હાર્દિક પટેલ સહિતના પાટીદાર આંદોલનકારી સામેના 10 કેસ પાછા ખેંચવાનો સરકારનો નિર્ણય - પ્રેસ રિવ્યૂ

ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં પાટીદાર આંદોલન વખતે નોંધાયેલા 10 કેસ કોર્ટમાંથી પાછા ખેંચી લેવાનો હુકમ કર્યો છે.

પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, આ કેસો પાછા ખેંચવા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને લેખિત સૂચના આપવામાં આવી છે. જેના આધારે જુદી જુદી કોર્ટમાં ચાલતા કેસ પાછા ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

7 કેસ સેશન્સ કોર્ટમાંથી અને 3 કેસ મેટ્રોપોલિટનમાંથી પાછા ખેંચવા માટેની અરજી કરવામાં આવી છે.

સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા 7 કેસમાં ગુનાની કલમો અને કેસ નંબર આ પ્રમાણે છે: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના 2016ના કેસ નંબર 306 અને 348, 2017ના નરોડાના કેસ નંબર 198, રામોલના કેસ નંબર 417, બાપુનગરના કેસ નંબર 483 અને ડીસીબીના કેસ નંબર 481માં કલમ 143, 147 અને 148 વગેરે કલમો લગાવવામાં આવી છે.

અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના કેસ નંબર 222માં કલમ 143, 144 અને 332 સહિતની કલમો લગાવવામાં આવી છે.

મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલતા 3 કેસમાં 2016ના શહેરકોટડા પોલીસ સ્ટેશનના કેસ નંબર 301184માં કલમ 143, 147, 332 અને 337 લગાવવામાં આવી છે.

નવરંગપુરાના કેસ નંબર 1300858માં કલમ 143, 147 અને 294 સહિતની કલમો લગાવવામાં આવી છે.

જ્યારે સાબરમતીના 2017ના કેસ નંબર 8021માં કલમ 143, 145 અને 147 લગાવવામાં આવી છે.

આ સિવાય અન્ય બે કેસમાં હાર્દિક પટેલનો રામોલ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશને નોંધાયેલો કેસ પણ પાછો ખેંચવાના આદેશ કરવામાં આવ્યા છે.

ભાજપ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ મુક્ત કરાવશે : જિતેન્દ્રસિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે રવિવારે કાશ્મીરમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું કે લોકોની કલ્પના બહાર જે રીતે ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. તે જ રીતે ભાજપ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ મુક્ત કરાવશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, તેમણે 'કશ્મીર ફાઇલ્સ' ફિલ્મના ટીકાકારોને જવાબ આપવા માટે દાવો કર્યો હતો કે 1987માં ચૂંટણીમાં થયેલી ગેરરીતિના કારણે કાશ્મીરી પંડિતોએ પલાયન કરવું પડ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે પાર્લમેન્ટે 1994માં એક ખરડો પસાર કર્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીર પરથી ગેરકાયદેસર કબજો છોડવાની પણ માગ મૂકવામાં આવી હતી.

આ સિવાય તેમણે કાશ્મીરના કેટલાક પૂર્વ નેતાઓને લઈને નિવેદનો પણ આપ્યાં હતાં.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવા સુઝુકી દસ હજાર કરોડનું રોકાણ કરશે

જાપાનની સુઝુકી મોટર કૉર્પોરેશને ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં તેમણે ગુજરાતમાં અંદાજે 10,440 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે રવિવારે દિલ્હી ખાતે યોજાયેલા ભારત-જાપાન ઇકૉનૉમી ફૉરમમાં આ કરાર થયો હતો.

3100 કરોડ રૂપિયા ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા, 7300 કરોડ ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીનો પ્લાન્ટ બનાવવા અને બાકીના પૈસા વાહનોના રિસાઇકલિંગ માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાની હાજરીમાં દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ભારત અને જાપાન સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે સુઝુકીના ભારત અને જાપાનના અધિકારીઓ પણ સામેલ હતા.

હિજાબ વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા નહીં

કર્ણાટકમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં બૉયકોટ કરેલી પ્રિ-યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી એક તક ન આપવાનો નિર્ણય લેવાયો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હિજાબ વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રિ-યુનિવર્સિટીની પ્રિલિમિનરી પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

ફરી પરીક્ષાની જાહેરાત કર્યાના બે દિવસ બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગેરહાજર વિદ્યાર્થીઓ માટેનો ઑપ્શન દૂર કર્યો હતો.

આ પરીક્ષાનો ગુણભાર 30 માર્કનો હોય છે. જ્યારે થિયરીનો ગુણભાર 70 માર્કનો હોય છે. જે વિદ્યાર્થીઓ પ્રૅક્ટિકલમાં ગેરહાજર હતા, તેઓ 30 માર્ક ગુમાવશે અને થિયરીના 70 માર્કમાંથી તેમણે પાસ થવા મહેનત કરવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો