એન બિરેન સિંહ ફરી મણિપુરના મુખ્ય મંત્રી બનશે - પ્રેસ રિવ્યૂ

મણિપુરના આગામી મુખ્ય મંત્રી વિશેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં ભાજપ ધારાસભ્યોના દળે રવિવારે સર્વસંમતિથી એન બિરેન સિંહને મણિપુરના આગામી મુખ્ય મંત્રી તરીકે ચૂંટ્યા છે.

બિરેન સિંહ સતત બીજી વખત મણિપુરના મુખ્ય મંત્રી બનશે.

10 માર્ચે ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ પણ ભાજપને મુખ્ય મંત્રીના નામની જાહેરાત કરવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો, કારણ કે આ વખતે મણિપુરમાં મુખ્ય મંત્રીપદ માટે બિરેન સિંહ સાથે થોંગમ વિશ્વજિત સિંહ અને અગાઉની સરકારમાં વિધાનસભાના સ્પીકર રહી ચૂકેલા યુમનામ ખેમચંદ સિંહના નામો પણ ચર્ચામાં હતાં.

આ ત્રણેય નેતાઓ ગઈ કાલે દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળ્યા હતા.

દરમિયાન ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને સહ-નિરીક્ષક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કાયદા-ન્યાયમંત્રી કિરેન રિજીજુ આજે ઇમ્ફાલ પહોંચ્યા હતા અને પછી જ ધારાસભ્યદળની બેઠક મળી હતી.

ભાજપે મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી 32 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે.

કાયદાના શાસનથી જ વૈશ્વિક વિશ્વાસનું વાતાવરણ સર્જાશે : જસ્ટિસ એન. વી. રમન્ના

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમન્નાએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે વૈશ્વિકીકરણવાળા વિશ્વમાં ભરોસાના વાતાવરણનું સર્જન માત્ર કાયદાના શાસન દ્વારા ચાલતી સંસ્થાઓના નિર્માણ થકી જ શક્ય છે.

જસ્ટિસ રમન્ના "આર્બિટ્રેશન ઇન ધ એરા ઑફ ગ્લોબલાઇઝશન"ના ચોથા એડિશનમાં ઉદ્ઘાટન-ભાષણ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું કે, "વૈશ્વિકીકરણને વાસ્તવિક અર્થમાં હાંસલ કરવાની શરત એ છે કે સમગ્ર વિશ્વમાં કાયદાનું સન્માન હોય. વૈશ્વિકીકરણવાળી દુનિયામાં ભરોસો ત્યારે જ પેદા કરી શકાય જ્યારે કાયદાના શાસન પર ભાર મૂકનારી સંસ્થાઓ બને."

તેમણે કહ્યું, "હું જ્યારે પણ કોઈ જગ્યાએ જાઉં છું, મને અવારનવાર એવું પૂછવામાં આવે છે કે ભારતીય ન્યાયપ્રણાલી રોકાણકારો માટે કેટલી અનુકૂળ છે. મારો જવાબ હંમેશાં સમાન જ રહે છે : તમે ભારતીય ન્યાયતંત્ર પર તેની સંપૂર્ણ સ્વતંત્રતા અને તમામ પક્ષો સાથે એક જેવો વ્યવહાર કરવાની તેની અંતર્નિહિત બંધારણીય તાકત માટે વિશ્વાસ કરી શકો છો."

આર્બિટ્રેશન (મધ્યસ્થતા) અને કાયદાનું શાસન એકબીજાથી જુદાં નથી. તેમણે કહ્યું કે ભારતમાં ન્યાયતંત્ર તેની મધ્યસ્થતાને પ્રોત્સાહિત કરનાર વલણ માટે ઓળખાય છે.

ગુજરાત બાદ કર્ણાટક સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ભગવદ્ગીતા સમાવવા વિચારણા

ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ગીતાને સામેલ કરવાની જાહેરાત બાદ હવે કર્ણાટક સરકાર આ અંગે વિચારણા કરી રહી છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, કર્ણાટકના શિક્ષણમંત્રી બી. સી. નાગેશે કહ્યું હતું કે, આ અંગે હાલમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્માઈ સાથે વિચારણા ચાલી રહી છે.

ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા શુક્રવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમમાં ભગવદ્ગીતાનો સમાવેશ કરવામાં આવશે.

આ સાથે ગુજરાત સરકારે પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી વિષય રાખવાની પણ જાહેરાત કરી હતી.

આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ અંતર્ગત લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

લેઉઆ પટેલ અગ્રણીઓની બેઠકમાં નરેશ પટેલ સહિત રાદડિયા હાજર રહ્યા

રાજકોટમાં શનિવારે લેઉઆ પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં નરેશ પટેલ, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાજકોટના ગોંડલ રોડ ખાતે આવેલી લેઉઆ પટેલ ગર્લ્સ હૉસ્ટેલમાં આ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત નરેશ પટેલે વાત કરતાં જણાવ્યું કે આ બેઠકમાં રાજકારણનો મુદ્દો ચર્ચામાં જ ન હતો. પટેલ સમાજના દ્વારકા અને નાથદ્વારામાં ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા માટે આ બેઠક યોજવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષમાં બેઠક યોજાઈ ન હોવાથી અત્યારે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી દરમિયાન સોગંદનામામાં ખોટી માહિતી રજૂ કરનારા કૉંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મતક્ષેત્રમાં કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય નાથાભાઈ પટેલ વિરુદ્ધ સોગંદનામામાં ખોટી માહિતી રજૂ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, 2017ની ચૂંટણી દરમિયાન તેમણે ખોટી માહિતી રજૂ કરી હતી. જે અંગે ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદ મળતાં ચૂંટણીપંચે તેમને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જેનો જવાબ આપ્યા બાદ નાથાભાઈ પટેલ વિરુદ્ધ ધાનેરા પોલીસમથકે ફરિયાદ નોંધવાનો હુકમ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યો હતો.

નાથાભાઈ પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "મેં કોઈ માહિતી છુપાવી નથી, કશું સંતાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પણ રાજકીય વ્યક્તિ મને દોષી ઠેરવી શકે છે પણ મને કોર્ટ પર પૂરો ભરોસો છે. કોર્ટમાં બધું જ સ્પષ્ટ થઈ જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો