છોટાઉદેપુરમાં કોરોનાનો કેર : ગુજરાતના આદિવાસીઓ સારવારના અભાવે ઘરે જ દમ તોડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
“આગલા દિવસે જ મારાં ભાભી સાથે હૉસ્પિટલમાં અમારી વાત થઈ હતી. તેઓ ત્યાં સુધી એકદમ સ્વસ્થ હતાં.”
“પરંતુ બીજા દિવસે વહેલી સવારે હૉસ્પિટલથી ફોન આવ્યો કે તેઓ ગુજરી ગયાં. હૉસ્પિટલ અને સ્ટાફની બેદરકારીના કારણે જ આવું બન્યું છે. તેમણે ભાભીને જોઈતી સારવાર નહોતી આપી. હૉસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન નહોતાં.”
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં છોટાઉદેપુર તાલુકાના રહેવાસી વિજયભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે બનેલી દુ:ખદ ઘટના વિશે કંઈક આવું જણાવે છે.
વિજયભાઈનાં 42 વર્ષીય ભાભી લીલાબહેન રાઠવાનું છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 2 મેના રોજ મૃત્યુ થયું હતું.
વિજયભાઈ જણાવે છે કે તેમનાં ભાભીના દેહાંત પછી ગામના લોકો હવે સિવિલ હૉસ્પિટલમાં સારવાર લેવા જતા ખચકાય છે. તેમને લાગે છે કે સિવિલમાં જઈશું તો યોગ્ય સારવારના અભાવે અમારું પણ મૃત્યુ નીપજશે. તેથી ઘણા લોકો ઘરે જ ખાનગી ડૉક્ટર પાસેથી દવા લઈને કામ ચલાવી રહ્યા છે. પરંતુ તેમાંથી ઘણા લોકો કમનસીબે ઘરે સારવાર લેવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે.
પાછલા અમુક દિવસોમાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં અનેક લોકોનાં ઘરે મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે.
સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલાં દર્દીઓ જેટલાં મૃત્યુ આ જિલ્લામાં દરરોજ નોંધાઈ રહ્યાં હોવાની રાવ ઊઠી છે.
સ્થાનિક આગેવાનો અને સમાજસેવકોના મતે જિલ્લામાં દરરોજ કોરોનાની સારવારના અભાવે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે પૈકી કેટલાક એવા પણ છે જેઓ સરકારી હૉસ્પિટલમાં દાખલ થયા હોય પરંતુ સારવારના અભાવના ડર અને જાગૃતિના અભાવને કારણે હૉસ્પિટલમાંથી પાછા ઘરે આવીને મૃત્યુ પામી રહ્યા છે.
જોકે, નિષ્ણાતો આ જાગૃતિના અભાવ માટે સરકારી તંત્રને જ જવાબદાર ઠેરવે છે.
આ અંગે વધુ વિગતો જાણવા માટે બીબીસી ગુજરાતી આ સમસ્યા સામે ઝઝૂમી રહેલા કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોનાનાં લક્ષણોવાળા સેંકડો દર્દીઓ ઘરે જ દમ તોડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
“છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનાં અમુક ગામ એવાં છે જ્યાં દરરોજ એક વ્યક્તિ મૃત્યુ પામી રહી છે. માત્ર પાછલા સાત દિવસમાં જ અમે નોંધેલાં ગામોમાં જ 63 મૃત્યુ થઈ ચુક્યાં છે. તેમને કોરોના હતો કે કેમ? એ હજુ સ્પષ્ટ નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેમને તાવ હતો, શરીરમાં પીડા હતી અને મૃતકો પૈકી ઘણાને ખાંસીની સમસ્યા હતી. જે મોટા ભાગે કોરોનાનાં જ લક્ષણો છે.”
“અમારા વિસ્તારની ભોળી આદિવાસી પ્રજા ઇલાજના અભાવે અને અજ્ઞાનતાના કારણે માંદગીનો ભોગ બની જીવ ગુમાવી રહી છે.”
છોટાઉદેપુર જિલ્લાનાં છેવાડાનાં ગામોની આદિવાસી પ્રજાને કોરોનાની મહામારી અને તંત્રની અસંવેદનશીલતાને કારણે ભોગવવી પડી રહેલી હાલાકી બયાન કરતાં જેતપુર વિસ્તારના ધારાસભ્ય સુખરામ રાઠવા રડમસ થઈ જાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સુખરામ રાઠવા કોરોનાના કારણે વણસેલી આ ગામોની પરિસ્થિતિ અંગે આગળ જણાવે છે કે, “હાલના દિવસોમાં ગામના સરપંચો તરફથી મળેલી માહિતીના આધારે આ વાત ધ્યાને આવી છે. નહીંતર આની પહેલાં તો ન જાણે કેટલાય લોકો ગુજરી ગયા હશે. સરકારે જાહેર કરેલા મૃતાંક કરતાં પણ વધુ લોકો તો અહીં દરરોજ મરી રહ્યા છે. સરકારી આંકડાનો કોઈ ભરોસો કરી શકાય તેમ નથી. આંકડા છુપાવવા માટે આરોગ્ય તંત્ર પર સરકાર તરફથી દબાણ છે..”
કૉંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ અમુક દિવસો પહેલાં પાછલા માત્ર સાત દિવસમાં આદિવાસી વિસ્તારોમાં 63 લોકો ગુજરી ગયા હોવાની માહિતી આપતો પત્ર રાજ્ય સરકારને લખ્યો હતો.
જેમાં તેમણે લખ્યું હતું કે, જે તમામ લોકો ગુજરી ગયા છે તેમને કોરોનાનાં લક્ષણો હતાં. પરંતુ તેઓ ઘરે જ ગુજરી ગયા હોવાના કારણે તેમની નોંધણી મૃતક તરીકે કરાઈ નથી.
તેમણે માગણી કરી હતી કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કોરોના અંગે વધુ જાગૃતિ ફેલાવવા અને તેની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સરકારે તાત્કાલિક ધોરણે કરવી જોઈએ.
જેથી નિર્દોષ અને ભોળી આદિવાસી પ્રજાએ ઇલાજ અને જાગૃતિના અભાવે પોતાના સ્વજનોને ન ગુમાવવા પડે.

‘મુસાફરી ભાડાના પૈસાના અભાવે નથી લઈ રહ્યા સારવાર’

ઇમેજ સ્રોત, Getty Images
ક્વાંટ તાલુકાના ખરમડા ગામમાં 1600ની વસતીમાં પાછલા 30 દિવસમાં દસ લોકો ખાંસી, તાવ અને શ્વાસની તકલીફના કારણે ગુજરી ગયા હોવાનું સરપંચ ઈશ્વરભાઈ રાઠવા જણાવે છે.
તેઓ કહે છે કે, “ગામમાં લોકો કોરોના અને તેનાં લક્ષણોને બાબતે એટલા જાગૃત નથી. જ્યારે ઘરમાં કોઈ બીમાર પડે છે તો લોકો સ્થાનિક દવખાના પરથી ક્ષુલ્લક કિંમતે પોતાની શારીરિક તકલીફ માટેની દવા લઈ લે છે. આવી રીતે દવા કર્યા છતાં પણ જ્યારે લોકો સાજા નથી થતા ત્યારે ઘણા આદિવાસી લોકો તો એવા હોય છે, જેમની પાસે આસપાસના મોટા શહેરમાં ઇલાજ માટે જવા માટે મુસાફરી ભાડાના પણ પૈસા હોતા નથી. જે કારણે તેઓ દવા કરાવવાનું માંડી વાળે છે અને ઘરે આવીને બધું સમય પર છોડી દે છે. પરંતુ આ બીમારી થોડાક જ દિવસમાં તેમના મૃત્યુનું કારણ બની જાય છે.”
જ્યારે અમે પુછ્યું કે, ગામમાં લોકો માસ્ક પહેરે છે કે કેમ? સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે છે કે કેમ? ટેસ્ટિંગ કરાવે છે કે કેમ?
તો આ પ્રશ્નોના જવાબમાં ઈશ્વરભાઈ રાઠવા જણાવે છે કે, “અહીં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું તો પાલન કરે છે. પરંતુ ટેસ્ટિંગ કરાવવાનું પ્રમાણ ઓછું છે. જે કારણે કોરોનાના ટેસ્ટ કન્ફર્મ થઈ શકતા નથી.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમજ ઈશ્વરભાઈ રાઠવા આદિવાસી ગામોના લોકોમાં વધી રહેલા મૃત્યુદર વિશે વાત કરતાં જણાવે છે કે, “અહીં આસપાસનાં ગામોના આદિવાસી લોકો મોટા ભાગે તો પૈસાની અછતના કારણે શહેરમાં આવેલાં સરકારી દવાખાનાંમાં સારવાર મેળવવા માટે જઈ શકતા નથી. જે લોકો ત્યાં પહોંચી જાય છે અને જ્યારે તેમને ખબર પડે છે કે તેમને જિલ્લાની કે તાલુકાની મોટી હૉસ્પિટલમાં મોકલવામાં આવનાર છે. તો તેઓ ગભરાઈને ત્યાંથી નાસી આવે છે. તેમને બીક હોય છે કે જો તેઓ કોરોનાની સારવાર માટે દાખલ થશે તો તેમના સ્વજનોને તેમનો મૃતદેહ પણ પાછો નહીં આપવામાં આવે.”
ઈશ્વરભાઈ રાઠવા જણાવે છે કે, આદિવાસી સમાજમાં એવો આગ્રહ કરવામાં આવે છે કે મૃતકના અંતિમ સંસ્કાર તેમના ગામડે કે તેમના ઘરે જ થાય, આ કારણે આ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે.

‘બેડની અછતના કારણે મરી રહ્યા છે લોકો’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
છોડવણી ગામના રહેવાસી ઉરધનભાઈ રાઠવા જણાવે છે કે તેમના ગામમાં અત્યાર સુધી પાછલા દસ દિવસમાં 13 મૃત્યુ થયાં છે. અને બધેબધા લોકો શ્વાસ અને ખાંસીની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.
ઉરધનભાઈ રાઠવા જણાવે છે કે, “લગભગ 3000 લોકોની વસતીવાળા આ ગામમાં પહેલાં પ્રતિ વર્ષે દસ મૃત્યુ પણ નહોતાં થતાં. હવે પાછલા દસ દિવસમાં જ 13 લોકો મૃત્યુ પામ્યા છે.”
તેઓ લોકોનાં અકાળ મૃત્યુ અંગેનાં કારણો જણાવતાં કહે છે કે, “ગામમાં ઘણા લોકો કોરોનાનાં લક્ષણો જણાતાં સરકારી દવાખાનાંમાં સારવાર મેળવવા માટે ગયેલા. પરંતુ સમગ્ર ગુજરાતની જેમ અમારા તાલુકા અને જિલ્લાની આરોગ્ય સેવાઓની પરિસ્થિતિ પણ દયનીય બની ચૂકી છે. લોકોને દાખલ કરવા માટે દવાખાનાંમાં બેડ જ નથી. જો બેડ હોય તો ડૉક્ટરો નથી. આ અછતના કારણે લોકો દવા લઈને ઘરે પરત ફરવા માટે મજબૂર બની જાય છે. જ્યાં યોગ્ય સારવારના અભાવે તેમનાં મૃત્યુ નીપજી રહ્યાં છે.”
જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા પણ આ વાત સાથે સંમત થતાં જણાવે છે કે, “રાજ્ય સરકારને વિધાનસભા ગૃહના ફ્લૉર પરથી અનેક વખત રજૂઆતો કર્યા છતાં પણ અમારા વિસ્તારોમાં ડૉકટરોની ઢગલાબંધ જગ્યાઓ ખાલી છે. જો ડૉક્ટરો અને સ્ટાફ જ ન હોય તો બેડ વધારવાનો શો લાભ?”
તેઓ તેમના વિસ્તારમાં આરોગ્યવ્યવસ્થાની આ પરિસ્થિતિ માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલને જવાબદાર માને છે. તેઓ કહે છે કે , “આપણા આરોગ્ય મંત્રી નીતિન પટેલને આદિવાસી વિસ્તારોની અને આદિવાસી સમાજની કોઈ પડી નથી. વારંવાર રજૂઆતો છતાં પણ પરિસ્થિતિ જરા પણ બદલાઈ નથી.”
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી નીતિન પટેલને કોરોના થયો હતો અને તેઓ 15 દિવસથી યુએન મહેતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને રવિવારના રોજ રજા આપવામાં આવી છે.

‘તંત્ર જાગૃતિ લાવવામાં નિષ્ફળ નીવડ્યું’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આદિવાસી વિસ્તારોમાં કામ કરતાં સમાજસેવક સંધ્યાબહેન ગજ્જર છોટા ઉદેપુરના આદિવાસી ક્ષેત્રોમાં સારવારના અભાવના કારણે જેટલા લોકો ગુજરી રહ્યા છે તેટલા જ જાગૃતિના અભાવે પણ મૃત્યુને ભેટી રહ્યા હોવાનો મત વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે, “છોટાઉદેપુરમાં પ્રાથમિક સમસ્યા તો એ જ છે કે અહીંની હૉસ્પિટલોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જે કારણે ઘણા આદિવાસી લોકો ત્યાં જઈશું તો યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થશે એ બીકથી પણ હૉસ્પિટલે જવાનું ટાળે છે. ”
તેઓ આદિવાસી વિસ્તારમાં કોરોનાની સારવારમાં મુશ્કેલી ઊભી કરતા અન્ય કારણ અંગે વાત કરતાં કહે છે કે, “આદિવાસી પ્રજામાં મોટી સંખ્યામાં એવા લોકો હોય છે જેઓ હજુ પણ સામાન્ય માંદગી માટે ભુવા અને ભગતોની શરણમાં જાય છે. અને ત્યાં તેમને સારું ન થાય ત્યારે બીજા વિકલ્પો અંગે તેઓ વિચારે છે. આમ, ઘણી વખત દવાખાના સુધી પહોંચતાં દર્દીની સ્થિતિ બગડી જાય છે. જે કારણે ઘણા લોકો મૃત્યુ પણ પામે છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
“આ સિવાય કોરોનાની સારવાર અંગે ઘણા લોકોનાં મનમાં એવું હોય છે કે જો અમે હૉસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામશું તો અમારા પરિવારજનોને અમારો મૃતદેહ નહીં અપાય એ કારણે પણ ઘણા લોકો સારવારના સ્થળેથી નાસી જઈ પોતાના ઘરે આવે છે અને ઘણા કિસ્સામાં મૃત્યુ પણ પામે છે”
સંધ્યાબહેન આગળ જણાવે છે કે, “હાલ કોરોનાની સારવાર માટે હૉસ્પિટલોમાં યોગ્ય વ્યવસ્થાઓ ન હોવાથી ખાસ કરીને આદિવાસી લોકોને બીક લાગે છે કે તેઓ સારવારના અભાવે ગુજરી જશે. જે કારણે પણ તેઓ પોતાના ઘરે જવાનું પસંદ કરે છે અને ઘણા કિસ્સામાં મૃત્યુ પામે છે.”
જોકે, સંધ્યાબહેન છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓમાં જોવા મળતાં આ વલણ અંગે સરકારી તંત્ર દ્વારા યોગ્ય જાગૃતિ ફેલાવવાના પ્રયાસોના અભાવને મૂળભૂત કારણ માને છે. આ સિવાય તેઓ સમગ્ર તંત્ર આદિવાસી પ્રજાની ગેરમાન્યતાઓને દૂર કરવામાં ઊણું ઊતર્યું હોવાનો મત વ્યક્ત કરે છે.
છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામના સરપંચ નારસીભાઈ રાઠવા પણ જણાવે છે કે, સરકારી હૉસ્પિટલોમાં સ્વચ્છતા, સાધનો, તાલીમબદ્ધ સ્ટાફ નથી. આમ, સરવાળે યોગ્ય સારવારના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ હૉસ્પિટલથી પોતાના ઘરે પરત આવી જતા હોય છે. કારણ કે તેમને એવું લાગે છે કે જો તેઓ ત્યાં રહેશે તો તેઓ સારવારના અભાવથી ગુજરી જશે.
નોંધનીય છે કે તેજગઢ ગામમાં પણ પાછલા 15 દિવસોમાં કોરોનાનાં 20 શકાસ્પદ દર્દીઓનાં મૃત્યુ થઈ ચુક્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

‘સ્ટાફની અછત નીવારવા તંત્રે પગલાં ભર્યાં’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ ચૌધરી જણાવે છે કે, “જિલ્લામાં પહેલેથી જ અડધી ક્ષમતાએ જ તબીબીતંત્ર કામ કરી રહ્યું છે. આ અછત નીવારવા માટે અમે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી સ્ટાફ મુખ્ય હૉસ્પિટલોમાં રોકવાની કાર્યવાહી કરી છે. તેમજ નવી ભરતી માટે પણ જાહેરાત કરવામાં આવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારોને તાત્કાલિક ભરતી કરવામાં આવે છે.”
આ સિવાય ડૉ. ચૌધરી દર્દીઓ સરકારી હૉસ્પિટલોમાંથી ઘરે પરત ફરી રહ્યા હોવાની વાત અંગે કહે છે કે, “આવું ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું નથી. જે કિસ્સામાં દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોય અને તેમને વડોદરા રેફર કરવામાં આવ્યા હોય ત્યારે પરિવારજનો દર્દીના મૃત્યુ બાદ તેમનું શરીર નહીં મળે તેવું વિચારી અને આગળ સારવાર કરાવવાનું ટાળતા હોય છે. પરંતુ તેનું પ્રમાણ ખૂબ મોટું નથી.”
જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં કોરોના જેવી માંદગીના કારણે ઘણા લોકો ઘરે જ મૃત્યુ પામી રહ્યા હોવાની વાત અંગે સ્પષ્ટતા કરતાં ડૉ. ચૌધરી જણાવે છે કે, “ગ્રામ્ય સ્તરે આવા કિસ્સાઓની નોંધ લેવા માટે તલાટી પાસેથી રિપોર્ટ મગાવવામાં આવશે. જો આવા કોઈ કિસ્સા ધ્યાને પડશે તો તે અંગે વધુ તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવશે.”
આ ઉપરાંત અંતરિયાળ ગામડાંમાં કોરોના અને તેના ઇલાજ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ તંત્ર દ્વારા પંચાયત સ્તરે વ્યવસ્થા કરાઈ હોવાની વાત તેઓ કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













