You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદીની કંપની અરામકો સાથે અંબાણીની ડિલ ન થઈ, હવે અદાણી સંપર્કમાં? - પ્રેસ રિવ્યૂ
અંગ્રેજી અખબાર 'ધ ઇકૉનૉમિક ટાઈમ્સ' વિશેષ અહેવાલમાં લખે છે કે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું આ અદાણી જૂથ સાઉદી અરામકોમાં સંયુક્ત રોકાણની સંભાવનાઓ પર પ્રારંભિક તબક્કાની વાતચીત કરી રહ્યું છે.
અખબારે આ મુદ્દા સાથે સંલગ્ન લોકો સાથે વાત કર્યા બાદ આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.
અખબાર કહે છે કે અદાણી જૂથ સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ)માં રોકાણ કરવા માટે પણ વાતચીત કરી રહ્યું છે. અદાણી ગ્રૂપ અરામકોમાં પીઆઈએફનો હિસ્સો ખરીદવા અંગે વિચારણા કરી રહ્યું છે.
આ બાબત સાથે સંકળાયેલા લોકો અખબારને જણાવે છે કે અદાણી ગ્રૂપ અરામકોના શૅરમાં અબજો ડૉલરનું રોકાણ કરીને તેમાં ભાગીદારી કરવા માગતું નથી, પરંતુ એસેટ્સ એક્સચેન્જ કરવાના સોદા સહિત વ્યાપક રોકાણ કરવા માગે છે.
અદાણી પુન:પ્રાપ્ય ઊર્જા, પાકનાં પોષકતત્ત્વો અથવા રસાયણો માટે અરામકો અથવા તેની સહાયક કંપની સાબિક સાથે પણ ડીલ કરી શકે છે.
સાઉદી અરેબિયાની દિગ્ગજ તેલ કંપની અરામકોએ ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 15 અબજ ડૉલરના રોકાણ માટે સતત બે વર્ષ સુધી વાટાઘાટ કરી હતી, પરંતુ નવેમ્બરમાં વાતચીત અનિર્ણિત રહી હતી.
અદાણી જૂથ અને અરામકોએ આ મામલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો વિરોધ
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને 24 કલાકમાં બે કાર્યક્રમોમાં ઉપરોક્ત સૂત્રોચ્ચાર સાથે ગામલોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જામનગરના સપડા ગામમાં ગુજરાત કૅબિનેટમાં કૃષિમંત્રીનો પદભાર સંભાળતાં રાઘવજી પટેલનો માજી સરપંચ સહિત ગામલોકો દ્વારા વિરોધ કરાયો હોવાના સમાચાર મળ્યા છે.
કૃષિમંત્રીના સન્માનકાર્યક્રમ સમયે આ વિરોધ થયો હતો. રાજ્યની કૅબીનેટ કૃષિમંત્રી ગઈ કાલ રાત્રે સપડા ગામે હતા ત્યારે ત્યાં ગામના માજી સરપંચ સહિતના કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ત્યાર બાદ શનિવારે સવારે ખીજડિયા ગામે સુજલામ્ સુફલામ્ જળસંચય યોજનાના શુભારંભ દરમિયાન કેટલાક સ્થાનિક દ્વારા તેમની સામે માટીના કામ બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ કૃષિમંત્રીએ પ્રતિક્રિયા પણ આપી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે આ બન્ને ગામો રાઘવજી પટેલના જ મતવિસ્તારનાં છે અને તેમણે વિરોધ કરનારાને સ્થળ પર જ જવાબ આપ્યા હતા.
ખીજડિયા ગામે બનેલી ઘટના વિશે મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ રોષ મારી સામે ન હતો. ગામના લોકોને સ્થાનિક આગેવાનો સાથે મતભેદો થવાથી આમ થયું હોઈ શકે છે. દરેક ગામમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
જ્યારે, સપડા ગામની ઘટના અંગે તેમણે જણાવ્યું, "ભૂતકાળમાં આ વ્યક્તિએ મને એક કામ સોંપ્યું હશે પણ જે કાયદેસર રીતે શક્ય ન હોવાથી થયું ન હતું. આ વિશે મેં અનેક રજૂઆતો કરી. તેમ છતાં કામ ન થતાં તેમણે મારી સમક્ષ પોતાની વાત મૂકી. જે મેં આગળ પહોંચાડવાની બાંહેધરી પણ આપી છે."
મહિલા વર્લ્ડકપ : ઑસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય
ન્યુઝીલૅન્ડમાં યોજાયેલ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ભારતની હાર થઈ છે.
મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે કપ્તાન મિતાલી રાજના 68, હરમનપ્રીતકોરના 53 અને યસ્તિકા ભાટિયાના 59 રનની મદદથી સાત વિકેટ ગુમાવી 277 કર્યા હતા.
278 રનનો લક્ષ્યાંક ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 49.3 ઓવરમાં પાર કર્યો હતો.
ઑસ્ટ્રેલિયન કપ્તાન મેગ લેનિંગે 107 બૉલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
તેમણે ઓપનર એલિસા હેલી સાથે ત્રીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી નોંધાવી હતી. એલિસાએ 65 બૉલમાં 72 રન નોંધાવ્યા હતા.
મિતિયાળા અભયારણ્યની બૉર્ડર પર ફાટ્યો દાવાનળ, સેંકડો પશુપક્ષીઓનાં મૃત્યુ થયાંનું અનુમાન
અમરેલી જિલ્લાના ખાંભા ગામ અને તેને અડીને આવેલા મિતિયાળા અભયારણ્યની બૉર્ડર પર શુક્રવારે સાંજથી દાવાનળ ફાટી નીકળ્યો હતો. જે 16 કલાકની મહેનત બાદ કાબૂમાં લેવાઈ હતી.બીબીસીના સહયોગી ફારુક કાદરીના જણાવ્યા પ્રમાણે, જંગલ વિસ્તારમાં આગ લાગતાં ફાયર ફાઇટરની ટીમ તેમજ રાજુલા, ખાંભા, ધારી, સાવરકુંડલામાંથી વન વભાગના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.તેમના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં સિંહોનો પાકૃતિક વસવાટ છે. અને વનવિભાગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આગ પ્રસરીને બાજુમાં જ આવેલા મિતિયાળા અભ્યારણ્ય સુધી ન પહોંચે અને તેમ કરવામાં તેઓ સફળ રહ્યા હતા.આ આગ જંગલમાં અંદાજે 15 કિલોમિટર વિસ્તારમાં પ્રસરી હતી અને તેના કારણે સેંકડો પશુપક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાનું અનુમાન છે.
કોને મળ્યું પંજાબના નવા મંત્રીમંડળમાં સ્થાન?
પંજાબના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા બાદ શુક્રવારે ભગવંત માને પોતાના મંત્રીમંડળની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતં કે નવું મંત્રીમંડળ શનિવારે વિધિવત્ શપથ ગ્રહણ કરશે.
આયોજન અનુસાર શનિવારે સવારે 11 વાગ્યે ચંદીગઢ ખાતે શપથગ્રહણ સમરોહ યોજાયો હતો.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને એક ટ્વીટ કરીને નવા દસ મંત્રીઓનાં નામ જારી કર્યાં હતાં. જેમાં માત્ર એક મહિલામંત્રીનો સમાવેશ થાય છે. મંત્રીઓનાં નામ આ રીતે છે:
- હરપાલ સિંહ ચીમા - દિડબા
- ડૉ. બલજીત કૌર - મલોટી
- હરભજન સિંહ ઈટીઓ - જંડિયાલા
- વિજય સિંગલા - માનસા
- ગુરમીત સિંહ મીટ હેયર - બરનાલા
- કુલદીપ સિંહ ધાલીવાલ - અજનાલા
- લાલજીત સિંહ ભુલ્લર - પટ્ટી
- બ્રહ્મ શંકર (જિંપા) - હોશિયારપુર
- લાલ ચંદ કટારુચક - ભોઆ
- હરજોત સિંહ બૈંસ - આનંદપુર સાહિબ
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં 10 માર્ચના રોજ ચૂંટણીપરિણામના દિવસે 117માંથી 92 વિધાનસભાની બેઠકો પર ભારે બહુમતીથી જીત મેળવી હતી. પંજાબમાં અગાઉની કૉંગ્રેસ સરકારના મુખ્ય મંત્રી સહિત મોટા ભાગના પૂર્વ મંત્રીઓની પણ હાર થઈ હતી.
કેવડિયા જંગલ સફારીમાં બહારથી લવાયેલા 163માંથી 53 પ્રાણીઓનાં મૃત્યુ
કેવડિયા જંગલ સફારીમાં ગુજરાત તેમજ દેશ બહારથી કુલ 163 પ્રાણીઓ લાવવામાં આવ્યાં હતાં, જોકે, છેલ્લાં બે વર્ષમાં તેમાંથી 53 જેટલાં પ્રાણીઓનાં મૃત્યુ થયાં છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યું કે ગુજરાત બહાર અને દેશ બહારથી 163 પ્રાણી-પક્ષીઓ કેવડિયાસ્થિત જંગલ સફારીમાં લાવવામાં આવ્યાં હતાં. જેમાંથી 53ના મૃત્યુ થયાં છે. જેમાંથી 22નો 'ઍક્ઝોટિક' કૅટગરીમાં સમાવેશ થાય છે.
કૉંગ્રેસના ધારાસભ્યા શૈલેષ પરમારે પ્રાણીઓને લાવવા પાછળ થયેલા કુલ ખર્ચ અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રાણીઓ લાવવા પાછળ 5.47 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
મૃત્યુ પામનારાં 53 પક્ષી-પ્રાણીઓ પૈકી આઠ વિદેશી અને 45 અન્ય રાજ્યનાં હતાં.
ભારતીય મહિલા ટીમે ઑસ્ટ્રેલિયા સામે સાત વિકેટના નુકસાને 277 રન કર્યા
હાલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે ક્રિકેટ મૅચ ચાલી રહી છે. જેમાં ભારતે પ્રથમ બૅટિંગ કરીને સાત વિકેટના નુકસાને 277 રન બનાવ્યા છે.
ક્રિકબઝ પ્રમાણે, ભારત તરફથી યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ અને હરમનપ્રીત કોરે અર્ધશતક ફટકાર્યાં હતાં. આ ત્રણેય ખેલાડીઓએ તબક્કાવાર 59, 68 અને 57 રન કર્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી ડાર્સી બ્રાઉને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.
ભારતની પ્રથમ ત્રણેય વિકેટ ડાર્સીએ લીધી હતી. જ્યારે ભારત તરફથી પૂજા વસ્ત્રાકર 28 બૉલમાં 34 રન બનાવીને અણનમ રહ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો