You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેશ પટેલ 'કૉંગ્રેસમાં જોડાશે', પણ કૉંગ્રેસ મુખ્ય મંત્રીપદનો ચહેરો બનાવશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, પાટીદાર આગેવાન નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.
જોકે કૉંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી સત્તાવાર આ બાબતની જાહેરાત કરવામાં આવી નથી.
અહેવાલોમાં એવું પણ દર્શાવાઈ રહ્યું છે કે કૉંગ્રેસ નરેશ પટેલને કૉંગ્રેસના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર પણ જાહેર કરી શકે છે.
જોકે હજુ સુધી નરેશ પટેલ તરફથી કોઈ આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
'નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય છે'
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે નરેશ પટેલ કૉંગ્રસમાં જોડાય છે, એ નક્કી છે.
તેમણે કહ્યું કે "એમને કોઈ મોટું પદ આપવાનું નક્કી છે. પરંતુ, એમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવો કે નહીં, તેની કોઈ ચર્ચા ગુજરાત કૉંગ્રેસમાં થઈ નથી."
"એમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવા કે નહીં એનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે, પરંતુ કૉંગ્રેસમાં પાંચ પદ એવા છે કે જ્યાં એમને મોટું સ્થાન આપવામાં આવી શકે છે."
"નરેશ પટેલ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી સાથે મળીને ગુજરાતમાં કૉંગ્રેસન મજબૂત કરવાની સ્ટ્રૅટેજી નક્કી કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપે કહ્યું, 'કૉંગ્રેસ અત્યારથી જ હારી ગઈ'
જિતુ વાઘાણીએ કહ્યું કે "કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને હાયર કરી શકે છે, આ જ બતાવી આપે છે કે કૉંગ્રેસ 2022ની ચૂંટણી અત્યારથી જ હારી ગઈ છે, એટલે જ એમને પ્રશાંત કિશોરને હાયર કરવા પડ્યા છે."
નરેશ પટેલના કૉંગ્રેસમાં જોડાવા અંગે એમણે કહ્યું કે "ધાર્મિક સંસ્થાના આગેવાન છે, એ પોતાનો નિર્ણય લઈ શકે છે. એનો અર્થ એવો નથી કે ભાજપના લોકો નરેશ પટેલની સાથે કૉંગ્રેસમાં જોડાય."
"આ કૉંગ્રેસ દ્વારા શરૂ કરાયેલો અપપ્રચાર છે કે નરેશ પટેલની સાથે ભાજપના નેતાઓ કૉંગ્રેસમાં જોડાશે."
કોણ છે નરેશ પટેલ?
નરેશ પટેલ 2008- '09 લેઉઆ પાટીદારોના કરદેવીનું કાગવડ ખાતે મંદિર સ્થાપવાના વિચાર સાથે ચર્ચામાં આવ્યા. આગળ જતાં ખોડલધામ તરીકે સ્થાપિત આ મંદિરના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે.
જે પાટીદાર સમાજની આસ્થા જ નહીં, પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર છે. આ સિવાય પણ તેઓ કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં અને વીલ પણ લખી નાખ્યું હતું, ત્યારે સરકારે મચક આપી ન હતી. એ સમયે અનશનના 'સન્માનજનક સમાધન' માટે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં.
છ ભાઈ-બહેનોમાં નાના એવા નરેશભાઈનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે. તેમણે તત્કાલીન રાજવીઓના વારસો માટે અંગ્રેજો દ્વારા સ્થાપિત આરકેસીમાં (રાજકુમાર કૉલેજ) અભ્યાસ કર્યો છે. જ્યાં તેઓ ઊંચી હાઇટને કારણે બાસ્કેટબૉલના પ્લેયર હતા.
'નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન' નામનું પુસ્તક લખનારા યશપાલ બક્ષીએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "નરેશ પટેલ તેઓ ભણતા હતા ત્યારથી જ પિતા રવજીભાઈ ઉંધાડ (પટેલ) દ્વારા સ્થાપિત પટેલ બ્રાસ વર્કમાં જતાં અને ત્યાં મશીન પણ ચલાવતા. તેમણે બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાયને આગળ ધપાવ્યો અને અમેરિકન કંપની સાથે પણ સંયુક્તસાહસ કર્યું. આજે તેની 20 જેટલા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમની કંપની ભારતીય રેલવેને પણ સામગ્રી સપ્લાય કરે છે."
નરેશ પટેલ ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમના ઘર (શિવાલય) તથા ફાર્મહાઉસ (શિવોત્તરી)માં શિવની મૂર્તી સ્થાપવામાં આવી છે. તેમના પુત્રનું નામ શિવરાજ, જ્યારે પુત્રીનું નામ શિવાની છે. તેઓ 12 જ્યોર્તિલિંગ, અમરનાથ તથા કૈલાશ માનસરોવરની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ શ્રાવણ મહિનો પણ રહે છે.
નરેશ પટેલે શાલિનીબહેન સાથે પ્રેમલગ્ન કર્યું છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમનાં મોટા દીકરી શિવાની કૉમર્શિયલ પાઇલટ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો