યુક્રેન કરતાં ગુજરાતમાં મેડિકલનું શિક્ષણ આટલું મોંઘું કેમ છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

સામાન્ય રીતે પશ્ચિમના દેશોમાં વસ્તુઓ અને સેવાઓ અહીં કરતાં મોંધી છે. તો પછી મેડિકલનું શિક્ષણ યુક્રેન, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા પૂર્વ યુરોપીય દેશો કરતાં ગુજરાતમાં મોંઘું કેમ છે?

રશિયા-યુક્રેન યુદ્ધને પગલે સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમને સુરક્ષિત વતન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ત્યારે આરોગ્યક્ષેત્રની કેન્દ્રીય બજેટની જાહેરાતો વિશે વેબિનારમાં વાત કરતી વખતે PM મોદીએ સૂચવ્યું કે, "રાજ્ય સરકારોએ તબીબી શિક્ષણ માટે જમીન ફાળવણી માટે 'સારી નીતિઓ' પણ ઘડવી જોઈએ. જેથી ભારત વૈશ્વિક માગને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ડૉકટરો અને નર્સો બનાવી શકે."

યુક્રેન પર રશિયાના હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિના સંદર્ભે આ ટિપ્પણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે PM મોદીએ યુક્રેનનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જાય છે, ખાસ કરીને તબીબી શિક્ષણ માટે. પરિણામે સેંકડો અબજો રૂપિયા પણ દેશની બહાર જઈ રહ્યા છે."

"ત્યાં ભાષાની સમસ્યા છે. ત્યારે શું આપણું ખાનગી ક્ષેત્ર આમાં મોટાપાયે પ્રવેશી ન શકે? શું આપણી રાજ્ય સરકારો જમીન ફાળવણી સારી રીતે ન કરી શકે?"

તગડી ફી વસૂલી પર નિયંત્રણ ક્યારે?

પીએમ મોદીની આ વાત બાદ પંજાબના આમ આદમી પાર્ટીના વડા ભગવંત માનની પ્રતિક્રિયા સામે આવી.

આમ આદમી પાર્ટીના પંજાબ એકમના વડા ભગવંત માને રવિવારે કહ્યું હતું કે "ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ માટે યુક્રેન, રશિયા, ચીન, ફિલિપાઇન્સ અને તઝાકિસ્તાન જેવા દેશોમાં જવાની કેમ ફરજ પડે છે, તેના પર સરકારે ક્યારેય ધ્યાન આપ્યું નથી."

ભગવંત માને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાં મોટાપાયે સરકારી મેડિકલ કૉલેજો ખોલવા અને ખાનગી સંસ્થાઓની ગેરવાજબી ફી પર પ્રતિબંધ મૂકવા માટે નક્કર યોજના લાવવાની અપીલ કરી હતી.

બીબીસી ગુજરાતીએ યુરોપના દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરી હતી.

તેમની વાતમાં એવો સૂર નીકળ્યો કે નીટના સ્કોરમાં પાત્ર નહીં ઠરેલા, ગ્રામીણ વિસ્તારમાંથી આવતા, ખેડૂતનાં સંતાનો, મધ્યમવર્ગીય પરિવારનાં સંતાનો માટે તબીબી શિક્ષણ અહીં ગજા ઉપરવટ થઈ પડે છે અને તેથી તેઓ કન્સલ્ટન્ટની મદદથી અભ્યાસ માટે પૂર્વ યુરોપના દેશોની વાટ પકડે છે.

રાજ્યમાં કેટલી નવી સરકારી મેડિકલ કૉલેજ બની?

પંજાબના સાંસદ ભગવંત માને પંજાબમાં આઝાદી બાદ એક પણ નવી મેડિકલ કૉલેજ નહીં બની હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો, ગુજરાતમાં કુલ છ સરકારી મેડિકલ કૉલેજ પૈકી અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના સન 1871માં થઈ હતી.

આ સિવાય વડોદરાની સરકારી મેડિકલ કૉલેજ સન 1949માં, જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજ સન 1954માં, સુરતની સરકારી મેડિકલ કૉલેજ 1964માં સ્થપાઈ હતી. આમ રાજ્ય સરકારની કુલ છ પૈકી ચાર મેડિકલ કૉલેજની સ્થાપના 50 વર્ષ પહેલાં થઈ હતી.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કૉલેજ અને ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજની સ્થાપના 1995માં થઈ હતી.

આ સિવાય 2020માં પંચમહાલ જિલ્લાના ગોધરામાં નવી મેડિકલ કૉલેજ માટે 325 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા. વડનગરમાં પણ એક નવી મેડિકલ કૉલેજ ખૂલી છે.

ગુજરાતના 70,000 વિદ્યાર્થીઓ સામે 5500 સીટ

ઍડમિશન કમિટી ફૉર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ વર્ષ 2021 પ્રમાણે, ગુજરાતમાં કુલ 30 મેડિકલ કૉલેજમાં એમબીબીએસ માટેની કુલ 5508 સીટ છે. જેમાં 590 સીટ એનઆરઆઈ અનામત છે.

માત્ર 6 સરકારી કૉલેજમાં માત્ર 1400 સીટ માટે જ ફી 25 હજાર જેટલી છે. બાકીની તમામ કૉલેજમાં સરકારી ક્વોટામાં વાર્ષિક ફી 3.30 લાખથી લઈને 8.70 લાખ સુધીની છે.

ગત વર્ષે ગુજરાતમાં કુલ 70,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજીની પરીક્ષા આપી હતી. જ્યારે દેશભરમાં 16.14 લાખ વિદ્યાર્થીઓએ 13 ભાષામાં નીટ યુજીની પરીક્ષા આપી હતી.

મતલબ કે વિદ્યાર્થી નીટમાં 450 જેટલા માર્ક મેળવે તો પણ માત્ર ફી પેટે ગુજરાતની મેડિકલ કૉલેજો તેમની પાસેથી 20થી 40 લાખની ફી વસૂલે છે.

તેમને ગુજરાતની મેડિકલ કૉલેજમાં એમબીબીએસમાં ઍડમિશન મેળવવું હોય તો 80 લાખથી 1 કરોડ (ડોનેશન સાથે) સુધીનો ખર્ચ થાય છે, જેની સામે યુક્રેન જેવા યુરોપના દેશોમાં નીટના સ્કોરની ચિંતા કર્યા વગર 30-35 લાખના પૅકેજમાં એમબીબીએસ થઈ જવાય છે.

પૂર્વ યુરોપમાં ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ

યુક્રેન, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા પૂર્વ યુરોપીય દેશો ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલના અભ્યાસ માટેનાં પ્રિય સ્થળો છે, કારણ કે ત્યાંની કૉલેજોમાં પ્રવેશના સરળ માપદંડો છે.

પ્રમાણમાં ઓછી સ્પર્ધા છે અને ભારતમાં ખાનગી મેડિકલ કૉલેજોમાં અભ્યાસ કરવા પાછળ થતા ખર્ચ કરતાં ઘણા ઓછા ખર્ચે યુરોપમાં અભ્યાસ કરવાની તક મળે છે.

હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા ફોરેન મેડિકલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (એફએમએઆઈ)ના પ્રમુખ ડૉ. સુદર્શન ઘેરડે જણાવ્યું હતું કે, "રશિયા અને યુક્રેન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય શૈક્ષણિક સ્થળો છે."

"આનું કારણ સરળ અને સ્પષ્ટ છે: રશિયા અને યુક્રેનમાં ખાનગી મેડિકલ કૉલેજો ભારતની કૉલેજોની સરખામણીમાં પોસાય છે. યુક્રેનિયન અને રશિયન મેડિકલ કૉલેજોને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે."

"ડિગ્રીને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (એમસીઆઈ)ની માન્યતા આપેલી હોવાથી ડિગ્રીઓ ભારતમાં તો માન્ય છે જ સાથે આ તબીબી ડિગ્રીઓ યુરોપિયન કાઉન્સિલ ઑફ મેડિસિન, અન્ય વૈશ્વિક સંસ્થાઓ અને યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલ સહિત વિશ્વભરમાં પણ માન્યતા ધરાવે છે."

તેમણે વધુમાં કહ્યું કે "મેડિસિન ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં સ્નાતક અને બિનસ્નાતક વિદ્યાર્થીઓને સમાવવામાં યુક્રેન સમગ્ર યુરોપમાં ચોથા ક્રમે આવે છે. ભારતીય વિદ્યાર્થીઓનું યુક્રેન અથવા રશિયા પસંદ કરવાનું બીજું કારણ એ છે કે ત્યાં પ્રવેશ મેળવવા માટે કોઈ પ્રવેશ પરીક્ષાઓ નથી હોતી."

હવા-પાણી સારાં અને ભોજન-આવાસ સસ્તાં

રશિયા અને યુક્રેનમાં એમબીબીએસ અભ્યાસક્રમનો સમયગાળો છ વર્ષનો છે, વાતાવરણ ઠંડું છે, શિક્ષણ યુરોપિયન પેટર્ન પર આધારિત છે અને અંગ્રેજી શિક્ષણનું માધ્યમ હોવાને કારણે વિદ્યાર્થીઓને તે વધુ સરળ લાગે છે, કારણ કે તેઓને કોઈ વિદેશી ભાષા શીખવાની ચિંતા કરવાની જરૂર નથી.

અલબત્ત, હૉસ્પિટલમાં સારવાર માટે ખપ પૂરતી સ્થાનિક ભાષા શીખવવામાં આવે છે અને તે મોટે ભાગે પહેલા સત્રમાં શીખવી દેવામાં આવે છે.

નોંધપાત્ર રીતે, શિક્ષણ ભારત કરતાં સસ્તું છે, છાત્રાલયો વધુ સારાં છે, ભોજન વધુ સસ્તું છે, પર્યાવરણ સ્વચ્છ છે અને વિદ્યાર્થીઓ સરકારી બૅન્કો પાસેથી શિક્ષણ લોન મેળવી શકે છે.

આ બધા ફાયદાઓ ઉપરાંત, એક વર્ટિકલ મોડ્યુલ એજ્યુકેશન સિસ્ટમ છે અને વિદ્યાર્થીઓ ક્લિનિકલ એક્સપોઝર અને આધુનિક તબીબી સાધનો સાથે હાથથી પ્રૅક્ટિસ કરે છે.

યુક્રેનની ઝેપોરોઝી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિશાખાપટ્ટનમમાં હૉસ્પિટલ ચલાવતા ડૉ. કે. રામકુમારના ડેક્કન ક્રોનિકલને જણાવે છે કે યુક્રેનમાં પ્રૅક્ટિકલ વર્ગો વધુ છે અને એક વર્ગમાં માત્ર છથી દસ વિદ્યાર્થીઓ જ હોય છે.

ભારતમાં પ્રૅક્ટિસ કરવા માટેનું લાઇસન્સ

વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ નવીનતમ ડેટા અનુસાર, લગભગ 18,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

ભારતમાં પાછા ફર્યા પછી આ વિદ્યાર્થીઓએ ભારતીય તબીબી સ્નાતકો તરીકે ભારતમાં દવાની પ્રૅક્ટિસ કરવા માટેનું લાઇસન્સ મેળવવા માટે તેમની ફોરેન મેડિકલ ગ્રૅજ્યુએટ્સ પરીક્ષા (એફએમજીઈ) આપવાની જરૂર રહે છે, જેમાં સફળતાનો દર ઘણો ઊંચો છે.

આ પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નોકરી કરી શકે છે અથવા યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસી શકે છે.

પીજી તબીબી અભ્યાસ માટે યુક્રેન નહીં પણ જર્મની, યુકે

સુરતના પૂજા પટેલ યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે.

બૅન્કમાં કામ કરતા તેમના પિતા અશોક પટેલ બીબીસી ગુજરાતી સાથે તબીબી ક્ષેત્રે પીજી અભ્યાસક્રમ અંગે વાત કરતા કહે છે, "પીજી માટે વિદ્યાર્થીઓ રશિયા કે યુક્રેન પસંદ નથી કરતા, પરંતુ જર્મની, યુકે પસંદ કરે છે. કેમ કે ત્યાં પીજીનું શિક્ષણ ફ્રી છે."

"વિદ્યાર્થીના માથે માત્ર રહેવા-જમવાનો ખર્ચ જ આવે છે. વળી ત્યાં અભ્યાસ સાથે સરકારી કે ખાનગી હૉસ્પિટલોમાં જોબ કરવાની પણ પરવાનગી આપવામાં આવે છે, એટલે વિદ્યાર્થી રહેવા-જમવાનો ખર્ચ પણ એ જોબમાંથી કાઢી શકે છે."

યુરોપિયન દેશોમાં એમબીબીએસ કેમ આટલું સસ્તુ અને અહી કેમ મોંઘું છે?

પ્રશ્નના જવાબમાં એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છે, "આપણે ત્યાં મેડિકલ ઍજ્યુકેશનને ક્વૉલિટીના નામે મર્સિડિઝ કાર જેવું બનાવી દીધું છે. આટલા એકર જમીન જોઈએ, આટલી સગવડ જોઈએ... વગેરે નામે."

"ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ જ 400-500 કરોડ રૂપિયા થાય છે. ઘણાં વરસો સુધી સરકારે નિયંત્રણ રાખ્યું એટલે માગ અને પુરવઠામાં ભારે ગેપ પેદા થઈ. એટલે નવી ખૂલેલી પ્રાઇવેટ કૉલેજો પ્રીમિયમ ચાર્જ કરવા માંડી."

અધિકારી કહે છે, "એક વાર એક કૉલેજના ડિપાર્ટમેન્ટ હેડે મને કહ્યું હતું કે અમારી પ્રતિ ફેકલ્ટી કુલ 12 લેક્ચર આવે છે. અન્ય વિઝિટ વગેરેને સમાવો તો બહુ બહુ તો 36 થાય. લાખ રૂપિયા પગાર લેતી વ્યક્તિ આખા વર્ષમાં આટલા જ લેક્ચર આપતી હોય તો ખર્ચ વધી જ જાય ને."

અંતમાં તેઓ ઉમેરે છે કે આપણે ત્યાં ખર્ચ કેમ વધારે આવે છે અને ત્યાં કેમ ઓછો આવે છે તેનો વિગતવાર અભ્યાસ થવો જોઈએ.

સરકારની નીતિ પર બધું અવલંબે છે

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ ડૉ. અનિલ ચૌહાણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "તબીબી શિક્ષણ દરેક દેશની પૉલિસી પર નિર્ભર હોય છે. ઍલૉપથી આખા વિશ્વની સૌથી વિસ્તૃત શાખા છે."

"સૌથી વધુ સંશોધનો અને પ્રકાશનો આ શાખામાં થાય છે. વિશ્વભરમાં ઍલૉપથીનો અભ્યાસક્રમ સરખો છે, દવાઓ અને ઉપચાર સરખાં છે. એવામાં વિદ્યાર્થીઓ પોતાની સ્થિતિ-પરિસ્થિતિ પ્રમાણે શિક્ષણ સંસ્થા પસંદ કરી શકે છે."

ગુજરાતમાં એમબીબીએસનો અભ્યાસ સસ્તો થાય, એ માટે શું કરવું જોઈએ?

ડૉ. અનિલ ચૌહાણે કહ્યું, "વર્તમાન સમયમાં આપણે ઘણી બધી સ્પર્ધાઓ સાથે તાલમેલ મિલાવી રહ્યા છે. સરકારે ઘણી બધી બાબતો ધ્યાને લેવાની હોય છે અને તે અનુરૂપ નિર્ણયો લેવાના હોય છે. મેડિકલ ઍજ્યુકેશન અહીં મોંઘું છે, તે અંગે સરકાર ચિંતિંત હશે જ."

તેઓ ઉમેરે છે, "નિર્ધારિત પરિમાણોને તેને વળગી રહેવું જરૂરી છે. ડૉક્ટરોને ભણાવવામાં જેટલું જરૂરી અમેરિકા, ચીન કે યુરોપમાં હોય એટલું બધું આપણે સમાવવું પડે તો જ આપણને વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા મળે."

"દાખલા તરીકે કેસર સાલ હૉસ્પિટલ પરિમાણોમાં ફીટ નહીં બેસતા તેને મેડિકલ કૉલેજ તરીકેની માન્યતા નહોતી મળી."

પશ્ચિમના દેશો ભારત કરતાં સસ્તા નથી, ઊલટાના મોંઘા છે તેમ છતાં ત્યાનું મેડિકલ ઍજ્યુકેશન અહીં કરતાં સસ્તું કેવી રીતે હોઈ શકે?

ડૉ. ચૌહાણે કહ્યું, "તેના માટે સરકારની પૉલિસી જવાબદાર હોય છે. કઈ બાબતો ઉપર વધુ ભાર મૂકવો તે સરકારે નક્કી કરવાનું છે. શક્ય છે કે થોડાં વર્ષો પછી સરકાર મફત શિક્ષણ આપવાનું કે બહાર ભણવા જતા વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવાનો નિર્ણય લે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો