LPG સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધ્યા, પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થયાં - પ્રેસ રિવ્યૂ

આંતરરાષ્ટ્રીય બજારમાં ગૅસની કિંમત વધતા એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે રાજધાની દિલ્હીમાં નવા ભાવ મુજબ 14.2 કિલોગ્રામનો સિલિન્ડર હવે 949.50 રૂપિયામાં મળશે.

જ્યારે પાંચ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 349 રૂપિયા હશે અને 10 કિલોગ્રામ સિલિન્ડર 669 રૂપિયામાં મળશે. 19 કિલોના કૉમર્સિયલ સિલિન્ડર હવે 2003 રૂપિયામાં મળશે.

અન્ય એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં એલપીજી સિલિન્ડરની કિંમત 906 રૂપિયા હતી. જે હવે વધીને 956 રૂપિયા થશે.

આ સાથે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ વધારો થયો છે.

જ્યારે હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો ચાર મહિના બાદ જોવા મળ્યો છે.

ભાજપના સાંસદે નીતિન ગડકરીને 'સ્પાઇડરમૅન' ગણાવ્યા

લોકસભામાં ભાજપના જ સાંસદે માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીને 'સ્પાઇડરમૅન' તરીકે સંબોધ્યા હતા.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અરુણાચલ પ્રદેશની બેઠકથી સાંસદ તપીર ગાઓએ દેશભરમાં વધી રહેલા રસ્તા અને હાઇવેના નેટવર્કના વખાણ કરતા આ સંસદગૃહમાં આ નિવેદન આપ્યું હતું.

ગાઓએ ગૃહમાં કહ્યું, "જે રીતે 'સ્પાઇડરમૅન' જાળ ફેલાવે છે. તે જ રીતે નીતિન ગડકરીએ દેશમાં રસ્તાઓ અને હાઈવેની જાળ ફેલાવી છે."

જોકે, સાથી સાંસદ દ્વારા કરવામાં આવેલા આ વખાણને સાંભળવા માટે નીતિન ગડકરી ગૃહમાં હાજર ન હતા.

મથુરામાં ગોમાંસ લઈ જતો હોવાની આશંકાએ સ્થાનિકોએ યુવાનને માર્યો

ઉત્તર પ્રદેશના મથુરામાં સોમવારે રાત્રે એક યુવાનને ગોમાંસની તસ્કરીના આક્ષેપ સાથે માર મારવામાં આવ્યો હતો.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે સોમવારે રાત્રે આ ઘટના બની હતી. એક યુવાન મથુરાના ખુશીપુરા તિહારા ગામમાંથી ટ્રકમાં પશુઓના શબ સાથે જઈ રહ્યો હતો.

ત્યારે ટ્રક પલટી જતાં તેમાંથી પશુઓના શબ બહાર પડ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોનું ટોળું વળ્યું હતું અને ગોમાંસ હોવાના આક્ષેપો સાથે તેને માર મારવાનો શરૂ કરી દીધો હતો.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગણતરીની મિનિટોમાં ગૌરક્ષકો ત્યાં પહોંચી ગયા હતા અને તેની ધરપકડની માગ કરી હતી. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય એકની શોધખોળ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો