પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ 'રદ કરવાની જાહેરાત' છતાં આદિવાસીઓ કેમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?

    • લેેખક, ઉમેશ ગાવિત
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના સત્તાપક્ષ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાત સરકારના કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવા મામલે જુદી જુદી જાહેરાતો કરી છે.

પાટીલે પ્રોજેક્ટ રદ કરાયાની વાત કરી છે, તો મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં કેન્દ્ર સરકારને પ્રોજેક્ટ રદ કરવા અંગે વિનંતી કરાયાની વાત કરી હતી.

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, UMESH GAVIT

ઇમેજ કૅપ્શન, સ્થાનિક સ્તરેથી શરૂ થયેલ આંદોલન ગાંધીનગર સુધી પહોંચી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ડૅમવિરોધ અંગે ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ લોકસભામાં પણ કલાબહેન ડેલકર દ્વારા ડૅમ રદ કરવા માગણી કરી હતી જે બાદ સરકાર હરકતમાં આવી હતી.

નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી ગુજરાતમાં આદિવાસીઓ કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટને રદ કરવાને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. જે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.

જોકે, સી. આર. પાટીલ અને ઋષિકેશ પટેલની જાહેરાત છતાં પણ આદિવાસીઓના વિરોધનો સિલસિલો તાપીના સોનગઢમાં જારી છે. તેમની માગ છે કે સરકારે આ અંગે હજુ ઔપચારિક જાહેરાત કરી નથી. આંદોલનકારીઓ પ્રોજેક્ટ રદ કરવા માટે શ્વેતપત્ર જારી કરવાની માગણી કરી રહ્યા છે.

સ્થાનિક સ્તરેથી શરૂ થયેલ આંદોલન ગાંધીનગર સુધી પહોંચી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ડૅમવિરોધ અંગે ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ લોકસભામાં પણ કલાબહેન ડેલકર દ્વારા ડૅમ રદ કરવા માગણી કરી હતી જે બાદ સરકાર હરકતમાં આવી હતી.

આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હી અમિત શાહના નિવાસ સ્થાને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાત કૅબિનેટના આદિવાસી નેતાઓ નરેશ પટેલ, જિતુ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપત વસાવા, સાંસદ ડૉ. કે. સી. પટેલ અને મનસુખ વસાવા સહિત ગુજરાતના આદિવાસી સાંસદ અને ધારાસભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને સરકારોએ આ પ્રોજેક્ટને સંમતિ આપી નથી. બજેટમાં ઔપચારીક જાહેરાત થતી હોય છે. ગુજરાત સરકારે ડૅમ બનાવવા અંગે મંજૂરી આપી નથી એટલે આ પ્રોજેક્ટ અહીં જ અટકી જાય છે."

આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, "કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તેઓની રજૂઆત સાંભળી આદિવાસીઓના હિતમાં નિર્ણય કરાયો છે. પાર-તાપી પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

ગુજરાતના ભૂતપૂર્વ કૅબિનેટ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, "એક પણ આદિવાસી વિસ્થાપિત થાય એ ભાજપ સરકારને મંજૂર નથી. 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને મુખ્ય મંત્રીએ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી નથી છતાં પણ કૉંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકી રહી છે."

ડૅમ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવતાં કૉંગ્રેસ દ્વારા શ્વેતપત્રની માગણી કરવામાં આવી છે જ્યારે ભાજપ નેતાઓ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

ડાંગના આહવા ખાતે ભાજપ નેતાઓએ ડૅમ સ્થગિત કરવાના નિર્ણયને આવકારી લીધો હતો. પાર-તાપી યોજના ઘણી જૂની યોજના છે . 2010થી આ યોજનાનો વિરોધ થતો આવ્યો છે.

line

આદિવાસીઓ લેખિત બાંયધરી માગે છે

પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત થતાં આદિવાસી નેતાઓ સક્રિય બન્યા હતા

ઇમેજ સ્રોત, UMESH GAVIT

ઇમેજ કૅપ્શન, પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત થતાં આદિવાસી નેતાઓ સક્રિય બન્યા હતા

પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત થતાં, આદિવાસી નેતાઓમાં સક્રિયતા જોવા મળી હતી. તેઓ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ કરાવવા માગે છે.

ડૅમનો વિરોધ કરતાં આદિવાસી નેતા અને વાંસદા ધારાસભ્ય અંનત પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા આદિવાસીઓ માટે અવનવા પ્રોજેક્ટ લાવીને તેમને વિસ્થાપિત કરવામાં આવે છે. પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ રદ કર્યો હોય તો સરકાર શ્વેતપત્ર રજૂ કરે. 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. 15 તારીખે ઘરમપુર ખાતે વડા પ્રધાન નરેદ્ર મોદી આવી રહ્યા છે. તેઓ આદિવાસીઓનો આક્રોશ સમજી ગયા છે, આક્રોશને ઠંડો કરવા માટે ડૅમની વાતને સ્થગિત કરવામાં આવી છે. ડૅમ બાબતે જ્યાં સુધી શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુઘી આદિવાસી સત્યાગ્રહ અને આંદોલન ચાલુ રહેશે."

અંનત પટેલે પાર-તાપી-નર્મદા ડૅમ પ્રોજેક્ટ ઉપરાંત સોનગઢ ડોસવાડાનો વેંદાતા પ્રોજેક્ટ, દિલ્હી- મુંબઈ કૉરિડૉર પ્રોજેક્ટ, રતન મહાલ રીંછ પ્રોજેક્ટ, વધઈ લેપર્ડ સફારી પ્રોજેક્ટ, આદિવાસી વિસ્તારમાં પ્રવાસનસ્થળો બંધ કરી વિસ્થાપન અટકાવવા માટેના પ્રોજેક્ટ બંધ કરવા માગણી કરી છે.

ડૅમ હઠાવો સંધર્ષ સમિતીના સભ્ય સુનીલ ગામિતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પાર-તાપી પ્રોજેક્ટ પડતો નથી મુકાયો પણ સ્થગિત કરવામાં આવ્યો છે. ડૅમ પ્રોજેક્ટ પડતો મૂકવો અને સ્થગિત કરવો, એમાં ફરક હોય છે. આ યોજના રદ કરવામાં આવે અને શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. આ પ્રોજેક્ટ અંગે 2010થી ચર્ચા થતી આવી છે. આ યોજના અમે ધરમૂળથી રદ કરવા માગીએ છીએ કારણ કે યોજના લાગુ થઈ તો આદિવાસીઓની સંસ્કૃતિ ઉપર ખતરો છે. જે ફક્ત 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે."

આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હંતુ કે "તેમને સરકાર ઉપર વિશ્વાસ નથી. ખેડૂતોએ આંદોલન કરી શ્વેતપત્ર ઉપર લખાણ માગ્યું એ રીતના તેઓ પણ શ્વેતપત્ર ઉપર આ પ્રોજેક્ટ સંપૂર્ણ રદ થયો છે એ અંગે લખાણ માગી રહ્યા છે. જ્યાં સુધી સરકાર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે."

line

આદિવાસીઓ આટલા સમય પછી કેમ સંગઠિત થયા?

પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, SHAHID KHAN

ઇમેજ કૅપ્શન, પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓ ભેગા થયા હતા.

પાર-તાપી લિન્ક પ્રોજેક્ટના વિરોધમાં ગત અઠવાડિયે ગુજરાતના તમામ આદિવાસી સમુદાયના લોકો ભેગા થયા હતા. જ્યાં તેમણે પોતાની એકતા પ્રદર્શિત કરી હતી.

આ પહેલાં એવી પણ ફરિયાદ ઊઠી હતી કે ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું નિર્માણ કરાતાં ત્યાંના સ્થાનિક આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા.

બીબીસીના એક અહેવાલ પ્રમાણે સાપુતારાને નૉટિફાઇડ એરિયાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નૉટિફાઇડ એરિયા હોવાને કારણે નવાગામ વિસ્તાર કોઈ પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતો નથી અને એ કારણે લોકોને પંચાયત તરફથી સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી.

જાણકારોના મતે વિસ્થાપિત થવાનો મુદ્દો સતત આદિવાસીઓમાં ભય ફેલાવી રહ્યો છે.

જાણકારોનું માનવું છે કે 'પાર-તાપી લિન્ક પ્રોજેક્ટ અમલમાં આવે તો આશરે 75 હજાર આદિવાસીઓને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે. જો પ્રોજેક્ટ અમલમાં આવે તો આદિવાસીઓની સંસ્કૃતિ, જળ, જંગલ અને જમીનનો નાશ થાય, તેમના અસ્તિત્વ ઉપર સવાલ ઊભા થાય. જેને લઈને તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે.'

વીડિયો કૅપ્શન, ઑનલાઇન ઍજ્યુકેશન : ગુજરાતનું એ ગામ જ્યાં ભણતર માટે ઝાડ પર ચઢે છે વિદ્યાર્થીઓ

સુનીલ ગામિતે જણાવ્યું હતું કે "ડૅમ અંગે વર્ષોથી વાત ચાલતી આવી હતી પણ 75 ટકા લોકોને વિશ્વાસ નહતો. એક ફેબ્રુઆરીએ નાણામંત્રીની જાહેરાત બાદ લોકોને લાગ્યું ડૅમની યોજના લાગુ થશે. જે બાદ લોકોમાં વિરોધ ચાલુ થો. ડૅમ હઠાવો સંઘર્ષ સમિતિએ આંદોલન ચાલુ રાખ્યું, બિનરાજકીય સભાઓ થઈ, લોકોને સમજાવ્યા અને પોતાના અસ્તિત્વને બચાવવા લોકો સંગઠિત થયા."

આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "જ્યારે-જ્યારે આદિવાસીઓના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે ત્યારે આદિવાસીઓ એકત્રિત થયા છે. પ્રોજેક્ટ રદ કરાવવા માટે આદિવાસી સંગઠનો, રાજકીય નેતાઓ પક્ષ ભૂલીને એક થયા હતા. દરેક પોતાની સંસ્કૃતિ જળ, જંગલ અને જમીન બચાવવા એક થયા."

આદિલોક મૅગેઝિનના તંત્રી આંનદ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "લોકો સ્વેચ્છાએ દક્ષિણ ગુજરાત અને ગાંધીનગર ખાતે પોતાના ખર્ચે રેલીઓમાં જોડાયા હતા"

"આદિવાસીઓનું સંગઠિત થવું અને મોટી સંખ્યામાં રેલીઓમાં જોડાવવા માટે જાગૃત યુવાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. લોકોમાં જાગૃતિ ફેલાવી અને સમજણ આપી લોકોને સંગઠિત કરવા માટે યુવાઓને બિરદાવવા પડે."

line

ગુજરાત વિધાનસભા ચૂંટણી ફૅક્ટર

વીડિયો કૅપ્શન, ડાંગ: અહીં લોકો જીવના જોખમે એક લાકડાંના સહારે નદી ઓળંગવા કેમ મજબૂર છે?

પાર-તાપી લિન્ક પ્રોજેકટ માટે 2010માં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી થઈ હતી. એ સમયે કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા.

2010માં ડૅમ પ્રોજેક્ટની વાત સામે આવતાં સ્થાનિક સ્તરે ડાંગ જિલ્લાના કાલીબેલ ગામેથી વિરોધ શરૂ થયો હતો. 2012 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાએ જોર પકડ્યું હતું. તે સમયે ડૅમનો વિરોધ ફક્ત ડાંગ જિલ્લામાં થઈ રહ્યો હતો.

તે સમયના કૉંગ્રેસ નેતા મંગળ ગાવિતે 2012 વિધાનસભા ચૂંટણીમાં ડૅમનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલની સામે મંગળ ગાવિતની જીત થઈ હતી. જે બાદ 2017 વિધાનસભા ચૂંટણી સમયે પણ ડૅમના મુદ્દા સાથે મંગળ ગાવિતને ફરી જીત મળી હતી.

જે બાદ 2020માં ડાંગ પેટાચૂંટણી વખતે ગુજરાત કૅબિનેટના પૂર્વ મંત્રી ગણપત વસાવાએ ડૅમની વાત અફવા ગણાવી હતી. આ પેટાચૂંટણીમાં અહીં ભાજપની ભારે બહુમતી સાથે જીત થઈ હતી.

ડૅમવિરોધનો મુદ્દો છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. જ્યારે સ્થાનિક ચૂંટણીઓમાં ડૅમનો મુદ્દો અસર કરતો નથી. હાલ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ મુદ્દાએ જોર પકડ્યું છે.

આ વખતે પાર-તાપી લિંક પ્રોજેક્ટની વાત આવતાં વિરોધ ડાંગ સિવાય ધરમપુર અને વ્યારા વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો.

ડૅમ વિરુદ્ધ પ્રદર્શનો ચાલુ રહેતાં ગુજરાત કૅબિનેટના આદિવાસી નેતાઓએ દિલ્હી કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજીને ડૅમ રદ કરવાની માગણી કરી હતી.

પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે, "2022ની ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર પોતાની વોટબૅન્ક સાચવી રાખવા માટે પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે. સરકારને લાગ્યું કે અમે પીછેહઠ નહીં કરીએ તો આદિવાસીઓ અમારા પર હાવી થશે. એટલા માટે દેખાડો કરવા ભાજપ આદિવાસી નેતાઓને ચહેરો બનાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે."

પાર તાપી રીવર લિંક પ્રોજેકટ અંગે લોકોમાં હજી અસમંજસતા છે, આ અંગે ભાજપ પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "પાર તાપી રીવર લિંક પૉલિસી નિર્ણય હોવાથી સરકારના મંત્રી જ વાત કરશે."

તેમણે વધુમાં કહ્યું કે "આદિવાસી સમાજની લાગણીને ધ્યાને રાખી ભાજપ પ્રદેશ સી.આર. પાટીલ આદિવાસી નેતાઓ સાથે દિલ્હીમાં સાંસદોને મળ્યા હતા અને પ્રોજેકટ સ્થગિત કરવાની મંજૂરી આપી છે."

line

પ્રોજેક્ટ શું હતો?

વીડિયો કૅપ્શન, ડાંગમાં આદિવાસી મહિલાઓ વાંસનાં આભૂષણ બનાવી કઈ રીતે કમાણી કરે છે?

નેશનલ વૉટર ડેવલપમૅન્ટ એજન્સીની (NWDA) વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, કેન્દ્રીય જળસંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1980માં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે નદીઓના જોડાણની યોજના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારવામાં આવી હતી.

1982માં ઉપરોક્ત યોજના અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2006માં NWDAના નેજા હેઠળ કેન્દ્રીય જળ આયોગનો વિચાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2014માં દમણગંગા-પિંજલ લિંક પ્રોજેક્ટનો ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર થયો હતો. જ્યારે પાર-તાપી નર્મદા લિંકનો ડીપીઆર વર્ષ 2015માં તૈયાર થયો હતો. આ યોજનાને સાકાર કરવા મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ડૅમોના નિર્માણની યોજના છે.

દેશની કૃષિ આજે પણ મહદંશે વરસાદ આધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

આથી, પાણીને દરિયામાં વહી જતું અટકાવવા, તેનો સંચય કરવા, પૂરની પરિસ્થિતિને ટાળવા, પીવા તથા સિંચાઈ માટે વાપરવા તથા વીજઉત્પાદનના આશયથી નદીઓનું જોડાણ કરવાની યોજના વિચારવામાં આવી છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો