'પૂર્વનું માન્ચેસ્ટર' કહેવાતું આ ભારતીય શહેર બંધ મિલોનું નગર કેવી રીતે બની ગયું?

    • લેેખક, સીમા ચિશ્તી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

એક સમયે રામ પ્રકાશ કાનપુરની જે. કે. જૂટ મિલના કર્મચારી હતા. કર્મચારી યુનિયનના નેતા પણ હતા. કાનપુરને લઈને તેમનો ઉત્સાહ આજે પણ જોવા મળે છે.

તેઓ કહે છે કે, "અમારું શહેર એક સમયે સંગઠિત શ્રમિકોનું શહેર હતું, ઉત્તર પ્રદેશના ઉદ્યોગ-ધંધાના પ્રાણસમું હતું આ શહેર. તેથી જ તેને પૂર્વનું માન્ચેસ્ટર કહેતા હતા."

કાનપુર લાલ ઇમલી
ઇમેજ કૅપ્શન, કાનપુર લાલ ઇમલી

રામપ્રકાશને શહેરનો આર્થિક વિકાસ રોકાઈ જવાની વાતનો અફસોસ છે.

ક્યારેક મિલોનાં સાયરન, મશીનોનો અવાજ અને પોતપોતાની મિલો તરફ જતાં રસ્તા પર શ્રમિકોની સાઇકલ પરની ઘંટડીઓના અવાજથી શહેર ગૂંજતું રહેતું હતું પરંતુ હવે આ બધું જાણે રોકાઈ ગયું છે.

મિલમાલિકોએ આધુનિક તકનીકોનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો અને મિલમજૂરોના વેતનની ચૂકવણી અટકાવી દીધી અને બીજા ઉદ્યોગ-ધંધામાં લાગી ગયા. રામપ્રકાશ પ્રમાણે આનાથી શ્રમિકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. તેઓ ચિટફંડનો ગોટાળા કરનારાના જૂઠા વાયદાના શિકાર થવા લાગ્યા.

તેમને ક્યાંયથી આશાનું કિરણ ન દેખાયું. ક્યારેક લાલ ઇમલી, ઇલ્ગિન મિલ, મુઈર મિલ, ટેક્સટાઇલ કૉર્પોરેશન યુનિટવાળી ટેક્સટાઇલ લેનમાં જોતજોતાંમાં સૂનકાર છવાઈ ગયો.

કાનપુરની આ મિલોની દીવાલો પર બનેલી ગ્રૅફિટીના ચમકતા રંગો આ દીવાલો પાઠળ ઊભેલાં ખંડેરોને છુપાવી નથી શકતા.

line

મજૂરઆંદોલનોની પ્રાપ્તિ

આ નવી 'રાજકીય સંસ્કૃતિ'એ કાનપુરને એક ઔદ્યોગિક કેન્દ્ર અને વિકાસના ઇંજિનરૂપે આગળ ન ધર્યું. આટલું જ નહીં અહીં રહેલાં અન્ય સંસ્થાનોની સ્થિતિ પણ અગાઉ જેવી નથી રહી

ઇમેજ સ્રોત, SEEMA CHISHTI

ઇમેજ કૅપ્શન, આ નવી 'રાજકીય સંસ્કૃતિ'એ કાનપુરને એક ઔદ્યોગિક કેન્દ્ર અને વિકાસના ઇંજિનરૂપે આગળ ન ધર્યું. આટલું જ નહીં અહીં રહેલાં અન્ય સંસ્થાનોની સ્થિતિ પણ અગાઉ જેવી નથી રહી

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોસાઇટી ઍન્ડ પૉલિટિક્સ, કાનપુરના પ્રોફેસર એ. કે. વર્મા ઘણા સમયથી પ્રદેશના રાજકારણની હલચલ પર નજર રાખી રહ્યા છે. શહેર સાથે જે કંઈ પણ થયું છે તે માટેનાં કારણોને લઈને તેઓ મજૂર કાર્યકર્તાઓના મત સાથે સંમત નથી થતા.

તેઓ પ્રદેશના આવા પતન માટે ઘણીખરી હદે ડાબેરી કામદારા યુનિયનો તરફથી મિલબંધી અને બીજાં 'સ્વાર્થી કારણો'ને જવાબદાર માને છે.

તેમણે જણાવ્યું કે, "ઇન્ડસ્ટ્રીનાં અન્ય કેન્દ્રો ઝડપથી આગળ વધવા લાગ્યાં હતાં. કાનપુર અ ઉત્તર પ્રદેશ પાછળ રહેતાં ગયાં. સ્થાનિક નોકરશાહીનો પણ દો છે. કાનપુર હંમેશાં લખનૌની છાયામાં રહ્યું."

વર્મા કહે છે કે 1989 પછી રાજકારણની બનાવટ બદલાઈ ગઈ અને નવી સામાજિક ઓળખ આધારિત રાજકારણ સ્પષ્ટપણે સામે આવ્યું.

આ નવી 'રાજકીય સંસ્કૃતિ'એ કાનપુરને એક ઔદ્યોગિક કેન્દ્ર અને વિકાસના ઇંજિનરૂપે આગળ ન ધર્યું. આટલું જ નહીં અહીં રહેલાં અન્ય સંસ્થાનોની સ્થિતિ પણ અગાઉ જેવી નથી રહી.

કાનપુર વિશ્વવિદ્યાલયમાં માસ કૉમ્યુનિકેશન અને જર્નાલિઝ્મ વિભાગના પ્રમુખ ડૉ. જિતેન્દ્ર ડબરાલ, પોફેસર વર્માના તર્ક સાથે સંમત નથી.

ડબરાલ કહે છે કે, "આપણે એવું કઈ રીતે કહી શકીએ કે કાનપુરના મજૂર વર્ગનાં આંદોલનોથી કંઈ જ હાંસલ નથી થયું? 1857ના યુદ્ધને નાકામ કહેવામાં આવે છે, પરંતુ શું વાસ્તવમાં એવું હતું? એ નિષ્કર્ષ પર પહોંચવામાં ઘણો સમય લાગશે કે શહેરે કેટલી મહત્ત્વપૂર્ણ હલચલનો સમયગાળો જોયો હતો અને તે બાદ ઉન્નત વિકાસમાં યોગદાન આપ્યું."

કાનપુરમાં 1857નું યુદ્ધ દરમિયાનનું એક ચિત્ર

ઇમેજ સ્રોત, UNIVERSALIMAGESGROUP

ઇમેજ કૅપ્શન, કાનપુરમાં 1857નું યુદ્ધ દરમિયાનનું એક ચિત્ર

કંઈક આવું જ ઇતિહાસકાર રુદ્રાંગ્શુ મુખર્જીના કાનપુરમાં 1857ના નરસંહાર પર આધારિત પોતાના પુસ્તક 'સ્પેક્ટર ઑફ વાયલન્સ'માં જણાવ્યું છે, "શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં કર્નલ જેમ્સ નીલની કડક પાબંદીઓને કારણે જ ક્રાંતિકારી 30 વર્ષ બાદ તેમના દીકરા મેજર એએચએસ નીલની હત્યા માટે પ્રેરિત થયા હશે. કાનપુરનો એક રક્તરંજિત ઇતિહાસ રહ્યો છે, સતીચૌરા અને બીબીઘાટમાં બ્રિટનના સૈનિકોએ નરસંહાર કર્યો અને બદલામાં ભારતીય ક્રાંતિકારીઓના હુમલાએ આ શહેરને અંગ્રેજો માટે ચૅમ્બર ઑફ હૉરરમાં તબદીલ કરી દીધું."

બાદમાં, મહાન સ્વતંત્રતા સેનાની અને પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થી કાનપુરમાં ઉગ્ર સાંપ્રદાયિક તોફાનો રોકવાના પ્રયત્નમાં 1931માં હુમલાખોરોનો શિકાર બન્યા.

હુમલાખોરોએ તેમની હત્યા એટલા માટે કરી દીધી કારણ કે તેઓ હુમલાખોરોની સામે સામાન્ય નિર્દોષ લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

કહેવાય છે કે ભગતસિંહને ફાંસી અપાયાના બે દિવસ બાદ 40 વર્ષની ઉંમરે ગણેશ શંકર વિદ્યાર્થીની હત્યાએ કૉંગ્રેસના કરાચી પ્રસ્તવામાં ભારતીયોની સામાજિક અને આર્થિક અધિકારોની માગ વધુ ઉગ્ર બનાવી દીધી હતી.

ઘોડાની ઉપર બેસવા માટે બનાવાતી ગાદી

ઇમેજ સ્રોત, SEEMA CHISHTI

ઇમેજ કૅપ્શન, ઘોડાની ઉપર બેસવા માટે બનાવાતી ગાદી

આનાથી જ ભારતીય બંધારણમાં મૌલિક અધિકારો અને સ્વીકૃતિનો આધાર બન્યો. ભારતીય લોકોના આર્થિક અને સામાજિક અધિકારો માટે વિદ્યાર્થી આંદોલન ચલાવી રહ્યા હતા. તેમણે શહેરમાં કાપડ મિલમજૂરોની પ્રથમ હડતાળનું નેતૃત્વ કર્યું હતું.

જોકે, કાનપુરમાં હજુ પણ અમુક ઉદ્યોગ-ધંધા છે. કાનપુર પોતાના ચામડાના ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત રહ્યું છે. કાનપુર એક સમયે પોતાના એક્સપૉર્ટ ગુણવત્તાનાં જૂતાં, બેલ્ટ, બૅગ અને જૅકેટ માટે ઓળખાતું હતું.

કતલખાના બંધ થવાના કારણે પ્રદેશની સડકો પર ફરતાં પશુ આ વખતની ચૂંટણમાં એક અગત્યનો મુદ્દો છે. કતલખાના ચલાવવાનું કામ કરનારા સરકારી કાર્યવાહીના ડરથી ના તો આ અંગે વાત કરવા માગે છે કે ના પોતાની ફેકટરીઓની સ્થિતિ જણાવવા માગે છે.

પ્રદૂષણ દૂર કરવાના નામે ચામડાનાં કારખાનાં મહિનામાં બે અઠવાડિયાં બંધ હોય છે કારણ કે તેનો કચરો ગંગા નદીમાં પડે છે. દર મહિને બે અઠવાડિયા સુધી બંધ થવાના કારણે આ ઇન્ડસ્ટ્રી ઘણી સંકુચિત થઈ ગઈ છે, કારોબાર સાથે જોડાયેલા લોકો ધીમા અવાજે કહે છે કે વૉટર પ્યૉરિફાયર સક્રિય કરવાના સ્થાને પ્રદૂષણ માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવે છે અને એ લોકો આની ભારે કિંમત ચૂકવી રહ્યા છે.

પ્રદૂષણ દૂર કરવાના નામે ચામડાનાં કારખાનાં મહિનામાં બે અઠવાડિયાં બંધ હોય છે કારણ કે તેનો કચરો ગંગા નદીમાં પડે છે

ઇમેજ સ્રોત, BRUNO PEROUSSE

ઇમેજ કૅપ્શન, પ્રદૂષણ દૂર કરવાના નામે ચામડાનાં કારખાનાં મહિનામાં બે અઠવાડિયાં બંધ હોય છે કારણ કે તેનો કચરો ગંગા નદીમાં પડે છે
line

કાનપુરની ઊપમા

અન્ય વિકસિત રાજ્યોથી વિપરીત ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી ઝડપથી બદલાયા કે હઠાવી દેવાયા

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

ઇમેજ કૅપ્શન, અન્ય વિકસિત રાજ્યોથી વિપરીત ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી ઝડપથી બદલાયા કે હઠાવી દેવાયા

કાનપુરના વિકાસકુમાર બેંગલુરુસ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી છે, કાનપુર શહેર અને ત્યાંનાં આર્થિંક માળખાં કેમ પડી ભાંગ્યાં, આ મુદ્દે તેમણે ઊંડાણપૂર્વક વિચાર્યું અને લખ્યું છે, સાથે જ, તેમણે એ પણ જોવાના પ્રયત્ન કર્યા છે કે તેમના રાજ્યમાં શું થયું છે.

તેમનું કહેવું છે કે અન્ય વિકસિત રાજ્યોથી વિપરીત ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી ઝડપથી બદલાયા કે હઠાવી દેવાયા, રાજ્યને કોઈ કામરાજ કે એમજીઆર કે પછી નંબુદિરીપાદ કે કરુણાનિધી જેવા નેતા ન મળ્યા, જેઓ પોતાના દમ પર રાજ્યને વિકાસની રાહ પર લાવી શકે.

વિકાસ માને છે કે ભૂમિનું અસમાન વિતરણ, કૃષિક્ષેત્રની ઉપેક્ષા અને નીચલી જાતિઓની સક્રિયતામાં વિલંબ અન સમાજમાં વધતી જતી સાંપ્રદાયિકતાના કારણે રાજ્ય માનવવિકાસ સૂચકાંકમાં ક્યારેય ટોચ તરફ ઝડપથી આગળ ન વધી શક્યું.

આ સિવાય રાજ્યના નુકસાન માટે તેઓ ભ્રષ્ટાચાર, ખરાબ કાયદો અને વ્યવસ્થા અને સાર્વજનિક આંતરમાળખું પડી ભાંગવાને આરે આવી જવાની સ્થિતિને પણ દોષ આપે છે.

રાજ્યની સીમા કોઈ બંદર સાથે નથી જોડાતી અને ઔદ્યોગિક અસ્થિરતાની સાથોસાથ રાજકીય અનિશ્ચિતતાએ ન માત્ર કાનપુર જેવાં જૂનાં શહેરો અને અંતે રાજ્યને તબાહ કરી દીધું.

ઉત્તર પ્રદેશમાં પ્રતિ વ્યક્તિ ઘરેલુ ઉત્પાદન અન્ય રાજ્યોની તુલનાએ ખૂબ જ ઓછું છે અને બહુપરિમાણીય ગરીબાઈ પર નીતિ આયોગના નવા રિપોર્ટ અનુસાર રાજ્યની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

રાજ્યમાં અસમાનતા પણ વધુ છે, કારણ કે 54 ટકા વસતિ કાં તો ગરીબ છે કે ગીરીબી રેખા કરતાં પણ નીચેની સ્થિતિમાં ગુજરાન ચલાવે છે.

પાછલાં પાંચ વર્ષોમાં યુવાનોમાં બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે. માનવસંસાધનના આંકડા અનુસાર, 2017થી ઉત્તર પ્રદેશની કામ કરવાલાયક ઉંમરની વસતિમાં બે કરોડ કરતાં વધુ યુવાનોનો વધારો થયો છે, પરંતુ નોકરી કરી રહેલા લોકોમાં 16 લાખની કમી આવી છે.

અર્થશાસ્ત્રી પ્રોફેસર મેહરોત્રા વર્ષોથી પ્રદેશ પર નજર રાખતા આવ્યા છે અને તેમણે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય દૈનિકોમાં છપાઈ રહેલા વિજ્ઞાપનોમાં કરાઈ રહેલા સરકારી દાવાનું આકલન પણ કર્યું છે.

મેહરોત્રાનો દાવો છે કે અન્ય બીમારૂ રાજ્યોની તુલનામાં ઉત્તર પ્રદેશ ખૂબ વધારે પાછળ રહ્યું છે.

તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, "માનવવિકાસને ક્યારેય પ્રોત્સાહન નથી મળ્યું અને પાછલાં 30 વર્ષોથી શાસન ખરાબ રહ્યું છે. આ દરમિયાન ન તો ઔદ્યોગિકીકરણ પર ભાર અપાયું કે ના અડધા અર્થતંત્રવાળા કૃષિક્ષેત્રની મદદ કરાઈ."

ઉત્તર પ્રદેશમાં અદ્વિતીય પરંપરાગત શિલ્પકલાનો ઇતિહાસ રહ્યો છે

ઇમેજ સ્રોત, MINT

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં અદ્વિતીય પરંપરાગત શિલ્પકલાનો ઇતિહાસ રહ્યો છે

તેમણે કહ્યું, "નોટબંધીથી અસંગઠિત અર્થતંત્રને રાષ્ટ્રીય સ્તરે તબાહ કર્યું. તે ઉત્તર પ્રદેશના અર્થતંત્રનો ઘણો મોટો ભાગ છે, જેના કારણે સૌથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશને જ થયું. ઉત્તર પ્રદેશની પાછલી અખિલેશ સરકાર દરમિયાન એટલે કે 2012થી 2017 વચ્ચે રાજ્યનું અર્થતંત્ર 6.92 ટકાના વાર્ષિક દરે વધ્યું જ્યરે વર્તમાન સરકાર હેઠળ આ દર 4.88 ટકા રહ્યો અને તેમાં કોવિડ-19 સંકટના કારણે 2020-21ના આંકડા સામેલ જ નથી કરાયા."

મેહરોત્રા કહે છે કે, "તેનો અર્થ છે કે હાલના શાસનનો વિકાસ રેકર્ડ પાછલા ત્રણ દાયકામાં સૌથી ખરાબ રહ્યો છે."

ઉત્તર પ્રદેશમાં અદ્વિતીય પરંપરાગત શિલ્પકલાનો ઇતિહાસ રહ્યો છે, રામપુરી ચપ્પુથી માંડીને અલીગઢી તાળાં સુધી દરેક જિલ્લામાં એક વિશેષ કામ-ધંધો રહ્યાં છે.

મેહરોત્રા પ્રમાણે આ બધું તબાહ થઈ ગયું છે. તેમણે કહ્યું, "MSME તરીકે શિલ્પસંબંધિત નાના ઉદ્યોગ-ધંધા હતા, એ બધા નોટબંધી, GST, લૉકડાઉન અને કોવિડસંબંધિત અવ્યવસ્થાના કારણે તબાહ થઈ ગયા."

એટલું જરૂર છે ક યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ'નું અભિયાન ચલાવ્યું જે અંતર્ગત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

line

અર્થતંત્રમાં સુધારો અને ઉત્તર પ્રદેશનું ભવિષ્ય

ચામડું સૂકવવાનું કામ

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA

ઇમેજ કૅપ્શન, ચામડું સૂકવવાનું કામ

વિકાસકુમાર કાનપુર સાથે સંકળાયેલા પોતાના અનુભવ વિશે કહે છે કે, "જ્યારે હું પહેલી વખત અહીં આવ્યો હતો ત્યારે આ શહેરમાં ઘણી તકો હતો પરંતુ ઉદારીકરણના દોઢ દાયકા બાદના સમયની તુલના કરાય તો આ બધું અમુક હદે બદતર થઈ ગયું."

"કાનપુરને રેલવેનગર તરીકે વિકસિત કરવાની કોશિશ થઈ પરંતુ તેમાં ખાસ કોઈ પ્રગતિ ન થઈ શકી. હવે મોટું ધૂળભરેલું કૉંક્રિટનું જંગલ દેખાય છે, શહેરમાં પહેલાં જે થોડી-ઘણી સામુદાયિક ભાવના હતી, તે મટી ચૂકી છે."

"હવે મોટા ભાગના સક્ષમ યુવાનો પોતાના ભલા માટે કિશોરાવસ્થામાં જ શહેર છોડી છે જે કારણે શિક્ષક વગરે શોધવામાં મુશ્કેલી પડે છે. ત્યાર બાદ તેનાથી પલાયનની સ્થિતિ વધુ વકરે છે."

ભારતના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં સામાજિક આંદોલનોએ લોકોની સાથોસાથ ત્યાંનાં રાજ્યોને પણ આર્થિક દૃષ્ટિએ વધુ સંપન્ન અને સક્ષમ બનાવ્યાં. ઉત્તર પ્રદેશમાં આવું કંઈ જોવા ન મળ્યું.

અર્થશાસ્ત્રી પ્રોફેસર સંતોષ મેહરોત્રા

ઇમેજ સ્રોત, MICHAEL WARD

ઇમેજ કૅપ્શન, અર્થશાસ્ત્રી પ્રોફેસર સંતોષ મેહરોત્રા

સંતોષ મેહરોત્રાના વર્ષ 2006ના અત્યંત મહત્ત્વપૂર્ણ સંશોધનમાં ઉત્તર પ્રદેશ અને તામિલનાડુના પછાત લોકોની સામાજિક સ્થિતિ અને સામાજિક કલ્યાણ સંબંધિત તુલનાત્મક અભ્યાસ કરાયો હતો.

તેમણે નિષ્કર્ષ મેળવ્યો, "પાછલી સદીની શરૂઆતમાં તામિલનાડુમાં પણ દલિતો અને પછાત લોકોમાં સામાજિક સક્રિયતાનું આંદોલન જોવા મળ્યું."

"આ આંદોલન સ્વતંત્રતા બાદ સામાજિક સૂચકાંક જેમ કે, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષા અને સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં તબદીલ થઈ ગયું."

"જ્યારે ઉત્તર પ્રદેશમાં દલિતોના આંદોલે વિશેષપણે સત્તા પર કબજો મેળવવા પર ધ્યાન આપ્યું અને નીચલી જાતિઓને માત્ર સાંકેતિક લાભ મળ્યો."

નિ:શંકપણે, આ અસમાનતાના ઐતિહાસિક કારણ રહ્યાં છે. ભૂમિ પર અસમાન અધિકાર પણ આનું કારણ રહ્યું છે. 1990ના દાયકામાં નોકરીમાં આરક્ષણ શરૂ થયા છતાં સવર્ણોનો સામાજિક અને રાજકીય પ્રભુત્વ કાયમ છે. આના કારણે અસમાનતાના જાળથી લાખો લોકોને બચાવી શકવાનું અસંભવ છે.

પરંતુ ઉત્તર પ્રદેશને સ્થિતિ બદલવા માટે ક્યારેક તો નિર્ણય લેવો જ પડશે.

હિંદીના જાણીતા લેખક અને વ્યંગ્યકાર હરિશંકર પરસાઈને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ચશું ચિત્રકાર એમ. એફ. હુસૈન દ્વારા બૉમ્બે જિમખાનામાં ચાલવું એ 'ભારતીયપણું' હતું?

તો તેમણે જવાબમાં કહ્યું, "ઉત્તરીય, અધોવસ્ત્ર અને ખડાઊને જેઓ ભારતીયપણું માને છે, તેમને કંઈ પણ કહેવું બેકાર છે, આપણા દેશમાં વિકૃત આધુનિકતા અંગ્રેજીપણા તરફ લઈ જાય છે અને અતિ-રાષ્ટ્રીયતા ફાસીવાદ તરફ."

ઉત્તર પ્રદેશને ગરીબાઈ અને અભાવની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પોતાનો અલગ રસ્તો બનાવવો પડશે. એવી નીતિઓ સુનિશ્ચિત કરવાની રહેશે જેમાં સામાન્ય લોકોની ભાગીદારી હોય.

પોતાના નાગરિકો માટે સાર્થક ભવિષ્યનું નિર્માણ કરવા માટે, ગમે તે નવા 'મૉડલ'ને અપનાવવામાં આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમાં તમામ લોકો એકસમાનપણે સામેલ થાય. તમામની ભાગીદારી સુનિશ્ચિત કરવાની રહેશે.

જો ઉત્તર પ્રદેશ એવું મૉડલ બને છે અને તેને લાગુ કરે છે તો તે રાજકારણની જેમ આર્થિક વિકાસ મામલે પણ દેશની દશા નક્કી કરશે.

ફૂટર
line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો