ઉત્તર પ્રદેશ : આજે સાતમા તબક્કાનું મતદાન, 54 બેઠકો પર 613 ઉમેદવારો મેદાનમાં

રવિવારે ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અગાઉના છ તબક્કામાં 349 બેઠકો પર મતદાન યોજાયું હતું.

સાતમા તબક્કામાં બાકી રહેલી 54 બેઠકો પર રવિવારે મતદાન યોજાઈ રહ્યું છે.

નોંધનીય છે કે આ તમામ બેઠકો રાજ્યના નવ જિલ્લા - આઝમગઢ, મઊ, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, ભદોહી અને સોનભદ્રમાં પથરાયેલી છે.

54 બેઠકો પર 613 ઉમેદવારો મેદાને છે. આ તમામ બેઠકો પર 2.06 કરોડ મતદારો નોંધાયેલા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. અંતિમ તબક્કાના મતદાન બાદ પાંચ રાજ્યોનાં પરિણામો 10 માર્ચે જાહેર કરાશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ, સમાજવાદી પાર્ટી, કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો તરફથી શનિવાર સાંજ સુધી જોરશોરથી પ્રચાર કરાયો હતો.

ભાજપ સહિત આ તમામ પક્ષો માટે ઉત્તર પ્રદેશનો ગઢ રાષ્ટ્રીય રાજકારણમાં તેમના ભાવિ અંગે નિર્ણય કરનારું બનશે.

આ ઉમેદવારો પર રહેશે નજર

મુલાયમસિંહ યાદવની નિકટ મનાતા નેતા મરહૂમ પારસનાથ યાદવના પુત્ર લકી યાદવ માલહાનિ બેઠક પરથી ચૂંટણી મેદાન છે.

આ સિવાય રાજ્યના પ્રવાસનમંત્રી નિલકંઠ તિવારી વારાણસી દક્ષિણ બેઠક પરથી, અનિલ રાજભર શિવપુર બેઠક પરથી, રવીન્દ્ર જયસ્વાલ વારાણસી ઉત્તર બેઠક પરથી, ગિરીશ યાદવ જૌનપુર બેઠક પરથી, રામશંકર સિંઘ પટેલ મરિહાન બેઠક પરથી, ભાજપમાંથી પક્ષપલટો કરીને સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા દારા સિંઘ ચૌહાણ ઘોસી બેઠક પરથી ચૂંટણીમેદાનમાં છે.

આ તમામ બેઠકો પર સવારના સાત વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો