પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ, ગુજરાત સરકાર સામે આદિવાસીઓનું ફરી આંદોલન
- લેેખક, ઉમેશ ગાવિત
- પદ, બીબીસી ગુજરાતી
વલસાડના કપરાડામાં પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધમાં હજારોની જનમેદની એકઠી થઈ છે અને આ પ્રોજેકટનો વિરોધ કરી રહી છે. વાસંદામાં કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પેટલની આગેવાનીમાં અહીં એક વિશાળ રેલીનું આયોજન કરાયું છે.
આ વિરોધપ્રદર્શનમાં દમણ, વલસાડ, કપરાડા, ધરમપુર, વાંસદા, ચીખલી , ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે.

ઇમેજ સ્રોત, Shahid Khan
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં બનાવાઈ રહેલી ડૅમોના વિરોધમાં આ લોકો એકઠા થયા છે.
આ પહેલાં ધરમપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ હજારથી વધારે આદિવાસીઓ આ પ્રોજેક્ટ અંતર્ગતના ડૅમના નિર્માણનો વિરોધ નોંધાવવા ભેગા થયા હતા.
ધમરપુર બાદ કૉંગ્રેસી નેતાએ વઘઈ, તાપી, ડાંગમાં પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
આ ડૅમના નિર્માણથી કેટલાંય ગામોના લોકો વિસ્થાપિત થશે એવો વિરોધપ્રદર્શનમાં દાવો કરાયો છે.
નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ પક્ષકારોની સહમતી બાદ પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર કામ આગળ વધારવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત થતાં જ ગુજરાતમાં વિરોધ શરૂ થઈ ગયો અને હજી સુધી ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આદિવાસીઓમાં ચિંતા કેમ?

ઇમેજ સ્રોત, Shahid Khan
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પર પ્રસ્તાવિત ડૅમો સામે આદિવાસીઓ રેલી પણ કાઢી હતી અને સ્થાનિક મામલતદારને આવેદન સોંપ્યું હતું. આ ડૅમો દક્ષિણ ગુજરાત અને નાસિક જિલ્લાને આવરી લેશે. જોકે આ પહેલી વખત વિરોધ થયો હોય તેવું નથી.
ધરમપુર પોલીસ સ્ટેશનના સબઇન્સપેક્ટર એસ. જે. પરમારે કહ્યું હતું કે વલસાડ, ડાંગ, નવસારી અને મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલીના 4,000-4,500 લોકો આ પ્રદર્શનમાં જોડાયા અને તે શાંતિપૂર્ણ રહ્યું હતું.
આમાં કૉંગ્રેસના નેતા અનંત પટેલ અને શિવસેના નેતા અભિનવ ડેલકર સામેલ થયા હતા.
વિરોધ પ્રદર્શન અને આદિવાસીઓની આશંકાઓ વિશે બીબીસી ગુજરાતીએ ડાંગના કલેક્ટર ભાવિન પંડ્યા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "પ્રોજેક્ટમાં કોઈ વિવાદ નથી અને સરકારે કોઈ જાહેરાત કરી નથી કે કઈ તારીખથી કામ શરૂ થશે."
"સાલ 1980થી આ પ્રોજેક્ટનો સરવે ચાલી રહ્યો છે. લોકો તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હાલમાં તેના પર કામ કરવા શરૂ કરવા વિશે કોઈ હિલચાલ નથી. અમે લોકોને સમજાવાનો પ્રયાસ કરી રહ્યા છે."
આ સિલસિલો કેટલાક દિવસથી ગુજરાતમાં ચાલી રહ્યો છે. તો જાણીએ કે કેન્દ્ર સરકારની આ પરિયોજના છે શું અને તેને લઈને વિરોધ કેમ થઈ રહ્યો છે?
દક્ષિણ ગુજરાતની નદીઓનું જોડાણ કરીને દરિયામાં વહી જતાં પાણીને સૌરાષ્ટ્ર-કચ્છ લઈ જવાની આ યોજના છે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટને કારણે કથિત રીતે 35 ગામનાં લોકો વિસ્થાપિત થશે અને જમીનવિહોણા બનશે.
આ સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ચિંતા છે અને કથિત ડૅમ પરિયોજનાના વિરોધ માટે વલસાડમાં સભાઓ થઈ રહી છે.
વર્ષો પહેલાં ગિરિમથક સાપુતારાના વિસ્થાપિતો માટે નવાગામ વસાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાં હજુ પણ માલિકીહક અંગે સમસ્યાઓ રહેલી છે. આથી, ડાંગ-ધરમપુરના આદિવાસીઓમાં પણ પ્રોજેક્ટ અને તેના વિસ્થાપન અંગે આશંકાઓ પ્રવર્તી રહી છે.

પ્રોજેક્ટની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Shahid Khan
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર ત્રણ ડૅમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે.
એ બાદ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ચૂંટણી બાદ આ મુદ્દો શાંત થઈ ગયો હતો.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નદીઓના જોડાણના પાંચ પ્રોજેક્ટ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને સંબંધિત પક્ષકારો વચ્ચે સહમતિથી તેની પર કામ હાથ ધરવાની વાત પણ કહી હતી.
પાર તાપી લિંક પ્રોજેકટ માટે 2010માં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી કરાર થયો હતો. એ સમયે કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના સીએમ હતા.
નેશનલ વૉટર ડેવલપમૅન્ટ એજન્સીની (NWDA) વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, કેન્દ્રીય જળસંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1980માં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે નદીઓના જોડાણની યોજના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારવામાં આવી હતી.
1982માં ઉપરોક્ત યોજના અંગે વિચાર હાથ ધરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં એનડબલ્યુડીએના નેજા હેઠળ કેન્દ્રીય જળ આયોગનો વિચાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2014માં દમણગંગા-પિંજલ લિંક પ્રોજેક્ટનો ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ) તૈયાર થયો હતો. જ્યારે પાર તાપી નર્મદા લિંકનો ડીપીઆર વર્ષ 2015માં તૈયાર થયો હતો. આ યોજનાને સાકાર કરવા મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ડૅમોના નિર્માણની યોજના છે.

પાર તાપી-નર્મદા લિંક

ઇમેજ સ્રોત, Umesh Gavit
દેશની કૃષિ આજે પણ મહદંશે વરસાદઆધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
આથી, પાણીને દરિયામાં વહી જતું અટકાવવા, તેનો સંચય કરવા, પૂરની પરિસ્થિતિને ટાળવા, પીવા તથા સિંચાઈ માટે વાપરવા તથા વીજઉત્પાદનના આશયથી નદીઓનું જોડાણ કરવાની યોજના વિચારવામાં આવી છે.
પાર તાપી નર્મદા લિંક હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડૅમનું નિર્માણ હાથ ધરાશે. જેની વિગતો આ મુજબ છે:
- ઝરી ડૅમ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે, જેમાં એક હજાર 30 પરિવારના પાંચ હજાર 733 લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.
- પૈખેડ ડૅમ : મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડૅમમાં 11 ગામડાંના એક હજાર 474 પરિવારના સાત હજાર 360 લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.
- ચિકાર ડૅમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં ડૅમનું નિર્માણ થશે. જેમાં નવ ગામના લગભગ 1300 પરિવારના સાત હજાર 800 જેટલા લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.

ઇમેજ સ્રોત, Umesh Gavit
- ચાસ-માંડવા ડૅમ : ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડૅમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજાર 122 પરિવારના લગભગ નવ હજાર 700 લોકો વિસ્થાપિત થાય તેવો અંદાજ છે.
- દાબદર ડૅમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં બનનારા આ ડૅમના પગલે ગામમાં 11 ગામના એક હજાર 600 પરિવાર તથા લગભગ 10 હજાર 660 લોકો બેઘર થશે, એવો અંદાજ છે.
- કેળવણ ડૅમ : ડાંગ જિલ્લામાં બે હજાર 220 પરિવારના લગભગ 12 હજાર લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.

બિનરાજકીય સભાઓ

ઇમેજ સ્રોત, Umesh Gavit
સીતારમણની જાહેરાતના એક અઠવાડિયામાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ડાંગ જિલ્લાના કાલીબેલ ગામે આદિવાસી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ડૅમને કારણે પ્રકૃતિને થનાર નુકસાન તથા આદિવાસીઓના વિસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રથમ બેઠકમાં ડાંગ, ધરમપુર, વાંસદા, નવસારી, ઉમરગામ તેમજ તાપીના આદિવાસી સમાજે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધને સમર્થન જાહેર કર્યું હતું. એ પછીથી દક્ષિણ ગુજરાતમાં પ્રસ્તાવિત ડૅમયોજના સામે બેઠકનો દોર ચાલી રહ્યો છે.
'ડૅમ હઠાવો, જંગલ બચાવો' જેવાં સૂત્રો સાથે તા. 16મી ફેબ્રુઆરીના ડાંગ જિલ્લાના રંભાસ ગામ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના આગેવાન તરીકે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામિત, વલસાડના પૂર્વ સંસદસભ્ય કિસન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ લડત બિનરાજકીય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Umesh Gavit
આ સભા દરમિયાન રાઠવાએ કહ્યું હતું, "નર્મદા સુધી પાણી લઈ જવાની લિંક પરિયોજનાને કારણે મોટી સંખ્યામાં આદિવાસી પરિવારોનાં ઘર બરબાદ થઈ જશે."
"આદિવાસીઓને જમીનવિહોણા કરી દેવાનો મુદ્દો દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો છે. વિકાસની વાતો બાજુએ રહી અને આદિવાસીઓને વિનાશ તરફ દોરી જશે."
વાંસદામાંથી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ કોઈ પણ સંજોગોમાં ડૅમનું નિર્માણ નહીં થવા દેવાની તથા આ મુદ્દે સ્થાનિક આદિવાસી નેતાઓને પક્ષ-વિપક્ષનો ભેદ ભૂલીને એક થઈને ડાંગને ડૂબતું બચાવવા હાંકલ કરી હતી.
રંભાસ ગામે આયોજિત જાહેરસભામાં ભાગ લેવા પહોંચેલા ચિકાર ગામનાં મહિલા સરસ્વતીબેન કુંવરે મીડિયા સાથે વાતચીતમાં આરોપ મૂક્યો, "ડૅમના બહાને સરકાર આદિવાસીઓને હઠાવવા પ્રયાસ કરી રહી છે."
"જો ડૅમ બનશે તો છોકરાઓને લઈને ક્યાં જઈશું? શહેરોમાં તેમને ગણકારવામાં નહીં આવે અને તેમની હાલત ખરાબ થઈ જશે."
કાલીબેલની પ્રથમ જાહેરસભામાં ડૅમ મુદ્દે આદિવાસીઓને સંગઠિત કરવા તથા સંઘર્ષ કરવા માટે આદિવાસીઓની સમિતિનું ગઠન કરવાનો નિર્ધાર સામાજિક કાર્યકરોએ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Umesh Gavit
આ સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા ઍડ્વોકેટ સુનિલભાઈ ગામિતે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "ડાંગ જિલ્લામાં ત્રણ મહાકાય ડૅમ બનાવવાની યોજનાથી ડાંગના ગાઢ જંગલોને સૌથી મોટું નુકસાન થશે."
"આદિવાસીઓ જંગલ વિસ્તાર પર નિર્ભર હોય છે. જંગલ નહીં બચે તો આદિવાસીઓનું અસ્તિત્વ પણ નહીં ટકી શકે અને તેમનો વિનાશ નક્કી છે. તેઓ વિકાસના વિરોધી નથી."
ગામિતના કહેવા પ્રમાણે, "સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યાને દૂર કરવા અન્ય વિકલ્પ છે, પરંતુ સરકાર ત્યાંની કંપનીઓ અને ફેકટરીઓને લાભ પહોંચાડવા માગે છે, એટલે આદિવાસીઓના અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. "

'વર્ષો જૂની મહેનત ડૅમનાં પાણીમાં જશે'

ઇમેજ સ્રોત, Umesh Gavit
ભેંસકાતરી ગામના યુવા વિરલભાઈ ગામિત તેમજ પ્રકાશભાઈ ગામિત બીબીસીને જણાવે છે કે, "ડૅમ બનવા જોઈએ નહીં, કારણે કે જો ડૅમ બનશે તો જમીનનું સૌથી મોટું નુકસાન થશે. તેમના બાપદાદાએ સાચવેલ જમીન અને તેઓની મહેનત ડૅમના પાણીમાં જશે."
"જો ડૅમ બન્યા બાદ સ્થળાંતર કરવાનો વારો આવશે, તો નવી જગ્યાએ તેઓ કઈ રીતના ઍડ્જસ્ટ કરી શકશે, તે ભય તેમને સતાવી રહ્યો છે."
"નવી જગ્યાએ જમીનનો નાનો ટુકડો આપવામાં આવશે, જ્યાં તેઓ પોતાના જીવનનિર્વાહ કઈ રીતે કરશે કારણકે વર્ષોથી તેઓ ખેતી સાથે જ સંકળાયેલા છે અને ખેતી સિવાય અન્ય કોઈ ધંધો કરતા નથી."

'મૃત્યુ ભલે થાય પણ ડૅમ નહીં બનવા દઈએ'

ઇમેજ સ્રોત, Umesh Gavit
વઘઈ તાલુકાના બોરીગાવઠા ગામના વડીલ ખાલ્યાભાઈ બીબીસીને જણાવે છે કે." ડૅમ ન બનવા માટે ડૂબમાં જનાર ગામોના લોકોની સાથે અન્ય વિસ્તારના લોકો પણ ડૅમના નિર્માણ સામે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે."
"ડાંગમાં આદિકાળથી રહેતા આદિવાસીઓની સંસ્કૃતિનો વિનાશ થશે. ડૅમ બનશે તો સ્થાનિક આદિવાસીઓને ટીપુંય પાણી મળશે નહીં. ડેમના વિરોધમાં મારું મૃત્યુ કેમ ન થાય પરંતુ ડૅમ બનવા દઈશું નહીં."
2010માં પાર તાપી નર્મદા લિંક યોજના પર કામ ચાલુ થયું, ત્યારે પણ વિરોધ વ્યક્ત કરવા સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને કાલીબેલના પૂર્વ સરપંચ સોમલભાઈ તુંબડાને તેના વડા બનાવવામાં આવ્યા હતા.
જોકે, ડાંગ ભાજપના પૂર્વ અધ્યક્ષ બાબુરાવભાઈ ચોર્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વિપક્ષના નેતાઓ દ્વારા ડૅમ ન બનવા દેવા માટે આદિવાસીઓની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આ ઉશ્કેરણી કરવામાં આવી રહી છે."
"કેન્દ્રીય બજેટમાં આ પ્રોજેક્ટ પર તમામ પક્ષકારોની સહમતીથી કામ હાથ ધરવાની વાત કરવામાં આવી છે, પરંતુ ડૅમના નિર્માણ વિશે મુખ્ય મંત્રી, કૅબિનેટ કક્ષાના મંત્રી કે જિલ્લાના કલેક્ટર પાસે પણ કોઈ માહિતી નથી."

ઇમેજ સ્રોત, Umesh Gavit
ચોર્યાએ ઉમેર્યું હતું કે ભાજપ સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાને લેવામાં આવશે અને પછી કોઈ નિર્ણય લેવામાં આવશે.
ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં નર્મદા જળસંપત્તિ અને પાણીપુરવઠા, તથા કલ્પસર અને મત્સ્યોધોગ વિભાગ (સ્વતંત્ર હવાલો) રાજયમંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "કપરાડા, ધરમપુર, વાંસદા અને ડાંગના લોકોને ડૅમ બાબતે ચિંતા કરવાની જરૂર નથી."
"કોઈને પણ વિસ્થાપિત થવાની વાત આવશે, એ દિવસે અમારી સરકાર તમારી સાથે જ છે."
"ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે વિસ્થાપિત ન થવા મુદ્દે ખાતરી આપી છે, પરંતુ સરકાર વતી અને પાણીપુરવઠા અને સિંચાઈવિભાગના મંત્રી તરીકે આ યોજનાનો અભ્યાસ કરી સરકારનું ધ્યાન દોરીશું. 2022ની ચૂંટણીને કારણે આવા મુદ્દાઓ સામે આવે છે, પરંતુ વિસ્થાપિત થવા મુદ્દે કોઈ ચિંતા કરવાની જરૂર નથી."
ગરીબ કલ્યાણ મેળા આહવામાં ડાંગ જિલ્લાના પ્રમુખ મંગળ ગાવીતે જણાવ્યું હતું કે "કેન્દ્ર સરકારની યોજના છે, પણ જ્યારે વિસ્થાપિત થવાનો પ્રશ્ન આવશે કે ડૂબમાં જનારા વિસ્તારનો પ્રશ્ન આવશે, ત્યારે ડાંગની પ્રજાને પડખે રહીને તેને બચાવવાનો પ્રયત્ન કરીશું."
બીબીસી ગુજરાતીએ ડાંગના કલેક્ટર ભાવિન પંડ્યા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રોજેક્ટને માત્ર ઇન-પ્રિન્સિપલ મંજુરી આપી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટમાં સામેલ છે અને તેમની સહમતી બાદ આખો પ્લાન તૈયાર કરવામાં આવશે."
"અત્યારે આ પ્રોજેક્ટમાં કોઈ પણ કામગીરી થઈ રહી નથી. નિર્મલા સીતારમણે આ મામલે નિવેદન આપ્યું છે જે બાદ લોકો વિરોધ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ વિશે ભારત સરકાર જ નિર્ણય કરવાની સત્તા ધરાવે છે."
જોકે, આ અંગે સ્થાનિક ભાજપ નેતાઓએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "વિપક્ષના નેતાઓ દ્વારા ડૅમ ન બનવા દેવા માટે આદિવાસીઓની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આ ઉશ્કેરણી કરવામાં આવી રહી છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












