું હતું કે બે 'કનો ક્કાર' જાહેરાતમાં સરળ રહેશે તથા લોકજીભે ચડી જશે. સાથે જ તેમણે કોકાકોલા કેવી રીતે લખવું તે બતાવ્યું. ત્યારથી આજ પર્યંત એ જ પ્રકારે કોકાકોલા લખાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કોલાનો સ્વાદ મૂળતઃ કડવો હોય છે, જેને મીઠાશ, વેનિલા, નારંગીના ઍસન્સ, નારંગનાં ફૂલના તેલ દ્વારા દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમાં રહેલું કૅફિન પીનારને 'કિક' આપે છે.

પોતાની હયાતી દરમિયાન પૅમ્બર્ટનને ક્યારેય કોકાકોલાની ખરી ક્ષમતાનો અણસાર જ ન આવ્યો. પોતાના બિઝનેસને થોડો-થોડો કરીને અલગ-અલગ લોકોને વેચી દીધો હતો. 1888માં મૃત્યુ પહેલાં તેમણે બાકીનો હિસ્સો અસા કૅન્ડલરને વેચી દીધો, જેમણે પોતાની ધંધાકીય સૂઝબૂઝથી કંપનીને દેશવિદેશમાં લોકપ્રિય બનાવી દીધી.

20મી સદીના પ્રારંભિક વર્ષોમાં કોકાકોલાએ અમેરિકાની બહાર યુરોપ તથા એશિયામાં પણ તેના બૉટલિંગ પ્લાન્ટ શરૂ કર્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોકાકોલાના 60 બૉટલિંગ પ્લાન્ટ માત્ર સૈનિકોની જ જરૂરિયાતો પૂર્ણ કરતા હતા.

વિશિષ્ટ વ્યવસ્થા મારફથ તેને ઉત્તર આફ્રિકાના સૈન્યમોરચા સુધી પહોંચાડવામાં આવતા. તેને ખાંડના રૅશનિંગમાંથી પણ વિશિષ્ટ છૂટ આપવામાં આવી હતી.

line

સિક્રેટ ફૉર્મ્યુલા

વીડિયો કૅપ્શન, આ ગુજરાતી ખેડૂતને ચંદનની ખેતીએ કેવી રીતે લાખોપતિ બનાવી દીધા?

મસ્કનું ટ્વિટ 'ઐતિહાસિક તથ્ય' છે કે 'જૉક' હતો, તે વર્ષોથી ચાલતી આવતી ચર્ચા છે. વૈજ્ઞાનિક તથ્યો પર કામ કરતી વેબસાઇટ 'લાઇવ સાયન્સ'ના રિપોર્ટ પ્રમાણે, "કંપની સત્તાવાર રીતે હાલમાં કે ભૂતકાળમાં તેની પ્રોડક્ટમાં કોકેઇન હોવાની વાત નકારે છે, પરંતુ ઐતિહાસિક તથ્યો ઉપર નજર કરીએ તો 1903 સુધી કોકાકોલામાં નોંધપાત્ર પ્રમાણમાં કોકેઇન હતું. તેમણે કોકાનાં પાંદડાં તથા કોલામાંથી કૅફિન હાંસલ કર્યું હતું."

કોકેઇન બંધાણી બનાવતું હોવાનું બહાર આવ્યું અને તેની આડઅસરો બહાર આવવા લાગી, એટલે 1914માં તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, તે પહેલાં તેના પર કોઈ નિષેધ ન હતો.

મસળેલાં કોકાનાં પાંદડાં, ક્લૉરિન, ચૂનો, પેટ્રોલ (કે કેરોસીન), બ્લિચ અને સિમેન્ટ મળીને કોકેઇનનો બેઝ તૈયાર કરવામાં આવે છે, ત્યાર બાદ 'લૅબોરેટરી'માં તેનું શુદ્ધીકરણ થાય છે, જે તેને સફેદ સ્વરૂપ આપે છે.

ખુદ પિબ્ટર્ને તેના યુદ્ધ સમયના ઘાવમાં રાહત મેળવવા માટે મૉર્ફિનની મદદ લેતા, પરંતુ તે બંધાણી બનાવતું હોવાથી તેમણે 'કોકા' અને 'કોલા' જેવા વિકલ્પો પર નજર દોડાવી હતી. જે તેમની પ્રારંભિક ફૉર્મ્યુલાનો આધાર હતો.

કોકાકોલાની ફૉર્મ્યુલામાં શું છે, તે આજે પણ ટ્રૅડસિક્રેટ છે. વિશ્વભરનાી કંપનીના બૉટલિંગ પ્લાન્ટમાં મૂળ દ્રાવણ ઍટલાન્ટાથી જ મોકલવામાં આવે છે. એવું કહેવાય છે કે હવે તેમાં કોલાનો ઉપયોગ નથી થતો અને બીજા કૃત્રિમ પદાર્થો દ્વારા મૂળ સ્વાદ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કેટલાક અહેવાલ પ્રમાણે, કોકાકોલાના માત્ર બે એક્ઝિક્યુટિવ પાસે તેની ફૉર્મ્યુલા છે અને તે પણ અડધી-અડધી. જ્યારે અન્ય કેટલાક અહેવાલો પ્રમાણે, બે અલગ-અલગ લોકો કોકાકોલાની સમગ્ર ફૉર્મ્યુલા જાણે છે.

ફૉર્મ્યુલા વિશે સત્તાવાર રીતે કંપનીના કહેવા પ્રમાણે, 1886માં કોકાકોલાની ફૉર્મ્યુલા લખેલી ન હતી, પરંતુ બહુ થોડા લોકો તેના વિશે જાણતા હતા. 1892માં અસા કૅન્ડલર કંપનનીના એકમાત્ર માલિક બન્યા. 1919માં કૅન્ડલર પરિવારથી કંપનીને ખરીદવા માટે અર્નેસ્ટ વૂડરૂફ તથા અન્ય રોકાણકારોને ભંડોળની જરૂર હતી. આ સંજોગોમાં લોનના બાના પેટે તેમણે ફૉર્મ્યુલા લખી આપી અને તેને ન્યૂ યૉર્કની બૅન્કના લૉકરમાં રાખવામાં આવી.

1925માં વૂડરૂફે લોન ભરપાઈ કરી દીધી અને તે ઍટલાન્ટા પરત આવી તેને ટ્રસ્ટ કંપની બૅન્ક (બાદમાં સન ટ્રસ્ટ બૅન્ક) ખાતે રાખવામાં આવી. જ્યાં તે 86 વર્ષ સુધી રહી. 2011 આસપાસ તેને 'ધ વર્લ્ડ ઑફ કોકા કોલા' ખાતે લાવવામાં આવી.

line

કોકાકોલા વિશે કેટલીક માહિતી

કોકાકોલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • ભારતમાં 'થમ્બ્સ-અપ' કોકાકોલાની હરીફ હતી. ઉદારીકરણ બાદ કંપનીએ ભારતીય હરીફ કંપની ખરીદી લીધી.
  • 2003-04 દરમિયાન ભારતમાં વેચાતાં ઠંડાં પીણાંમાં પેસ્ટિસાઇડ્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીના વેચાણને મોટો ફટકો પડ્યો હતો.
  • ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૉફ્ટ ડ્રિંકમાં ફળોના જ્યૂસને ભેળવવાની અપીલ કરી ચૂક્યા છે, જેથી કરીને ખેડૂતોની સ્થિતિ સુધરે અને ઠંડાં પીણાં આરોગ્યપ્રદ બને. અગાઉ વેનેઝુએલાના શાસક હ્યુગો સાવેઝે લોકોને કોકાકોલા કે પૅપ્સી ખરીદવાને બદલે સ્થાનિક પીણાં ખરીદવા આહ્વાન કર્યું હતું.
  • ભારતમાં પણ છાશવારે સોશિયલ મીડિયા પર કોકાકોલા કે પૅપ્સી જેવા ઠંડાં પીણાં પીવાને બદલે શેરડીનો જ્યૂસ, લિંબુ પાણી કે નાળિયેર પાણી પીવા માટે આહ્વાન કરવામાં આવે છે.
  • વર્ષ 2021માં ફૂટબૉલ સ્ટાર રૉનાલ્ડોએ પત્રકારપરિષદ દરમિયાન મંચ પરથી કોકાકોલાની બૉટલો હઠાવી દીધી હતી, જેના કારણે કંપનીની કુલ માર્કેટ કૅપિટલમાં ચાર અબજ ડૉલર (અંદાજે રૂ. 32 હજાર) જેટલો કડાકો બોલી ગયો હતો.
  • વિશ્વભરમાં કોકાકોલાની મોટી હરીફ પેપ્સીને માનવામાં આવે છે, પરંતુ શરૂઆતના વર્ષોમાં પૅપ્સીએ બે વખત કોકાકોલાને ઑફર કરી હતી કે તેને અધિગૃહિત કરી લેવામાં આવે.
  • જર્મનીમાં (ફ્રિટ્ઝ કોલા), આરસી કોલા (અમેરિકા), બિગ કોલા કે કોલા રિયલ (દક્ષિણ તથા મધ્ય અમેરિકા ખંડ), ઇનકા કોલા (પેરુ), વિટા કોલા (અગાઉનું પૂર્વ જર્મની), કોલા તુર્કા (તુર્કી), ઝમઝમ કોલા (ઈરાન), જલમસ્ટ (સ્વિડન) વગેરે કોલા આધારિત કંપનીના પીણાં છે.
  • ડ્રગ્સ માટે કુખ્યાત કોલંબિયામાં કોકા પોલા નામની કોલા ડ્રિંક રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય કોલાવાળા ઍનર્જી ડ્રિંગ, બિયર, બ્રાન્ડી અને રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કોકા કોલાએ પડકાર્યાં હતાં.
  • 1985માં કોકાકોલાની 'નવું સંસ્કરણ' બજારમાં આવ્યું હતું, જે થોડું વધુ મીઠું હતું. આ સ્વાદને પૅપ્સીની નકલ માનવામાં આવ્યો. અમેરિકા સહિત વિશ્વભરમાં નારાજ ગ્રાહકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેના ઉપર ટીવી કાર્યક્રમો થયા અને અખબારોમાં લેખ લખાયા. અંતે કોકાકોલાએ તેનો જૂનો સ્વાદ 'ક્લાસિક' સ્વરૂપે ફરી રજૂ કર્યો.
  • કોકાકોલાનું ઇઝરાયલમાં વેચાણ થતું હતું એટલે આરબ લીગે તેના બહિષ્કારની જાહેરાત કરી હતી, જેનો લાભ પૅપ્સીને થયો.
  • કોકા કોલા સહિતની કોલા કંપનીઓ પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવાના તથા સ્થાનિક જળસંશાધનોનું દોહન કરવાના આરોપ લાગતા રહે છે.
  • શીતયુદ્ધ સમયે કોકાકોલા 'અમેરિકન સંસ્થાનવાદ'નું પ્રતીક બની ગયું હતું.
  • કંપનીનો દાવો છે કે તેના તથા 225 બૉટલિંગ પાર્ટનરના 900થી વધુ બૉટલિંગ પ્લાન્ટ ખાતે વિશ્વભરમાં સાત લાખથી વધુ લોકો કંપની માટે કામ કરે છે.
  • કોકાકોલાનું સાન્તા ક્લૉઝ જાહેરાત અભિયાન એટલું સફળ રહ્યું હતું કે કેટલાક લોકોને એવું લાગે છે કે લાલ રંગના સાન્તા ક્લૉઝ કંપનીની 'શોધ' છે, પરંતુ કંપની ઔપચારિક રીતે આ વાતને નકારે છે.
  • આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો માટે કંપનીએ કૅફિન ફ્રી અને ડાયટ કોક પણ રજૂ કરવા પડ્યા છે.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2