રાધનપુરમાં હિંદુ યુવતી પર હુમલો : રેલીમાં હજારો એકઠા થયા, પાટણ પહોંચેલા અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુરુવારે સાંજે એક 20 વર્ષીય યુવક દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતી પર કથિત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર કથિત રીતે આ હુમલો કરનાર યુવક મુસ્લિમ સમુદાયનો છે.

નોંધનીય છે કે આરોપી યુવકની શુક્રવારે જ ધરપકડ કરી લેવાઈ હતી.

જે બાદ આ કૃત્યના વિરુદ્ધમાં સ્થાનિક હિંદુ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રાધનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ચૌધરી સમાજના આગેવાનો સહિત રાધનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પીડિતાની મુલાકાતે પહોંચ્યા હતા.

આ બાબતે હિંદુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

સંગઠનો દ્વારા શુક્રવારે રાધનપુરના આદર્શ વિદ્યાલય ખાતે એકઠા થઈ બનાવને ગંભીરતાથી વખોડી કાઢ્યો હતો.

સ્થાનિકો મુજબ રાધનપુર બંધ રાખી મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ હિંદુ સમાજના અનેક આગેવાનો અને સમર્થકોએ મળીને વિશાળ રેલી યોજી હતી.

'સોશિયલ મીડિયા પર ખોટી માહિતીથી દોરાતા બચવું'

આ સમગ્ર ઘટના અંગે પત્રકારો સાથેની વાતચીતમાં પાટણના એસ. પી. અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં આ ઘટનાને જે પ્રકારનો વળાંક આપવામાં આવી રહ્યો છે ખરેખર વાત એવી નથી."

"હુમલાખોર યુવક અને પીડિત યુવતી એકબીજાને ઘણા સમયથી ઓળખતાં હતાં. અને પૈસાની લેતીદેતીના મામલે આ હુમલો થયો હતો. જેથી કોઈ પણ ખોટી માહિતીથી દોરાતા બચવું જોઈએ."

મળેલ માહિતી અનુસાર પીડિત યુવતી હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતાની ખબર પૂછવા આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, "જો બહેન-દીકરીઓની વાત હોય તો તેઓ પોતે તલવાર ઉપાડવાથી પણ પાછા નહીં હઠે."

અહીં નોંધનીય છે કે આ સમગ્ર ઘટના બાદ પાટણ અને આસપાસના વિસ્તારોમાં તંગદીલીભર્યો માહોલ છે.

મુસ્લિમ યુવકો દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પામેલ ધંધૂકાના યુવકના કેસમાં પણ ધંધૂકા અને સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યા હતા. જેના કારણે આ વિસ્તારોમાં કોમી તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.

કથિત હુમલા પાછળના કારણને લઈને વિવાદ

ચૌધરી સમાજના આગેવાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી સાથે બીબીસી ગુજરાતીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. અને આ સમગ્ર ઘટના અંગે તેમનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "આ ઘટનાના દોષિતને કડકમાં કડક સજા મળવી જોઈએ. અને પીડિત દીકરીને અચૂક ન્યાય મળવો જોઈએ."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર 'વિધર્મી' યુવકે હિંદુ યુવતી પર હુમલો કર્યો હોવાની વાતો ચાલી રહી છે જ્યારે પોલીસનું કહેવું કંઈક અલગ છે.

તો તેમણે આના જવાબમાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયાની મને ખબર નથી. પરંતુ આરોપીનું કૃત્ય ઘૃણાસ્પદ છે. તેને કાયદાની ભાષામાં યોગ્ય જવાબ મળે. અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. યુવતી સાથે જે થયું તે નીંદનીય છે."

"સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે તેની મને ખબર નથી. માત્ર ન્યાય અપાવવા અમે મેદાને આવ્યા છીએ. આગળ હવે કોઈ કાર્યક્રમ નથી."

ચૌધરી સમાજના અન્ય એક આગેવાન શિવભાઈ ચૌધરીએ પૈસાની લેતીદેતીનો મામલો હોવાની વાત ફગાવતાં કહ્યું હતું કે, "આ આરોપીએ ઘડી કાઢેલી વાત છે. તે યુવતીને નુકસાન પહોંચાડવાના ઇરાદે હુમલો કરવા માટે જ આવ્યો હતો."

"તેના પર હુમલો કર્યો પણ હતો. હુમલા સિવાય તેના ઇરાદા શું હતા એ તપાસમાં સામે આવશે."

તેઓ શનિવારે આ ઘટનાના વિરોધ સંદર્ભે આયોજિત કરાયેલી રેલી અંગે કહે છે કે, "આ ઘટનાના વિરોધ માટે દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી થાય તે માટે અમે રેલીનું આયોજન કર્યુ હતું."

"પરંતુ તેમાં કેટલાંક અસામાજિક તત્ત્વો ભળી જતાં અમે રેલીનું આયોજન અધવચ્ચે મુલતવી રાખવાનું સલામતીભર્યું લાગ્યું."

તેઓ આ સમગ્ર મામલામાં અપરાધીને કડકમાં કડક સજા વહેલી તકે કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

આમ, રાધનપુર સહિત આસપાસના વિસ્તારમાં હજુ સુધી સામાજિક એકતા અને શાંતિનો માહોલ ખરાબ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

યુવતીના પરિવારે શું કહ્યું?

પીડિતાના સગા કમાભાઈ ચૌધરીએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને કહ્યું કે, "આરોપી અમારા ઘરની નજીક રહે છે. થોડા દિવસ પહેલાં બહેન મહેમદાવાદ ગયાં હતાં."

"તેઓ મહેમદાવાદ કેમ ગયાં તેમ કરીને આ યુવકે તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ કહ્યું કે હું તને પ્રેમ કરું છું."

"તાત્કાલિક તું મારી સાથે લગ્ન કર. એવું કહીને તેને ધમકાવી. પીડિતાએ જ્યારે તેને વશ થવાની ના પાડી. તો તેમણે પાઇપથી તેના પીઠ પર અને પગમાં ગંભીર માર માર્યો."

"જેના કારણે ડાબા પગમાં લોહી નીકળવા લાગ્યું. તેમ છતાં ય તે કાબૂમાં ન આવતાં ઘરના કાચના શોકૅસ અને ભીંત પર તેનું માથું પછાડ્યું."

"જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. ત્યાં સુધીમાં બીજા લોકો દોડી આવ્યા. અને એણે બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી."

આરોપીના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રત્ન કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

આ પહેલાં શુક્રવારે હિંદુજાગરણમંચની એક બેઠક થઈ હતી. જેમાં તમામ વેપારીઓને અને ગામને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો